સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના પવિત્ર નામ યહોવાને રજૂ કરતા હિબ્રૂ ભાષાના ચાર મૂળાક્ષરો, જે જમણેથી ડાબે વંચાય છે

સૌથી નાનો અક્ષર, આપે મોટી ખાતરી

સૌથી નાનો અક્ષર, આપે મોટી ખાતરી

શું આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાએ આપેલું એકેએક વચન સાચું પડશે? ઈસુને એ વિશે પૂરી ખાતરી હતી. તેમણે શીખવેલી વાતોને આધારે તેમના અનુયાયીઓનો પણ ભરોસો મજબૂત થયો હતો. પહાડ પરના ઉપદેશમાં તેમણે એક દૃષ્ટાંત આપ્યું હતું, જે માથ્થી ૫:૧૮માં જોવા મળે છે. ઈસુએ કહ્યું હતું: “હું તમને સાચું કહું છું કે ભલે આકાશ અને પૃથ્વી જતાં રહે, પણ જ્યાં સુધી નિયમશાસ્ત્રમાં લખેલી બધી વાતો પૂરી ન થાય, ત્યાં સુધી એનો સૌથી નાનો અક્ષર કે અક્ષરની એક માત્રા પણ જતાં રહેશે નહિ.”

હિબ્રૂ ભાષાનો સૌથી નાનો અક્ષર છે, યોદ (મૂળ હિબ્રૂ, י). * ઈશ્વરના નામ “યહોવા” માટે વપરાયેલા ચાર મૂળાક્ષરોમાંનો એ પહેલો છે. વધુમાં, શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિયમશાસ્ત્રના એકેએક શબ્દ અને અક્ષરને મહત્ત્વ આપતા. અરે, તેઓ તો “અક્ષરની એક માત્રા પણ” મહત્ત્વની ગણતા.

ઈસુએ કહ્યું હતું કે આકાશ અને પૃથ્વી જતાં રહે એવું કદાચ બને, પણ નિયમશાસ્ત્રમાં લખેલી કોઈ નાની વિગત પૂરી ન થાય, એવું બને જ નહિ. જોકે, શાસ્ત્ર ભરોસો અપાવે છે કે આકાશ અને પૃથ્વી હંમેશ માટે ટકી રહેશે. (ગીતશાસ્ત્ર ૭૮:૬૯) તો ઈસુએ કહેલી વાત પાકી ખાતરી આપે છે કે, નિયમશાસ્ત્રની નાનામાં નાની વિગત પણ પરિપૂર્ણ થશે.

શું યહોવા નાની નાની વિગતો પર ધ્યાન આપે છે? ચોક્કસ. આનો વિચાર કરો: પ્રાચીન ઇઝરાયેલી પ્રજાને કહેવામાં આવ્યું હતું કે પાસ્ખાના હલવાનનું એકેય હાડકું તેઓએ ન ભાંગવું. (નિર્ગમન ૧૨:૪૬) એકદમ નાની વિગત! પરંતુ, શું તેઓ જાણતા હતા કે શા માટે હાડકું ન ભાંગવું જોઈએ? કદાચ નહિ. પણ યહોવા જાણતા હતા. એ નિયમ ભવિષ્યવાણી હતી કે મસીહને વધસ્તંભે મારી નાંખવામાં આવશે ત્યારે, તેમનું એકેય હાડકું ભાંગવામાં આવશે નહિ.—ગીતશાસ્ત્ર ૩૪:૨૦; યોહાન ૧૯:૩૧-૩૩, ૩૬.

ઈસુના શબ્દો આપણને શું શીખવે છે? આપણે પણ પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાએ આપેલું એકેએક વચન ચોક્કસ પૂરું થશે. અરે, નાનામાં નાની વિગત પણ! હિબ્રૂ ભાષાનો સૌથી નાનો અક્ષર ખરેખર કેટલી મોટી ખાતરી આપે છે!

^ ફકરો. 3 ગ્રીક ભાષાનો સૌથી નાનો અક્ષર આયોટા છે, જે હિબ્રૂ અક્ષર યોદ (י) સાથે મળતો આવે છે. મુસાનો નિયમ સૌથી પહેલા હિબ્રૂમાં લખાયો હતો અને ઈસુના સમયમાં પણ એ હિબ્રૂ ભાષામાં જ હતો. એટલે લાગે છે કે ઈસુ હિબ્રૂ ભાષાના અક્ષરની વાત કરતા હતા.