સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાવિ વિશે આગાહી કરવી

ભાવિ વિશે આગાહી કરવી

શું તમે કદી વિચાર્યું છે કે તમારું અને તમારા કુટુંબનું ભાવિ કેવું હશે? શું ભાવિમાં તમારી પાસે ધનદોલત હશે કે તમે કંગાલ હશો, તમે પ્રેમ મેળવશો કે એકલવાયું જીવન વિતાવશો? શું તમારું આયુષ્ય લાંબું હશે કે ટૂંકું હશે? આવા સવાલો વિશે હજારો વર્ષોથી લોકો ફક્ત અનુમાન કરે છે.

આજે નિષ્ણાતો દુનિયા ફરતે થઈ રહેલી પ્રગતિ વિશે અભ્યાસ કરે છે અને ભાવિ વિશે ધારણા બાંધે છે. તેઓની ઘણી ધારણાઓ સાચી પડે છે, બીજી અમુક ખોટી પડે છે. અરે, કેટલીક તો સાવ નિષ્ફળ જાય છે. દાખલા તરીકે, વાયરલેસ ટેલિગ્રાફની શોધ કરનાર ગુલ્યેલ્મૉ માર્કોનીએ ૧૯૧૨માં આગાહી કરી હતી: ‘આવનાર વાયરલેસ યુગ યુદ્ધોને નાબૂદ કરશે.’ ડેક્કા રેકોર્ડ કંપનીના એજન્ટે ૧૯૬૨માં બિટલ્સ બૅન્ડ સાથે કામ કરવાની ના પાડી હતી. તેને લાગતું કે આવનાર સમયમાં ગિટાર વગાડનારા ગ્રૂપોને કોઈ ભાવ આપશે નહિ. જોકે, સમય જતાં આ ગ્રૂપ ઘણું પ્રખ્યાત થયું હતું.

અમુક લોકો ભાવિ વિશે જાણવા અલૌકિક કે ગેબી શક્તિઓ તરફ મીટ માંડે છે. કેટલાક લોકો જ્યોતિષીઓની સલાહ લે છે. અમુક લોકો છાપા અને મૅગેઝિનોમાં ફાંફાં મારે છે, જેમાં નિયમિત રીતે જન્મ કુંડળી વિભાગ આવતો હોય છે. બીજા અમુક લોકો ટેરો કાર્ડ, આંકડા, જન્માક્ષર કે હાથની રેખાઓ જોઈને ભવિષ્ય ‘ભાખવાનો’ દાવો કરનારાઓ કે મેલીવિદ્યા કરનારાઓની મદદ લે છે.

પ્રાચીન સમયમાં લોકો ભવિષ્ય જાણવા એવા પૂજારીઓ પાસે જતા હતા, જેઓ દેવ તરફથી મળતી માહિતી જણાવવાનો દાવો કરતા. દાખલા તરીકે, લુદીયાનો રાજા ક્રિસસે ગ્રીસના ડેલ્ફીમાં રહેતા પૂજારીને મૂલ્યવાન ભેટ મોકલી હતી. તે જાણવા માંગતો હતો કે ઈરાનના રાજા કોરેશ (સાઇરસ) વિરુદ્ધ તે લડાઈ કરે તો એનું પરિણામ શું આવશે. પૂજારીએ જણાવ્યું કે ક્રિસસ ઈરાનના કોરેશ સામે લડવા જશે તો “મોટા સામ્રાજ્યનો” નાશ થશે. આમ, ક્રિસસને લાગ્યું કે તે ચોક્કસ જીત મેળવશે, એટલે તે લડવા નીકળી પડ્યો. પરિણામે, મોટા સામ્રાજ્યનો નાશ તો થયો પણ એ તેનું પોતાનું જ સામ્રાજ્ય હતું!

પૂજારીની ભવિષ્યવાણી સ્પષ્ટ ન હતી અને સાવ નકામી હતી. જીત ભલે ગમે એની થાય પણ એ સાચી પડવાની હતી. પરંતુ, એના લીધે ક્રિસેસે ભારે કિંમત ચૂકવવી પડી. આજે પણ ભવિષ્ય ભાખવાની રીતો ઘણી પ્રખ્યાત છે. પરંતુ, શું એનાથી લોકોને ફાયદો થાય છે?