શું ભલાઈ કરવાથી સુખી જીવન મળી શકે?
સદીઓથી લોકો માને છે કે બીજાનું ભલું કરવાથી પોતાનું જ ભલું થાય છે. આશરે ૨,૫૦૦ વર્ષ પહેલાં કન્ફ્યૂશિયસ નામના (ઈસવીસન પૂર્વે ૫૫૧-૪૭૯) જાણીતા વિદ્વાન પણ એવું જ માનતા હતા. તેમણે કહ્યું, “તમે પોતાના માટે જે નથી ચાહતા એ બીજા માટે ન કરો. એશિયાના ઘણા લોકો તેમની એ વાતને ટેકો આપે છે.” *
લોકો સુખી જીવન માટે ભલાઈનાં કામો કરે છે
આજે પણ ઘણા લોકો માને છે કે જો તમે બીજાઓનું ભલું કરશો તો તમારું ભલું થશે. તેઓ બીજાઓને માન આપે છે, સારી રીતે વર્તે છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. તેઓ કોઈનું ખરાબ કરતા નથી એટલે તેઓનું દિલ ડંખતું નથી. વિયેતનામના લીનબહેન કહે છે, “હું હંમેશાં માનતી હતી કે જો ઈમાનદાર રહીશ અને સાચું બોલીશ, તો મારું જ ભલું થશે.”
અમુક લોકો ફક્ત એટલા માટે ભલાઈનાં કામો કરે છે, કેમ કે તેઓનો ધર્મ એવું શીખવે છે. તાઇવાનના શીયેનભાઈ કહે છે, “મને નાનપણથી શીખવવામાં આવ્યું હતું કે જો એક વ્યક્તિ સારાં કામ કરશે તો મરણ પછી તે હંમેશાં સુખ ભોગવશે, પણ જો ખરાબ કામ કરશે તો હંમેશાં પીડા ભોગવશે.”
શું લોકોને એનાથી ફાયદો થયો?
એ વાત સાચી છે કે બીજાઓનું ભલું કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે, પણ ઘણા લોકો સાથે એનાથી ઊંધું જ થયું. તેઓએ જેઓને મદદ કરી તેઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું. હૉંગ કૉંગનાં સ્યૂ-પિંગ સાથે પણ એવું જ કંઈક થયું. તે કહે છે, “મેં કુટુંબની બહુ સંભાળ રાખી. તેઓને કોઈ વાતે ખોટ આવવા ન દીધી, પણ કંઈ ફાયદા થયો નહિ. અમારું લગ્ન તૂટી ગયું. મારાં પતિ મને અને મારાં દીકરાને છોડીને જતા રહ્યા. એનાથી મને શીખવા મળ્યું કે જેઓ સારું કરે છે, તેઓ સાથે હંમેશાં સારું થતું નથી.”
ઘણા લોકોએ જોયું છે કે બધા ધાર્મિક લોકો સારા હોતા નથી. જાપાનની એટ્સકો કહે છે, “હું એક ધાર્મિક સંગઠન સાથે જોડાઈ ગઈ. હું ત્યાં યુવાનો માટે કાર્યક્રમોનું આયોજન કરતી હતી. પણ મેં જોયું કે ત્યાં તો લોકો સત્તા માટે એકબીજાથી ચઢિયાતા થવા માંગતા હતા ને ગંદાં કામો કરતા હતા. અરે! તેઓ તો દાનના પૈસાનો ખોટો ઉપયોગ કરતા હતા. એ જોઈને હું ચોંકી ગઈ.”
“મેં કુટુંબની બહુ સંભાળ રાખી. તેઓને કોઈ વાતે ખોટ આવવા ન દીધી, પણ કંઈ ફાયદા થયો નહિ. અમારું લગ્ન તૂટી ગયું. મારાં પતિ મને અને મારાં દીકરાને છોડીને જતા રહ્યા.”—સ્યૂ-પિંગ, હૉંગ કૉંગ
ઘણા લોકો ભગવાનમાં બહુ શ્રદ્ધા રાખે છે અને ભલાઈનાં કામો કરે છે. તોપણ તેઓ સાથે ખરાબ થાય છે, એટલે તેઓ નિરાશ થઈ જાય છે. વિયેતનામની વાન સાથે પણ એવું જ કંઈક થયું. તે કહે છે, “હું પૂર્વજોની પૂજા કરતી બહુ જ ફળ-ફૂલ ચઢાવતી અને ભોગ ધરાવતી. મને લાગતું કે આ બધું કરવાથી તેઓનો આશીર્વાદ મારાં પર રહેશે. મેં વર્ષો સુધી પૂજા-પાઠ કર્યાં, ભલાઈનાં કામો કર્યાં, તોપણ મારી સાથે ખરાબ થયું. મારાં પતિ બહુ બીમાર પડી ગયા. અમુક સમય પછી મારી દીકરી વિદેશમાં ભણવા ગઈ ત્યાં તે ગુજરી ગઈ તે ફક્ત ૨૦ વર્ષની હતી.”
આપણે જોયું તેમ ફક્ત ભલાઈનાં કામો કરવાથી ગેરંટી મળતી નથી કે આપણું ભવિષ્ય સારું જ હશે. તો પછી જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે? ચાલો હવે પછીના લેખમાં એ સવાલનો જવાબ મેળવીએ.
^ ફકરો. 2 કન્ફ્યુશિયસ જે માનતા હતા એ વિશે વધુ જાણવા મેનકાઈન્ડ સર્ચ ફોર ગૉડ પુસ્તકનું પ્રકરણ ૭, ફકરા ૩૧-૩૫ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે અને www.pr418.com પર ઓનલાઇન પ્રાપ્ય છે.