પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
સફળતા પહેલાં સેંકડો નિષ્ફળતા
-
જન્મ: ૧૯૫૩
-
દેશ: ઑસ્ટ્રેલિયા
-
ભૂતકાળ: અશ્લીલ સાહિત્યના બંધાણી
મારા વિશે:
મારા પિતા ૧૯૪૯માં જર્મનીથી ઑસ્ટ્રેલિયા રહેવા આવ્યા. તે ખાણ અને વિદ્યુત ઉત્પાદનના ઉદ્યોગમાં કામ શોધી રહ્યા હતા. તે વિક્ટોરિયા રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેવા લાગ્યા. ત્યાં તેમણે મારી મમ્મી સાથે લગ્ન કર્યાં અને મારો જન્મ ૧૯૫૩માં થયો.
થોડાં વર્ષો પછી, મારી મમ્મી યહોવાના સાક્ષીઓ સાથે શાસ્ત્રમાંથી અભ્યાસ કરવા લાગી. આમ, મારા બચપણની યાદોમાં શાસ્ત્રનો અભ્યાસ એક ભાગ ધરાવે છે. પણ, મારા પપ્પાને બધા ધર્મો પ્રત્યે અણગમો હતો. તે મમ્મીને ધમકીઓ આપતા અને મારતા હતા. મારી મમ્મી તેમનાથી ઘણી ડરતી હતી. તે છૂપાઈ છૂપાઈને શાસ્ત્રમાંથી શીખતી અને એનું શિક્ષણ તેને ગમવા લાગ્યું હતું. મારા પપ્પા ઘરે ન હોય, ત્યારે તે મને અને મારી બહેનને એ શીખવતી. મમ્મી કહેતી કે, ભવિષ્યમાં પૃથ્વી સુંદર બાગ જેવી બની જશે અને સુખી થવા માટે, અમારે શાસ્ત્રનાં ધોરણો પ્રમાણે જીવવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૨૯; યશાયા ૪૮:૧૭.
પપ્પાની મારઝૂડને લીધે મેં ૧૮ વર્ષની ઉંમરે ઘર છોડવાનું વિચાર્યું. મમ્મીએ શાસ્ત્રમાંથી જે શીખવ્યું હતું, તેમાં હું માનતો હતો. પણ, હું એની બહુ પરવા નહોતો કરતો. એટલે, હું શાસ્ત્ર પ્રમાણે જીવી ન શક્યો. હું કોલસાની ખાણોમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવા લાગ્યો. ૨૦ વર્ષે મેં લગ્ન કરી લીધા. લગ્નના ત્રણ વર્ષ પછી, અમારી દીકરી જન્મી. મેં ફરીથી વિચાર કર્યો કે મારા જીવનમાં અગત્યનું શું છે. મને ખબર હતી કે મારા કુટુંબને શાસ્ત્રમાંથી મદદ મળશે. એટલે, મેં યહોવાના સાક્ષી સાથે શાસ્ત્રમાંથી શીખવાનું શરૂ કર્યું. પણ, મારી પત્ની સાક્ષીઓનો ઘણો વિરોધ કરતી. હું એક વાર સભામાં ગયો ત્યારે તેણે મને સાફ કહ્યું, શાસ્ત્રનો અભ્યાસ બંધ કર અથવા કુટુંબને છોડી દે. મને ખબર ન પડી કે શું કરું, મેં તેની માંગણી સામે નમતું જોખ્યું અને સાક્ષીઓ સાથેનો અભ્યાસ બંધ કર્યો. જોકે, પાછળથી મને ખરો માર્ગ છોડી દેવાનો ઘણો અફસોસ થયો.
એક દિવસ, મારી સાથે કામ કરતા લોકોએ મને અશ્લીલ સાહિત્ય બતાવ્યું. એ ઉત્તેજિત કરે એવું હતું, પણ સાથે સાથે ન ગમે એવું પણ હતું. એ જોયા પછી, મને ખૂબ દોષની લાગણી થઈ. શાસ્ત્રમાંથી જે શીખ્યો હતો, એ યાદ આવ્યું અને મને લાગ્યું કે ઈશ્વર મને સજા કરશે. પણ, જેમ જેમ હું અશ્લીલ સાહિત્ય વધુ જોવા લાગ્યો, તેમ તેમ એ વિશેનો મારો દૃષ્ટિકોણ પણ બદલાવવા લાગ્યો. સમય જતાં, હું એનો બંધાણી થઈ ગયો.
એ પછીનાં ૨૦ વર્ષો, મારી મમ્મીએ શીખવેલાં ધોરણોથી હું વધુને વધુ દૂર થતો ગયો. મારા મનમાં જે હું નાખતો, એ મારા વર્તનમાં બહાર આવતું. મારી
ભાષા બગડી ગઈ અને મને ગંદા જોક્સ ગમવા લાગ્યા. સેક્સ વિશેના મારા વિચારો ભ્રષ્ટ થઈ ગયા. હું મારી પત્ની સાથે રહેતો હતો, છતાં હું બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો હતો. હું ખુદની નજરમાંથી જ ઊતરી ગયો હતો. પોતાના માટેનું માન સાવ ઘટી ગયું હતું અને પોતાને ધિક્કારવા લાગ્યો હતો.મારું લગ્ન તૂટી ગયું અને જિંદગી વેરવિખેર થઈ ગઈ. પછી, મેં ઈશ્વર યહોવાને પૂરા દિલથી પ્રાર્થના કરી. ૨૦ વર્ષ વીતી ગયાં હતાં, છતાં મેં શાસ્ત્રનો અભ્યાસ ફરીથી શરૂ કર્યો. એ વર્ષો દરમિયાન મારા પપ્પા ગુજરી ગયા હતા અને મારી મમ્મી બાપ્તિસ્મા લઈને એક યહોવાની સાક્ષી બની હતી.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
મારી જિંદગી અને શાસ્ત્રનાં ધોરણોમાં આભ-જમીનનો તફાવત હતો. પણ, આ વખતે શાસ્ત્રમાં વચન આપેલી મનની શાંતિ મેળવવાનો મેં પાકો નિર્ણય કર્યો હતો. મેં મારી ભાષા સુધારવાનો અને ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. મેં નક્કી કર્યું કે હું અનૈતિક જીવન નહિ જીવું, જુગાર નહિ રમું, વધુ પડતો દારૂ નહિ પીઉં અને મારી નોકરીની જગ્યાએ ચોરી નહિ કરું.
મારી સાથે કામ કરનારાઓને ખ્યાલ ન આવ્યો કે કેમ હું આવા મોટા ફેરફાર કરવા માંગું છું. ત્રણ વર્ષ સુધી તેઓએ પ્રયત્નો કર્યાં કે હું પાછો જૂની બાબતો કરવા લાગુ. જ્યારે હું થોડો ગુસ્સો બતાવતો કે ગંદા શબ્દો બોલતો ત્યારે તેઓ ખુશ થઈને બોલતા, “જોયું, જૂનો જોસેફ પાછો આવી ગયોને.” એ શબ્દો મને કાંટાની જેમ ચુભતા! મને લાગતું કે હું હારી ગયો છું.
હું જ્યાં કામ કરતો, ત્યાં છાપેલાં કે ડિજિટલ અશ્લીલ સાહિત્યની ખોટ ન હતી. મારી સાથે કામ કરનારાઓ નિયમિત રીતે ગંદાં ચિત્રો કોમ્પ્યુટરમાં મોકલતા. હું પણ પહેલાં એવું જ કરતો હતો. હું એ લાલચથી દૂર ભાગવાનો જેટલો પ્રયાસ કરતો, તેઓ મને એમાં ફસાવવાનો એટલો વધારે પ્રયાસ કરતા. હું મદદ અને ઉત્તેજન મેળવવા શાસ્ત્રમાંથી શીખવતા ભાઈ પાસે ગયો. મેં દિલ ઠાલવ્યું ત્યારે તેમણે શાંતિથી મને સાંભળ્યો. શાસ્ત્રની કલમો બતાવીને તેમણે મને જણાવ્યું કે મારે કેવી રીતે એ લાલચનો સામનો કરવો જોઈએ. તેમણે મને યહોવાની મદદ માંગવા સતત પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપ્યું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.
એક દિવસ, મેં મારી સાથે કામ કરતા લોકોને ભેગા કર્યાં. તેઓ આવ્યા ત્યારે મેં તેઓને કહ્યું કે તમારામાંથી દારૂડિયા છે, એવા બે માણસોને બિયરની બોટલ આપો. તેઓએ વિરોધ કરતા કહ્યું, “એ યોગ્ય ન કહેવાય! તેઓ એ વ્યસન સામે લડી રહ્યા છે.” મેં કહ્યું, “બરાબર, હું પણ એવું જ કરી રહ્યો છું.” એ દિવસે, તેઓને ખ્યાલ આવ્યો કે અશ્લીલ સાહિત્યના વ્યસન સામે લડવા હું પ્રયત્ન કરી રહ્યો છું અને તેઓએ મને દબાણ કરવાનું છોડી દીધું.
સમય જતાં, યહોવા તરફથી મને ઘણી મદદ મળી. આખરે, હું અશ્લીલ સાહિત્યના વ્યસનથી છૂટકારો મેળવી શક્યો. ૧૯૯૯માં હું બાપ્તિસ્મા લઈને યહોવાનો સાક્ષી બન્યો. સાફ અને સુખી જીવન જીવવા મને બીજી તક મળી એની હું કદર કરું છું.
હવે મને ખબર પડી કે, આટલાં વર્ષો જે બાબતો મને ગમતી હતી, યહોવા તેને કેમ ધિક્કારે છે. એક પ્રેમાળ પિતાની જેમ, અશ્લીલ સાહિત્યની ખરાબ અસરોથી તે મારું રક્ષણ કરવા માંગતા હતા. નીતિવચનો ૩:૫, ૬ના શબ્દો કેટલા ખરા છે! એ કહે છે: ‘તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની વાત માન, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.’ શાસ્ત્રનાં ધોરણોથી ફક્ત રક્ષણ મળતું નથી, પણ એનાથી સફળતાની ખાતરી મળે છે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩.
મને કઈ રીતે ફાયદો થયો:
ભૂતકાળમાં, હું પોતાને ધિક્કારતો, પણ હવે મેં મારું સ્વમાન પાછું મેળવ્યું છે અને મને મનની શાંતિ મળી છે. હું સાફ જીવન જીવું છું અને યહોવાની માફી અને ટેકો અનુભવું છું. મારી જેમ જ, યહોવાને પ્રેમ કરતી ઈશ્વરની એક સુંદર સેવિકા, કેરોલીન સાથે મેં ૨૦૦૦ની સાલમાં લગ્ન કર્યાં. અમારા ઘરમાં ઘણી શાંતિ હોય છે. આખી દુનિયામાં ફેલાયેલા શુદ્ધ અને પ્રેમાળ ભાઈચારાનો ભાગ હોવાને અમે એક લહાવો ગણીએ છીએ. (wp16-E No. 4)