ઈશ્વરનું નામ શું છે?
કોઈ વ્યક્તિને ઓળખવા માંગતા હોવ તો, સૌથી પહેલાં તમે શું પૂછશો? તમે પૂછશો, “તમારું નામ શું છે?” જો તમે એ જ સવાલ ઈશ્વરને પૂછો તો, તે શું કહેશે?
“હું યહોવા છું; એ જ મારું નામ છે.”—યશાયા ૪૨:૮.
શું તમે એ નામ કદી સાંભળ્યું છે? કદાચ નહિ સાંભળ્યું હોય. બાઇબલના ઘણા અનુવાદકો ઈશ્વરના નામનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. તેઓ “યહોવા” નામની જગ્યાએ “પ્રભુ” શબ્દનો ઉપયોગ કરે છે. જોકે, બાઇબલની મૂળ ભાષામાં ઈશ્વરનું નામ લગભગ ૭,૦૦૦ વાર જોવા મળે છે. એ હિબ્રૂ ભાષાના ચાર મૂળાક્ષરોથી (ય-હ-વ-હ) બનેલું છે, જેનો ગુજરાતીમાં “યહોવા” કે “યાહવે” તરીકે અનુવાદ થયો છે.
હિબ્રૂ લખાણોમાં અને બીજા ઘણા અનુવાદોમાં ઈશ્વરનું નામ અનેક જગ્યાએ જોવા મળે છે
ઈશ્વરનું નામ જાણવું કેમ મહત્ત્વનું
ઈશ્વર માટે પોતાનું નામ મહત્ત્વનું છે. કોઈએ ઈશ્વરને નામ આપ્યું નથી. તેમણે પોતે જ એ નામ પસંદ કર્યું છે. યહોવા કહે છે: ‘મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી પેઢી દર પેઢી એ જ છે.’ (નિર્ગમન ૩:૧૫) બાઇબલમાં ઈશ્વર માટે સર્વશક્તિમાન, પિતા, પ્રભુ જેવા ઘણા ખિતાબ વાપરવામાં આવ્યા છે. પણ યહોવા નામનો સૌથી વધારે વાર ઉપયોગ થયો છે. ઈબ્રાહીમ, મુસા, દાઊદ અને ઈસુ જેવાં નામોથી પણ વધારે વખત તેમના નામનો ઉપયોગ થયો છે. સૌથી મહત્ત્વનું તો, યહોવા પોતે ઇચ્છે છે કે બધા તેમનું નામ જાણે. બાઇબલ જણાવે છે: ‘લોકો જાણે કે તમે, જેમનું નામ યહોવા છે, તે તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.
ઈસુ માટે ઈશ્વરનું નામ મહત્ત્વનું છે. ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું. એને ઘણા લોકો પ્રભુની પ્રાર્થના પણ કહે છે. ઈસુએ આવી પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું: “તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ્થી ૬:૯) ઈસુએ પોતે ઈશ્વરને પ્રાર્થના કરી: “હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” (યોહાન ૧૨:૨૮) ઈસુ માટે સૌથી મહત્ત્વનું એ જ હતું કે ઈશ્વરના નામને મહિમા મળે. એટલે જ તેમણે પ્રાર્થનામાં કહ્યું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ.”—યોહાન ૧૭:૨૬.
ઈશ્વરભક્તો માટે ઈશ્વરનું નામ મહત્ત્વનું છે. બાઇબલના જમાનામાં ઈશ્વરભક્તો જાણતા હતા કે તારણ પામવા અને રક્ષણ મેળવવા શું કરવું જોઈએ. એ જ કે, ઈશ્વરનું નામ જાણે અને તેમના પર ભરોસો મૂકે. “યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નીતિવચનો ૧૮:૧૦) “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર પામશે.” (યોએલ ૨:૩૨) બાઇબલ જણાવે છે કે ઈશ્વરના નામથી તેમના ભક્તો ઓળખાશે. “સર્વ પ્રજાઓ પોતપોતાના ઈશ્વરના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”—મીખાહ ૪:૫; પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૪.
નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.” (ઈશ્વરનું નામ શું દર્શાવે છે
ઈશ્વરનું નામ તેમની ખરી ઓળખ આપે છે. ઘણા નિષ્ણાતો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે “યહોવા” નામનો આવો અર્થ થાય: “તે શક્ય બનાવે છે.” યહોવા ઈશ્વરે મુસા સાથે વાત કરતી વખતે પોતાના નામનો અર્થ વધારે સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું, “હું જે છું તે છું.” (નિર્ગમન ૩:૧૪) મૂળ હિબ્રૂ ભાષામાં જોવા મળતા એ શબ્દોનો આવો પણ અનુવાદ થઈ શકે: ‘જે મારે કરવું હોય, એ હું ચોક્કસ કરીશ.’ ઈશ્વરનું નામ બસ એટલું જ નથી દર્શાવતું કે તે સર્જનહાર છે. એમાં ઘણું સમાયેલું છે. તેમનું નામ દર્શાવે છે કે તે પોતાનો હેતુ પૂરો કરવા જે કંઈ જરૂરી હોય એ કરી શકે છે. પોતે રચેલી સૃષ્ટિ દ્વારા પણ તે એને શક્ય બનાવે છે. ઈશ્વર, પ્રભુ કે ભગવાન જેવા ખિતાબો ઈશ્વરના અધિકાર, સત્તા કે શક્તિને બતાવે છે. જ્યારે કે, તેમનું નામ “યહોવા” બતાવે છે કે જેવું નામ એવું જ કામ. અને એમ કરવા તે સક્ષમ પણ છે.
ઈશ્વરનું નામ દર્શાવે છે કે તેમને આપણામાં રસ છે. ઈશ્વરનું નામ બતાવે છે કે તેમને પોતાની સૃષ્ટિ પર ખૂબ જ પ્રેમ છે. એમાં આપણે પણ આવી જઈએ છીએ. એટલું જ નહિ, ઈશ્વરે પોતે આપણને તેમનું નામ જણાવ્યું છે. ખરું કહીએ તો, તેમણે પોતાનું નામ જણાવવામાં પહેલ કરી છે. એ સાફ બતાવી આપે છે કે આપણે તેમને નજીકથી ઓળખીએ એવું તે ચાહે છે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૮.
ઈશ્વરનું નામ વાપરીને બતાવીએ છીએ કે આપણે તેમને ઓળખવા માંગીએ છીએ. માની લો કે તમે કોઈને તમારા દોસ્ત બનાવવા ચાહો છો. તમે તેને કહેશો, ‘મારા નામથી જ મને બોલાવજે.’ જો એ વ્યક્તિ કાયમ તમારું નામ લેવાનું ટાળે, તો તમને કેવું લાગશે? તમને કદાચ ખ્યાલ આવી જશે કે એ વ્યક્તિ તમારા દોસ્ત બનવા માંગતી નથી. ઈશ્વર સાથે પણ એવું જ છે. યહોવાએ મનુષ્યોને પોતાનું નામ જણાવ્યું છે. તે ઇચ્છે છે કે આપણે તેમનું નામ લઈએ. એમ કરીને બતાવીએ છીએ કે ઈશ્વરને આપણા મિત્ર બનાવવા ચાહીએ છીએ. બાઇબલ કહે છે, ‘તેમના નામનું ચિંતન કરનારાઓ’ ઈશ્વરના ધ્યાન બહાર નથી!—માલાખી ૩:૧૬.
ઈશ્વરને ઓળખવા માટે સૌથી પહેલાં તેમનું નામ જાણવું મહત્ત્વનું છે. પણ એટલું જ પૂરતું નથી. તેમનો સ્વભાવ કેવો છે, તેમના ગુણો કેવા છે, એ જાણવું પણ જરૂરી છે.
ઈશ્વરનું નામ શું છે? ઈશ્વરનું નામ યહોવા છે. એ નામ જ તેમની ખરી ઓળખ આપે છે. એ નામ બતાવે છે કે ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરી શકે છે