સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હિંસા વગરની દુનિયા શક્ય છે?

શું હિંસા વગરની દુનિયા શક્ય છે?

શું તમે અથવા તમારા કુટુંબમાં કોઈ હિંસાનો ભોગ બન્યા છો? શું તમને ડર છે કે ભાવિમાં તમે એનો ભોગ બનશો? હિંસાને દુનિયા ફરતે લોકોના સ્વાસ્થ્ય પર તોળાતું જોખમ માનવામાં આવે છે, જે દિવસેને દિવસે વધતું જાય છે. અમુક અનુભવોનો વિચાર કરો.

ઘરેલું અને જાતીય હિંસા: યુનાઈટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે, ‘ત્રણમાંથી એક સ્ત્રી પોતાના જીવન દરમિયાન પોતાના સાથી દ્વારા શારીરિક કે જાતીય હિંસાનો શિકાર બનતી હોય છે.’ દુઃખની વાત છે કે ‘એક અનુમાન પ્રમાણે દુનિયા ફરતે પાંચમાંથી એક સ્ત્રી બળાત્કારનો ભોગ બનશે અથવા તેના પર બળાત્કારની કોશિશ કરવામાં આવશે.’

ખુલ્લેઆમ થતા ગુના: એક અહેવાલ પ્રમાણે, ૩૦,૦૦૦ કરતાં વધારે હિંસક ગેંગ અમેરિકામાં કાળો કેર વરસાવે છે. લૅટિન અમેરિકામાં આશરે ત્રણમાંથી એક વ્યક્તિ ગુનાનો ભોગ બને છે.

ખૂન-ખરાબી: હાલના એક વર્ષમાં અંદાજે પાંચ લાખ લોકોનું ખૂન થયું છે. આ સંખ્યા યુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતાં વધારે છે. દક્ષિણ આફ્રિકા અને મધ્ય અમેરિકામાં ખૂન-ખરાબીનો આંક સૌથી વધારે છે. દુનિયાના સરેરાશ આંક કરતાં ચાર ગણો વધારે! એક જ વર્ષમાં લૅટિન અમેરિકામાં ૧,૦૦,૦૦૦ કરતાં વધારે લોકોની અને ફક્ત બ્રાઝિલમાં આશરે ૫૦,૦૦૦ લોકોની હત્યા થઈ. શું હિંસાનો હંમેશ માટે અંત આવી શકે?

શું હિંસાનો કદી અંત આવશે?

હિંસા કેમ ચારેબાજુ ફેલાયેલી છે? એના ઘણાં કારણો છે. જેમ કે, સમાજ અને પૈસેટકે અસમાનતા હોવાથી થતી ચિંતા, બીજાઓના જીવન પ્રત્યે બેદરકારી, દારૂ અને ડ્રગ્સનો દુરુપયોગ અને મોટાઓના હિંસક વલણની બાળકો પર પડતી અસર. બીજું એક કારણ એ પણ છે કે પોતાને કોઈ સજા થશે નહિ એવું માનીને ગુનેગારો બેધડક હિંસા આચરે છે.

હકીકતમાં, દુનિયાના ઘણા ભાગોમાં હિંસાને અંકુશમાં લાવવા પગલાં ભરવામાં આવ્યાં છે. બ્રાઝિલનું સાઓ પાઊલો ભરચક શહેર છે. એ શહેરમાં, છેલ્લા એક દાયકામાં ખૂન-ખરાબીમાં આશરે ૮૦ ટકા ઘટાડો થયો છે. છતાં, એ શહેરમાં દરેક પ્રકારના હિંસક ગુના તો હજુ ચાલ્યા જ કરે છે અને દર એક લાખ લોકોમાં દસનું ખૂન થાય છે. તો સવાલ થાય, કઈ રીતે હિંસાનો હંમેશ માટે અંત આવશે?

હિંસાનો અંત લાવવો લોકોના હાથમાં છે, એ તેઓના વલણ અને ટેવો પર આધાર રાખે છે. હિંસક લોકોએ જો પોતે બદલાવું હોય, તો ઘમંડ, લાલચ અને સ્વાર્થ જેવા ખરાબ ગુણો દૂર કરવા પડે. તેમ જ, તેઓએ બીજાઓ માટે પ્રેમ, આદર અને લાગણી જેવા સારા ગુણો કેળવવા પડે.

આવા મોટા ફેરફારો કરવા વ્યક્તિને ક્યાંથી ઉત્તેજન મળી શકે? શાસ્ત્ર જે શીખવે છે, એ પર ધ્યાન આપો:

  • “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે.”—૧ યોહાન ૫:૩.

  • “દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનો ભય છે.” *નીતિવચનો ૮:૧૩.

જો વ્યક્તિ ઈશ્વર માટે પ્રેમ અને તેમને દુઃખી નહિ કરવાની ઇચ્છા કેળવશે, તો તેને પોતાનું જીવન બદલવા મદદ મળશે, પછી ભલે ને તે ગમે એવી હિંસક કેમ ન હોય. અરે, એનાથી ફક્ત ઉપરછલ્લી રીતે નહિ, પણ આખું વ્યક્તિત્વ બદલવા મદદ મળે છે. શું આવું શક્ય છે?

એલેક્સનો * વિચાર કરો. પુષ્કળ ગુનાઓમાં સંડોવાયા હોવાથી છેલ્લા ૧૯ વર્ષ તેમણે બ્રાઝિલની જેલમાં સજા ભોગવી. યહોવાના સાક્ષીઓ સાથે શાસ્ત્રમાંથી અભ્યાસ કર્યા પછી વર્ષ ૨૦૦૦માં તે એક યહોવાના સાક્ષી બન્યા. શું તેમણે પોતાનો હિંસક સ્વભાવ બદલ્યો? હા, પણ અગાઉ કરેલાં ખરાબ કામોનો તેમને પસ્તાવો છે. તે કહે છે, “ઈશ્વરે મને પૂરી રીતે માફ કર્યો છે, એટલે તેમના માટે મારો પ્રેમ વધ્યો છે. યહોવા માટે કદર અને પ્રેમને કારણે મને ખોટા માર્ગોથી પાછા ફરવા મદદ મળી છે.”

બ્રાઝિલમાં રહેતા સિસર ચોરી અને લૂંટફાટ કરતા હતા. પંદરેક વર્ષથી તે એ રીતે જીવતા હતા. એવું તો શું થયું કે તેમણે પોતાનું જીવન બદલ્યું? તે જેલમાં હતા ત્યારે યહોવાના સાક્ષીઓ તેમને મળ્યા. તેમણે પણ પવિત્ર શાસ્ત્રમાંથી અભ્યાસ કર્યો. સિસર જણાવે છે, “પહેલી વાર મને જીવનનો હેતુ મળ્યો. હું ઈશ્વરને પ્રેમ કરતા શીખ્યો. હું એ પણ શીખ્યો કે ખોટાં કામો તરફ પાછો ફરીશ, તો ઈશ્વરને દુઃખ થશે અને હું તેમને દુઃખી કરવા માંગતો ન હતો. તેમણે મને જે દયા બતાવી છે, એની હું કદર કરવા માંગતો હતો. ઈશ્વર માટેના પ્રેમ અને લાગણીને કારણે હું ખોટા માર્ગો છોડવા તૈયાર હતો.”

હિંસા વગરની દુનિયામાં જીવવા શું કરી શકો, એ વિશે શીખો

એ અનુભવો શું બતાવે છે? પવિત્ર શાસ્ત્રમાં એટલી શક્તિ છે કે એ લોકોના જીવન પૂરી રીતે બદલી શકે છે. એ તેઓના વિચારો બદલી શકે છે. (એફેસી ૪:૨૩) આગળ જેમના વિશે વાત કરી એ એલેક્સ જણાવે છે: “શાસ્ત્રનું શિક્ષણ વહેતા શુદ્ધ પાણી જેવું હતું, જેનાથી મારા ખોટા વિચારો ધીમે ધીમે ધોવાઈ ગયા અને હું શુદ્ધ થયો. મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે હું એવાં કામો છોડી શકીશ.” હા, જ્યારે આપણે શાસ્ત્રના સંદેશાથી પોતાનું મન ભરીએ છીએ, ત્યારે ખરાબ વિચારોને એ જડમૂળથી કાઢી શકે છે. ઈશ્વરની વાણીમાં શુદ્ધ કરવાની શક્તિ છે. (એફેસી ૫:૨૬) એ કારણે ક્રૂર અને સ્વાર્થી લોકો બદલાઈને નમ્ર અને શાંતિ ચાહનારા બની જાય છે. (રોમનો ૧૨:૧૮) શાસ્ત્રના સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ પાડવાથી તેઓ શાંતિનો અનુભવ કરી શકે છે.—યશાયા ૪૮:૧૮.

આજે ૨૪૦ દેશોમાં ૮૦ લાખથી વધારે યહોવાના સાક્ષીઓ છે. તેઓએ હિંસાને પૂરી રીતે દૂર કરવાની ચાવી શોધી કાઢી છે. તેઓ અલગ અલગ જાતિ અને સમાજમાંથી આવે છે. તેઓ ઈશ્વરને અને લોકોને પ્રેમ કરવાનું શીખ્યા હોવાથી, દુનિયા ફરતે મોટા કુટુંબ તરીકે એકતામાં રહે છે. (૧ પીતર ૪:૮) હિંસા વગરની દુનિયા શક્ય છે, એનું તેઓ જીવતું-જાગતું ઉદાહરણ છે.

હિંસા વગરની દુનિયા જલદી જ આવશે!

શાસ્ત્ર વચન આપે છે કે ઈશ્વર દુનિયામાંથી હિંસાને જલદી જ મિટાવી દેશે. હાલની હિંસક દુનિયા ‘ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસનો’ સામનો કરે છે. (૨ પીતર ૩:૫-૭) પછી, કોઈને પણ હિંસા સહેવી નહિ પડે. આપણે કેમ ખાતરીથી કહી શકીએ કે હિંસાને દૂર કરવા ઈશ્વર પગલાં ભરવાં માંગે છે?

શાસ્ત્ર કહે છે: “હિંસાને ચાહનારાઓને તે [ઈશ્વર] ધિક્કારે છે.” (ગીતશાસ્ત્ર ૧૧:૫, IBSI) આપણા સર્જનહાર શાંતિ અને ન્યાયને ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૩:૫; ૩૭:૨૮) એટલે જ તે હિંસક લોકોને સદાને માટે ચલાવી નહિ લે.

હા, શાંતિથી ભરપૂર નવી દુનિયા જલદી જ આવી રહી છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧; ૭૨:૧૪) હિંસા વગરની દુનિયામાં જીવવા તમે શું કરી શકો, એ વિશે વધુ જાણો. (wp16-E No. 4)

^ ફકરો. 12 પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

^ ફકરો. 14 નામ બદલ્યાં છે.