સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૧

યહોવા કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે?

યહોવા કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે?

“આપણને પૂરો ભરોસો છે કે આપણે તેમની પાસે જે કંઈ માંગીશું, એ તે આપણને જરૂર આપશે.”—૧ યોહા. ૫:૧૫.

ગીત ૬ અમારી પ્રાર્થના

ઝલક a

૧-૨. આપણને અમુક વાર આપણી પ્રાર્થનાઓ વિશે કેવું લાગી શકે?

 શું તમને ક્યારેય આવું લાગ્યું છે, ‘યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છે કે નહિ?’ જો એમ હોય તો તમે એકલા નથી. ઘણાં ભાઈ-બહેનોએ જણાવ્યું છે કે તેઓને પણ એવું લાગ્યું હતું, ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરતી વખતે. તકલીફમાં હોઈએ ત્યારે, કદાચ એ પારખવું અઘરું લાગી શકે કે યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપી રહ્યા છે.

ચાલો જોઈએ કે આપણે કેમ પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે. (૧ યોહા. ૫:૧૫) આપણે આ સવાલોના જવાબ પણ જોઈશું: અમુક વાર આપણને કેમ લાગી શકે કે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ નથી આપી રહ્યા? યહોવા આજે કઈ રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે?

આપણે વિચાર્યું હોય એ રીતે કદાચ યહોવા પ્રાર્થનાનો જવાબ ન આપે

૩. યહોવા કેમ ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરીએ?

બાઇબલથી ખાતરી મળે છે કે યહોવા આપણને અનહદ પ્રેમ કરે છે અને તે આપણને ખૂબ કીમતી ગણે છે. (હાગ્ગા. ૨:૭; ૧ યોહા. ૪:૧૦) એટલે તે કહે છે કે આપણે પ્રાર્થનામાં તેમની પાસે મદદ માંગીએ. (૧ પિત. ૫:૬, ૭) તે ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ અને મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીએ. એ માટે તે આપણને મદદ કરવા તૈયાર છે.

યહોવાએ દાઉદને દુશ્મનોથી બચાવીને તેમની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો (ફકરો ૪ જુઓ)

૪. કેમ કહી શકીએ કે યહોવા પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે? (ચિત્ર પણ જુઓ.)

યહોવાએ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળી હોય, એવા ઘણા અહેવાલો બાઇબલમાં છે. શું તમને એવો કોઈ અહેવાલ યાદ આવે છે? તમારા મનમાં કદાચ દાઉદ રાજાનો વિચાર આવે. પોતાના જીવન દરમિયાન તેમણે અનેક દુશ્મનોનો સામનો કરવો પડ્યો, જેઓ તેમનો જીવ લેવા માંગતા હતા. એટલે તે અવાર-નવાર પ્રાર્થનામાં મદદ માંગતા. એક વખત તેમણે યહોવાને આજીજી કરી: “હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મદદ માટેની મારી અરજને કાન ધરો. મને જવાબ આપો, કેમ કે તમે વફાદાર અને નેક છો.” (ગીત. ૧૪૩:૧) યહોવાએ દાઉદની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને બચાવ્યા. (૧ શમુ. ૧૯:૧૦, ૧૮-૨૦; ૨ શમુ. ૫:૧૭-૨૫) એટલે દાઉદ પૂરા ભરોસાથી કહી શક્યા: “યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે.” આપણે પણ દાઉદ જેવો જ ભરોસો રાખી શકીએ.—ગીત. ૧૪૫:૧૮.

યહોવાએ પાઉલને સહન કરવાની તાકાત આપીને તેમની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો (ફકરો ૫ જુઓ)

૫. શું યહોવાએ હંમેશાં તેમના ભક્તોની પ્રાર્થનાનો એ રીતે જવાબ આપ્યો, જેમ તેઓ વિચારતા હતા? એક દાખલો આપો. (ચિત્ર પણ જુઓ.)

કદાચ આપણે વિચાર્યું હોય એ રીતે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ ન આપે. પ્રેરિત પાઉલ સાથે એવું જ થયું હતું. તેમને એક મુશ્કેલી હતી, જેને તે “શરીરમાં કાંટો” કહેતા. પાઉલે ત્રણ વાર યહોવાને એ મુશ્કેલી દૂર કરવા પ્રાર્થના કરી. શું યહોવાએ તેમની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો? હા, પણ પાઉલે વિચાર્યું હતું એ રીતે નહિ. એ મુશ્કેલી દૂર કરવાને બદલે, યહોવાએ તેમને વફાદારીથી ભક્તિ કરતા રહેવા તાકાત આપી.—૨ કોરીં. ૧૨:૭-૧૦.

૬. અમુક વાર આપણને કેમ લાગી શકે કે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ નથી આપી રહ્યા?

કદાચ આપણને પણ યહોવા પ્રાર્થનાઓનો જવાબ એવી રીતે આપે, જે વિશે આપણે વિચાર્યું ન હોય. પણ પૂરો ભરોસો રાખી શકીએ કે આપણને કઈ રીતે મદદ કરવી, એ યહોવા સૌથી સારી રીતે જાણે છે. “આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે તે કરી શકે છે.” (એફે. ૩:૨૦) એટલે બની શકે કે, આપણે સપનામાંય વિચાર્યું ન હોય એ રીતે અથવા એ સમયે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે.

૭. આપણે કેમ પોતાની પ્રાર્થનાઓમાં ફેરફાર કરવો પડી શકે? એક દાખલો આપો.

જ્યારે આપણે સમજીએ છીએ કે યહોવાની ઇચ્છા શું છે, ત્યારે કદાચ આપણે પ્રાર્થનાઓમાં ફેરફાર કરવો પડે. આપણે જે બાબત માટે પ્રાર્થના કરતા હતા, એના બદલે બીજી કોઈ બાબત માટે પ્રાર્થના કરવી પડે. ચાલો, ભાઈ માર્ટિન પોટઝીંગરના દાખલા પર ધ્યાન આપીએ. તેમના લગ્‍નના થોડા સમય પછી જ, તેમને નાઝી જુલમી છાવણીમાં મોકલી દેવામાં આવ્યા. શરૂઆતમાં તે પ્રાર્થના કરતા કે યહોવા તેમને આ જુલમી છાવણીમાંથી છોડાવે, જેથી તે પોતાની પત્નીની સંભાળ રાખી શકે અને ફરી પ્રચાર કરી શકે. જોકે બે અઠવાડિયાં વીતી ગયાં તોપણ એવું કંઈ જ ન થયું, જેનાથી તેમને લાગે કે યહોવા તેમને બચાવવાનો રસ્તો ખોલી રહ્યા છે. એટલે તે આવી પ્રાર્થના કરવા લાગ્યા, “યહોવા પ્લીઝ, મને બતાવો કે તમારી શું ઇચ્છા છે.” પછી ભાઈ એનો વિચાર કરવા લાગ્યા કે છાવણીમાં બીજા ભાઈઓ પર શું વીતી રહ્યું છે. ઘણા ભાઈઓને પોતાની પત્ની અને બાળકોની ચિંતા સતાવતી હતી. એટલે ભાઈ પોટઝીંગરે પ્રાર્થના કરી: “યહોવા મારી આ નવી સોંપણી માટે ખૂબ ખૂબ આભાર. મારા ભાઈઓને મજબૂત કરવા અને તેઓને ઉત્તેજન આપવા મને મદદ કરજો.” છાવણીમાં નવ વર્ષ ભાઈએ એ જ કર્યું.

૮. પ્રાર્થના કરતી વખતે કઈ એક મહત્ત્વની વાત યાદ રાખવી જોઈએ?

આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાનો એક હેતુ છે અને તે પોતાના નક્કી કરેલા સમયે એને ચોક્કસ પૂરો કરશે. તેમની ઇચ્છા છે કે તે આપણી બધી મુશ્કેલીઓને જડમૂળથી ઉખેડી નાખે, એનો અંત લાવી દે. એવું તે પોતાના રાજ્ય દ્વારા કરશે. તેમનું રાજ્ય આવશે ત્યારે કુદરતી આફતો, બીમારીઓ અને મરણ જેવી મોટી મોટી મુશ્કેલીઓનો હંમેશ માટે અંત આવી જશે. પછી આપણે ક્યારેય દુઃખ-તકલીફોનો સામનો નહિ કરવો પડે. (દાનિ. ૨:૪૪; પ્રકટી. ૨૧:૩, ૪) પણ એ સમય આવે ત્યાં સુધી યહોવાએ શેતાનને આ દુનિયા પર રાજ કરવાની છૂટ આપી છે. b (યોહા. ૧૨:૩૧; પ્રકટી. ૧૨:૯) જો યહોવા અત્યારે માણસોની બધી મુશ્કેલીઓ દૂર કરી દે, તો એવું લાગી શકે કે જાણે શેતાન દુનિયા પર સારી રીતે રાજ કરી રહ્યો છે. એટલે યહોવા પોતાનાં વચનો પૂરાં કરે ત્યાં સુધી, આપણે રાહ જોવાની જરૂર છે. પણ એનો અર્થ એ નથી કે યહોવાએ આપણને આપણા હાલ પર છોડી દીધા છે. ચાલો જોઈએ કે યહોવા કઈ અમુક રીતોએ આપણને મદદ કરે છે.

યહોવા આજે કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે?

૯. નિર્ણયો લેવાની જરૂર પડે ત્યારે યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે? સમજાવો.

યહોવા આપણને બુદ્ધિ આપે છે. યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને સારા નિર્ણયો લેવા બુદ્ધિ આપશે. આપણે ઘણા મોટા મોટા નિર્ણયો લઈએ છીએ, જેમાં આપણને યહોવા પાસેથી મળતી બુદ્ધિની વધારે જરૂર પડે છે. કેમ કે એવા નિર્ણયોથી આપણું આખું જીવન બદલાઈ જાય છે. દાખલા તરીકે, શું આપણે લગ્‍ન કરીશું કે પછી કુંવારા રહીશું? (યાકૂ. ૧:૫) ચાલો, મારિયા નામના એક કુંવારાં બહેનનો દાખલો જોઈએ. c તે ખુશી ખુશી પાયોનિયરીંગ કરી રહ્યાં હતાં. પછી તે એક ભાઈને મળ્યાં. બહેન કહે છે: “અમે જેમ જેમ એકબીજાને વધારે ઓળખવા લાગ્યા, તેમ તેમ અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ મને ખબર હતી કે હવે મારે એક નિર્ણય લેવો પડશે. મેં યહોવાને ઘણી પ્રાર્થનાઓ કરી. હું જાણતી હતી કે હું યહોવાની મદદ વગર સારો નિર્ણય નહિ લઈ શકું. જોકે મને એ પણ ખબર હતી કે મારા વતી યહોવા નિર્ણય નથી લેવાના.” તેમને લાગ્યું કે યહોવાએ તેમની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો અને સારો નિર્ણય લેવા બુદ્ધિ આપી. કઈ રીતે? તેમણે આપણાં સાહિત્યમાં સંશોધન કર્યું અને ઘણા લેખો વાંચ્યા. એ માહિતીથી તેમને પોતાના સવાલોના જવાબ મળી ગયા. તેમણે પોતાનાં મમ્મી સાથે પણ વાત કરી, જે યહોવાના સાક્ષી હતાં. બહેને મમ્મીની સલાહ પર ધ્યાન આપ્યું અને લાગણીઓમાં આવીને નિર્ણય ન લીધો. આખરે તે એક સારો નિર્ણય લઈ શક્યાં.

યહોવા આપણને કઈ રીતે મુશ્કેલીઓ સહેવા તાકાત આપે છે? (ફકરો ૧૦ જુઓ)

૧૦. ફિલિપીઓ ૪:૧૩ પ્રમાણે યહોવા પોતાના ભક્તોને કઈ રીતે મદદ કરે છે? એક દાખલો આપો. (ચિત્ર પણ જુઓ.)

૧૦ યહોવા મુશ્કેલીઓ સહેવા તાકાત આપે છે. તેમણે પ્રેરિત પાઉલ માટે કર્યું તેમ, તે આપણને તાકાત આપશે, જેથી મુશ્કેલી સહી શકીએ અને ધીરજ બતાવી શકીએ. (ફિલિપીઓ ૪:૧૩ વાંચો.) ચાલો, બેન્જામીનભાઈના દાખલાનો વિચાર કરીએ. ધ્યાન આપો કે યહોવાએ તેમને કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ કરી. પોતાની યુવાનીનાં બધાં વર્ષો ભાઈ બેન્જામીન અને તેમના કુટુંબે આફ્રિકાની શરણાર્થી છાવણીઓમાં વિતાવ્યાં. ભાઈ કહે છે: “હું યહોવાને હંમેશાં પ્રાર્થના કરતો. તેમની પાસે તાકાત માંગતો, જેથી હું એવાં કામ કરી શકું જે તેમને ગમે છે. યહોવાએ મારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો. તેમણે મને મનની શાંતિ આપી. મને પ્રચાર કરતા રહેવા હિંમત આપી. તેમ જ તેમની સાથેનો સંબંધ મજબૂત રહે, એ માટે સાહિત્ય આપ્યું.” તે એમ પણ જણાવે છે: “મેં ભાઈ-બહેનોના અનુભવો વાંચ્યા અને જોયું કે યહોવા કઈ રીતે તેઓને મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે. એ જાણીને યહોવાને વફાદાર રહેવાનો મારો નિર્ણય વધારે મક્કમ થયો.”

શું યહોવાએ તમને ભાઈ-બહેનો દ્વારા મદદ કરી છે? (ફકરા ૧૧-૧૨ જુઓ) d

૧૧-૧૨. યહોવા કઈ રીતે ભાઈ-બહેનો દ્વારા આપણી પ્રાર્થનાઓનો જવાબ આપી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૧ યહોવા ભાઈ-બહેનો દ્વારા મદદ કરે છે. ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું એની આગલી રાતે યહોવાને કરગરીને પ્રાર્થના કરી. તેમણે કાલાવાલા કર્યા કે તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો ખોટો આરોપ મૂકવામાં ન આવે. યહોવાએ એવું કંઈ ન કર્યું જેનાથી ઈસુ પર એ ખોટો આરોપ ન લાગે. પણ તેમણે ઈસુને બીજી એક રીતે મદદ કરી. તેમણે ઈસુની હિંમત વધારવા ઈસુના એક ભાઈ, એટલે કે એક દૂતને મોકલ્યા. (લૂક ૨૨:૪૨, ૪૩) યહોવા આજે પણ ભાઈ-બહેનો દ્વારા આપણને મદદ કરી શકે છે. કદાચ તેઓ આપણને મળવા આવે અથવા તો ફોન કરીને આપણી હિંમત વધારે. આપણે બધાએ ભાઈ-બહેનોને “ઉત્તેજન આપતા શબ્દો” કહેવાની તક શોધતા રહેવું જોઈએ.—નીતિ. ૧૨:૨૫.

૧૨ મીરિયમબહેનના દાખલા પર ધ્યાન આપીએ. એક દિવસે બહેન પોતાના ઘરમાં એકલાં હતાં અને બહુ દુઃખી હતાં. રડી રડીને તેમની આંખો સૂજી ગઈ હતી. કેમ કે થોડાં અઠવાડિયાઓ પહેલાં જ તેમના પતિ ગુજરી ગયા હતા. બહેન કહે છે: “મારામાં એટલી તાકાત ન હતી કે હું કોઈને ફોન કરું, એટલે મેં યહોવાને પ્રાર્થના કરી. હું રડી રડીને પ્રાર્થના કરતી હતી, એવામાં મારા ફોનની ઘંટડી વાગી. ફોન એક વડીલ ભાઈનો હતો. તે મારા સારા મિત્ર છે.” એ વડીલ અને તેમની પત્ની સાથે વાત કરવાથી બહેનને દિલાસો મળ્યો. મીરિયમબહેનને પાકો ભરોસો છે કે યહોવાએ જ એ વડીલ ભાઈ પાસે ફોન કરાવ્યો હતો.

યહોવા કઈ રીતે આપણને મદદ કરવા બીજા લોકોનો ઉપયોગ કરી શકે? (ફકરા ૧૩-૧૪ જુઓ)

૧૩. યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપવા એવા લોકોનો ઉપયોગ કરી શકે છે, જેઓ તેમની ભક્તિ કરતા નથી? એક દાખલો આપો.

૧૩ યહોવા એવા લોકોનો પણ ઉપયોગ કરી શકે છે, જેઓ તેમની ભક્તિ કરતા નથી. (નીતિ. ૨૧:૧) કેટલીક વાર તે પોતાના ભક્તોની પ્રાર્થનાનો જવાબ આપવા એવા લોકોનો ઉપયોગ કરે છે, જેઓ તેમની ભક્તિ કરતા નથી. ચાલો એક દાખલો જોઈએ. નહેમ્યાની ઇચ્છા હતી કે તે યરૂશાલેમ જઈને એ શહેર ફરી બાંધે. એ સમયે યહોવાએ આર્તાહશાસ્તા રાજાને પ્રેરણા આપી કે તે નહેમ્યાની વિનંતી સ્વીકારે. (નહે. ૨:૩-૬) આજે પણ યહોવા એવું કરી શકે છે. જ્યારે તેમના ભક્તો કોઈ મુશ્કેલીમાં હોય, ત્યારે તેમને મદદ કરવા તે એવા લોકોનો ઉપયોગ કરી શકે છે જેઓ તેમની ભક્તિ કરતા નથી.

૧૪. બહેન સૂ-હીનના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું? (ચિત્ર પણ જુઓ.)

૧૪ બહેન સૂ-હીને અનુભવ્યું કે યહોવાએ તેમને એક ડૉક્ટર દ્વારા મદદ કરી. તેમના દીકરાને અનેક માનસિક બીમારીઓ છે. અમુક વર્ષો પછી તેમનો દીકરો ઊંચાઈથી પડી ગયો અને તેને ગંભીર ઈજા થઈ. એટલે તેની સંભાળ રાખવા બહેન અને તેમના પતિએ નોકરી છોડવી પડી. એના લીધે તેઓને પૈસાની તંગી પડવા લાગી. બહેને કહ્યું કે રબરને ખેંચવાની એક હદ હોય છે. એવી જ રીતે, તેમને લાગ્યું કે હવે તે વધારે સહન નહિ કરી શકે, તેમની હદ આવી ગઈ છે. પણ તેમણે યહોવા આગળ પોતાનું હૈયું ઠાલવ્યું અને તેમની પાસે મદદ માંગી. જે ડૉક્ટર તેમના દીકરાની સારવાર કરી રહ્યા હતા, તેમણે તેઓને મદદ કરવાનું વિચાર્યું. એના લીધે તેઓને સરકાર પાસેથી મદદ મળી અને તેઓને ઓછા પૈસામાં એક ઘર ભાડે મળી ગયું. પછીથી બહેને જણાવ્યું: “અમે યહોવાનો હાથ સાફ જોઈ શક્યાં. તે સાચે જ ‘પ્રાર્થનાના સાંભળનાર’ છે.”—ગીત. ૬૫:૨.

પ્રાર્થનાનો જવાબ પારખવા અને સ્વીકારવા શ્રદ્ધાની જરૂર છે

૧૫. એક બહેનને કઈ રીતે અહેસાસ થયો કે યહોવા તેમની પ્રાર્થનાઓનો જવાબ આપી રહ્યા છે?

૧૫ મોટા ભાગે આપણી પ્રાર્થનાઓનો જવાબ જોરદાર રીતે નથી મળતો. પણ સ્વર્ગમાંના આપણા પિતા ચોક્કસ આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. યહોવા જાણે છે કે તેમને વફાદાર રહેવા આપણને શાની જરૂર છે. એટલે તે એ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. હંમેશાં એ વાત પર ધ્યાન આપો કે યહોવા કઈ રીતે તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે. ચાલો, યોકોબહેનનો દાખલો જોઈએ. તેમને લાગતું હતું કે યહોવા તેમની પ્રાર્થનાઓનો જવાબ નથી આપી રહ્યા. પણ પછી તેમણે જે બાબતો માટે પ્રાર્થના કરી હતી, એ ચોપડીમાં લખવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેમણે એ ચોપડી ફરી જોઈ. તેમને અહેસાસ થયો કે યહોવાએ મોટા ભાગની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે. અરે, એવી પ્રાર્થનાઓનો પણ જવાબ આપ્યો છે, જેના વિશે તે પોતે ભૂલી ગયાં હતાં. આપણે પણ સમયે સમયે વિચારવું જોઈએ કે યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે.—ગીત. ૬૬:૧૯, ૨૦.

૧૬. પ્રાર્થનાની બાબતમાં આપણે કઈ રીતે યહોવામાં શ્રદ્ધા બતાવી શકીએ? (હિબ્રૂઓ ૧૧:૬)

૧૬ આપણે પ્રાર્થના કરીને યહોવામાં શ્રદ્ધા બતાવીએ છીએ. પણ યહોવા જે રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે, એ સ્વીકારીને પણ આપણે શ્રદ્ધા બતાવી શકીએ છીએ. (હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.) ચાલો, માઈકભાઈ અને તેમનાં પત્ની ક્રીસીનો દાખલો જોઈએ. તેઓ બેથેલમાં સેવા આપવા માંગતાં હતાં. ભાઈ કહે છે: “અમે વર્ષો સુધી બેથેલમાં સેવા આપવા અરજી કરી અને એ વિશે યહોવાને વારંવાર પ્રાર્થના કરી. પણ અમને બેથેલમાં બોલાવવામાં ન આવ્યાં.” ભાઈ અને તેમનાં પત્નીને પાકો ભરોસો હતો કે યહોવાને ખબર છે કે તેમની ભક્તિમાં બંનેનો કઈ રીતે સૌથી સારો ઉપયોગ કરવો. તેઓએ યહોવાની સેવામાં પોતાનાથી થઈ શકે એ બધું જ કર્યું. તેઓ પાયોનિયર તરીકે એવા વિસ્તારમાં ગયાં, જ્યાં વધારે જરૂર હતી. એટલું જ નહિ, તેઓએ બાંધકામમાં પણ ભાગ લીધો. આજે તેઓ સરકીટ કામ કરી રહ્યાં છે. ભાઈ કહે છે: “યહોવાએ હંમેશાં અમારી પ્રાર્થનાનો જવાબ એ રીતે ન આપ્યો, જેમ અમે ચાહતા હતા. પણ તેમણે અમારી પ્રાર્થનાઓનો જવાબ જરૂર આપ્યો. અમે સપનામાંય વિચાર્યું ન હોય એ રીતે જવાબ આપ્યો.”

૧૭-૧૮. ગીતશાસ્ત્ર ૮૬:૬, ૭ પ્રમાણે આપણે કઈ વાતની ખાતરી રાખી શકીએ છીએ?

૧૭ ગીતશાસ્ત્ર ૮૬:૬, ૭ વાંચો. દાઉદને પાકી ખાતરી હતી કે યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી અને એનો જવાબ આપ્યો. આપણે પણ દાઉદ જેવી જ ખાતરી રાખી શકીએ. આ લેખમાં આપણે જે દાખલાઓ જોયા, એનાથી ખાતરી મળે છે કે યહોવા આપણી પણ પ્રાર્થનાઓનો જવાબ આપશે. તે આપણને બુદ્ધિ આપી શકે છે અને મુશ્કેલીઓનો સામનો કરવા તાકાત આપી શકે છે. કદાચ તે ભાઈ-બહેનો દ્વારા આપણી મદદ કરે અથવા એવા લોકો દ્વારા, જેઓ હમણાં તેમની ભક્તિ નથી કરતા.

૧૮ કદાચ આપણે વિચાર્યું હોય એ રીતે યહોવા આપણી પ્રાર્થનાઓનો જવાબ ન આપે. પણ તે પ્રાર્થનાનો જવાબ જરૂર આપશે. તે જાણે છે કે આપણને કયા સમયે શાની જરૂર છે. એટલે આપણે પ્રાર્થના કરતા રહીએ અને ભરોસો રાખીએ કે તે આપણી સંભાળ રાખશે અને નવી દુનિયામાં તે ‘બધાની ઇચ્છા પૂરી કરશે.’—ગીત. ૧૪૫:૧૬.

ગીત ૨ યહોવા તારો આભાર

a યહોવા ખાતરી આપે છે કે જો આપણી પ્રાર્થનાઓ તેમની ઇચ્છા પ્રમાણે હશે, તો તે જરૂર સાંભળશે. મુશ્કેલીઓમાં આપણે ભરોસો રાખી શકીએ કે તે આપણને વફાદાર રહેવા જરૂરી મદદ કરશે. ચાલો જોઈએ કે યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે.

b યહોવાએ કેમ શેતાનને આ દુનિયા પર રાજ કરવાની પરવાનગી આપી છે, એ જાણવા જૂન ૨૦૧૭, ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ.

c અમુક નામ બદલ્યાં છે.

d ચિત્રની સમજ: એક મમ્મી પોતાની દીકરી સાથે બીજા એક દેશમાં શરણાર્થી તરીકે આવ્યાં છે. ત્યાંનાં ભાઈ-બહેનો પ્રેમથી તેઓનું સ્વાગત કરી રહ્યાં છે અને જરૂરી મદદ આપે છે.