સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનની મજા માણો

જીવનની મજા માણો

જલદી જ એવો સમય આવશે જ્યારે બીમારી, ઘડપણ કે મરણ નહિ હોય. તમને પણ એવું જીવન મળી શકે! તમને થશે, એ તો ભવિષ્યની વાત, આજનું શું? જીવનમાં આવતી મુશ્કેલીઓ કોઈને છોડતી નથી. એ સહેવા ક્યાંથી મદદ મળી શકે? ઈશ્વરે બાઇબલમાં આપેલા માર્ગદર્શનથી. એ પાળવાથી જીવન સુખી બને છે, ખરો સંતોષ મળે છે. ચાલો જોઈએ કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે.

ખરો સંતોષ મળે છે

બાઇબલની સલાહ: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો; તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.”​હિબ્રૂઓ ૧૩:૫.

આજે લોકો આપણા મનમાં ઠસાવવા માંગે છે કે આપણી પાસે મોંઘી મોંઘી વસ્તુઓ તો હોવી જ જોઈએ. જ્યારે કે ઈશ્વર જણાવે છે કે ‘આપણી પાસે જેટલું છે એમાં સંતોષી’ રહી શકીએ. કઈ રીતે?

“પૈસાનો પ્રેમ” ન રાખો. આજકાલ લોકો ‘પૈસાના પ્રેમી’ બની ગયા છે. એના મોહમાં તેઓ શરીરનું ધ્યાન રાખતા નથી. કુટુંબ, સગાં-વહાલાં, સંસ્કારો ભૂલી જાય છે. અરે, પોતાનું માન-સન્માન પણ ગુમાવી દે છે. (૧ તિમોથી ૬:૧૦) કેવી મોટી કિંમત ચૂકવવી પડે છે! હકીકતમાં, ધનસંપત્તિનો પ્રેમી ક્યારેય ‘ધરાતો નથી.’—સભાશિક્ષક ૫:૧૦.

ચીજવસ્તુઓ નહિ, લોકો મહત્ત્વના છે. ખરું કે, જીવનમાં ચીજવસ્તુઓ ઉપયોગી છે. પણ, એ પ્રેમ કે કદર નથી કરી શકતી. જ્યારે કે લોકો પ્રેમ કરી શકે છે, કદર બતાવી શકે છે. સારા “મિત્રો” હશે તો, જીવનમાં સંતોષી રહેવા મદદ મળશે.—નીતિવચનો ૧૭:૧૭.

બાઇબલનું માર્ગદર્શન પાળવાથી જીવનની મજા માણી શકીએ છીએ

બીમારી સહેવા હિંમત મળે છે

બાઇબલની સલાહ: “આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે.”નીતિવચનો ૧૭:૨૨.

‘ઉત્તમ ઔષધની’ જેમ, આનંદ બીમારી સહેવા મદદ કરે છે. તમને થશે, બીમારીમાં રિબાતા હોઈએ ત્યારે કઈ રીતે ખુશ રહેવાય?

કદર કરીએ. જો મુશ્કેલીઓ વિશે જ વિચારતા રહીશું, તો “સર્વ દિવસો” દુઃખથી ભરેલા જ લાગશે. (નીતિવચનો ૧૫:૧૫) પણ બાઇબલ કહે છે: “તમે આભારી છો, એમ બતાવી આપો.” (કોલોસીઓ ૩:૧૫) એવું તો ઘણું છે, જે માટે તમે કદર બતાવી શકો. મન મોહી લેતો સૂર્યાસ્ત, સુંવાળા પવનની લહેર, સગાં-વહાલાની મીઠી સ્માઈલ. આવી નાની નાની બાબતો જીવનમાં ખુશીઓ લાવે છે.

બીજાઓ માટે કંઈક કરો. બીમાર હોઈએ તોપણ “લેવા કરતાં આપવામાં વધારે ખુશી” મળે છે. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫) બીજાઓ આપણી મહેનતની કદર કરે છે ત્યારે આપણી ખુશી સમાતી નથી, ખરું ને? એ સમયે આપણે પોતાનું દુઃખ ભૂલી જઈએ છીએ. બીજાના જીવનમાં ખુશી લાવવાથી આપણું જીવન ખુશહાલ બને છે.

લગ્નજીવન મજબૂત થાય છે

બાઇબલની સલાહ: ‘જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખો.’ફિલિપીઓ ૧:૧૦.

પતિ-પત્ની એકબીજા સાથે પૂરતો સમય નહિ વિતાવે તો, સંબંધ નબળો પડી જશે. પતિ-પત્નીએ એકબીજાનો પહેલા વિચાર કરવો જોઈએ. જીવનમાં એ વધારે મહત્ત્વનું છે.

સાથે મળીને કામ કરો. કંઈ પણ પ્લાન કરો, ભેગા મળીને કરો. બાઇબલ કહે છે: “એક કરતાં બે ભલા.” (સભાશિક્ષક ૪:૯) સાથે મળીને તમે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકો; ચાલવા જઈ શકો; કોઈ જગ્યાએ ફરવા જઈ શકો; અથવા કંઈક નવું શીખી શકો.

જીવનસાથીને પ્રેમ બતાવો. બાઇબલ ઉત્તેજન આપે છે કે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે અને માન આપે. (એફેસીઓ ૫:૨૮, ૩૩) એકબીજાને ભેટવાથી, મધુર સ્માઈલ કે નાની ગિફ્ટ આપવાથી લગ્નજીવન મજબૂત થાય છે. જોકે, જાતીય સંબંધનો આનંદ જીવનસાથી જોડે જ માણવો જોઈએ.—હિબ્રૂઓ ૧૩:૪.