સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૩૬

ગીત ૧૪૪ સાંભળો અને બચો

“સંદેશા પ્રમાણે ચાલનારા બનો”

“સંદેશા પ્રમાણે ચાલનારા બનો”

“તમે સંદેશા પ્રમાણે ચાલનારા બનો, . . . ફક્ત સાંભળનારા નહિ.”યાકૂ. ૧:૨૨.

આપણે શું શીખીશું?

આ લેખથી દરરોજ બાઇબલ વાંચવા, એના પર વિચાર કરવા અને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવા ઉત્તેજન મળશે.

૧-૨. યહોવાના સેવકો શા માટે ખુશ રહે છે? (યાકૂબ ૧:૨૨-૨૫)

 યહોવા અને તેમના વહાલા દીકરા આપણને ખુશ જોવા ચાહે છે. ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખકે કહ્યું: “ધન્ય છે તેઓને, જેઓ તેમનાં સૂચનો પાળે છે, જેઓ પૂરા દિલથી તેમનું માર્ગદર્શન શોધે છે.” (ગીત. ૧૧૯:૨) ઈસુએ પણ કહ્યું: “સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”લૂક ૧૧:૨૮.

યહોવાના સેવકો હંમેશાં ખુશ રહે છે. શા માટે? એનાં ઘણાં કારણો છે. પણ એક મહત્ત્વનું કારણ એ છે કે આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ અને શીખેલી વાતો લાગુ પાડવા પ્રયત્ન કરીએ છીએ.—યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.

૩. બાઇબલ વાંચવાથી અને શીખેલી વાતો લાગુ પાડવાથી કયા ફાયદા થાય છે?

‘સંદેશા પ્રમાણે ચાલવાથી’ ઘણા ફાયદા થાય છે. દાખલા તરીકે, બાઇબલમાંથી શીખેલી વાતો લાગુ પાડીને આપણે યહોવાને ખુશ કરીએ છીએ અને એનાથી આપણને પણ ખુશી મળે છે. (સભા. ૧૨:૧૩) એટલું જ નહિ, બાઇબલની સલાહ પાળવાથી કુટુંબના સભ્યો સાથેના અને મંડળનાં ભાઈ-બહેનો સાથેના સંબંધો વધારે મજબૂત થાય છે. તમે પણ એ અનુભવ્યું હશે. વધુમાં, આપણે એવી ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ, જે યહોવાની આજ્ઞા ન પાળનારા લોકો પર આવી પડે છે. ચોક્કસ, આપણે રાજા દાઉદના શબ્દોથી સહમત છીએ. તેમણે એક ગીતમાં યહોવાના નિયમ, આદેશો અને ન્યાયચુકાદા વિશે જણાવ્યા પછી કહ્યું: “તેઓને પાળવાથી મોટું ઇનામ મળે છે.”—ગીત. ૧૯:૭-૧૧.

૪. સંદેશા પ્રમાણે ચાલનાર બનવું કેમ અઘરું છે?

સંદેશા પ્રમાણે ચાલનારા બની શકીએ એ માટે યહોવા આપણી પાસેથી શું ચાહે છે એ જાણવું જરૂરી છે. એ માટે બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો જરૂરી છે. પણ આપણે એટલા વ્યસ્ત છીએ કે સમય કાઢવો બહુ અઘરું છે. એટલે આ લેખમાં અમુક સૂચનો આપ્યાં છે, જેની મદદથી આપણે દરરોજ બાઇબલ વાંચી શકીશું. આપણે એ પણ જોઈશું કે જે વાંચીએ છીએ, એના પર વિચાર કરવા શાનાથી મદદ મળશે. પછી શીખેલી વાતોને જીવનમાં લાગુ પાડવાની અમુક રીતો જોઈશું.

બાઇબલ વાંચવા સમય કાઢો

૫. કયાં કામોમાં આપણો સમય નીકળી જાય છે?

યહોવાના મોટા ભાગના સેવકોનું જીવન બહુ વ્યસ્ત છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે અમુક જવાબદારીઓ પૂરી કરવી ખૂબ જરૂરી છે અને એમાં ઘણો સમય નીકળી જાય છે. દાખલા તરીકે, પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા મોટા ભાગનાં ભાઈ-બહેનો નોકરી કરે છે. (૧ તિમો. ૫:૮) ઘણાં ભાઈ-બહેનો પોતાનાં બીમાર કે વૃદ્ધ સગાં-વહાલાંની દેખરેખ રાખે છે. આપણે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એ પણ ઘણો સમય માંગી લે છે. એ બધા ઉપરાંત મંડળમાં પણ જરૂરી કામ કરવાનાં હોય છે. એવું જ એક જરૂરી કામ છે, ખુશખબર જણાવવી. તો પછી આપણે કઈ રીતે બાઇબલ વાંચવા અને મનન કરવા સમય કાઢી શકીએ તેમજ શીખેલી વાતો લાગુ પાડી શકીએ?

૬. દરરોજ બાઇબલ વાંચવા તમે શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)

ઘણાં કામ ‘વધારે મહત્ત્વનાં’ છે અને એમાંનું એક છે, બાઇબલ વાંચવું. (ફિલિ. ૧:૧૦) એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે બીજાં જરૂરી કામ કરવામાં બાઇબલ વાંચવાનું રહી ન જાય. સુખી માણસ વિશે ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયમાં લખ્યું છે: “તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે, તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.” (ગીત. ૧:૧, ૨) એનાથી સાફ જોવા મળે છે કે બાઇબલ વાંચવા સમય કાઢવો જોઈએ. બાઇબલ વાંચવાનો સૌથી સારો સમય કયો છે? દરેકનો જવાબ જુદો જુદો હોય શકે છે. પણ સાદા શબ્દોમાં કહીએ તો, દરરોજ બાઇબલ વાંચી શકીએ એ સમય સૌથી સારો કહેવાય. વિક્ટર નામના એક ભાઈ કહે છે: “મને સવારે બાઇબલ વાંચવું ગમે છે. આમ તો મને વહેલા ઊઠવું જરાય ગમતું નથી, પણ એ સમયે ધ્યાન ભટકાવનારી બાબતો ઓછી હોય છે. મારું મન તરોતાજા હોય છે અને હું ધ્યાનથી બાઇબલ વાંચી શકું છું.” શું તમને પણ સવારે બાઇબલ વાંચવું ગમે છે? જો ના ગમતું હોય, તો પોતાને પૂછો: ‘બાઇબલ વાંચવા મારા માટે કયો સમય યોગ્ય રહેશે?’

તમે કયા સમયે દરરોજ બાઇબલ વાંચી શકો? (ફકરો ૬ જુઓ)


જે વાંચો છો, એના પર મનન કરો

૭-૮. જે વાંચીએ છીએ એમાંથી પૂરો ફાયદો મેળવવા શું ન કરવું જોઈએ? દાખલો આપીને સમજાવો.

ઘણી વાર એવું બને કે આપણે બહુ બધું વાંચીએ, પણ મનમાં કશું ન ઊતરે. શું તમારી સાથે કદી એવું બન્યું છે કે તમે કંઈક વાંચ્યું હોય અને થોડા જ સમય પછી એમાંનું કશું યાદ ન હોય? બધાની સાથે એવું બને છે. બાઇબલ વાંચીએ ત્યારે પણ એવું બની શકે છે. કદાચ આપણે દરરોજ બાઇબલના અમુક અધ્યાય વાંચવાનું નક્કી કર્યું હોય. એ સારું કહેવાય. આપણે ધ્યેયો રાખવા જોઈએ અને એને વળગી રહેવું જોઈએ. (૧ કોરીં. ૯:૨૬) પણ બાઇબલ વાંચવું એ પહેલું પગલું છે, બસ એક શરૂઆત છે. જો બાઇબલ વાંચનથી ફાયદો મેળવવા માંગતા હોઈએ, તો કંઈક વધારે કરવાની જરૂર છે.

આ દાખલાનો વિચાર કરો: ફૂલછોડ માટે પાણી જરૂરી છે. પણ જો થોડા જ સમયમાં મુશળધાર વરસાદ પડે, તો શું થશે? બધે પાણી પાણી થઈ જશે. પણ પાણી જમીનમાં ઊંડે નહિ ઊતરે અને ફૂલછોડને વરસાદના પાણીનો ફાયદો નહિ થાય. પણ જ્યારે વરસાદ ધીરે ધીરે પડે છે, ત્યારે એ પાણી જમીનમાં ઊંડે ઊતરે છે અને એનાથી ફૂલછોડનો વિકાસ થાય છે. એવી જ રીતે, આપણે ઉતાવળે બાઇબલ વાંચવું ન જોઈએ. એમ કરીશું તો બાઇબલની વાતો દિલમાં ઊંડે ઊતરશે નહિ. એનો અર્થ થાય કે શીખેલી વાતોને યાદ રાખી નહિ શકીએ અને એને જીવનમાં લાગુ પાડી નહિ શકીએ.—યાકૂ. ૧:૨૪.

વરસાદનું પાણી જમીનમાં ઊંડે ઊતરે અને એનાથી ફૂલછોડને ફાયદો થાય એમાં સમય લાગે છે. એવી જ રીતે, બાઇબલમાંથી જે વાંચીએ છીએ એના પર વિચાર કરવા અને એને લાગુ પાડવા સમય લાગે છે (ફકરો ૮ જુઓ)


૯. જો તમે ફટાફટ બાઇબલ વાંચી જતા હો, તો શું કરી શકો?

શું તમને લાગે છે કે અમુક વાર તમે ફટાફટ બાઇબલ વાંચો છો? જો એમ હોય, તો શું કરી શકો? ધીરે ધીરે બાઇબલ વાંચો. આમ બાઇબલ વાંચતી વખતે અથવા વાંચી લીધા પછી એના પર મનન કરી શકશો. પણ જો તમને એમ કરવું અઘરું લાગતું હોય, તો નિરાશ ન થશો. મનન કરવું એટલુંય અઘરું નથી. મનન કરવાનો બસ એટલો જ અર્થ થાય કે તમે જે વાંચ્યું છે એના પર ઊંડો વિચાર કરો. તમે કદાચ અભ્યાસ માટે થોડો વધારે સમય લેવાનું વિચારો, જેથી અભ્યાસ દરમિયાન મનન કરી શકો. કદાચ તમે થોડી જ કલમો વાંચવાનું નક્કી કરી શકો, જેથી બાકીનો સમય વાંચેલી કલમો પર મનન કરી શકો. અગાઉ આપણે વિક્ટરભાઈ વિશે જોઈ ગયા. તે કહે છે: “હું મોટા ભાગે બાઇબલનો એક જ અધ્યાય વાંચું છું. હું સવારે બાઇબલ વાંચું છું, એટલે આખો દિવસ એના પર વિચાર કરી શકું છું.” કેટલું બાઇબલ વાંચવું એ તમારા પર છે. પણ જરૂરી એ છે કે તમે ધીરે ધીરે વાંચો, જેથી એના પર મનન કરી શકો.—ગીત. ૧૧૯:૯૭; “ પોતાને આ સવાલો પૂછો” બૉક્સ જુઓ.

૧૦. શીખેલી વાતો લાગુ પાડવા શું કરી શકો? દાખલો આપીને સમજાવો. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭, ૧૮)

૧૦ તમે ભલે સવારે બાઇબલ વાંચો કે રાતે, થોડી કલમો વાંચો કે વધારે, એ વિચારવું જરૂરી છે કે એને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકો. બાઇબલનો કોઈ અહેવાલ વાંચતી વખતે પોતાને પૂછો: ‘હું આ માહિતીને હમણાં અથવા આવનાર દિવસોમાં કઈ રીતે લાગુ પાડી શકું?’ એ સમજવા ચાલો એક કસરત કરીએ. ધારો કે તમે પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧૭, ૧૮ વાંચી રહ્યા છો. (વાંચો.) એ બે કલમો વાંચ્યા પછી થોડી વાર થોભો અને વિચારો કે તમે કેટલી વાર અને હૃદયના કેટલા ઊંડાણથી પ્રાર્થના કરો છો. તમે એ વાતોનો પણ વિચાર કરી શકો, જેના માટે તમે યહોવાનો આભાર માનવા માંગો છો. તમે નક્કી કરો છો કે તમે કોઈ ત્રણ ખાસ વાત માટે યહોવાનો આભાર માનશો. આવું કરવામાં થોડી જ મિનિટો લાગી. તેમ છતાં તમે કેટલું બધું શીખી શક્યા, ખરું ને? એનાથી તમને સંદેશો સાંભળવા જ નહિ, એ પ્રમાણે ચાલવા પણ મદદ મળી. હવે વિચારો, જો તમે આ રીતે દરરોજ થોડું થોડું બાઇબલ વાંચશો, તો તમને કેટલો ફાયદો થશે! હા, તમે સંદેશા પ્રમાણે ચાલીને યહોવાના વહાલા ભક્ત બની શકશો. પણ જો તમને લાગતું હોય કે તમારે ઘણી બાબતોમાં ફેરફાર કરવાની જરૂર છે, તો શું કરી શકો?

એવા ધ્યેય રાખો, જે પૂરા કરી શકો

૧૧. અમુક વાર આપણે કેમ નિરાશ થઈ જઈ શકીએ? એક દાખલો આપો.

૧૧ બાઇબલ વાંચતી વખતે કદાચ તમને ખ્યાલ આવે કે તમારે ઘણી બાબતોમાં ફેરફાર કરવાની જરૂર છે. તમે કદાચ નિરાશ થઈ જાઓ. આ દૃશ્યની કલ્પના કરો: તમે યાકૂબનો પત્ર વાંચી રહ્યા છો. પહેલા દિવસે તમે વાંચો છો કે ઈશ્વરભક્તોએ પક્ષપાત કરવો ન જોઈએ. (યાકૂ. ૨:૧-૮) તમે વિચારો છો, ‘ભાઈ-બહેનો સાથેના વર્તનમાં મારે અમુક સુધારા કરવાની જરૂર છે.’ એટલે તમે અમુક ફેરફાર કરવાનું નક્કી કરો છો. શાબાશ! પછી બીજા દિવસે તમે ત્રીજો અધ્યાય વાંચો છો. એમાં ભાર મૂકવામાં આવ્યો છે કે આપણી જીભ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. (યાકૂ. ૩:૧-૧૨) તમે કહો છો: ‘અમુક વાર હું એવું કંઈક કહી દઉં છું, જેનાથી બીજાઓને ખોટું લાગી શકે છે. એટલે હવેથી હું એવી જ વાતો કરીશ, જેનાથી બીજાઓને ઉત્તેજન મળે.’ ત્રીજા દિવસે તમારું ધ્યાન એક ચેતવણી પર પડે છે. ત્યાં લખ્યું છે કે ઈશ્વરભક્તોએ દુનિયા સાથે દોસ્તી ન કરવી જોઈએ. (યાકૂ. ૪:૪-૧૨) તમારા ધ્યાનમાં આવે છે કે મનોરંજનની બાબતમાં તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ચોથો દિવસ આવતાં આવતાં તો તમે થાકી જશો, નિરાશ થઈ જશો અને વિચારશો, ‘મારે આટલી બધી બાબતોમાં સુધારો કરવાનો છે? આ હું ક્યારે કરી રહીશ?’

૧૨. જો ખ્યાલ આવે કે તમારે ઘણી બાબતોમાં સુધારો કરવાનો છે, તો કેમ નિરાશ થવું ન જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

૧૨ જો તમને લાગતું હોય કે તમારે ઘણી બાબતોમાં સુધારો કરવાનો છે, તો નિરાશ ન થશો. એ તો બતાવે છે કે તમારું દિલ બહુ સારું છે. એક નમ્ર અને સાફ દિલની વ્યક્તિ જ બાઇબલ વાંચતી વખતે વિચારે છે કે તેણે ક્યાં સુધારો કરવાની જરૂર છે. a એ પણ યાદ રાખજો, તમે એક જ દિવસમાં “નવો સ્વભાવ” પહેરી નહિ શકો, તમારે દરરોજ મહેનત કરવી પડશે. (કોલો. ૩:૧૦) સંદેશા પ્રમાણે ચાલનાર બનવા બીજા શાનાથી મદદ મળશે?

૧૩. સુધારો કરવાની સારી રીત કઈ છે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ તમારે ક્યાં ક્યાં સુધારો કરવાનો છે એ જાણ્યા પછી શું કરી શકો? એક જ સમયે બધા સુધારા કરવાને બદલે, નાના નાના ધ્યેય રાખો. (નીતિ. ૧૧:૨) તમે આવું કંઈક કરી શકો: તમારે ક્યાં ક્યાં સુધારો કરવાનો છે એની એક યાદી બનાવો. પછી એક કે બે જ બાબતોમાં સુધારો કરવાનું શરૂ કરો. બાકીની બાબતો પર પછી સુધારો કરજો. પણ તમને થશે, “શરૂઆત ક્યાંથી કરું?”

તમારે ક્યાં ક્યાં સુધારો કરવાનો છે એ જાણ્યા પછી શું કરી શકો? એક કે બે બાબતો લાગુ પાડવાની કોશિશ કરો (ફકરા ૧૩-૧૪ જુઓ)


૧૪. તમે ક્યાંથી શરૂઆત કરી શકો?

૧૪ શરૂઆતમાં તમે કદાચ એવા ધ્યેય પર કામ કરી શકો, જે તમે પૂરો કરી શકો. જેમ કે, તમે વિચારી શકો કે કયો ફેરફાર કરવો તમારા માટે સહેલું છે. અથવા તમે વિચારી શકો કે ક્યાં સુધારો કરવાની વધારે જરૂર છે. એકવાર નક્કી થઈ જાય કે તમે કયો ધ્યેય પૂરો કરવા માંગો છો, પછી આપણાં સાહિત્યમાં સંશોધન કરો. તમે વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી અથવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં એ વિશે સંશોધન કરી શકો. યહોવાને પ્રાર્થના કરો કે ધ્યેય પૂરો કરવા તમને “ઇચ્છા અને બળ” આપે. (ફિલિ. ૨:૧૩) પછી શીખેલી વાતો લાગુ પાડવા પ્રયત્ન કરો. જો એક ધ્યેય પૂરો થશે, તો બીજો ધ્યેય પૂરો કરવાનું આપોઆપ મન થશે. હકીકતમાં, જ્યારે એક બાબતમાં સુધારો કરીએ છીએ અથવા કોઈ ગુણ કેળવીએ છીએ, ત્યારે બીજી બાબતોમાં સુધારો કરવું સહેલું બની જાય છે.

ઈશ્વરના સંદેશાને ‘તમારા દિલ પર અસર’ કરવા દો

૧૫. બાઇબલ વાંચવાની વાત આવે ત્યારે યહોવાના સેવકો કઈ રીતે બીજાઓ કરતાં અલગ છે? (૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩)

૧૫ અમુક લોકો કહેશે, “મેં તો ઘણી વાર બાઇબલ વાંચ્યું છે.” પણ શું તેઓ બાઇબલમાં ભરોસો મૂકે છે? શું તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાની અથવા પોતાના જીવનમાં ફેરફારો કરવાની કોશિશ કરે છે? દુઃખની વાત છે કે મોટા ભાગના લોકો એવું નથી કરતા. પણ યહોવાના સેવકો આ દુનિયાના લોકો કરતાં એકદમ અલગ છે. પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આપણે સ્વીકારીએ છીએ કે બાઇબલનો “સંદેશો ઈશ્વર તરફથી છે.” એટલું જ નહિ, આપણે બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવા બનતું બધું કરીએ છીએ.—૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩ વાંચો.

૧૬. સંદેશા પ્રમાણે ચાલનાર બનવા શાનાથી મદદ મળશે?

૧૬ બાઇબલ વાંચવું અને એ પ્રમાણે ચાલવું હંમેશાં સહેલું નથી હોતું. અમુક વાર બાઇબલ વાંચવા સમય કાઢવો અઘરું લાગે. એવું પણ બને કે ફટાફટ બાઇબલ વાંચી જઈએ અને દિલમાં કશું ન ઊતરે. કોઈક વાર એ વિચારથી જ નિરાશ થઈ જઈએ કે કેટલી બધી બાબતોમાં સુધારો કરવાનો છે. એવી મુશ્કેલીઓનો પાર નથી, પણ એને પાર જરૂર કરી શકાય છે. યહોવાની મદદથી તમે ચોક્કસ એમ કરી શકશો. તો પછી પાકો નિર્ણય લઈએ કે યહોવાની મદદ સ્વીકારીશું અને ફક્ત સાંભળનારા નહિ, સંદેશા પ્રમાણે ચાલનારા પણ બનીશું. જેટલું વધારે બાઇબલ વાંચીશું અને એની સલાહ જીવનમાં લાગુ પાડીશું, એટલા વધારે ખુશ રહી શકીશું. શું એમાં કોઈ શંકા છે?—યાકૂ. ૧:૨૫.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે