અભ્યાસ લેખ ૩૮
યુવાનો, તમે કેવું જીવન ચાહો છો?
“પારખશક્તિ તારું રક્ષણ કરશે.”—નીતિ. ૨:૧૧.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
ઝલક a
૧. યહોઆશ, ઉઝ્ઝિયા અને યોશિયા માટે શું કરવું અઘરું હશે?
કલ્પના કરો કે તમે ૧૦-૧૨ વર્ષના છો અને તમને ઈશ્વરના લોકોના રાજા બનાવવામાં આવ્યા છે. તમે તમારી સત્તા અને અધિકારનો ઉપયોગ કેવી રીતે કરશો? બાઇબલમાં એવા ઘણા યુવાનો વિશે જણાવ્યું છે, જેઓ યહૂદાના રાજા બન્યા હતા. દાખલા તરીકે, યહોઆશ ફક્ત ૭ વર્ષનો હતો, ઉઝ્ઝિયા ૧૬ વર્ષનો હતો અને યોશિયા ૮ વર્ષનો હતો. એ જવાબદારી ઉપાડવી તેઓ માટે ખૂબ જ અઘરું હશે. પણ યહોવા અને બીજાઓની મદદથી તેઓ પડકારોનો સામનો કરી શક્યા અને ઘણાં સારાં કામો કરી શક્યા.
૨. આપણે યહોઆશ, ઉઝ્ઝિયા અને યોશિયાના દાખલાનો અભ્યાસ કેમ કરવો જોઈએ?
૨ આપણે રાજાઓ કે રાણીઓ નથી, પણ યહોઆશ, ઉઝ્ઝિયા અને યોશિયા પાસેથી ઘણું શીખી શકીએ છીએ. તેઓએ અમુક સારા નિર્ણયો લીધા તો અમુક ખરાબ નિર્ણયો લીધા. તેઓના દાખલામાંથી શીખીશું કે આપણે કેમ સારા દોસ્તો બનાવવા જોઈએ, નમ્ર રહેવું જોઈએ અને યહોવાને શોધતા રહેવું જોઈએ.
સારા દોસ્તો બનાવો
૩. રાજા યહોઆશ કઈ રીતે પ્રમુખ યાજક યહોયાદાની મદદથી સારા નિર્ણયો લઈ શક્યો?
૩ યહોઆશની જેમ સારા નિર્ણયો લો. યહોઆશ નાનો હતો ત્યારે તેના પપ્પાનું મરણ થયું. પ્રમુખ યાજક યહોયાદાએ તેને પોતાના દીકરાની જેમ મોટો કર્યો અને યહોવા વિશે શીખવ્યું. યહોયાદાની સલાહ પાળવાને લીધે યહોઆશ બુદ્ધિશાળી બન્યો. તેણે એક સારો નિર્ણય લીધો. તેણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું અને બીજાઓને પણ એમ કરવા મદદ કરી. તેણે યહોવાના મંદિરના સમારકામ માટે પણ ગોઠવણો કરી.—૨ કાળ. ૨૪:૧, ૨, ૪, ૧૩, ૧૪.
૪. જ્યારે આપણે યહોવાની આજ્ઞાઓને કીમતી ગણીએ છીએ અને એને પાળીએ છીએ, ત્યારે કેવો ફાયદો થાય છે? (નીતિવચનો ૨:૧, ૧૦-૧૨)
૪ જો તમારાં મમ્મી-પપ્પા કે બીજું કોઈ તમને યહોવાને પ્રેમ કરવાનું અને તેમનાં ધોરણો પ્રમાણે જીવવાનું શીખવતું હોય, તો એ સારી વાત કહેવાય. (નીતિવચનો ૨:૧, ૧૦-૧૨ વાંચો.) મમ્મી-પપ્પા ઘણી રીતોએ પોતાનાં બાળકોને તાલીમ આપી શકે છે. ધ્યાન આપો કે કાટિયાબહેનના પપ્પાએ કઈ રીતે તેમને સારા નિર્ણયો લેવા મદદ કરી. બહેનના પપ્પા તેમને સ્કૂલે મૂકવા જતા ત્યારે, તે દરરોજના વચનની ચર્ચા કરતા. બહેન કહે છે, “એ ચર્ચાઓને લીધે મને દિવસ દરમિયાન આવતી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળતી.” બની શકે કે કદાચ તમારાં મમ્મી-પપ્પાએ બાઇબલના આધારે અમુક નિયમો બનાવ્યા હોય. પણ તમને કદાચ લાગતું હોય કે એ નિયમોને લીધે તમારી આઝાદી છીનવાઈ રહી છે. જો એમ હોય તો મમ્મી-પપ્પાની વાત માનવા તમને શાનાથી મદદ મળી શકે? આનેસ્તેસિયા બહેન કહે છે: ‘મમ્મી-પપ્પાએ સમય કાઢીને મને સમજાવ્યું હતું કે તેઓએ અમુક નિયમો કેમ બનાવ્યા છે. એનાથી હું સમજી શકી કે મમ્મી-પપ્પાએ મારા પર કાબૂ રાખવા નહિ, પણ મારું રક્ષણ કરવા નિયમો બનાવ્યા હતા. કેમ કે તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે.’
૫. તમારા નિર્ણયોથી તમારાં મમ્મી-પપ્પા અને યહોવાને કેવું લાગશે? (નીતિવચનો ૨૨:૬; ૨૩:૧૫, ૨૪, ૨૫)
૫ જો તમે મમ્મી-પપ્પાએ બાઇબલમાંથી આપેલી સલાહ પાળશો, તો તેઓ બહુ ખુશ થશે. સૌથી મહત્ત્વનું, યહોવા ખુશ થશે તેમ જ તેમની સાથેની તમારી દોસ્તી પાકી થશે અને એ કાયમ ટકશે. (નીતિવચનો ૨૨:૬; ૨૩:૧૫, ૨૪, ૨૫ વાંચો.) એટલે સારું રહેશે કે તમે યુવાન યહોઆશના પગલે ચાલો અને સારા નિર્ણયો લો.
૬. યહોયાદાના મરણ પછી યહોઆશે કોની વાત માની અને એનાં કેવાં પરિણામ આવ્યાં? (૨ કાળવૃત્તાંત ૨૪:૧૭, ૧૮)
૬ યહોઆશે લીધેલા ખોટા નિર્ણયોમાંથી શીખો. યહોયાદાના મરણ પછી યહોઆશના મિત્રોએ તેને ખોટાં કામો કરવા ઉશ્કેર્યો. (૨ કાળવૃત્તાંત ૨૪:૧૭, ૧૮ વાંચો.) તેણે યહૂદાના આગેવાનોની વાત માની, જેઓ યહોવાને પ્રેમ કરતા ન હતા. તમે કદાચ કહેશો કે યહોઆશે એવા લોકોથી દૂર રહેવાનું હતું. (નીતિ. ૧:૧૦) પણ એવું કરવાને બદલે તેણે એ “કહેવાતા” મિત્રોની વાત સાંભળી. હકીકતમાં જ્યારે યહોઆશના પિતરાઈ ભાઈ ઝખાર્યાએ તેને સુધારવાની કોશિશ કરી, ત્યારે યહોઆશે તેને મારી નંખાવ્યો. (૨ કાળ. ૨૪:૨૦, ૨૧; માથ. ૨૩:૩૫) કેટલું ખરાબ! યહોઆશની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તેણે શરૂઆતમાં તો સારાં કામો કર્યાં, પણ દુઃખની વાત છે કે પછીથી યહોવાની ભક્તિ છોડી દીધી અને ખૂની બન્યો. (૨ કાળ. ૨૪:૨૨-૨૫) આખરે તેના પોતાના સેવકોએ તેને મારી નાખ્યો. જો તેણે હંમેશાં યહોવાની અને તેમને પ્રેમ કરતા લોકોની વાત સાંભળી હોત, તો તેનો આવો કરુણ અંજામ આવ્યો ન હોત. યહોઆશના દાખલામાંથી તમે શું શીખી શકો?
૭. તમારે કેવા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૭ યહોઆશે જે ખોટો નિર્ણય લીધો, એમાંથી શીખી શકીએ કે આપણે એવા લોકોને દોસ્ત બનાવવા જોઈએ, જેઓ યહોવાને પ્રેમ કરતા હોય અને તેમને ખુશ કરવા માંગતા હોય. એ દોસ્તો તમને હંમેશાં સારાં કામો કરવા મદદ કરશે. પણ જરૂરી નથી કે આપણે ફક્ત પોતાની ઉંમરના લોકોને જ દોસ્ત બનાવીએ. આપણે પોતાનાથી નાના કે મોટા લોકોને દોસ્ત બનાવી શકીએ છીએ. યાદ કરો, યહોઆશ પોતાના દોસ્ત યહોયાદા કરતાં ઉંમરમાં ઘણો નાનો હતો. તમારા દોસ્તો કેવા છે એ જાણવા પોતાને પૂછો: ‘શું મારા દોસ્તો મને યહોવા પરની શ્રદ્ધા વધારવા મદદ કરે છે? શું તેઓ યહોવાની આજ્ઞાઓ પાળે છે? શું તેઓ મને પણ એમ કરવાનું ઉત્તેજન આપે છે? શું તેઓ યહોવા વિશે અને બાઇબલમાંથી પોતે જે શીખે છે એ વિશે વાત કરે છે? જરૂર પડે ત્યારે શું તેઓ મને મોં પર સલાહ આપે છે, કે પછી મસ્કા લગાવે છે?’ (નીતિ. ૨૭:૫, ૬, ૧૭) હકીકત તો એ છે કે જો તમારા મિત્રો યહોવાને પ્રેમ કરતા ન હોય, તો તમને તેઓની જરૂર નથી. પણ જો તમારા મિત્રો યહોવાને પ્રેમ કરતા હોય, તો તેઓનો સાથ કદી ન છોડશો. તેઓ હંમેશાં તમને મદદ કરશે.—નીતિ. ૧૩:૨૦.
૮. જો આપણે સોશિયલ મીડિયા વાપરતા હોઈએ તો શાનું ધ્યાન રાખવું જોઈએ?
૮ કુટુંબ અને મિત્રોના સંપર્કમાં રહેવા સોશિયલ મીડિયા એક સારું માધ્યમ છે. પણ ઘણા લોકો પોતાનો વટ પાડવા એનો ઉપયોગ કરે છે. એટલે જ્યારે તેઓ કંઈ ખરીદે છે અથવા કંઈ કરે છે, ત્યારે એના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂકે છે. જો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો પોતાને પૂછો: ‘સોશિયલ મીડિયા વાપરવાનો મારો ઇરાદો શું છે? શું હું બીજાઓને આંજી નાખવા માંગું છું? હું જે ફોટો મૂકું છું અને કોમેન્ટ લખું છું, એનાથી શું બીજાઓને ઉત્તેજન મળે છે કે પછી તેઓ મારી વાહ વાહ કરે એવું હું ચાહું છું? શું બીજાઓના વિચારોની ખરાબ અસર મારાં વિચારો અને વાણી-વર્તન પર થઈ રહી છે?’ નિયામક જૂથના સભ્ય ભાઈ નાથાન નૉરે આ સરસ સલાહ આપી હતી: ‘ક્યારેય માણસોને ખુશ કરશો નહિ. કેમ કે, તમે કોઈ માણસને ખુશ કરી શકશો નહિ. પરંતુ, જો તમે યહોવાને ખુશ કરશો તો, યહોવાને ચાહનારા સર્વ લોકોને ખુશ કરી શકશો.’
નમ્ર રહો
૯. યહોવાની મદદથી ઉઝ્ઝિયા શું કરી શક્યો? (૨ કાળવૃત્તાંત ૨૬:૧-૫)
૯ ઉઝ્ઝિયાની જેમ સારા નિર્ણયો લો. રાજા ઉઝ્ઝિયા યુવાન હતો ત્યારે નમ્ર હતો. તે ‘ઈશ્વરનો ડર રાખવાનું’ શીખ્યો. તે ૬૮ વર્ષ જીવ્યો અને તેના મોટા ભાગના જીવન દરમિયાન યહોવાનો હાથ તેના માથે હતો. (૨ કાળવૃત્તાંત ૨૬:૧-૫ વાંચો.) ઉઝ્ઝિયાએ ઘણી દુશ્મન પ્રજાઓને હરાવી અને યરૂશાલેમનું રક્ષણ કરવા અમુક પગલાં ભર્યાં. (૨ કાળ. ૨૬:૬-૧૫) ઈશ્વરની મદદથી ઉઝ્ઝિયા જે કંઈ કરી શક્યો, એ માટે તે ચોક્કસ ઘણો ખુશ હશે.—સભા. ૩:૧૨, ૧૩.
૧૦. ઉઝ્ઝિયા સાથે શું બન્યું?
૧૦ ઉઝ્ઝિયાએ લીધેલા ખોટા નિર્ણયોમાંથી શીખો. રાજા હોવાને લીધે ઉઝ્ઝિયાને બીજાઓને હુકમ આપવાની આદત પડી ગઈ હતી. એટલે કદાચ તેને લાગ્યું હશે કે તે મન ફાવે એ કરી શકે છે. તેણે યહોવાની આજ્ઞા પાળવાની કોઈ જરૂર નથી. એક દિવસે ઉઝ્ઝિયા યહોવાના મંદિરમાં ઘૂસી ગયો. તે ઘમંડી બનીને વેદી પર ધૂપ બાળવા લાગ્યો. એ કામ રાજાઓનું ન હતું. (૨ કાળ. ૨૬:૧૬-૧૮) પ્રમુખ યાજક અઝાર્યાએ તેને રોકવાની કોશિશ કરી. પણ ઉઝ્ઝિયા ખૂબ ગુસ્સે થઈ ગયો. દુઃખની વાત છે કે ઉઝ્ઝિયાએ વફાદાર રહીને જે સારું નામ બનાવ્યું હતું, એ પળભરમાં ખરાબ થઈ ગયું. યહોવાએ તેને સજા કરી અને તેને રક્તપિત્ત થયો. (૨ કાળ. ૨૬:૧૯-૨૧) જો ઉઝ્ઝિયા નમ્ર રહ્યો હોત, તો તેનો આવો કરુણ અંજામ આવ્યો ન હોત.
૧૧. નમ્ર રહેવા શાનાથી મદદ મળી શકે? (ચિત્ર પણ જુઓ.)
૧૧ જ્યારે ઉઝ્ઝિયા બહુ શક્તિશાળી બન્યો, ત્યારે તે ભૂલી ગયો કે તેને જે તાકાત અને માન-વૈભવ મળ્યાં છે, એ યહોવા તરફથી છે. એમાંથી આપણે શું શીખી શકીએ? આપણે યાદ રાખવું જોઈએ કે આપણને જે આશીર્વાદો અને લહાવા મળ્યા છે, એ યહોવા તરફથી છે. એટલે પોતે જે કંઈ કર્યું છે એના વિશે બડાઈ મારવાને બદલે બધો જશ યહોવાને આપવો જોઈએ. b (૧ કોરીં. ૪:૭) આપણે નમ્ર બનવું જોઈએ અને યાદ રાખવું જોઈએ કે આપણે ભૂલભરેલા છીએ અને આપણને શિસ્તની જરૂર પડી શકે છે. સાઠેક વર્ષના એક ભાઈએ લખ્યું: “હું શીખ્યો કે બીજાઓનું ધ્યાન મારી ભૂલો પર જાય ત્યારે મારે ખોટું લગાડવું ન જોઈએ કે નિરાશ થવું ન જોઈએ. ઘણી વાર મારાથી નાની નાની ભૂલો થઈ જાય છે. એ માટે ઠપકો મળે ત્યારે હું સુધારો કરું છું અને આગળ વધું છું.” હકીકત એ છે કે યહોવાનો ડર રાખવાથી અને નમ્ર રહેવાથી જીવનમાં ખુશીઓ આવે છે.—નીતિ. ૨૨:૪.
યહોવાને શોધતા રહો
૧૨. જ્યારે યોશિયા યુવાન હતો ત્યારે તેણે કઈ રીતે યહોવાની શોધ કરી? (૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩)
૧૨ યોશિયાની જેમ સારા નિર્ણયો લો. યોશિયાએ ૧૬ વર્ષની ઉંમરે યહોવાની શોધ કરવાનું શરૂ કર્યું. તે યહોવા વિશે શીખવા માંગતો હતો અને તેમની ઇચ્છા પૂરી કરવા માંગતો હતો. પણ એ યુવાન રાજાનું જીવન સહેલું ન હતું. એ સમયે મોટા ભાગના લોકો જૂઠી ભક્તિ કરતા હતા. તેઓને એમ કરતા રોકવા યોશિયાને હિંમતની જરૂર હતી અને યોશિયા હિંમતવાળો હતો પણ ખરો. હજી તો તે ૨૦ વર્ષનો પણ થયો ન હતો અને તેણે આખા દેશમાંથી જૂઠી ભક્તિ કાઢી નાખવાનું શરૂ કરી દીધું.—૨ કાળવૃત્તાંત ૩૪:૧-૩ વાંચો.
૧૩. સમર્પણની તમારા જીવન પર કેવી અસર થાય છે?
૧૩ યુવાનો, તમે પણ યોશિયા જેવા બની શકો છો. કઈ રીતે? યહોવાની શોધ કરો અને તેમના જોરદાર ગુણો વિશે શીખો. એમ કરવાથી તમને પોતાનું જીવન યહોવાને સમર્પિત કરવાનું મન થશે. એની તમારા જીવન પર કેવી અસર થશે? લૂક નામના છોકરાએ ૧૪ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. યહોવાને જીવન સમર્પિત કરતી વખતે તેણે કહ્યું, “હવેથી હું યહોવાની ભક્તિને મારા જીવનમાં પહેલી રાખીશ અને તેમને ખુશ કરવાની કોશિશ કરીશ.” (માર્ક ૧૨:૩૦) જો તમારા મનમાં પણ લૂક જેવી ઇચ્છા હોય, તો કેટલું સારું કહેવાય!
૧૪. દાખલા આપીને જણાવો કે અમુક યુવાનો કઈ રીતે રાજા યોશિયાને પગલે ચાલે છે.
૧૪ યુવાનો, તમે કઈ મુશ્કેલીઓનો સામનો કરો છો? ચાલો જોઈએ કે અમુક યુવાનો શું કહે છે. જોહાને ૧૨ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. ક્લાસના વિદ્યાર્થીઓ તેને ઇ-સિગારેટ પીવા દબાણ કરે છે. એનો સામનો કરવા જોહાનને શાનાથી હિંમત મળે છે? તે પોતાને યાદ અપાવે છે કે ઇ-સિગારેટ પીવાથી તબિયત બગડી શકે છે અને યહોવા સાથેની દોસ્તી જોખમમાં મુકાઈ શકે છે. રેચલે ૧૪ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. તે જણાવે છે કે સ્કૂલમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા તેને શાનાથી મદદ મળે છે. તે કહે છે, “હું એવી વાતોનો વિચાર કરું છું, જે મને યહોવા વિશે અને બાઇબલ વિશે યાદ અપાવે. દાખલા તરીકે, ઇતિહાસનો કોઈ પાઠ કદાચ મને બાઇબલનો કોઈ અહેવાલ અથવા ભવિષ્યવાણીની યાદ અપાવે. અથવા અમુક વાર જ્યારે હું સ્કૂલમાં કોઈની સાથે વાત કરતી હોઉં છું, ત્યારે કોઈ કલમ યાદ આવે જે હું તેમને બતાવી શકું.” યુવાનો, બની શકે કે તમારા પર રાજા યોશિયા જેવી મુશ્કેલીઓ ન આવે, પણ તમે તેની જેમ બુદ્ધિશાળી બની શકો છો અને યહોવાને વફાદાર રહી શકો છો. જો આજે તમે મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખશો, તો ભાવિમાં આવનાર બીજી મુશ્કેલીઓ માટે પોતાને તૈયાર કરી શકશો.
૧૫. યહોવાની વફાદારીથી સેવા કરવા યોશિયાને શાનાથી મદદ મળી? (૨ કાળવૃત્તાંત ૩૪:૧૪, ૧૮-૨૧)
૧૫ રાજા યોશિયા ૨૬ વર્ષનો હતો ત્યારે તેણે મંદિરનું સમારકામ શરૂ કરાવ્યું. એ સમારકામ દરમિયાન “યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક મળ્યું, જે મૂસા દ્વારા અપાયું હતું.” એ પુસ્તકમાં લખેલી વાતો સાંભળીને યોશિયાએ એ પાળવા તરત જ પગલાં ભર્યાં. (૨ કાળવૃત્તાંત ૩૪:૧૪, ૧૮-૨૧ વાંચો.) શું તમે દરરોજ બાઇબલ વાંચવા માંગો છો? જો તમે દરરોજ વાંચતા હો, તો શું તમને મજા આવે છે? શું તમે કલમો લખી રાખો છો જે કદાચ તમને મદદ કરી શકે? લૂક વિશે આપણે અગાઉ જોઈ ગયા. બાઇબલ વાંચતી વખતે જ્યારે તેને સરસ મુદ્દા જાણવા મળે છે, ત્યારે તે એને એક ડાયરીમાં લખી લે છે. એવું જ કંઈક કરવાથી કદાચ તમને કલમો અથવા શીખેલી વાતો યાદ રાખવા મદદ મળશે. જેટલું વધારે તમે બાઇબલમાંથી શીખતા જશો અને એને કીમતી ગણતા જશો, એટલું વધારે તમને યહોવાની ભક્તિ કરવાનું મન થશે. પછી જેમ શાસ્ત્રવચનોથી રાજા યોશિયાને જે ખરું છે એ કરવા મદદ મળી, તેમ તમને પણ મદદ મળશે.
૧૬. યોશિયાએ કેમ એક મોટી ભૂલ કરી? એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ યોશિયાએ લીધેલા ખોટા નિર્ણયમાંથી શીખો. જ્યારે યોશિયા આશરે ૩૯ વર્ષનો હતો, ત્યારે તેણે એક ભૂલ કરી, જેના લીધે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. (૨ કાળ. ૩૫:૨૦-૨૫) યહોવા પાસેથી માર્ગદર્શન માંગવાને બદલે તેણે પોતાની અક્કલ પર આધાર રાખ્યો. એમાંથી આપણને કંઈક શીખવા મળે છે. ભલે આપણે ગમે એટલા મોટા હોઈએ કે પછી ગમે એટલાં વર્ષોથી બાઇબલમાંથી શીખતા હોઈએ, પણ આપણે બધાએ યહોવાની શોધ કરતા રહેવાની જરૂર છે. એનો અર્થ થાય કે માર્ગદર્શન માટે યહોવાને નિયમિત પ્રાર્થના કરીએ, બાઇબલનો અભ્યાસ કરીએ અને અનુભવી ભાઈ-બહેનોની સલાહ માંગીએ. જો એમ કરીશું તો મોટી ભૂલો થવાની શક્યતા ઓછી થશે અને ખુશ રહેવાની શક્યતા વધી જશે.—યાકૂ. ૧:૨૫.
યુવાનો, તમે જીવનમાં ખુશ રહી શકો છો
૧૭. યહૂદાના ત્રણ રાજાઓ પાસેથી આપણે કઈ મહત્ત્વની વાતો શીખી શકીએ?
૧૭ યુવાનો જીવનમાં ઘણું બધું કરી શકે છે. યહોઆશ, ઉઝ્ઝિયા અને યોશિયાના દાખલામાંથી જોવા મળે છે કે યુવાનો સારા નિર્ણયો લઈ શકે છે અને પોતાના જીવનથી યહોવાને ખુશ કરી શકે છે. એ સાચું છે કે એ ત્રણેય યુવાનોથી અમુક ભૂલો થઈ હતી, જેનાં તેઓએ ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં. પણ તેઓએ અમુક સારાં કામો પણ કર્યાં હતાં. જો તમે પણ તેઓની જેમ એવાં સારાં કામો કરશો અને તેઓએ જે ભૂલો કરી હતી એવી ભૂલો કરવાનું ટાળશો, તો જીવનમાં ખુશ રહી શકશો.
૧૮. બાઇબલના કયા દાખલા બતાવે છે કે તમે જીવનમાં ખુશ રહી શકો છો? (ચિત્ર પણ જુઓ.)
૧૮ બાઇબલમાં બીજા પણ યુવાનોના દાખલા છે, જેઓ યહોવાની નજીક રહ્યા હતા, તેમની કૃપા મેળવી હતી અને જીવનમાં ખુશ હતા. દાઉદ તેઓમાંનો એક હતો. ખૂબ નાની ઉંમરે તેણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું હતું અને સમય જતાં તે એક વફાદાર રાજા બન્યો. ખરું કે અમુક વખતે તેનાથી ભૂલો થઈ હતી. પણ ઈશ્વરે તેને વફાદાર સેવક ગણ્યો. (૧ રાજા. ૩:૬; ૯:૪, ૫; ૧૪:૮) તમે કદાચ દાઉદના જીવન પર અભ્યાસ કરવાનું વિચારી શકો. તેના દાખલાથી તમને પણ વફાદારીથી યહોવાની સેવા કરવાનું ઉત્તેજન મળશે. અથવા તમે માર્ક કે તિમોથીના જીવન પર અભ્યાસ કરી શકો. તેઓએ નાનપણથી યહોવાની ભક્તિ કરવાનું શરૂ કર્યું હતું અને જીવનભર વફાદારીથી યહોવાની ભક્તિ કરી. તેઓના એ નિર્ણયથી યહોવાને ખુશી થઈ હશે અને તેઓને પણ ખુશી મળી હશે.
૧૯. તમે કેવું જીવન જીવવા માંગો છો?
૧૯ તમે હમણાં જે રીતે જીવન જીવો છો અને નિર્ણયો લો છો, એના આધારે નક્કી થશે કે તમારું ભાવિ કેવું હશે. જો તમે પોતાના પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખશો, તો તે તમને સારા નિર્ણયો લેવા મદદ કરશે. (નીતિ. ૨૦:૨૪) તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે અને તમારા માથે યહોવાનો હાથ હશે. યાદ રાખો, યહોવા માટે તમે જે કંઈ કરો છો એને તે કીમતી ગણે છે. સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતાની સેવામાં પોતાનું જીવન વિતાવવું, એના કરતાં વધારે સારું બીજું શું હોઈ શકે!
ગીત ૨૪ ધરતી આખી ખીલી ઊઠશે
a યુવાનો, યહોવા જાણે છે કે અમુક વાર જે ખરું છે એ કરવું અને યહોવાના દોસ્ત બની રહેવું કદાચ તમારા માટે અઘરું હશે. તમે કઈ રીતે સારા નિર્ણય લઈ શકો, જેથી સ્વર્ગમાંના તમારા પિતાને ખુશ કરી શકો? આ લેખમાં આપણે ત્રણ છોકરાઓ વિશે જોઈશું, જેઓ યહૂદાના રાજા બન્યા. ધ્યાન આપજો કે તેઓના નિર્ણયોમાંથી તમે શું શીખી શકો.
b જુલાઈ ૨૦૨૦, ચોકીબુરજ પાન ૫-૬ પર આપેલા આ લેખના ફકરા ૧૨-૧૫ જુઓ: “પોતે કંઈક છીએ એમ ન વિચારીએ.”