સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૭

સામસૂનની જેમ યહોવા પર આધાર રાખીએ

સામસૂનની જેમ યહોવા પર આધાર રાખીએ

‘હે વિશ્વના માલિક યહોવા, કૃપા કરીને મને યાદ કરો, મને તાકાત આપો.’—ન્યા. ૧૬:૨૮.

ગીત ૫૧ યહોવા અમારો આધાર

ઝલક a

૧-૨. આપણે કેમ સામસૂનના દાખલાનો અભ્યાસ કરવો જોઈએ?

 સામસૂનનું નામ સાંભળતા જ તમારા મનમાં કયો વિચાર આવે છે? કદાચ સૌથી પહેલા એ વિચાર આવે કે તેમનામાં કેટલી ગજબની તાકાત હતી. એ સાચી વાત છે. પણ તેમણે એક ભૂલ કરી, જેનાં તેમણે ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં. જોકે, સામસૂન આખી જિંદગી યહોવાને વફાદાર રહ્યા અને તેમની ભક્તિ માટે ઘણું કર્યું. એ વાત યહોવાને મન ખૂબ કીમતી હતી. તેમણે સામસૂનની વફાદારી વિશે બાઇબલમાં લખાવી લીધું, જેથી આપણે તેમના દાખલામાંથી શીખી શકીએ.

યહોવાએ પોતાની પસંદ કરેલી ઇઝરાયેલી પ્રજાને મદદ કરવા સામસૂન દ્વારા અજાયબ કામો કરાવ્યાં. સામસૂનના મરણની સદીઓ પછી યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા એવા ઈશ્વરભક્તો વિશે બાઇબલમાં લખાવ્યું, જેઓએ જોરદાર શ્રદ્ધા બતાવી હતી. એ યાદીમાં સામસૂનનું પણ નામ છે. (હિબ્રૂ. ૧૧:૩૨-૩૪) સામસૂનના દાખલાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. તેમણે અઘરા સંજોગોમાં પણ યહોવા પર આધાર રાખ્યો હતો. આ લેખમાં જોઈશું કે સામસૂન પાસેથી શું શીખી શકીએ અને તેમનો દાખલો કઈ રીતે આપણી હિંમત વધારે છે.

સામસૂને યહોવા પર ભરોસો રાખ્યો

૩. સામસૂનને કયું કામ સોંપવામાં આવ્યું હતું?

સામસૂનનો જન્મ થયો ત્યારે પલિસ્તીઓ ઇઝરાયેલીઓ પર રાજ કરતા હતા અને તેઓ પર જુલમ ગુજારતા હતા. (ન્યા. ૧૩:૧) પલિસ્તીઓ બહુ ક્રૂર હતા, એટલે ઇઝરાયેલીઓએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડી. ‘ઇઝરાયેલીઓને પલિસ્તીઓના હાથમાંથી બચાવવા’ યહોવાએ સામસૂનને પસંદ કર્યા. (ન્યા. ૧૩:૫) પણ સામસૂન માટે એ કામ સહેલું ન હતું, એમાં ઘણા પડકારો હતા. એટલે એ પાર પાડવા તેમણે યહોવા પર પૂરો આધાર રાખવાનો હતો.

સામસૂને યહોવા પર ભરોસો રાખ્યો અને તે ફેરફારો કરવા તૈયાર હતા. યહોવાની ઇચ્છા પૂરી કરવા તેમને જે કંઈ હાથ લાગ્યું, એનો તેમણે ઉપયોગ કર્યો (ફકરા ૪-૫ જુઓ)

૪. યહોવાએ સામસૂનને કઈ રીતે મદદ કરી, જેથી તે પલિસ્તીઓથી પોતાને બચાવી શકે? (ન્યાયાધીશો ૧૫:૧૪-૧૬)

સામસૂને કઈ રીતે યહોવા પર ભરોસો રાખ્યો અને મદદ માટે તેમના પર આધાર રાખ્યો? ચાલો તેમના જીવનના એક બનાવ પર ધ્યાન આપીએ. એકવાર પલિસ્તીઓની સેના સામસૂનને પકડવા લેહીમાં આવી. એ કદાચ યહૂદામાં આવેલું હતું. યહૂદાના માણસો ગભરાઈ ગયા. તેઓએ સામસૂનને પકડીને પલિસ્તીઓને હવાલે કરી દેવાનું નક્કી કર્યું. સામસૂનના પોતાના જ લોકોએ બે નવાં દોરડાંથી તેમને કસીને બાંધી દીધા અને પલિસ્તીઓ પાસે લઈ ગયા. (ન્યા. ૧૫:૯-૧૩) પણ ‘યહોવાની શક્તિથી સામસૂન બળવાન થયા.’ તેમણે પોતાને દોરડાંના બંધનમાંથી આઝાદ કર્યા. પછી તેમને “ગધેડાના જડબાનું તાજું હાડકું મળ્યું,” જે લઈને તેમણે ૧,૦૦૦ પલિસ્તીઓને મારી નાખ્યા.—ન્યાયાધીશો ૧૫:૧૪-૧૬ વાંચો.

૫. સામસૂને કઈ રીતે બતાવી આપ્યું કે તે યહોવા પર આધાર રાખતા હતા?

ગધેડાના જડબાનું હાડકું લડાઈ માટે વપરાતું હથિયાર નથી. તો પછી સામસૂને કેમ એ વાપર્યું? કેમ કે તે જાણતા હતા કે તેમની સફળતાનો આધાર કોઈ હથિયાર પર નહિ, પણ યહોવા પર હતો. યહોવાની ઇચ્છા પૂરી કરવા એ વફાદાર ભક્તને જે કંઈ હાથ લાગ્યું, એ તેમણે હથિયાર તરીકે વાપર્યું. તેમણે યહોવા પર પૂરો આધાર રાખ્યો, એટલે યહોવાએ તેમને સફળતા અપાવી.

૬. સોંપણી પૂરી કરવાની વાત આવે ત્યારે સામસૂન પાસેથી શું શીખી શકીએ?

યહોવાની સેવામાં ભલે કોઈ પણ કામ મળે, એ પૂરું કરવા યહોવા આપણને પણ તાકાત આપશે. અરે, અશક્ય લાગતું કામ પૂરું કરવા પણ આપશે. એ માટે યહોવા એવી રીતે મદદ કરી શકે છે, જે જોઈને આપણને કદાચ નવાઈ લાગે. ભરોસો રાખો કે જે યહોવાએ સામસૂનને બળ આપ્યું, એ તમને પણ બળ આપશે, જેથી તમે તેમની ઇચ્છા પૂરી કરી શકો. શરત એટલી કે તમે યહોવા પર આધાર રાખો.—નીતિ. ૧૬:૩.

૭. એક દાખલો આપીને સમજાવો કે યહોવાનું માર્ગદર્શન લેવું કેમ જરૂરી છે.

આપણાં ભક્તિ-સ્થળોના બાંધકામમાં મદદ કરતા ઘણાં ભાઈ-બહેનોએ યહોવા પર ભરોસો રાખ્યો છે. પહેલાં મોટા ભાગનાં પ્રાર્થનાઘર અને બીજી ઇમારતોની ડિઝાઇન આપણા ભાઈઓ જ બનાવતા હતા અને પછી એને શરૂઆતથી બાંધતા પણ હતા. પણ સમય જતાં સંગઠનમાં થયેલા વધારાને લીધે વધારે પ્રાર્થનાઘરો અને ઇમારતોની જરૂર પડવા લાગી. એટલે જવાબદાર ભાઈઓને લાગ્યું કે એ રીતમાં ફેરફાર કરવાની જરૂર છે. તેઓએ પ્રાર્થનામાં યહોવાનું માર્ગદર્શન માંગ્યું અને નવી નવી રીતો અજમાવી. જેમ કે, તેઓ તૈયાર ઇમારતો ખરીદીને એનું સમારકામ કરવા લાગ્યા. રોબર્ટભાઈએ પાછલાં અમુક વર્ષોમાં આખી દુનિયામાં થયેલા ઘણા બાંધકામમાં ભાગ લીધો છે. તે કહે છે: “શરૂઆતમાં આ નવી રીત પ્રમાણે કામ કરવું અમુકને અઘરું લાગતું હતું. આપણે વર્ષો સુધી અમુક રીત અજમાવતા હતા અને આ એનાથી સાવ અલગ હતું. પણ ભાઈઓ ફેરફારો કરવા તૈયાર હતા. અમે સાફ જોઈ શક્યા કે યહોવા આ ફેરફારો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ તો બસ એક જ દાખલો છે, જે બતાવે છે કે યહોવા કઈ રીતે પોતાની ઇચ્છા પૂરી કરવા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે.” સમયે સમયે આપણે દરેકે પોતાને પૂછવું જોઈએ: ‘શું હું યહોવાનું માર્ગદર્શન શોધું છું? શું તેમની સેવામાં વધારે કરી શકું એ માટે ફેરફારો કરવા તૈયાર રહું છું?’

સામસૂનને યહોવાની ગોઠવણોથી ફાયદો થયો

૮. એકવાર સામસૂનને બહુ તરસ લાગી હતી ત્યારે, તેમણે શું કર્યું?

તમે કદાચ સામસૂનની બહાદુરીના બીજા કિસ્સાઓ પણ વાંચ્યા હશે. એક વખતે તેમણે એકલા હાથે સિંહને મારી નાખ્યો હતો. પછીથી આશ્કલોનમાં ૩૦ પલિસ્તીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. (ન્યા. ૧૪:૫, ૬, ૧૯) સામસૂન જાણતા હતા કે આ બધું તે પોતાના બાવડાંના જોરે નહિ, પણ યહોવાની મદદથી કરી શક્યા હતા. એવું કઈ રીતે કહી શકીએ? એનો પુરાવો આપણને એક બનાવ પરથી મળે છે. ૧,૦૦૦ પલિસ્તીઓને મારી નાખ્યા પછી સામસૂનને બહુ તરસ લાગી હતી. એ વખતે પોતાની જાતે પાણી શોધવાને બદલે તેમણે મદદ માટે યહોવાને પોકાર કર્યો.—ન્યા. ૧૫:૧૮.

૯. સામસૂને મદદ માટે પોકાર કર્યો ત્યારે યહોવાએ શું કર્યું? (ન્યાયાધીશો ૧૫:૧૯)

યહોવાએ સામસૂનનો પોકાર સાંભળ્યો. તેમણે ચમત્કાર કરીને એક ઝરણું બનાવ્યું. સામસૂને એમાંથી પાણી પીધું ત્યારે તેમનામાં ‘જોશ આવ્યો અને તે તાજા-માજા થઈ ગયા.’ (ન્યાયાધીશો ૧૫:૧૯ વાંચો.) એવું લાગે છે કે યહોવાએ શમુએલ પ્રબોધકને ન્યાયાધીશોનું પુસ્તક લખવાની પ્રેરણા આપી ત્યારે પણ એ ઝરણું ત્યાં જ હતું. જે ઇઝરાયેલીઓએ એ ઝરણું જોયું હતું, તેઓને કદાચ યાદ આવ્યું હશે કે જો વફાદાર ઈશ્વરભક્ત મુશ્કેલ ઘડીમાં યહોવા પર પૂરો આધાર રાખે, તો તે ચોક્કસ મદદ કરે છે.

યહોવાએ જે પાણી પૂરું પાડ્યું એ પીધા પછી સામસૂનમાં તાકાત આવી. એવી જ રીતે, યહોવાએ આપણા માટે જે ગોઠવણો કરી છે, એમાંથી ફાયદો મેળવીશું તો યહોવાને વફાદાર રહી શકીશું (ફકરો ૧૦ જુઓ)

૧૦. યહોવા પાસેથી મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૦ આપણે પણ મદદ માટે યહોવા તરફ મીટ માંડવી જોઈએ. બની શકે કે આપણામાં અમુક હુન્‍નર કે આવડતો હોય, કે પછી યહોવાની સેવામાં આપણે ઘણું કર્યું હોય. પણ આપણે પોતાની હદ પારખવી જોઈએ અને સ્વીકારવું જોઈએ કે યહોવા પર આધાર રાખવાથી જ સાચી સફળતા મળશે. યહોવાએ જે પાણી પૂરું પાડ્યું હતું એ પીધા પછી સામસૂનમાં તાકાત આવી. એવી જ રીતે, યહોવાએ આપણા માટે જે ગોઠવણો કરી છે, એમાંથી ફાયદો મેળવીશું તો યહોવાને વફાદાર રહી શકીશું.—માથ. ૧૧:૨૮.

૧૧. આપણને મદદ કરવા યહોવાએ જે ગોઠવણો કરી છે, એમાંથી ફાયદો મેળવવા શું કરવું જોઈએ? દાખલો આપીને સમજાવો.

૧૧ રશિયામાં આપણાં ઘણાં ભાઈ-બહેનોની આકરી સતાવણી થઈ રહી છે. એમાંના એક છે એલેક્સીભાઈ. અઘરા સંજોગોમાં પણ હિંમત રાખવા તેમને શાનાથી મદદ મળી છે? તે અને તેમનાં પત્ની બાઇબલ અભ્યાસ માટે અને યહોવાની ભક્તિનાં બીજાં કામો માટે નિયમિત રીતે સમય ફાળવે છે. ભાઈ જણાવે છે: “હું નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવાનો અને દરરોજ બાઇબલ વાંચવાનો પ્રયત્ન કરું છું. રોજ સવારે હું અને મારી પત્ની દરરોજના વચન પર ચર્ચા કરીએ છીએ અને સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ.” આ દાખલામાંથી આપણે શું શીખી શકીએ? પોતાના પર આધાર રાખવાને બદલે યહોવા પર આધાર રાખીએ. એમ કઈ રીતે કરી શકીએ? યહોવામાં આપણી શ્રદ્ધા વધે એવાં કામો કરીએ. જેમ કે, બાઇબલનો અભ્યાસ કરીએ, પ્રાર્થના કરીએ, સભાઓમાં જઈએ અને ખુશખબર જણાવીએ. એમ કરીશું તો યહોવાની ભક્તિમાં આપણે જે મહેનત કરીએ છીએ, એના પર તે આશીર્વાદ વરસાવશે. યહોવાએ સામસૂનને તાકાત આપી હતી, તે તમને પણ તાકાત આપી શકે છે.

સામસૂને યહોવાની ઇચ્છા પ્રમાણે કરવાનું પડતું ન મૂક્યું

૧૨. સામસૂને કયો ખોટો નિર્ણય લીધો અને તેમનો દલીલાહ સાથેનો સંબંધ કઈ રીતે અલગ હતો?

૧૨ સામસૂન પણ આપણા જેવા હતા. અમુક વાર તેમણે ખોટા નિર્ણયો લીધા. એવા જ એક નિર્ણયના તેમણે ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. થોડો સમય ન્યાયાધીશ તરીકે કામ કર્યા પછી તે ‘સોરેકની ખીણમાં રહેતી દલીલાહના પ્રેમમાં પડ્યા.’ (ન્યા. ૧૬:૪) અગાઉ સામસૂન એક પલિસ્તી સ્ત્રીને પરણવા માંગતા હતા. એ બધા પાછળ “યહોવાનો હાથ” હતો, જેથી સામસૂનને “પલિસ્તીઓ સામે લડવાની તક” મળે. પછીથી સામસૂન પલિસ્તીઓના શહેર ગાઝામાં એક વેશ્યાના ઘરે રોકાયા. એ વખતે યહોવાએ તેમને શહેરના દરવાજા ખેંચી કાઢવાની શક્તિ આપી, જેથી શહેરના પાયા કમજોર થઈ જાય. (ન્યા. ૧૪:૧-૪; ૧૬:૧-૩) પણ દલીલાહનો કિસ્સો થોડોક અલગ હતો. કેમ કે તે પલિસ્તી નહિ, પણ કદાચ ઇઝરાયેલી હતી અને આ વખતે સામસૂન પોતાની મરજી પ્રમાણે વર્તી રહ્યા હતા.

૧૩. દલીલાહને લીધે સામસૂન પર કઈ રીતે મુસીબત આવી પડી?

૧૩ સામસૂનને દગો આપવા દલીલાહે પલિસ્તીઓ પાસેથી એક મોટી રકમ લીધી હતી. શું તે દલીલાહના પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા હતા કે તેના ઇરાદા પારખી ન શક્યા? ભલે ગમે એ હોય પણ દલીલાહ સામસૂનનો જીવ ખાઈ ગઈ હતી, જેથી સામસૂન તેને પોતાની શક્તિનું રહસ્ય જણાવે. તેની જીદ સામે સામસૂનની એક ન ચાલી. આખરે તેમણે તેને બધું જ જણાવી દીધું. દુઃખની વાત છે કે પોતાની ભૂલના લીધે સામસૂને શક્તિ ગુમાવી અને અમુક સમય સુધી યહોવાનો હાથ તેમના માથે ન રહ્યો.—ન્યા. ૧૬:૧૬-૨૦.

૧૪. દલીલાહ પર ભરોસો કરવાને લીધે સામસૂને કેવાં પરિણામો ભોગવવાં પડ્યાં?

૧૪ યહોવા પર ભરોસો રાખવાને બદલે સામસૂને દલીલાહ પર ભરોસો કર્યો. એના તેમણે ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. પલિસ્તીઓએ સામસૂનને પકડી લીધા અને તેમની આંખો ફોડી નાખી. પછી તેઓએ સામસૂનને ગાઝા શહેરમાં કેદ કર્યા. આ એ જ શહેર હતું, જેના દરવાજા સામસૂને ખેંચી નાખ્યા હતા. એ લોકોએ સામસૂનને અનાજ દળવાના કામે લગાડ્યા. પછી પલિસ્તીઓએ એક મિજબાની રાખી અને એમાં સામસૂનનું અપમાન કર્યું. તેઓએ જૂઠા દેવ દાગોનને ઘણાં બલિદાનો ચઢાવ્યાં, કેમ કે તેઓ માનતા હતા કે સામસૂનને પકડવામાં દાગોને તેઓને મદદ કરી હતી. પછી તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર કાઢીને મિજબાનીમાં લઈ આવ્યા, જેથી તે તેઓનું મનોરંજન કરે. આમ તેઓએ સામસૂનની “મજાક-મશ્કરી” કરી.—ન્યા. ૧૬:૨૧-૨૫.

યહોવાએ પલિસ્તીઓને સજા કરવા સામસૂનને તાકાત આપી (ફકરો ૧૫ જુઓ)

૧૫. સામસૂને કઈ રીતે બતાવી આપ્યું કે તેમણે ફરી યહોવા પર ભરોસો રાખ્યો હતો? (ન્યાયાધીશો ૧૬:૨૮-૩૦) (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૫ સામસૂને મોટી ભૂલ કરી હતી, પણ તેમણે યહોવાની સેવા કરવાનું ચાલુ રાખ્યું. યહોવાએ તેમને પલિસ્તીઓ સામે લડવાનું કામ સોંપ્યું હતું અને એ પૂરું કરવાની સામસૂને તક શોધી. (ન્યાયાધીશો ૧૬:૨૮-૩૦ વાંચો.) સામસૂને યહોવાને કાલાવાલા કર્યાં: “ઓ ઈશ્વર, પલિસ્તીઓ પર મને વેર વાળવા દો.” સાચા ઈશ્વરે સામસૂનના કાલાવાલા સાંભળ્યા અને ફરી એકવાર તેમને અદ્‍ભુત શક્તિ આપી. એનું શું પરિણામ આવ્યું? સામસૂન જીવતા હતા ત્યારે તેમણે જેટલાને મારી નાખ્યા હતા, એના કરતાં મરતી વખતે વધારે લોકોને મારી નાખ્યા.

૧૬. ભૂલ કરી હોવા છતાં સામસૂને શું કર્યું? એમાંથી શું શીખી શકીએ?

૧૬ ખરું કે, સામસૂને પોતાની ભૂલનાં ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં, પણ તેમણે યહોવાની ઇચ્છા પૂરી કરવાનું છોડ્યું નહિ. એવી જ રીતે, જો આપણાથી કોઈ ભૂલ થઈ જાય અને એ માટે શિસ્ત આપવામાં આવે અથવા અમુક લહાવા ગુમાવવા પડે, તો આપણે પણ યહોવાની ભક્તિ કરવાનું છોડી ન દેવું જોઈએ. યાદ રાખીએ, યહોવા માફ કરવા તૈયાર છે અને તે આપણને કદી છોડી નહિ દે. (ગીત. ૧૦૩:૮-૧૦) ભલે કોઈ ભૂલ થઈ જાય, પણ યહોવા આપણને તેમની ઇચ્છા પૂરી કરવા તાકાત આપી શકે છે, જેમ તેમણે સામસૂનને આપી હતી.

ભૂલ કર્યા પછી સામસૂનને કદાચ દુઃખ થયું હશે પણ તેમણે હાર ન માની. આપણે પણ હાર ન માનવી જોઈએ (ફકરા ૧૭-૧૮ જુઓ)

૧૭-૧૮. માઇકલભાઈના અનુભવથી તમને કયું ઉત્તેજન મળ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૭ માઇકલ નામના એક યુવાન ભાઈનો વિચાર કરો. તે સહાયક સેવક અને નિયમિત પાયોનિયર હતા અને યહોવાની સેવામાં ખૂબ વ્યસ્ત હતા. પણ દુઃખની વાત છે કે તેમનાથી એક ભૂલ થઈ ગઈ અને પરિણામે તેમણે મંડળમાં લહાવાઓ ગુમાવવા પડ્યા. તે કહે છે: “એ સમય સુધી જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. હું યહોવાની સેવામાં ખૂબ વ્યસ્ત હતો. પણ અચાનક જાણે બ્રેક વાગી ગઈ. ખરું કે, મેં કદી એવું વિચાર્યું નહિ કે યહોવા મને છોડી દેશે. પણ મનમાં જરૂર થતું કે હવે યહોવા સાથે મારો સંબંધ પહેલાં જેવો થઈ શકશે કે નહિ અથવા હું મંડળમાં પહેલાંની જેમ ફરીથી યહોવાની સેવા કરી શકીશ કે નહિ.”

૧૮ ખુશીની વાત છે કે માઇકલભાઈ હિંમત ન હાર્યા. તે કહે છે: “મેં યહોવા સાથેનો સંબંધ સુધારવા સખત મહેનત કરી. એ માટે હું નિયમિત રીતે તેમની આગળ મારું દિલ ખોલતો, અભ્યાસ કરતો અને મનન કરતો.” સમય જતાં તેમને મંડળમાં લહાવાઓ પાછા મળ્યા. આજે તે એક વડીલ અને નિયમિત પાયોનિયર તરીકે સેવા આપે છે. તે કહે છે: “મંડળનાં ભાઈ-બહેનોએ અને ખાસ કરીને વડીલોએ મને ખૂબ સાથ-સહકાર અને ઉત્તેજન આપ્યાં. એનાથી હું સમજી શક્યો કે યહોવા હજી પણ મને પ્રેમ કરે છે. હું સાફ અંતઃકરણથી મંડળમાં ફરીથી યહોવાની સેવા કરી શકું છું. આ અનુભવે મને શીખવ્યું કે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી પસ્તાવો કરે, તો યહોવા તેને માફ કરશે.” એમાંથી આપણે શું શીખી શકીએ? ભૂલ થઈ જાય તોપણ સુધારો કરીએ અને યહોવા પર ભરોસો રાખતા રહીએ. જો એમ કરીશું, તો ખાતરી રાખી શકીશું કે યહોવા પોતાની ઇચ્છા પૂરી કરવા આપણો ઉપયોગ કરશે અને આશીર્વાદો આપશે.—ગીત. ૮૬:૫; નીતિ. ૨૮:૧૩.

૧૯. સામસૂનના દાખલામાંથી તમને કઈ રીતે હિંમત મળી?

૧૯ આ લેખમાં આપણે સામસૂનના જીવનની અમુક અદ્‍ભુત ઘટનાઓ વિશે જોયું. તે પણ આપણી જેમ ભૂલભરેલા હતા. દલીલાહના કિસ્સામાં તેમનાથી ભૂલ થઈ ગઈ. પણ તેમણે યહોવાની સેવા કરવાનું કદી છોડ્યું નહિ. યહોવા પણ સામસૂનનો ઉપયોગ કરતા રહ્યા. તેમણે ફરી એકવાર જોરદાર રીતે સામસૂનનો ઉપયોગ કર્યો. યહોવા હજીયે સામસૂનની શ્રદ્ધાને કીમતી ગણતા હતા. યહોવાએ બીજા વફાદાર ભક્તોની સાથે સાથે સામસૂનનું નામ પણ શાસ્ત્રવચનમાં લખાવ્યું, જેઓ વિશે હિબ્રૂઓ અધ્યાય ૧૧માં જોવા મળે છે. એ જાણીને કેટલી ખુશી મળે છે કે સ્વર્ગમાં રહેતા આપણા પિતા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. તેમ જ, તે આપણામાં જોશ ભરી દેવા માંગે છે, ખાસ કરીને મુશ્કેલીમાં હોઈએ અને તેમની મદદની જરૂર હોય ત્યારે. એવા ઈશ્વરની ભક્તિ કરવી કેટલા સન્માનની વાત કહેવાય! તો પછી ચાલો, સામસૂનની જેમ યહોવાને કાલાવાલા કરીએ: ‘કૃપા કરીને મને યાદ કરો, મને તાકાત આપો.’—ન્યા. ૧૬:૨૮.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

a બાઇબલમાં સામસૂન નામનું પાત્ર ખૂબ જાણીતું છે. તેમના પર ઘણાં નાટકો, ગીતો અને ફિલ્મો બનાવવામાં આવ્યાં છે. પણ તે કોઈ કાલ્પનિક પાત્ર નથી, તે હકીકતમાં જીવ્યા હતા. તેમણે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા બતાવી હતી. તેમની પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ.