બાગ જેવી સુંદર પૃથ્વી—સપનું કે હકીકત?
બાગ જેવી સુંદર પૃથ્વી કોને ન ગમે! અનેક ટ્રાવેલ મૅગેઝિનમાં ‘સુંદર’ મનમોહક જગ્યાઓ વિશે આકર્ષક જાહેરાતો હોય છે. આપણને લાગે કે એવી જગ્યાએ જવાથી આપણી બધી ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને હળવાશની પળો માણી શકીશું. જોકે, વેકેશન પછી ઘરમાં પગ મૂકતા જ આપણે જીવનની ચિંતાઓથી ફરી ઘેરાઈ જઈએ છીએ.
છતાં, બાગ જેવી સુંદર પૃથ્વી પર રહેવાનો વિચાર આકર્ષક છે. આપણે વિચારવા લાગીએ છીએ: “શું સુંદર પૃથ્વી પર રહેવું એક સ્વપ્ન જ છે? જો એમ હોય તો એના પ્રત્યે કેમ આટલું આકર્ષણ? શું એ કદી હકીકત બનશે?”
લોકોની માન્યતા
શરૂઆતમાં પૃથ્વી બાગ જેવી સુંદર હતી, એ વિચાર માત્રથી લોકોનું દિલ ઝૂમી ઊઠે છે. બાઇબલમાં જણાવ્યું છે કે, “પૂર્વ તરફ એદનમાં એક વાડી” કે બગીચો હતો. એ વાંચીને ઘણા લોકોને એના વિશે જાણવાની જીજ્ઞાસા થઈ હતી. એ બગીચો શા માટે આકર્ષક લાગતો? બાઇબલ અહેવાલ આગળ જણાવે છે કે, “યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જેનાં ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારાં છે,” તેઓને ઉગાવ્યાં. એ બગીચો રમણીય અને મન મોહી લે એવો હતો. અને ‘બગીચાની વચ્ચે આવેલું જીવનનું વૃક્ષ’ સૌથી આકર્ષક હતું.—ઉત્પત્તિ ૨:૮, ૯.
વધુમાં, ઉત્પત્તિના અહેવાલમાં જણાવ્યું છે કે એ બગીચામાંથી ચાર નદીઓ વહેતી હતી. એમાંની બે નદીઓ તીગ્રિસ (અથવા હીદ્દેકેલ) અને યુફ્રેટિસ તો આજે પણ જાણીતી છે. (ઉત્પત્તિ ૨:૧૦-૧૪) આજનું ઇરાક, જે અગાઉ પ્રાચીન ઈરાનનો ભાગ હતું, એમાં થઈને એ બે નદીઓ ઈરાનના અખાતમાં ભળી જતી.
તેથી, સમજી શકાય કે શા માટે બાગ જેવી સુંદર પૃથ્વી વિશેની માન્યતા ઈરાનની સંસ્કૃતિનો ભાગ છે. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં આવેલા ફિલાદેલ્ફિયા મ્યુઝિયમમાં ૧૬મી સદીનો એક ઈરાની ગાલીચો છે. એના પર બગીચાની ડિઝાઈન છે, જેમાં ઝાડ અને ફૂલો છે. એ બગીચાની ચોતરફ કોટ છે. “કોટથી ઘેરાયેલા બગીચા” માટેના ઈરાની શબ્દનો અર્થ પણ ‘સુંદર બાગ’ થાય છે. એ ડિઝાઈન બાઇબલમાં જણાવેલા સુંદર અને ફળદ્રુપ એદનના બગીચા સાથે મેળ ખાય છે.
દુનિયા ફરતે ઘણી ભાષાઓ અને સંસ્કૃતિઓમાં બાગ જેવી સુંદર પૃથ્વી વિશેની વાર્તાઓ જોવા મળે છે. માણસો ધરતીના ખૂણે ખૂણે ફેલાતા ગયા તેમ, શરૂઆતમાં પૃથ્વી બાગ જેવી હતી એ મૂળ અહેવાલ સાથે લેતા ગયા. સદીઓ દરમિયાન એ અહેવાલ તેઓની માન્યતા અને દંતકથાઓનો ભાગ બની ગયો. આજે પણ લોકો કોઈ સુંદર જગ્યા જુએ કે તરત તેઓના મુખમાંથી શબ્દો સરી પડે છે કે, “વાહ! સ્વર્ગ ધરતી પર ઊતરી આવ્યું છે!”
એ સુંદર બગીચા માટે શોધ
અમુક સંશોધકો દાવો કરે છે કે તેઓએ એ જગ્યા શોધી કાઢી છે, જ્યાં ઈશ્વરે સુંદર બગીચો બનાવ્યો હતો. દાખલા તરીકે, બ્રિટનના એક લશ્કરી અધિકારી ચાર્લ્સ ગૉર્ડન ૧૮૮૧માં સીશલ્સની મુલાકાતે ગયા હતા. ત્યાં વાલી ડે માઈ નામની જગ્યા છે, જેની ગણના આજે વિશ્વના ઐતિહાસિક સ્થળોમાં થાય છે. એનું કુદરતી સૌંદર્ય જોઈને ચાર્લ્સ એટલા પ્રભાવિત થઈ ગયા કે, તેમણે એ જગ્યાને એદનના બગીચા તરીકે જાહેર કરી. ૧૫મી સદીમાં ઇટાલીના ક્રિસ્ટોફર કોલંબસે હિસ્પેનિઓલા ટાપુ શોધી કાઢ્યો હતો, જે આજે હૈતી અને ડોમિનિકન પ્રજાસત્તાકની સરહદે આવેલો છે. એ ટાપુ પર પહોંચ્યા ત્યારે, તેમને લાગ્યું કે જાણે એદનના બગીચાની નજીક આવી ગયા છે.
મેપીંગ પેરેડાઈસ નામના ઇતિહાસના પુસ્તકમાં ૧૯૦થી વધુ પ્રાચીન નકશાની વિગતો છે. ઘણા નકશામાં એદન વાડીમાં આદમ અને હવાને બતાવવામાં આવ્યા છે. એમાંનો એક નકશો એકદમ અનોખો છે. એ નકશો, ૧૩મી સદીની બાતસ ઓફ લીબાનાની હસ્તપ્રતની નકલમાંથી લેવાયો છે. એમાં ઉપર એક લંબચોરસ આકૃતિ છે, જેની વચ્ચોવચ્ચ એદનનો બગીચો છે. એમાંથી ચારેય ખૂણા તરફ એક-એક નદી વહે છે, જેઓના નામ છે: “તીગ્રિસ”, “યુફ્રેટિસ”, “પીશોન” અને “ગીહોન”. એ જાણે પૃથ્વીના ચાર ખૂણામાં ખ્રિસ્તી ધર્મના થયેલા ફેલાવાને રજૂ કરે છે. આવા ચિત્રો
બતાવે છે કે ભલે એ સુંદર બગીચાની ખરી જગ્યાથી લોકો અજાણ હતા, છતાં એની મહેકતી યાદો લોકોના મનમાંથી ગઈ ન હતી.૧૭મી સદીના બ્રિટનના કવિ જોન મિલ્ટન પોતાની કવિતા પેરેડાઈસ લૉસ્ટ માટે જાણીતા છે. એ કવિતા ઉત્પત્તિના અહેવાલ પર આધારિત હતી. કવિતામાં તેમણે આદમના પાપ વિશે અને એદનના બગીચામાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો એ વિશે લખ્યું હતું. તેમ જ, તેમણે એ વચન પર ધ્યાન દોર્યું કે પૃથ્વી પર મનુષ્યોને હંમેશ માટેનું જીવન મળશે. તેમણે લખ્યું હતું કે ‘ફરી પૃથ્વી બાગ જેવી સુંદર બની જશે.’ થોડા સમય પછી, મિલ્ટને એનો બીજો ભાગ લખ્યો, પેરેડાઈસ રીગેઈન્ડ.
લોકોનું ધ્યાન ફંટાયું
સાફ જોઈ શકાય કે, એ સુંદર બગીચાની યાદો એવી સોનેરી દોરી છે, જે આખા માનવ ઇતિહાસમાં વણાયેલી છે. તો હવે શા માટે લોકો એની અવગણના કરે છે? એનું એક કારણ મેપીંગ પેરેડાઈસ જણાવે છે: “વિદ્વાનો . . . જાણીજોઈને એ સુંદર બગીચાના સ્થળ વિશેનો વિવાદ ઉખેડવા માંગતા નથી.”
ચર્ચમાં જનારા મોટાભાગના લોકોને શીખવવામાં આવ્યું છે કે તેમનું ખરું ભાવિ સ્વર્ગમાં છે, બાગ જેવી સુંદર પૃથ્વી પર નહિ. જોકે, બાઇબલ જણાવે છે: ‘નમ્ર લોકો પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) પણ આજે પૃથ્વી બાગ જેવી સુંદર જરા પણ નથી. તો કઈ રીતે ભરોસો રાખી શકાય કે, એ વચન ચોક્કસ પૂરું થશે? *
પૃથ્વી ફરી ખીલી ઊઠશે
ઈશ્વર યહોવાએ શરૂઆતમાં એ સુંદર બગીચો બનાવ્યો હતો. તેમણે વચન આપ્યું છે કે તે ફરીથી પૃથ્વીને બાગ જેવી રમણીય બનાવશે. કઈ રીતે? ઈસુએ શીખવેલી પ્રાર્થના યાદ કરો: “તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૧૦) એ રાજ્યના રાજા ઈસુ છે. તે માણસોની સરકારને કાઢીને પૃથ્વી પર રાજ કરશે. (દાનીયેલ ૨:૪૪) ઈસુ એ રાજ્યની કમાન હાથમાં લેશે ત્યારે, પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવાની ઈશ્વરની “ઇચ્છા પૂરી” થશે.
સદીઓ અગાઉ પ્રબોધક યશાયાને ભાવિના જીવન વિશે લખવાની પ્રેરણા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે માણસોને સતાવતા દરેક તણાવ અને વિખવાદને દૂર કરવામાં આવશે. (યશાયા ૧૧:૬-૯; ૩૫:૫-૭; ૬૫:૨૧-૨૩) અમે અરજ કરીએ છીએ કે તમે થોડોક સમય કાઢીને બાઇબલમાંથી એ કલમો વાંચો. એમ કરવાથી, ઈશ્વર જે આશીર્વાદો વફાદાર ભક્તોને આપવાના છે, એના પર તમારો ભરોસો વધશે. એ સમયે, લોકો સુંદર પૃથ્વી અને ઈશ્વરની કૃપાનો આનંદ માણશે, જે આદમે ગુમાવી દીધી હતી.—પ્રકટીકરણ ૨૧:૩.
શા માટે આપણે ખાતરી રાખી શકીએ કે, બાગ જેવી સુંદર પૃથ્વી એક સપનું નહિ પણ હકીકત છે? કારણ કે બાઇબલ જણાવે છે: “આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.” એ સુંદર પૃથ્વી “વિશે લાંબા સમય પહેલાં ઈશ્વરે વચન આપ્યું હતું, જે કદી જૂઠું બોલી શકતા નથી.” (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬; તિતસ ૧:૨) ભાવિ માટે બાઇબલમાં આપેલી આશા કેટલી અદ્ભુત છે, પૃથ્વી ફરી બાગ જેવી સુંદર બનશે! હા, પૃથ્વી ફરી ખીલી ઊઠશે!
^ ફકરો. 15 એ જાણવું રસપ્રદ છે કે કુરાનના સૂરા ૨૧, કલમ ૧૦૫માં અલ-અન્બિયા [નબીઓ] જણાવે છે: ‘મારા નેક લોકો ધરતીનો વારસો મેળવશે.’