તમે કોની સલાહ માનશો?
આપણે જે નિર્ણયો લઈએ છીએ એના આધારે નક્કી થાય છે કે આપણું જીવન કેવું હશે, કાં તો ખુશ રહીશું, કાં તો દુ:ખી થઈશું. આપણે લીધેલા નિર્ણયોનું કેવું પરિણામ આવશે, એ યહોવા સારી રીતે જાણે છે. એટલે તે ચાહે છે કે આપણે નિર્ણય લેતી વખતે તેમની સલાહ માનીએ.
યહોવા ચાહે છે કે આપણે ખુશ રહીએ અને આપણા જીવનમાં શાંતિ હોય.
“હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ માટે શીખવું છું. તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું. જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું! જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!”—યશાયા ૪૮:૧૭, ૧૮.
ઈશ્વરે આપણને બનાવ્યા છે, એટલે તે સારી રીતે જાણે છે કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. તે ચાહે છે કે નિર્ણય લેતી વખતે આપણે તેમની સલાહ માનીએ. કેમ કે એનાથી આપણું જ ભલું થશે. જો આપણે તેમની સલાહ માનીશું તો આપણને ચિંતા નહિ રહે કે આગળ શું થશે. યહોવાની સલાહ માનીને આપણે હંમેશાં સારા નિર્ણયો લઈ શકીશું. એના લીધે, આપણે ખુશ રહીશું અને આપણા જીવનમાં શાંતિ હશે.
યહોવા આપણને એવું કંઈ કરવાનું નથી કહેતા, જે આપણે ન કરી શકીએ.
“હું તમને જે આજ્ઞાઓ આપું છું એ સમજવી તમારા માટે અઘરી નથી કે તમારી પહોંચની બહાર પણ નથી.”—પુનર્નિયમ ૩૦:૧૧.
યહોવા એવા લોકોને મદદ કરે છે, જેઓ તેમની સલાહ પાળવા તૈયાર છે.
“હું યહોવા તારો ઈશ્વર, તારો જમણો હાથ પકડી રાખું છું. હું તને કહું છું: ‘ડરીશ નહિ, હું તને મદદ કરીશ.’”—યશાયા ૪૧:૧૩.
સાચા-ખોટા વિશે ઈશ્વરની સલાહ આપણે પાળી શકીએ છીએ. કેમ કે તેમણે વચન આપ્યું છે કે તે આપણને મદદ કરશે. યહોવા બાઇબલ દ્વારા આપણને મદદ કરે છે. એનાથી તે આપણને સારાં કામ કરવા હિંમત આપે છે અને એક સારા ભાવિની આશા આપે છે.
આખી દુનિયામાં લાખો લોકોને અનુભવ થયો છે કે બાઇબલની સલાહ પાળવાથી તેઓ પહેલાં કરતાં સારું જીવન જીવે છે. બાઇબલમાં અલગ અલગ વિષય પર સલાહ આપવામાં આવી છે. શું તમારે એ વિશે વધારે જાણવું છે? તમે ચાહો તો jw.org પરથી દુઃખ જશે, સુખ આવશે ચોપડી વાંચી શકો છો. એ એકદમ મફત છે. એમાં નીચે આપેલા વિષયો પર માહિતી આપવામાં આવી છે:
-
ઈશ્વરનો સંદેશો કઈ રીતે ખુશીઓ લાવે છે?
-
ઈશ્વર સારા ભાવિનું વચન આપે છે
-
શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
બાઇબલમાંથી શીખતા જશો તેમ, તમે જોઈ શકશો કે એમાં આપેલી સલાહ આજે પણ એટલી જ કામની છે, જેટલી પહેલાંના સમયમાં હતી. એ સલાહ ‘વિશ્વાસપાત્ર હતી, આજે છે અને હંમેશા રહેશે.’ (ગીતશાસ્ત્ર ૧૧૧:૮) જીવન જીવવાની સૌથી સારી રીત છે, સાચા-ખોટા વિશે બાઇબલમાં આપેલી સલાહ પાળવી. પણ એ પાળવી કે નહિ એ આપણા હાથમાં છે. એ માટે ઈશ્વર આપણને જબરજસ્તી નથી કરતા.—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦; યહોશુઆ ૨૪:૧૫.