નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
“ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ [પૂરેપૂરી] ઇચ્છા પારખી શકો.”—રોમનો ૧૨:૨.
એનો શું અર્થ થાય?
નફરતની શરૂઆત મનમાંથી થાય છે. આપણે કોઈને મનમાં પણ નફરત કરવા લાગીએ, ત્યારે તેમના વિશે ખોટી વાતો કરીએ છીએ અને તેમની સાથે ખરાબ વ્યવહાર કરીએ છીએ. ભગવાન જુએ છે કે આપણે મનમાં શું વિચારીએ છીએ. (યર્મિયા ૧૭:૧૦) એટલે બીજાઓ વિશે ખરાબ વાતો કરવી અને ખરાબ વ્યવહાર કરવો એ તો ખોટું છે જ, પણ તેઓ માટે મનમાં નફરત ભરી રાખવી એ પણ ખોટું છે. જો આપણે મનમાંથી નફરત કાઢી નાખીશું, તો જ કહી શકીશું કે આપણું મન “પૂરેપૂરું બદલાઈ” ગયું છે. અને આપણે નફરતના બંધનમાંથી આઝાદ થઈશું.
તમે શું કરી શકો?
જરા વિચારો કે બીજી જાતિ, રંગ, ભાષા કે દેશના લોકો વિશે તમને કેવું લાગે છે? તેઓ વિશે તમે શું વિચારો છો? જરા આ સવાલોનો વિચાર કરો, ‘મને કેમ અમુક લોકો નથી ગમતા? શું હું તેઓને સારી રીતે ઓળખું છું કે પછી હું બીજાઓની વાતોમાં આવીને તેઓને નફરત કરવા લાગુ છું?’ ટી.વી. કે ઇન્ટરનેટ પર એવા કાર્યક્રમો ન જુઓ જેમાં નફરત અને હિંસા બતાવવામાં આવે છે. એવા મેસેજથી પણ દૂર રહો.
ઈશ્વરનું વચન આપણને દિલમાંથી નફરત દૂર કરવા મદદ કરે છે
કોઈ પણ દેશ કે જાતિ માટે આપણા વિચારો સાચા છે કે ખોટા એ આપણે પોતે નથી પારખી શકતા. પણ બાઇબલ વાંચવાથી આપણે “દિલના વિચારો અને ઇરાદાઓને પારખી” શકીએ છીએ. (હિબ્રૂઓ ૪:૧૨) તમે બાઇબલ વાંચીને જુઓ. તમે પોતે જોઈ શકશો કે બાઇબલમાં જેવું લખ્યું છે એવા તમારા વિચારો છે કે નહિ. જો નફરત આપણાં દિલમાં ઘર કરી ગઈ હોય, તોપણ ઈશ્વરની મદદથી એને “જડમૂળથી ઉખેડી” શકીએ છીએ.—૨ કોરીંથીઓ ૧૦:૪, ૫.