સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું રાજ ધરતી પર ક્યારે આવશે?

ઈશ્વરનું રાજ ધરતી પર ક્યારે આવશે?

ઈસુના અમુક શિષ્યોને જાણવું હતું કે ઈશ્વરનું રાજ ક્યારે આવશે. ઈસુએ શિષ્યોને કહ્યું કે એ રાજ ધરતી પર ક્યારે આવશે, એની તેઓને સીધેસીધી ખબર નહિ પડે. (પ્રેરિતોનાં કાર્યો ૧:૬, ૭) પણ ઈસુએ તેઓને કહ્યું હતું કે જ્યારે તેઓ અમુક બનાવો એકસાથે બનતા જોશે, ‘ત્યારે જાણશે કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.’ એ સમય આવી ગયો છે. બહુ જ જલદી, ઈશ્વરનું રાજ્ય દુનિયા પર સત્તા ચલાવશે.—લુક ૨૧:૩૧.

ઈસુએ કયા બનાવો વિશે જણાવ્યું?

ઈસુએ કહ્યું હતું કે “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. મોટા મોટા ધરતીકંપો થશે અને એક પછી બીજી જગ્યાએ દુકાળો પડશે તથા ચેપી રોગો ફેલાશે.” (લુક ૨૧:૧૦, ૧૧) આ બધા બનાવોનું એકસાથે બનવું, એ વાતની નિશાની છે કે “ઈશ્વરનું રાજ્ય નજીક છે.” શું એ બનાવો મોટા પ્રમાણમાં અને એકસાથે કદી બન્યા છે? ચાલો એના અમુક પુરાવા જોઈએ.

. યુદ્ધો

૧૯૧૪માં એક એવું યુદ્ધ શરૂ થયું જે માનવ ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું ન હતું. ઇતિહાસકારોનું કહેવું છે કે ૧૯૧૪માં દુનિયાનું રૂપ બદલાઈ ગયું. એ વર્ષે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એ યુદ્ધમાં પહેલી વાર એવાં શસ્ત્રોનો ઉપયોગ થયો, જેનાથી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. જેમ કે, વિમાનોમાંથી સેંકડો બૉમ્બ વરસાવવામાં આવ્યાં. મશીનગન, તોપ, ઝેરી વાયુ અને ખતરનાક હથિયારો વાપરવામાં આવ્યાં. પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એમાં પહેલી વાર અણુશસ્ત્રોનો ઉપયોગ થયો. જોવા મળ્યું છે કે ૧૯૧૪થી સતત યુદ્ધો થતાં આવ્યાં છે. એમાં લાખો લોકો મોતના મોંમાં ધકેલાઈ ગયા છે.

. ધરતીકંપો

બ્રિટાનિકા એકેડેમિક જણાવે છે કે, દર વર્ષે સોએક મોટા મોટા ધરતીકંપો થાય છે, જેનાથી “જબરજસ્ત નુકસાન” થાય છે. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીઓએ એક સર્વે કર્યો હતો. ૧૯૦૦ની સાલથી સાચવી રાખેલા અહેવાલોને આધારે તેઓ જણાવે છે કે દર વર્ષે ૧૬ મોટા મોટા ધરતીકંપો થવાની શક્યતા છે. અમુક લોકોને કદાચ લાગે કે ‘ધરતીકંપો વધ્યા નથી. પણ આધુનિક ટેક્નૉલૉજીને લીધે હવે આપણે જાણી શકીએ છીએ કે કઈ જગ્યાએ કેવા ધરતીકંપો થાય છે. એ જાણવું પહેલાં શક્ય ન હતું.’ એ વાત કેટલી સાચી છે, એ આપણે નથી જાણતા. પણ એક વાત તો પાકી છે કે ધરતીકંપોને લીધે ઘણું નુકસાન થાય છે. અરે, લોકોએ પોતાનું જીવન પણ ગુમાવવું પડે છે.

. દુકાળો

આખી દુનિયામાં યુદ્ધો, ભ્રષ્ટાચાર, પૈસાની તંગી અથવા પાક નિષ્ફળ જવાને લીધે અનાજની તંગી ઊભી થાય છે. વર્લ્ડ ફુડ પ્રોગ્રામનો ૨૦૧૮નો અહેવાલ જણાવે છે કે “આખી દુનિયામાં ૮૨ કરોડ ૧૦ લાખ લોકોને પૂરતો ખોરાક મળતો નથી. ૧૨ કરોડ ૪૦ લાખ લોકો ભૂખે મરે છે.” દર વર્ષે લગભગ ૩૧ લાખ બાળકો પૂરતો ખોરાક ન મળવાને લીધે મોતને ભેટે છે. ૨૦૧૧માં, જેટલાં બાળકો મરણ પામ્યાં એમાંથી ૪૫ ટકા બાળકો ખોરાકની અછતને લીધે મોતનો કોળિયો બન્યાં હતાં.

. બીમારીઓ અને રોગચાળો

વિશ્વ આરોગ્ય સંસ્થાનું એક સાહિત્ય જણાવે છે: “૨૧મી સદીમાં મોટા મોટા રોગો ફાટી નીકળ્યા છે. કૉલેરા, પ્લેગ અને યલો ફીવર (જેમાં કમળો થાય અને તાવ પણ આવે) જેવી બીમારીઓ ફરીથી માથું ઊંચકી રહી છે. એ ઉપરાંત નવી નવી બીમારીઓ ઠેરઠેર ફેલાઈ રહી છે. જેમ કે, ઇબોલા, મર્સ અને ઝીકા જેવા જીવલેણ વાઇરસ; સાર્સ અને એના જેવા જીવલેણ ચેપી રોગો.” અરે, હાલમાં જ કોવિડ-૧૯ મહામારીના લીધે લોકોનું જીવન રાતોરાત બદલાઈ ગયું. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ ભલે ગમે એટલી પ્રગતિ કરી હોય, તોપણ તેઓ આ બધી બીમારીઓ દૂર કરી શક્યા નથી.

. આખી દુનિયામાં પ્રચાર કામ

ઈસુએ નિશાની વિશે જણાવતા આમ પણ કહ્યું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.” (માથ્થી ૨૪:૧૪) એક બાજુ આખી દુનિયા મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. બીજી બાજુ ૮૦ લાખથી વધારે લોકો ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી દુનિયામાં ફેલાવી રહ્યા છે. તેઓ આ કામ ૨૪૦ દેશોમાં અને ૧,૦૦૦થી વધારે ભાષામાં કરી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં પ્રચાર કામ પહેલાં ક્યારેય થયું નથી.

એ નિશાની આપણા માટે કેમ મહત્ત્વની છે?

ઈસુએ જે નિશાની આપી, એમાંના ઘણા બનાવો આપણા સમયમાં પૂરા થઈ રહ્યા છે. આપણે શા માટે એના પર ધ્યાન આપવું જોઈએ? કારણ કે, ઈસુએ કહ્યું હતું: “તમે જ્યારે આ બધું થતું જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.”—લુક ૨૧:૩૧.

એ રાજ્ય બહુ જ જલદી ધરતી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે

ઈસુએ આપેલી નિશાની અને બાઇબલમાં જણાવેલી ભવિષ્યવાણીઓ પ્રમાણે ગણતરી કરીએ તો ખબર પડે છે કે ૧૯૧૪માં a ઈશ્વરે પોતાનું રાજ્ય સ્વર્ગમાં શરૂ કરી દીધું છે. એ સમયે ઈશ્વરે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને રાજા બનાવ્યા. (ગીતશાસ્ત્ર ૨:૨, ૪, ૬-૯) જલદી જ, ઈશ્વરનું રાજ ધરતી પર આવશે અને દુનિયાની બધી સરકારોને કાઢી નાખશે. પછી ધરતીને સુંદર બાગ જેવી બનાવવામાં આવશે, જ્યાં માણસો કાયમ માટે રહેશે.

બહુ જ જલદી ઈસુએ શીખવેલી પ્રાર્થના પૂરી થશે: “તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૧૦) પણ સવાલ થાય કે ૧૯૧૪થી આ રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું, ત્યારથી એ શું કરે છે? એ રાજ્ય સ્વર્ગમાંથી મનુષ્યો પર રાજ કરશે ત્યારે કેવા આશીર્વાદો લાવશે?

a ૧૯૧૪ વિશે વધુ જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડીનો પાઠ ૩૨ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.