દાઊદ અને ગોલ્યાથ—હકીકત કે વાર્તા?
કેટલાક લોકો વિચારે છે કે દાઊદ અને ગોલ્યાથનો અહેવાલ હકીકત છે કે પછી વાર્તા. શું આગળનો લેખ વાંચતી વખતે, તમારા મનમાં પણ એવો વિચાર આવ્યો હતો? તો નીચેના ત્રણ સવાલો પર ધ્યાન આપો.
૧ | શું કોઈ માણસ સાડા નવ ફૂટ (૨.૯ મી.) ઊંચો હોય શકે?
શાસ્ત્ર જણાવે છે કે ગોલ્યાથની “ઊંચાઈ છ હાથ અને એક વેંત હતી.” (૧ શમૂએલ ૧૭:૪) એક હાથ એટલે ૧૭.૫ ઇંચ (૪૪.૫ સે.મી.) અને એક વેંત એટલે ૮.૭૫ ઇંચ (૨૨.૨ સે.મી.). આમ, કુલ સાડા નવ ફૂટ (૨.૯ મી.) થાય. કેટલાક લોકો કહે છે કે ગોલ્યાથ એટલો ઊંચો ન હતો, પણ આ હકીકત પર ધ્યાન આપો: આધુનિક સમયના સૌથી ઊંચા માણસની ઊંચાઈ ૮ ફૂટ ૧૧ ઇંચ (૨.૭ મી.) હતી. તો પછી, શું એનાથી ૬ ઇંચ (૧૫ સે.મી.) વધારે ગોલ્યાથની ઊંચાઈ હોય એ શક્ય નથી? તે રેફાઇમ જાતિનો હતો. આ જાતિ વધારે પડતી ઊંચાઈ ધરાવતા લોકો માટે જાણીતી હતી. ઈ.સ. પૂર્વે ૧૩મી સદીના ઇજિપ્તના દસ્તાવેજો જણાવે છે કે, કનાન પ્રદેશના કેટલાક ભયંકર યોદ્ધાઓની ઊંચાઈ આઠ ફૂટ (૨.૪ મી.) કે એનાથી વધારે હતી. ભલે ગોલ્યાથની ઊંચાઈ માનવામાં ન આવે એટલી હતી, પણ અશક્ય તો ન જ હતી.
૨ | શું હકીકતમાં દાઊદ નામની વ્યક્તિ હતી?
એક સમય હતો, જ્યારે નિષ્ણાતો રાજા દાઊદને દંતકથાનું પાત્ર ગણાવવાનો પ્રયાસ કરતા હતા. પણ, તેઓ એમ કરી શક્યા નહિ. પુરાતત્ત્વ નિષ્ણાતોને પ્રાચીન લખાણ મળી આવ્યું, જેના પર લખ્યું છે, “દાઊદનું ઘર.” વધુમાં, દાઊદ હકીકતમાં હોય એ રીતે ઈસુ ખ્રિસ્તે તેમનો ઉલ્લેખ કર્યો. (માથ્થી ૧૨:૩; ૨૨:૪૩-૪૫) ઈસુ એ જ મસીહ હતા, એ વાતની સાબિતી બે વંશાવળીઓ આપે છે. એ વંશાવળીઓમાં જણાવ્યા પ્રમાણે રાજા દાઊદના વંશજ ઈસુ હતા. (માથ્થી ૧:૬-૧૬; લુક ૩:૨૩-૩૧) આમ, સ્પષ્ટ થાય છે કે, દાઊદ નામની વ્યક્તિ હકીકતમાં હતી.
૩ | શું અહેવાલમાં જણાવેલાં સ્થળો અસ્તિત્વ ધરાવે છે?
શાસ્ત્ર કહે છે કે યુદ્ધ એલાહની ખીણમાં થયું હતું. એમાં વધુ માહિતી પણ છે, એ જણાવે છે કે સોખોહ અને અઝેકાહ શહેરોની વચ્ચે ટેકરી પર ક્યાંક પલિસ્તીઓએ છાવણી નાખી હતી. ઇઝરાયેલીઓએ સામેની ટેકરી પર છાવણી કરી હતી. શું આ જગ્યાઓ હકીકતમાં છે?
આ જગ્યાઓની હમણાં જ મુલાકાત લેનાર એક પ્રવાસી કહે છે: “અમારો ગાઇડ ધાર્મિક ન હતો, તે અમને એલાહની ખીણમાં લઈ ગયો. અમે ટેકરીની ટોચ પર પહોંચવા માટે પગદંડી લીધી. અમને નીચેનું દૃશ્ય દેખાય રહ્યું હતું, ગાઇડે અમને ૧ શમૂએલ ૧૭:૧-૩ વંચાવી. પછી, તેણે ખીણની પેલી તરફ હાથ કરીને કહ્યું, ‘તમારી ડાબી બાજુ, સોખોહ શહેરનાં ખંડેરો છે.’ પછી, ફરીને તેણે કહ્યું, ‘તમારી જમણી બાજુ, અઝેકાહ શહેરનાં ખંડેરો છે. પલિસ્તીઓએ આ બે શહેરો વચ્ચે છાવણી નાંખી હતી. તમે સામે જે ટેકરી જોઈ રહ્યા છો, એના પર ક્યાંક તેઓએ છાવણી નાંખી હતી. આપણે જ્યાં ઊભા છીએ, ત્યાં કદાચ ઇઝરાયેલીઓએ છાવણી નાંખી હતી.’ મને વિચાર આવ્યો કે, હું જ્યાં ઊભો છું, ત્યાં જ શાઊલ અને દાઊદ ઊભા હશે. પછી, અમે ટેકરીની નીચે ઊતર્યા. નીચે ખીણમાં અમે એક નાળું પસાર કર્યું, એમાં થોડું જ પાણી હતું અને ઘણા બધા પથ્થરો હતા. મારા મનમાં તરત જ વિચાર આવ્યો કે, અહીં દાઊદે નમીને પાંચ સુંવાળા પથ્થર ઉપાડ્યા હશે. એ પથ્થરોમાંના એક પથ્થરથી ગોલ્યાથ મરણ પામ્યો હતો.” ફક્ત એ પ્રવાસી જ નહિ, પણ બીજા સેંકડો લોકો, શાસ્ત્રમાં જણાવેલો આ પ્રસંગ પ્રમાણભૂત છે, એ જાણીને પ્રભાવિત થાય છે.
આ ઐતિહાસિક પ્રસંગની ખરાઈ પર શંકા કરવા માટે કોઈ ઠોસ કારણ નથી. એમાં જણાવેલા માણસો અને સ્થળ હકીકત છે. સૌથી અગત્યનું કે, એ ઈશ્વરના શબ્દનો ભાગ છે. એ સત્યના ઈશ્વર તરફથી છે, “જે કદી જૂઠું બોલી શકતા નથી.”—તિતસ ૧:૨; ૨ તિમોથી ૩:૧૬. (wp16-E No. 5)