સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાની સેવા, મીઠી યાદોની સફર

યહોવાની સેવા, મીઠી યાદોની સફર

૧૯૫૧ની વાત છે. હું હમણાં જ કેનેડાના ક્વિબેક પ્રાંતના એક નાનકડા શહેર રુઅનમાં આવ્યો હતો. મારી પાસે એક સરનામું હતું. હું ત્યાં ગયો અને ઘરનો દરવાજો ખખડાવ્યો. ભાઈ માર્શલ ફીલેટોએ a દરવાજો ખોલ્યો. તેમને ગિલયડ શાળામાં તાલીમ મળી હતી અને તે એક મિશનરી હતા. તે ૨૩ વર્ષના હતા અને હું ૧૬ વર્ષનો. તે લાંબા હતા અને હું કદમાં નીચો. મેં તેમને એક પત્ર બતાવ્યો. એમાં લખ્યું હતું કે મને ત્યાં પાયોનિયરીંગ કરવા મોકલ્યો છે. પત્ર વાંચ્યા પછી તેમણે મારી સામે જોયું અને પૂછ્યું: “તારી મમ્મીને ખબર છે ને કે તું અહીં આવ્યો છે?”

મારું કુટુંબ

મારો જન્મ ૧૯૩૪માં થયો હતો. મારાં મમ્મી-પપ્પા સ્વિટ્‌ઝરલૅન્ડથી કેનેડાના ઑન્ટેરીઓ પ્રાંતમાં આવીને વસ્યાં હતાં. અમે ટીમિન્સ નામના એક નાના શહેરમાં રહેતાં હતાં, જ્યાં ઘણી ખાણો હતી. આશરે ૧૯૩૯માં મારી મમ્મીએ ચોકીબુરજ મૅગેઝિન વાંચવાનું શરૂ કર્યું અને યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવા લાગી. તે મને અને મારાં ભાઈ-બહેનોને પણ સભામાં લઈ જતી. જલદી જ તે યહોવાની સાક્ષી બની ગઈ.

મમ્મી સાક્ષી બની ગઈ એ પપ્પાને ન ગમ્યું. પણ મમ્મીને બાઇબલનું શિક્ષણ ખૂબ વહાલું હતું. તેણે નક્કી કરી લીધું હતું કે કંઈ પણ થઈ જાય, તે યહોવાને હંમેશાં વફાદાર રહેશે. ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં કેનેડામાં યહોવાના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ મુકાયો. એ સમયે પણ મમ્મી યહોવાની સેવામાં લાગુ રહી. પપ્પા મમ્મીને ખરું-ખોટું સંભળાવતા, પણ મમ્મી હંમેશાં તેમને માન આપતી અને તેમની સાથે પ્રેમથી વર્તતી. મમ્મીના જોરદાર દાખલાની મારા પર અને મારાં છ ભાઈ-બહેનો પર સારી અસર પડી. અમે પણ યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે પપ્પાનો સ્વભાવ બદલાઈ ગયો અને તે અમારી સાથે સારી રીતે વર્તવા લાગ્યા.

પૂરા સમયની સેવા શરૂ કરી

ઑગસ્ટ ૧૯૫૦માં, હું ‘દેવશાહી વૃદ્ધિ’ સંમેલનમાં ગયો, જે અમેરિકાની ન્યૂ યૉર્ક સીટીમાં યોજાયું હતું. ત્યાં અલગ અલગ દેશોથી ભાઈ-બહેનો આવ્યાં હતાં. તેઓને મળીને મને સારું લાગ્યું. મેં એ ભાઈ-બહેનોના અનુભવ સાંભળ્યા, જેઓ ગિલયડ શાળામાં ગયાં હતાં. એ સાંભળીને મારામાં યહોવાની ભક્તિ કરવાનો જોશ વધી ગયો. મેં નિર્ણય લીધો કે હવે હું પૂરા સમયની સેવા જ કરીશ. ઘરે પહોંચતા જ મેં નિયમિત પાયોનિયરીંગ કરવાની અરજી ભરી દીધી. પછી કેનેડાની શાખા કચેરી તરફથી પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે હું પહેલાં બાપ્તિસ્મા લઉં. ઑક્ટોબર ૧, ૧૯૫૦ના રોજ મેં બાપ્તિસ્મા લીધું. એક જ મહિના પછી, હું નિયમિત પાયોનિયરીંગ કરવા લાગ્યો અને મને કાપસકેસિંગ નામની જગ્યાએ મોકલવામાં આવ્યો. એ શહેર અમારા ઘરથી ઘણું દૂર હતું.

ક્વિબેકમાં પ્રચાર કરતી વખતે

૧૯૫૧માં શાખા કચેરીના ભાઈઓએ એવા સાક્ષીઓને બોલાવ્યા, જેઓ ફ્રેંચ ભાષા બોલી શકતા હતા. ભાઈઓએ પૂછ્યું કે શું તેઓ ક્વિબેકના એ પ્રાંતમાં સેવા આપવા જઈ શકે, જ્યાં ફ્રેંચ બોલતા ઘણા લોકો રહે છે. ત્યાં પ્રકાશકોની બહુ જરૂર હતી. મને નાનપણથી જ અંગ્રેજી અને ફ્રેંચ ભાષા આવડતી હતી. એટલું હું ક્વિબેક જવા તૈયાર થઈ ગયો. શાખા કચેરીએ મને રુઅન શહેર મોકલ્યો. હું ત્યાં કોઈને ઓળખતો ન હતો. મારી પાસે ફક્ત એક સરનામું હતું, જે વિશે મેં શરૂઆતમાં જણાવ્યું. પણ બધું સારું થઈ ગયું. હું અને માર્શલભાઈ સારા મિત્ર બની ગયા. મેં ચાર વર્ષ ત્યાં જ સેવા આપી અને પછી ખાસ પાયોનિયરીંગ કરવાનું પણ ત્યાં જ શરૂ કર્યું.

ગિલયડ શાળામાં ગયો, પણ આશા પૂરી થવામાં વાર લાગી

હું ક્વિબેકમાં હતો ત્યારે મને ગિલયડ શાળાના ૨૬મા ક્લાસનું આમંત્રણ મળ્યું. હું કેટલો ખુશ હતો એ કહી નથી શકતો. એ ક્લાસ ન્યૂ યૉર્કના દક્ષિણ લૅંન્સિંગ શહેરમાં યોજાવાનો હતો. ફેબ્રુઆરી ૧૨, ૧૯૫૬ના રોજ હું ગિલયડ શાળામાંથી ગ્રૅજ્યુએટ થયો અને મને દક્ષિણ આફ્રિકાના એ દેશમાં મોકલવામાં આવ્યો, જે આજે ઘાના b તરીકે ઓળખાય છે. હું ત્યાં જઉં એ પહેલાં મારે “અમુક અઠવાડિયાં” માટે કેનેડા જવાનું હતું, કેમ કે મારે અમુક કાગળિયાં તૈયાર કરવાના હતા.

પણ એ કાગળિયાં તૈયાર થવામાં સાત મહિના નીકળી ગયા અને મારે ટોરોંટોમાં જ રહેવું પડ્યું. એ દરમિયાન ક્રિપ્સભાઈના કુટુંબે મને તેમના ઘરે રાખ્યો. ત્યાં હું તેમની દીકરી શીલાને મળ્યો. અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં. હું તેને લગ્‍ન માટે પૂછવાનો જ હતો કે મને ઘાના જવાનો વિઝા મળી ગયો. મેં અને શીલાએ એ વિશે પ્રાર્થના કરી અને નક્કી કર્યું કે મારી સોંપણી માટે હું ઘાના જઈશ. અમે એ પણ નક્કી કર્યું કે અમે એકબીજાને પત્ર લખતા રહીશું અને રાહ જોઈશું કે ભાવિમાં ક્યારે લગ્‍ન કરી શકીએ. એ નિર્ણય લેવો જરાય સહેલો ન હતો. પણ પછીથી સમજાયું કે એ નિર્ણય એકદમ યોગ્ય હતો.

એક મહિના સુધી મેં ટ્રેન, માલસામાનના વહાણ અને વિમાનમાં મુસાફરી કરી. આખરે હું ઘાનાના આક્રા શહેર પહોંચ્યો. ત્યાં મને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. આ કામ માટે મારે ઘાના અને એના આજુબાજુના દેશોમાં મુસાફરી કરવાની હતી. જેમ કે, આયવરી કોસ્ટ (જે હવે કોટ ડી આઈવોર નામે ઓળખાય છે) અને ટોગોલૅન્ડ (જે હવે ટોગો નામે ઓળખાય છે). શાખા કચેરીએ મને એક ગાડી (જીપ) આપી હતી. હું મોટા ભાગે એમાં મુસાફરી કરતો. એ સમયે મેં એકેએક પળની મજા માણી.

શનિ-રવિ હું સરકીટ સંમેલનોમાં વ્યસ્ત રહેતો. અમારી પાસે સંમેલનગૃહો ન હતાં. એટલે ભાઈઓ વાંસથી છત બનાવતા અને એને ખજૂરીની ડાળીઓથી ઢાંકી દેતા, જેથી ધગધગતા તાપથી બચી શકાય. એ સમયે અમારી પાસે ફ્રિજ ન હતાં. એટલે અમે જીવતાં પ્રાણીઓ રાખતા, જેથી એનો ભોજન તરીકે ઉપયોગ થઈ શકે.

એ સંમેલનોમાં ઘણી વાર રમૂજી બનાવો બનતા. એકવાર એક મિશનરી ભાઈ હર્બ જેનિંગ્ઝ c પ્રવચન આપી રહ્યા હતા. એ જ સમયે એક વાછરડું છૂટી ગયું અને સ્ટેજની સામે આમતેમ ભાગવા લાગ્યું. હર્બભાઈએ બોલવાનું બંધ કરી દીધું. બિચારું વાછરડું, એનેય ખબર પડતી ન હતી કે ક્યાં જાય! પછી ચાર હટ્ટાકટ્ટા ભાઈઓ આવ્યા અને એને જેમતેમ પકડીને પાછું લઈ ગયા. સંમેલનમાં આવેલા લોકોને તો ગેલ પડી ગઈ.

સંમેલન હોય એ અઠવાડિયે હું બાકીના દિવસો આજુબાજુનાં ગામડાઓમાં જતો. ત્યાં હું આપણી ફિલ્મ બતાવતો, જેનું નામ હતું: ધ ન્યૂ વર્લ્ડ સોસાયટી ઈન ઍક્શન. હું બે થાંભલા કે ઝાડ વચ્ચે સફેદ ચાદર બાંધી દેતો અને પ્રોજેક્ટર દ્વારા એ બતાવતો. ગામના લોકોને એ ફિલ્મ જોવાની મજા પડતી. ઘણા લોકો તો જીવનમાં પહેલી જ વાર કોઈ ફિલ્મ જોઈ રહ્યા હતા. જ્યારે એમાં બાપ્તિસ્માનું દૃશ્ય આવતું, ત્યારે તેઓ જોરજોરથી તાળીઓ પાડતા. જે કોઈ પણ આ ફિલ્મ જોતું, એને સમજાઈ જતું કે યહોવાના સાક્ષીઓ વચ્ચે ખૂબ એકતા છે અને તેઓ આખી દુનિયામાં છે.

૧૯૫૯માં ઘાનામાં અમારું લગ્‍ન થયું

૧૯૫૮માં ન્યૂ યૉર્ક સીટીમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન રાખવામાં આવ્યું. આફ્રિકામાં બેએક વર્ષ સેવા આપ્યા પછી હું ત્યાં જવા તત્પર હતો. એ વખતે શીલા ક્વિબેકમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપી રહી હતી. તે પણ આ મહાસંમેલનમાં આવી હતી. તેને જોઈને મારું દિલ ઝાલ્યું ન રહ્યું. અત્યાર સુધી અમે એકબીજાને પત્રો લખતાં હતાં. પણ તેને રૂબરૂ મળ્યા પછી મેં તેને પૂછ્યું: ‘શું તું મારી સાથે લગ્‍ન કરીશ?’ તેણે હા પાડી દીધી. પછી મેં નૉરભાઈને d પત્ર લખ્યો અને પૂછ્યું કે શું શીલા પણ ગિલયડ શાળામાં જઈ શકે અને મારી સાથે આફ્રિકામાં સેવા આપી શકે. તેમણે મંજૂરી આપી દીધી. આખરે શીલા ઘાના આવી. ઑક્ટોબર ૩, ૧૯૫૯ના દિવસે આક્રા શહેરમાં અમે લગ્‍ન કર્યાં. અમને લાગ્યું કે યહોવાએ અમને આશીર્વાદ આપ્યો, કારણ કે તેમની ભક્તિ અમારા માટે સૌથી મહત્ત્વની હતી.

કૅમરૂનમાં સાથે મળીને સેવા આપી

કૅમરૂનની શાખા કચેરીમાં કામ કરતી વખતે

૧૯૬૧માં અમને કૅમરૂન દેશ મોકલવામાં આવ્યાં. ભાઈઓએ કહ્યું કે હું ત્યાં એક નવી શાખા કચેરી શરૂ કરવામાં મદદ કરું. કામ પુષ્કળ હતું, એટલે હું વ્યસ્ત રહેતો. પછી મને શાખા સેવક બનાવવામાં આવ્યો. મારે હજી ઘણું શીખવાનું હતું. ૧૯૬૫માં અમને ખબર પડી કે શીલા મા બનવાની છે. સાચું કહું તો શરૂ શરૂમાં સમજાતું જ ન હતું કે અમે આ નવી જવાબદારી કઈ રીતે નિભાવીશું. પણ સમય જતાં અમે માબાપ બનવાની ખુશીમાં તરબોળ થઈ ગયાં. અમે પાછાં કેનેડા જવાની તૈયારી કરી રહ્યાં હતાં. એવામાં જ એવું કંઈક થયું, જેણે અમારું હૈયું ચીરી નાખ્યું.

અમારું બાળક આ દુનિયામાં આવે એ પહેલાં જ તેના ધબકારા બંધ થઈ ગયા. ડૉક્ટરે જણાવ્યું કે અમને દીકરો થવાનો હતો. એ બનાવને ૫૦થી પણ વધારે વર્ષ વીતી ચૂક્યાં છે, પણ અમે એ કદી નથી ભૂલ્યાં. અમે ખૂબ જ દુઃખી હતાં, પણ અમે કૅમરૂનમાં જ રહ્યાં, કારણ કે અમને અમારી સોંપણી ખૂબ વહાલી હતી.

૧૯૬૫માં શીલા સાથે કૅમરૂનમાં

રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવાને લીધે ઘણી વાર કૅમરૂનના ભાઈઓની સતાવણી થતી હતી. ચૂંટણીના સમયે સંજોગો વધારે બગડી જતા. પછી મે ૧૩, ૧૯૭૦માં એવું કંઈક બન્યું જેનો અમને ડર હતો. યહોવાના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમે પાંચ મહિના પહેલાં જ નવી શાખા કચેરીમાં રહેવા ગયાં હતાં. સરકારે એ સુંદર શાખા કચેરીને જપ્ત કરી લીધી. એક જ અઠવાડિયામાં બધા મિશનરીઓને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા. મને અને શીલાને પણ કાઢી મૂકવામાં આવ્યાં. કૅમરૂનનાં ભાઈ-બહેનોને છોડીને જવું, અમારાં માટે અઘરું હતું. કારણ કે અમે તેઓને ખૂબ પ્રેમ કરતા હતાં અને અમને ચિંતા થતી હતી કે તેઓનું શું થશે.

એ પછી છ મહિના અમે ફ્રાંસની શાખામાં રહ્યાં. હું ત્યાંથી કૅમરૂનનાં ભાઈ-બહેનોની જરૂરિયાતોનું ધ્યાન રાખતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં અમને નાઇજીરિયાની શાખા કચેરીએ મોકલવામાં આવ્યાં. એ કચેરી કૅમરૂનમાં થતા કામની દેખરેખ રાખવા લાગી હતી. ત્યાંનાં ભાઈ-બહેનોએ પ્રેમથી અમારું સ્વાગત કર્યું અને અમે ઘણાં વર્ષો ત્યાં ખુશી ખુશી સેવા કરી.

જીવનનો સૌથી અઘરો નિર્ણય

૧૯૭૩માં અમારે ખૂબ અઘરો નિર્ણય લેવાનો હતો. શીલાને અમુક ગંભીર બીમારીઓ થઈ હતી. જ્યારે અમે મહાસંમેલન માટે ન્યૂ યૉર્ક ગયાં હતાં, ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું: “હું થાકી ગઈ છું. બહુ બીમાર રહું છું. હવે મારાથી નહિ થાય!” શીલા ૧૪ કરતાં વધારે વર્ષથી મારી સાથે પશ્ચિમ આફ્રિકામાં સેવા આપી રહી હતી. મને શીલા પર ખૂબ ગર્વ છે કે તેણે હંમેશાં વફાદારીથી યહોવાની સેવા કરી છે. પણ હવે અમારે અમુક ફેરફારો કરવાના હતા. અમે એ વિશે ઘણી ચર્ચા કરી અને કરગરીને યહોવાને પ્રાર્થના કરી. પછી અમે નિર્ણય લીધો કે કેનેડા પાછાં જતાં રહીશું, જેથી શીલાને સારી સારવાર મળી રહે. મિશનરી સેવા અને પૂરા સમયની સેવા છોડવાનો નિર્ણય બહુ અઘરો હતો. દિલ પર પથ્થર મૂકીને અમે એ નિર્ણય લીધો.

કેનેડા પહોંચ્યા પછી હું મારા એક જૂના મિત્ર સાથે કામ કરવા લાગ્યો. ટોરોંટોની ઉત્તરે આવેલા એક નાનકડા શહેરમાં તેનો કાર વેચવાનો ધંધો હતો. અમે એક ફ્લૅટ ભાડે લીધો અને અમુક જૂનું ફર્નિચર ખરીદ્યું. આમ કોઈ દેવું લીધા વગર અમે નવી શરૂઆત કરી શક્યાં. અમે સાદું જીવન જીવવા માંગતાં હતાં, કારણ કે અમે ફરીથી પૂરા સમયની સેવામાં જોડાવા માંગતાં હતાં. પણ અમે ધાર્યું ન હતું કે અમારી ઇચ્છા આટલી જલદી પૂરી થઈ જશે.

ઑન્ટેરીઓના નૉર્વલ શહેરમાં એક નવા સંમેલનગૃહનું બાંધકામ થઈ રહ્યું હતું. હું દર શનિવારે ત્યાં સ્વયંસેવક તરીકે કામ કરવા જતો. સમય જતાં, મને પૂછવામાં આવ્યું કે શું હું સંમેલનગૃહના નિરીક્ષક તરીકે જવાબદારી નિભાવી શકું. શીલાની તબિયત સારી થઈ રહી હતી, એટલે અમને થયું કે અમે એ નવી જવાબદારી સંભાળી શકીએ છીએ. જૂન ૧૯૭૪માં અમે સંમેલનગૃહના એક ફ્લૅટમાં રહેવા ગયાં. ફરીથી પૂરા સમયની સેવામાં જોડાઈને અમારી ખુશી સમાતી ન હતી.

શીલાની તબિયતમાં ઘણો સુધારો હતો. બે વર્ષ પછી, અમને સરકીટ કામની સોંપણી મળી અને અમે એ કામ શરૂ કર્યું. અમને સરકીટ કામ માટે મેનિટોબા મોકલવામાં આવ્યાં. કેનેડાના એ પ્રાંતમાં હાડ થીજી જાય એવી ઠંડી હતી. પણ ત્યાંનાં ભાઈ-બહેનોનાં પ્રેમ અને હૂંફને લીધે અમે સેવામાં ઠંડાં ન પડ્યાં, પણ ખૂબ મજા કરી. અમે શીખ્યાં કે ક્યાં સેવા આપીએ એ મહત્ત્વનું નથી, પણ જ્યાં હોઈએ ત્યાં યહોવાની સેવા કરીએ એ મહત્ત્વનું છે.

એક મહત્ત્વની વાત શીખવા મળી

ઘણાં વર્ષો સરકીટ કામ કર્યા પછી ૧૯૭૮માં અમને કેનેડા બેથેલમાં બોલાવવામાં આવ્યાં. થોડાક સમય પછી મને એક કડવી, પણ મહત્ત્વની વાત શીખવા મળી. મૉંટ્રિઑલમાં એક ખાસ સભા રાખવામાં આવી હતી. ત્યાં મારે ફ્રેંચમાં દોઢ કલાક પ્રવચન આપવાનું હતું. દુઃખની વાત છે કે મારું પ્રવચન એટલું સારું ન હતું કે ભાઈ-બહેનોને એમાં રસ પડે. સેવા વિભાગના એક ભાઈએ મને એ વિશે સલાહ આપી. મારે ત્યારે જ સમજી જવાનું હતું કે હું સારો વક્તા નથી. જોકે, એ વાત હવે મને સમજાઈ ગઈ છે. પણ એ વખતે મેં તેમની સલાહ કાને ન ધરી. અમારી વાતચીત બહુ સારી ન રહી. મને ખોટું લાગ્યું હતું. કેમ કે મને થયું કે એ ભાઈએ બસ મારા પ્રવચનના વાંક જ કાઢ્યા અને મેં જે બાબતમાં સારું કર્યું, એના જરાય વખાણ ન કર્યા. સલાહ પર ધ્યાન આપવાને બદલે મેં સલાહ આપનાર પર અને જે રીતે સલાહ આપવામાં આવી એના પર ધ્યાન આપ્યું. એ મારી ભૂલ હતી.

ફ્રેંચ ભાષામાં પ્રવચન આપ્યા પછી મને એક મહત્ત્વની વાત શીખવા મળી

થોડા દિવસો પછી શાખા સમિતિના એક સભ્યએ એ વિશે મારી સાથે વાત કરી. મેં સ્વીકાર્યું કે સલાહ મળી ત્યારે મેં સારું વલણ બતાવ્યું ન હતું. મેં તેમને એ પણ જણાવ્યું કે એ વાતનું મને દુઃખ હતું. પછી મેં જઈને એ ભાઈ સાથે વાત કરી, જેમણે મને સલાહ આપી હતી. મન મોટું રાખીને તેમણે મને માફ કરી દીધો. એ અનુભવથી હું શીખ્યો કે નમ્ર રહેવું કેટલું જરૂરી છે અને એ વાત હું કદી નહિ ભૂલું. (નીતિ. ૧૬:૧૮) એ વિશે મેં યહોવાને ઘણી વાર પ્રાર્થના કરી છે. મેં નક્કી કર્યું છે કે હવે જ્યારે પણ મને સલાહ મળશે, ત્યારે હું ખુશીથી એનો સ્વીકાર કરીશ.

૪૦ કરતાં વધારે વર્ષોથી હું કેનેડા બેથેલમાં સેવા આપી રહ્યો છું. ૧૯૮૫થી હું શાખા સમિતિનો સભ્ય છું. ફેબ્રુઆરી ૨૦૨૧માં મારી વહાલી શીલા મરણની ઊંઘમાં સરી ગઈ. તેના વગર રહેવું બહુ અઘરું છે. ઓછું હોય તેમ, હવે મારી તબિયત પણ સારી રહેતી નથી. પણ યહોવાની સેવામાં એટલો વ્યસ્ત અને ખુશ રહું છું કે ‘દિવસો ક્યાં વીતી જાય છે એનો ખ્યાલ પણ નથી આવતો.’ (સભા. ૫:૨૦) જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી, પણ મને મળેલા આનંદની સરખામણીમાં એ મુશ્કેલીઓ તો કંઈ નથી. મને એ વાતનો સંતોષ છે કે મેં હંમેશાં યહોવાની ભક્તિને વધારે મહત્ત્વ આપ્યું છે અને ૭૦ વર્ષથી પૂરા સમયની સેવા કરી રહ્યો છું. હું પ્રાર્થના કરું છું કે આપણાં યુવાન ભાઈ-બહેનો પણ હંમેશાં યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખે. કેમ કે મને પૂરો ભરોસો છે કે એમ કરવાથી તેઓને અઢળક આશીર્વાદો મળશે. તેમ જ, એવી ખુશી અને સંતોષ મળશે, જે ફક્ત યહોવાની સેવા કરવાથી જ મળે છે.

a માર્શલ ફીલેટોની જીવન સફર ફેબ્રુઆરી ૧, ૨૦૦૦ ચોકીબુરજમાં આપવામાં આવી છે, જેનો વિષય છે: “યહોવાહ મારો આશરો અને બળ છે.

b ૧૯૫૭ સુધી આફ્રિકાના આ વિસ્તાર પર અંગ્રેજોનું રાજ હતું અને એ ગોલ્ડ કોસ્ટ નામે ઓળખાતો.

c હર્બર્ટ જેનિંગ્ઝની જીવન સફર ડિસેમ્બર ૧, ૨૦૦૦ ચોકીબુરજમાં આપવામાં આવી છે, જેનો વિષય છે: “કાલે શું થશે એની તમને ખબર નથી.

d એ સમયે નાથાન એચ. નૉર સંગઠનના કામની આગેવાની લેતા હતા.