સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સચોટ ભવિષ્યવાણીનો મૂંગો સાક્ષી

સચોટ ભવિષ્યવાણીનો મૂંગો સાક્ષી

મધ્ય રોમ, ઇટાલીમાં એક વિજયસ્મારક પ્રવેશદ્વાર છે, જેને જોવા દુનિયા ફરતેના લોકો આવે છે. આ ઐતિહાસિક સ્મારક રોમના લોકપ્રિય સમ્રાટોમાંના એક સમ્રાટ તીતસના ગૌરવનું વર્ણન કરે છે.

તીતસના સ્મારકની બંને બાજુની દીવાલો પર એક જાણીતી ઐતિહાસિક ઘટનાને રજૂ કરતી કોતરણી દેખાઈ આવે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ ઐતિહાસિક સ્મારકને બાઇબલ સાથે જોડતી એક રસપ્રદ કડી છે. તીતસનું સ્મારક બાઇબલની સચોટ ભવિષ્યવાણીનો એક મૂંગો સાક્ષી છે, જે એક પણ શબ્દ કહ્યા વગર ઘણું કહી જાય છે.

દોષિત શહેર

પહેલી સદીની શરૂઆતમાં રોમન સામ્રાજ્ય બ્રિટન અને ગાઉલથી (હવે ફ્રાંસ) લઈને છેક ઇજિપ્ત સુધી ફેલાયેલું હતું. અહીં મોટાભાગના વિસ્તારોમાં સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતા છવાયેલી રહેતી. પરંતુ, એક પ્રાંત એવો હતો જેણે રોમન સરકારના નાકે દમ લાવી દીધો હતો. એ હતો યહુદિયાનો બળવાખોર પ્રાંત.

ઍન્સાઇક્લોપીડિયા ઓફ એન્શન્ટ રોમ નામનો જ્ઞાનકોશ જણાવે છે: ‘રોમના નિયંત્રણ હેઠળ યહુદિયા જેવા પ્રદેશો બહુ જૂજ હતા, જેમાં બંને પક્ષે નફરત રાખતા લોકો હોય. યહુદીઓ આ પરદેશી માલિકો પર ખાર રાખતા, કેમ કે તેઓ યહુદી રીતરિવાજોની કોઈ પરવા કરતા ન હતા. અને હઠીલા યહુદીઓને રોમનો જરાય સહન કરી શકે એમ ન હતા.’ ઘણા યહુદીઓ ઇચ્છતા હતા કે કોઈ રાજકીય મસીહા આવે, ધિક્કારપાત્ર રોમનોને કાઢી મૂકે અને ઇઝરાયેલ માટે સોનેરી યુગ પાછો લાવે. પણ સાલ ૩૩માં ઈસુએ ભાખ્યું કે યરૂશાલેમ પર એક મોટી આપત્તિ આવી પડશે.

ઈસુએ કહ્યું: “તારા ઉપર એવા દિવસો આવી પડશે, જ્યારે તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે અને તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે. તેઓ તને અને તારાં બધાં બાળકોને જમીન પર પછાડશે અને તેઓ તારામાં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહિ, કારણ કે તારી ચકાસણીનો સમય તેં પારખ્યો નહિ.”લુક ૧૯:૪૩, ૪૪.

દેખીતું છે કે, ઈસુના એ શબ્દોથી તેમના શિષ્યો મૂંઝવણમાં પડી ગયા. બે દિવસ પછી યરૂશાલેમના મંદિર તરફ જોઈને શિષ્યોમાંથી એક બોલી ઊઠ્યા: “ગુરુજી, જુઓ! આ કેવા સુંદર પથ્થરો અને બાંધકામો!” એ મંદિરના અમુક પથ્થર ૧૧ મીટર (૩૬ ફૂટ) લાંબા, પ મીટર (૧૬ ફૂટ) પહોળા અને ૩ મીટર (૧૦ ફૂટ) ઊંચા હતા. તેમ છતાં, ઈસુએ જવાબમાં કહ્યું: “પણ આ વસ્તુઓ જે તમે હમણાં જોઈ રહ્યા છો, એ વિશે એવા દિવસો આવશે, જ્યારે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.”માર્ક ૧૩:૧; લુક ૨૧:૬.

ઈસુએ તેઓને આગળ જણાવ્યું: “જ્યારે તમે યરૂશાલેમને સૈન્યથી ઘેરાયેલું જુઓ, ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદિયામાં હોય, તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ યરૂશાલેમમાં હોય, તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય, તેઓએ યરૂશાલેમમાં ન આવવું.” (લુક ૨૧:૨૦, ૨૧) શું ઈસુએ ભાખેલા શબ્દો સાચા પડ્યા?

શહેરનો વિનાશ

તેત્રીસ વર્ષો વીતી ચૂક્યાં હતાં અને યહુદિયા રોમની સત્તાનો ભાર ઊંચકીને હવે અધીરું બની ગયું હતું. એવામાં સાલ ૬૬માં યહુદિયાના રોમન અધિકારી જસીય્સ ફ્લોરસે યરૂશાલેમના મંદિરની પવિત્ર દાનપેટીઓમાંથી બધા પૈસા લૂંટી લીધા. ગુસ્સે ભરાયેલા યહુદીઓથી વધુ સહન થાય એમ ન હતું. તરત જ એ યહુદીઓના ટોળેટોળા યરૂશાલેમ પહોંચી ગયા. તેઓએ યરૂશાલેમમાંના બધા રોમન સૈનિકોની કતલ કરી દીધી અને ઘોષણા કરી કે હવે તેઓ આઝાદ છે, તેઓ પર રોમન સત્તાનો અધિકાર નથી.

એ બનાવના ત્રણ મહિના પછી, યરૂશાલેમના બળવાને ડામી દેવા સેસ્તિઅસ ગેલસની આગેવાની હેઠળ ૩૦,૦૦૦ રોમન સૈનિકો શહેર પર ધસી આવ્યા અને મંદિરના વિસ્તારની બહારની દીવાલોને તોડવા લાગ્યા. પણ, પછી અચાનક કોઈ કારણ વિના તેઓ યરૂશાલેમ છોડીને પાછા ચાલ્યા ગયા. એનાથી યહુદી બળવાખોરો ખુશ થયા અને તરત જ રોમન લશ્કરનો પીછો કર્યો. હવે તેઓ શહેરથી દૂર જતા રહ્યા ત્યારે, ઈસુની ચેતવણીને ધ્યાનમાં લઈને તેમના અનુયાયીઓએ યરૂશાલેમ છોડી દીધું અને યરદન નદી પાર કરીને ડુંગરાળ વિસ્તારોમાં નાસી ગયા.—માથ્થી ૨૪:૧૫, ૧૬.

એના પછીના વર્ષે, રોમે યહુદિયાના બળવાને ડામી દેવા ફરીથી ઝુંબેશ શરૂ કરી, જેમાં જનરલ વેસ્પેસીઅન અને તેનો દીકરો તીતસ આગેવાની લઈ રહ્યા હતા. જોકે, સાલ ૬૮માં સમ્રાટ નીરોના મરણ પછી રોમનું રાજ્યાસન સંભાળવા જનરલ વેસ્પેસીઅન ત્યાં પાછો ગયો. યહુદિયાને લગતી ઝુંબેશની જવાબદારી તેણે તેના દીકરા તીતસ અને તેની સાથેના લગભગ ૬૦,૦૦૦ સૈનિકોને સોંપી.

સાલ ૭૦ના જૂન મહિનામાં તીતસે તેના સૈનિકોને યહુદિયાના ગામડાંઓ ફરતેના વિસ્તારમાંના વૃક્ષો કાપી લાવવાનો હુકમ કર્યો અને યરૂશાલેમને ઘેરતી ૭ કિલોમીટર લાંબી અણીદાર ખૂંટાની વાડ બનાવવાનું કહ્યું. સપ્ટેમ્બર સુધીમાં તો રોમે એ શહેર અને એના મંદિરને લૂંટીને બાળી નાંખ્યું. ઈસુએ અગાઉ ભાખ્યું હતું એમ જ થયું. ત્યાંનો એક પથ્થર પણ બીજા પથ્થર પર રહેવા દેવામાં આવ્યો નહીં, આખું શહેર પાયમાલ કરી નાંખવામાં આવ્યું. (લુક ૧૯:૪૩, ૪૪) એ વિશે એક અહેવાલ જણાવે છે કે, ‘યરૂશાલેમ અને બીજા વિસ્તારમાં અઢીથી પાંચ લાખ લોકો માર્યા ગયા હતા.’

ભવ્ય વિજય

સાલ ૭૧માં તીતસ ઇટાલી પાછો આવ્યો ત્યારે, રોમના નાગરિકોએ તેનું જબરજસ્ત સ્વાગત કર્યું. એક મોટી જીતની ઉજવણી માટે પાટનગરમાં પહેલાં ક્યારેય યોજાયું ન હોય એવું ભવ્ય પ્રદર્શન જોવા આખું શહેર ઊમટી પડ્યું.

ક્યારેય સાંભળી કે જોઈ ન હોય એટલી બધી સંપત્તિનું પ્રદર્શન રોમના રસ્તાઓ પર જોઈને લોકોના ટોળેટોળા નવાઈ પામી ગયા. યરૂશાલેમના મંદિરમાંથી લૂંટેલી વસ્તુઓ જોઈને તેઓ ખુશ થતા હતા. દરિયાઈ વહાણો અને યુદ્ધ વિશે ભજવાતા દૃશ્યોને જોઈને તેઓની આંખોને ટાઢક મળતી હતી.

તીતસ તેના પિતા વેસ્પેસીઅનના મરણ પછી સાલ ૭૯માં સમ્રાટ બન્યો. બે જ વર્ષ પછી તે અચાનક મરણ પામ્યો. તેથી, તેનો ભાઈ ડોમીતીયાન રાજગાદી પર બેઠો અને થોડા જ સમયમાં તેણે તીતસના સન્માનમાં આ વિજયસ્મારક પ્રવેશદ્વાર બંધાવ્યું.

તીતસના સ્મારકનું આજે મહત્ત્વ

આજે રોમમાં તીતસનું સ્મારક

આજે રોમની મુલાકાતે આવતા હજારો પર્યટકો તીતસની યાદમાં બનેલ આ ઐતિહાસિક સ્મારકના વખાણ કરે છે. અમુક એને કલાનો ભવ્ય નમૂનો માને છે તો, બીજા અમુક એને શક્તિશાળી રોમન સત્તા પ્રત્યે શ્રદ્ધાંજલિ ગણે છે. અમુક એવા પણ છે, જેઓ એને યરૂશાલેમ અને એના મંદિરના પતનનું સ્મારક માને છે.

જોકે, બાઇબલનો ખંતથી અભ્યાસ કરનારાઓ માટે તીતસના માનમાં બનેલ આ સ્મારકનું મહત્ત્વ એ બધા કરતાં કંઈક વધારે છે. એ સ્મારક બોલ્યા વગર પણ જાણે સાક્ષી આપે છે કે બાઇબલની ભવિષ્યવાણી સચોટ અને ભરોસાપાત્ર છે. એ પુરવાર કરે છે કે બાઇબલની ભવિષ્યવાણી ઈશ્વર પ્રેરણાથી લખવામાં આવી છે.—૨ પીતર ૧:૧૯-૨૧.