નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
૨ | બદલો ન લઈએ
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
‘બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો. જો શક્ય હોય તો બધા લોકો સાથે હળીમળીને રહેવા તમારાથી બનતું બધું કરો. તમે બદલો લેશો નહિ, જેમ શાસ્ત્રમાં લખેલું છે: “યહોવા કહે છે, ‘વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.’”’—રોમનો ૧૨:૧૭-૧૯.
એનો શું અર્થ થાય?
કોઈ આપણી સાથે ખોટું કરે ત્યારે આપણને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. તોપણ આપણે બદલો ન લેવો જોઈએ. કેમ કે ભગવાનને એ ગમતું નથી. તે ચાહે છે કે આપણે બધી બાબતોને તેમના હાથમાં સોંપી દઈએ. તેમણે વચન આપ્યું છે કે તે યોગ્ય સમયે પગલાં ભરશે અને આપણને ન્યાય અપાવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૭, ૧૦.
તમે શું કરી શકો?
બદલો લેવાથી વાત વધારે બગડે છે. એ જાણે નફરતની આગમાં ઘી નાંખવા જેવું છે. એટલે જો કોઈ તમને દુઃખ પહોંચાડે અથવા તમારું નુકસાન કરે તોપણ બદલો ન લો. ગુસ્સાને કાબૂમાં રાખો અને શાંત રહો. અમુક કિસ્સામાં તો જે બન્યું છે એને ભૂલી જવામાં જ સમજદારી હોય છે. (નીતિવચનો ૧૯:૧૧) જ્યારે બીજા અમુક કિસ્સામાં પગલાં ભરવાં તમને યોગ્ય લાગે. દાખલા તરીકે, જો કોઈ એવી વાત કરે, તમને મારે અથવા બીજી કોઈ રીતે હેરાન કરે તો પોલીસને જાણ કરવી કદાચ તમને યોગ્ય લાગે.
બદલો લેવાથી પોતાને જ નુકસાન થાય છે
માની લો, કોઈ બાબતનો શાંતિથી ઉકેલ લાવવા તમે બનતું બધું કર્યું છે. છતાં તમને કોઈ ઉકેલ મળતો નથી અને કોઈ રસ્તો દેખાતો નથી. તમે શું કરશો? એવા સંજોગોમાં પણ બદલો ન લો. એવું કરવાથી વાત વધારે બગડી જશે. મનમાંથી નફરત કાઢી નાખો. ભગવાન પર ભરોસો રાખો. તે જ સૌથી સારી રીતે એનો ઉકેલ લાવશે. બાઇબલમાં લખ્યું છે: “તેમના પર આધાર રાખ અને તે તારા માટે પગલાં ભરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૩-૫.