સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨૦

વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?

વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?

“તેમની આગળ તમારું હૈયું ઠાલવો.”—ગીત. ૬૨:૮.

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

ઝલક a

યહોવાને નિયમિત પ્રાર્થના કરીએ અને દરેક બાબતમાં તેમની પાસે માર્ગદર્શન માંગીએ (ફકરો ૧ જુઓ)

૧. યહોવા પોતાના ભક્તોને કયું આમંત્રણ આપે છે? (ચિત્ર પણ જુઓ.)

 જ્યારે આપણને દિલાસો અને માર્ગદર્શનની જરૂર હોય, ત્યારે કોની પાસે જઈ શકીએ? આપણે એનો જવાબ જાણીએ છીએ. આપણે યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. તેમણે પોતે એમ કરવાનું કહ્યું છે. તે ચાહે છે કે આપણે તેમને ‘સતત પ્રાર્થના કરીએ.’ (૧ થેસ્સા. ૫:૧૭) આપણે તેમને અચકાયા વગર પ્રાર્થના કરી શકીએ છીએ. જીવનનાં દરેક પાસામાં તેમનું માર્ગદર્શન લઈ શકીએ છીએ. (નીતિ. ૩:૫, ૬) યહોવા ઉદાર ઈશ્વર છે. આપણે ચાહીએ એટલી વાર તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. એ માટે તેમણે કોઈ હદ ઠરાવી નથી.

૨. આ લેખમાં શું જોઈશું?

આપણે યહોવાનો આભાર માનીએ છીએ કેમ કે તેમણે આપણને પ્રાર્થના કરવાનો લહાવો આપ્યો છે. પણ આપણે કામમાં કદાચ એટલા વ્યસ્ત થઈ જઈએ કે પ્રાર્થના માટે સમય કાઢવો અઘરું લાગે. અથવા લાગી શકે કે આપણે વધારે સારી રીતે પ્રાર્થના કરવાની જરૂર છે. પણ ખુશીની વાત છે કે બાઇબલમાંથી આપણને જરૂરી ઉત્તેજન અને મદદ મળી રહે છે. આ લેખમાં આપણે ઈસુના દાખલા પર ધ્યાન આપીશું. એમાંથી શીખીશું કે કઈ રીતે પ્રાર્થના કરવા સમય કાઢી શકીએ. એટલું જ નહિ, આપણે વધારે સારી રીતે પ્રાર્થના કરી શકીએ માટે, પાંચ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું.

ઈસુએ પ્રાર્થના કરવા સમય કાઢ્યો

૩. ઈસુ પ્રાર્થના વિશે શું જાણતા હતા?

ઈસુ જાણતા હતા કે યહોવા આપણી પ્રાર્થનાઓને ખૂબ કીમતી ગણે છે. પૃથ્વી પર આવતા પહેલાં ઈસુ પોતાના પિતા યહોવા સાથે સ્વર્ગમાં હતા. એ સમયે તેમણે નજરોનજર જોયું હતું કે યહોવા પોતાના વફાદાર ભક્તોની પ્રાર્થના સાંભળે છે. જેમ કે, તેમણે જોયું હતું કે હાન્‍ના, દાઉદ અને એલિયા જેવા ઈશ્વરભક્તોએ પૂરા દિલથી પ્રાર્થના કરી ત્યારે, યહોવાએ તેઓનું સાંભળ્યું અને જવાબ આપ્યો. (૧ શમુ. ૧:૧૦, ૧૧, ૨૦; ૧ રાજા. ૧૯:૪-૬; ગીત. ૩૨:૫) એટલે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે શિષ્યોને શીખવ્યું કે તેઓ વારંવાર પ્રાર્થના કરે અને એમ કરતા અચકાય નહિ.—માથ. ૭:૭-૧૧.

૪. પ્રાર્થના વિશે ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

ઈસુએ પ્રાર્થના વિશે પોતાના શિષ્યો માટે સૌથી સારો દાખલો બેસાડ્યો. પોતાના આખા સેવાકાર્ય દરમિયાન તેમણે યહોવાને વારંવાર પ્રાર્થના કરી. ઘણી વાર તે લોકોથી ઘેરાયેલા રહેતા અને કામમાં ખૂબ વ્યસ્ત રહેતા. એટલે પ્રાર્થના કરવા તે પહેલેથી જ સમય કાઢતા. (માર્ક ૬:૩૧, ૪૫, ૪૬) તે વહેલી સવારે ઊઠીને એકાંતમાં યહોવા સાથે વાત કરતા. (માર્ક ૧:૩૫) એક વખત જ્યારે એક મોટો નિર્ણય લેવાનો હતો, ત્યારે તેમણે આખી રાત પ્રાર્થના કરી. (લૂક ૬:૧૨, ૧૩) મરણની આગલી રાતે ઈસુએ ઘણી વાર પ્રાર્થના કરી, કેમ કે તે પોતાને મળેલી સૌથી અઘરી સોંપણી પૂરી કરવા માંગતા હતા.—માથ. ૨૬:૩૯, ૪૨, ૪૪.

૫. પ્રાર્થના કરવા વિશે આપણે કઈ રીતે ઈસુના દાખલાને અનુસરી શકીએ?

ઈસુના દાખલામાંથી શીખીએ છીએ કે વ્યસ્ત હોઈએ તોપણ આપણે પ્રાર્થના કરવા સમય કાઢવો જોઈએ. ઈસુની જેમ આપણે પણ કદાચ પ્રાર્થના કરવા સમય નક્કી કરી શકીએ. કદાચ આપણે વહેલી સવારે અથવા રાતે પ્રાર્થના કરી શકીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે યહોવાએ પ્રાર્થનાની જે ભેટ આપી છે, એની ખૂબ કદર કરીએ છીએ. ચાલો, લીનીબહેનના દાખલા પર ધ્યાન આપીએ. જ્યારે તેમને પહેલી વાર જાણવા મળ્યું કે તે યહોવાને પ્રાર્થના કરી શકે છે, ત્યારે એ વાત તેમના દિલને સ્પર્શી ગઈ. તે કહે છે: “હું શીખી કે હું કોઈ પણ સમયે યહોવા સાથે વાત કરી શકું છું. એનાથી મને અહેસાસ થયો કે યહોવા એક પાકા દોસ્ત જેવા છે અને મને લાગ્યું કે મારે વધારે સારી રીતે પ્રાર્થના કરતા રહેવું જોઈએ.” આપણામાંથી ઘણાને એવું જ લાગતું હશે. ચાલો, હવે પાંચ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરીએ, જેને આપણે પ્રાર્થના કરતી વખતે ધ્યાનમાં રાખી શકીએ.

પ્રાર્થના વિશે પાંચ મહત્ત્વના મુદ્દા

૬. પ્રકટીકરણ ૪:૧૦, ૧૧ પ્રમાણે યહોવા શેના હકદાર છે?

યહોવાનો જયજયકાર કરીએ. પ્રેરિત યોહાને એક ભવ્ય દર્શનમાં ૨૪ વડીલોને સ્વર્ગમાં યહોવાની ભક્તિ કરતા જોયા. તેઓએ યહોવાનો જયજયકાર કર્યો અને કહ્યું કે “મહિમા, માન અને શક્તિ” મેળવવા તે જ યોગ્ય છે. (પ્રકટીકરણ ૪:૧૦, ૧૧ વાંચો.) વફાદાર દૂતો પાસે પણ યહોવાનો જયજયકાર અને મહિમા કરવાનાં અઢળક કારણો છે. તેઓ યહોવા સાથે સ્વર્ગમાં રહે છે અને તેમને સારી રીતે ઓળખે છે. યહોવા જે કંઈ કરે છે, એમાં તેઓ યહોવાના ગુણો જોઈ શકે છે. યહોવાને કામ કરતા જોઈને દૂતો ખુશીથી તેમનો જયજયકાર કરવા લાગે છે.—અયૂ. ૩૮:૪-૭.

૭. આપણે કઈ કઈ બાબતો માટે યહોવાનો જયજયકાર કરી શકીએ?

આપણે પણ પ્રાર્થનામાં યહોવાનો જયજયકાર કરવો જોઈએ. એવું કઈ રીતે કરી શકીએ? આપણે પ્રાર્થનામાં યહોવાને જણાવી શકીએ કે તેમની કઈ વાત અથવા કયા ગુણો આપણને ગમે છે અને કેમ. બાઇબલ વાંચતી વખતે અને એનો અભ્યાસ કરતી વખતે વિચારો કે એમાંથી તમને યહોવાની કઈ વાત અથવા કયા ગુણો ગમ્યા. (અયૂ. ૩૭:૨૩; રોમ. ૧૧:૩૩) પછી એ વિશે પ્રાર્થનામાં જણાવો. યહોવા તમારા માટે અને દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો માટે કેટકેટલું કરે છે. તમે એ માટે પણ તેમનો જયજયકાર કરી શકો. તે હંમેશાં આપણી સંભાળ રાખે છે અને આપણું રક્ષણ કરે છે.—૧ શમુ. ૧:૨૭; ૨:૧, ૨.

૮. યહોવાનો આભાર માનવાનાં અમુક કારણો કયાં છે? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૮)

યહોવાનો આભાર માનીએ. તેમનો આભાર માનવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૮ વાંચો.) આપણે વિચારી શકીએ કે આપણી પાસે કઈ કઈ સારી વસ્તુઓ છે અને એ માટે તેમનો આભાર માનીએ. (યાકૂ. ૧:૧૭) આખરે, દરેક સારી ભેટ યહોવાએ જ તો આપી છે. દાખલા તરીકે, આ સુંદર પૃથ્વી માટે અને એમાંની બધી અજાયબ ચીજવસ્તુઓ માટે તેમનો આભાર માની શકીએ. યહોવાએ આપણને એક સરસ મજાનું જીવન આપ્યું છે, કુટુંબ આપ્યું છે, દોસ્તો આપ્યા છે તેમજ ભાવિની એક જોરદાર આશા આપી છે. એ માટે પણ તેમનો આભાર માની શકીએ. એટલું જ નહિ, યહોવાએ આપણને તેમના દોસ્ત બનવાનો એક કીમતી લહાવો આપ્યો છે. એ માટે પણ તેમનો આભાર માની શકીએ.

૯. યહોવાનો આભાર માનવાનું કેમ શીખવું જોઈએ?

પોતાને પૂછો: ‘યહોવાનો આભાર માનવાના મારી પાસે કયાં કારણો છે?’ એનો જવાબ મેળવવા કદાચ આપણે મહેનત કરવી પડે. આજે દુનિયામાં મોટા ભાગના લોકો એકબીજાનો આભાર માનતા નથી. લોકોનું ધ્યાન પોતાની ઇચ્છાઓ પૂરી કરવામાં જ હોય છે, આભાર માનવો તો દૂરની વાત. ધ્યાન નહિ રાખીએ તો, આપણે પણ તેઓ જેવા બની જઈશું. કદાચ પ્રાર્થનામાં યહોવાનો આભાર માનવાને બદલે દર વખતે કંઈકને કંઈક માંગતા જ રહીશું. એવું ન થાય માટે આપણે યહોવાનો આભાર માનવાનું શીખીએ અને તેમણે આપણા માટે જે કર્યું છે, એની કદર બતાવીએ.—લૂક ૬:૪૫.

યહોવાએ આપણા માટે જે કર્યું છે, એનો આભાર માનતા રહીએ. એનાથી મુશ્કેલીઓ સહેવા મદદ મળશે (ફકરો ૧૦ જુઓ)

૧૦. આભાર માનવાથી કઈ રીતે બહેન મુશ્કેલીઓમાં ધીરજ રાખી શક્યાં? (ચિત્ર પણ જુઓ.)

૧૦ નાની નાની વાતો માટે આભાર માનવાનું વલણ કેળવીશું તો, મોટી મોટી મુશ્કેલીનો સામનો કરવા મદદ મળશે. બહેન ક્યુંગ-સૂકનો વિચાર કરીએ. તેમનો અનુભવ જાન્યુઆરી ૧૫, ૨૦૧૫ના ચોકીબુરજમાં આવ્યો હતો. ડૉક્ટરે જણાવ્યું કે તેમને ફેફસાંનું કેન્સર છે અને એ ઘણું ફેલાઈ ગયું છે. બહેન જણાવે છે: “એ બીમારીને લીધે હું ભાંગી પડી. મને લાગ્યું કે મેં બધું જ ગુમાવી દીધું છે. મને ડર લાગવા લાગ્યો.” આ મુશ્કેલીનો સામનો કરવા બહેનને ક્યાંથી મદદ મળી? બહેન દરરોજ સૂતા પહેલાં ધાબા પર જતાં અને મોટેથી પ્રાર્થના કરતા. પ્રાર્થનામાં દિવસ દરમિયાન બનેલી પાંચ બાબતો માટે ઈશ્વરનો આભાર માનતાં. એમ કરવાથી તેમને દિલાસો મળતો અને યહોવા માટે પ્રેમ બતાવવાનું તેમને વધારે મન થતું. તેમણે અનુભવ્યું કે યહોવા કઈ રીતે પોતાના વફાદાર ભક્તોને મુશ્કેલીઓમાં ટકી રહેવા મદદ કરે છે. તેમને સમજાયું કે જીવનમાં કસોટીઓ કરતાં આશીર્વાદો ઘણાં વધારે હોય છે. ભલે કોઈ પણ મુશ્કેલીમાં હોઈએ, પણ બહેન ક્યુંગ-સૂકની જેમ આપણી પાસે યહોવાનો આભાર માનવાના ઘણાં કારણો છે. જો આપણે પ્રાર્થનામાં યહોવાનો આભાર માનતા રહીશું, તો મુશ્કેલીઓમાં ધીરજ રાખી શકીશું અને શાંત રહી શકીશું.

૧૧. ઈસુ સ્વર્ગમાં ગયા એ પછી શિષ્યોને કેમ હિંમતની જરૂર હતી?

૧૧ પ્રચાર કરવા હિંમત માંગીએ. સ્વર્ગમાં જતાં પહેલાં ઈસુએ પોતાના શિષ્યોને એક મહત્ત્વની જવાબદારી વિશે યાદ અપાવ્યું. તેઓએ “યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી” તેમના વિશે સાક્ષી આપવાની હતી. (પ્રે.કા. ૧:૮; લૂક ૨૪:૪૬-૪૮) એના થોડા સમય પછી યહૂદી ધર્મગુરુઓએ પિતર અને યોહાનને પકડી લીધા. તેઓને યહૂદી ન્યાયસભામાં લઈ જવામાં આવ્યા. ધર્મગુરુઓએ એ વફાદાર ઈશ્વરભક્તોને ડરાવ્યા-ધમકાવ્યા અને પ્રચાર બંધ કરવાનો હુકમ આપ્યો. (પ્રે.કા. ૪:૧૮, ૨૧) પણ પિતર અને યોહાને શું કર્યું?

૧૨. પ્રેરિતોનાં કાર્યો ૪:૨૯, ૩૧ પ્રમાણે ઈસુના શિષ્યોએ શું કર્યું?

૧૨ યહૂદી ધર્મગુરુઓની ધમકીઓ સાંભળ્યા પછી પિતર અને યોહાને કહ્યું: “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.” (પ્રે.કા. ૪:૧૯, ૨૦) પિતર અને યોહાનને છોડવામાં આવ્યા ત્યારે, શિષ્યોએ મોટા અવાજે યહોવાને વિનંતી કરી કે તેઓ તેમની ઇચ્છા પૂરી કરવા માંગે છે. તેઓએ પ્રાર્થના કરી: “તમારા સેવકોને તમારો સંદેશો પૂરી હિંમતથી બોલવા મદદ કરો.” યહોવાએ તેઓની દિલથી કરેલી પ્રાર્થના સાંભળી.—પ્રેરિતોનાં કાર્યો ૪:૨૯, ૩૧ વાંચો.

૧૩. ભાઈ જીન-હૂકના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૩ જો સરકાર પ્રચાર કરવાની ના પાડે, તોપણ આપણે ઈસુના શિષ્યોને અનુસરીને પ્રચાર કામ ચાલુ રાખી શકીએ. ભાઈ જીન-હૂકના દાખલા પર ધ્યાન આપો. સેનામાં ભરતી ન થવાને લીધે તેમને જેલની સજા થઈ. જેલમાં તેમને એવા કેદીઓની સંભાળ રાખવાનું કહેવામાં આવ્યું, જેઓને એકલા કોટડીમાં રાખવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓની સાથે કામ સિવાય બીજી કોઈ વાત ન કરે, બાઇબલ વિશે પણ નહિ. એટલે ભાઈએ હિંમત અને બુદ્ધિ માટે યહોવાને પ્રાર્થના કરી, જેથી તક મળે ત્યારે તે એ કેદીઓને પ્રચાર કરી શકે. (પ્રે.કા. ૫:૨૯) ભાઈ જીન-હૂક કહે છે: “યહોવાએ મારી પ્રાર્થના સાંભળી. તેમણે મને હિંમત અને બુદ્ધિ આપી. એના લીધે હું ઘણા બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યો. હું કોટડીના દરવાજે ઊભા રહીને પાંચ પાંચ મિનિટ તેઓ સાથે અભ્યાસ કરતો. પછી રાતે હું તેઓ માટે પત્રો લખતો અને બીજા દિવસે એ આપી દેતો.” આપણે પણ પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને પ્રચાર કરવા મદદ કરશે. ભાઈ જીન-હૂકની જેમ આપણે યહોવાને હિંમત અને બુદ્ધિ માટે પ્રાર્થના કરી શકીએ.

૧૪. મુશ્કેલીઓનો સામનો કરવા શું કરી શકીએ? (ગીતશાસ્ત્ર ૩૭:૩, ૫)

૧૪ મુશ્કેલીઓનો સામનો કરવા મદદ માંગીએ. આપણામાંથી ઘણા લોકો બીમારી અથવા બીજા કોઈ કારણે નિરાશ છે. બની શકે કે આપણે કોઈ સ્નેહીજનને ગુમાવ્યું હોય, કુટુંબમાં કોઈ તકલીફ હોય, વિરોધ થઈ રહ્યો હોય અથવા બીજી કોઈ મુશ્કેલી હોય. અધૂરામાં પૂરું, મહામારી અને યુદ્ધોના લીધે એ મુશ્કેલીઓ સહેવી ઘણી અઘરી થઈ ગઈ છે. એવામાં યહોવાને દિલ ખોલીને વાત કરો. જેમ તમે તમારા પાકા મિત્રને દિલની બધી જ વાત જણાવો છો, તેમ યહોવાને જણાવો કે તમારા પર શું વીતી રહ્યું છે, તમે કેવું અનુભવી રહ્યા છો. પૂરો ભરોસો રાખો કે યહોવા ‘તમારા માટે પગલાં ભરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૩,  વાંચો.

૧૫. “મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન” કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે? દાખલો આપો.

૧૫ પ્રાર્થના કરતા રહેવાથી “મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન” કરી શકીશું. (રોમ. ૧૨:૧૨) યહોવા જાણે છે કે તેમના ભક્તો પર શું વીતી રહ્યું છે. તે તેઓની ‘મદદનો પોકાર સાંભળે’ છે. (ગીત. ૧૪૫:૧૮, ૧૯) ૨૯ વર્ષના ક્રિસ્ટીબહેને પણ એવું અનુભવ્યું. બધું જ સારું ચાલી રહ્યું હતું અને તે સારી રીતે પાયોનિયરીંગ પણ કરી રહ્યાં હતાં. પણ અચાનક તેમની તબિયત બહુ જ બગડી ગઈ. એના લીધે તે ખૂબ નિરાશ થઈ ગયાં. પછી તેમને જાણવા મળ્યું કે તેમનાં મમ્મીને જીવલેણ બીમારી છે. ક્રિસ્ટીબહેન કહે છે: “હું દરરોજ યહોવાને કાલાવાલા કરતી કે તે મને દિવસની મુશ્કેલીઓ સહેવા શક્તિ આપે. હું પૂરી કોશિશ કરતી કે સભામાં જવાનું ચૂકી ન જાઉં. હું નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ પણ કરતી.” તે આગળ કહે છે: “મુશ્કેલ સમયનો સામનો કરવા મને પ્રાર્થનાથી ઘણી મદદ મળી છે. હું જાણતી હતી કે યહોવા હંમેશાં મારી સાથે છે, એનાથી મને ઘણો દિલાસો મળતો. જોકે, મારી તબિયતમાં તરત જ સુધારો ન થયો, પણ યહોવાએ મારી પ્રાર્થના સાંભળી અને મનની શાંતિ આપી.” આપણે કદી ન ભૂલીએ, “યહોવા જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.”—૨ પિત. ૨:૯.

લાલચોથી બચવા (૧) યહોવાને પ્રાર્થના કરો, (૨) પ્રાર્થના પ્રમાણે પગલાં ભરો અને (૩) યહોવા સાથેનો સંબંધ મજબૂત કરો (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬. લાલચોનો સામનો કરવા આપણને કેમ યહોવાની મદદની જરૂર છે?

૧૬ લાલચોનો સામનો કરવા મદદ માંગીએ. આપણે ડગલેને પગલે ભૂલો કરીએ છીએ, એટલે લાલચો સામે લડતા રહેવું પડે છે. એટલું જ નહિ, આપણાં મનમાં ગંદા વિચારો ભરવા શેતાન રાત-દિવસ એક કરી રહ્યો છે. એ માટે તે ઘણી વાર મનોરંજનનો ઉપયોગ કરે છે, જેમાં ગંદાં કામો બતાવ્યાં હોય. એવું મનોરંજન આપણાં મનમાં ખરાબ વિચારો ભરી દે છે અને એનાથી આપણે યહોવાની નજરમાં અશુદ્ધ થઈ શકીએ છીએ. આગળ જતાં કદાચ આપણે મોટું પાપ કરી બેસીએ.—માર્ક ૭:૨૧-૨૩; યાકૂ. ૧:૧૪, ૧૫.

૧૭. લાલચોથી દૂર રહેવા પ્રાર્થના કર્યા પછી આપણે શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૭ લાલચોનો સામનો કરવા આપણને ખરેખર યહોવાની મદદની જરૂર છે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું ત્યારે, તેમણે આ વિનંતી કરવાનું પણ કહ્યું: “અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને શેતાનથી અમને બચાવો.” (માથ. ૬:૧૩) યહોવા આપણને મદદ કરવા માંગે છે, જોકે આપણે પણ પ્રાર્થનામાં તેમની પાસે મદદ માંગવી જોઈએ. પછી એ પ્રમાણે પગલાં ભરવાં જોઈએ. આપણે એવા મનોરંજનથી દૂર રહેવું જોઈએ, જેને આ દુનિયાના લોકો ખોટું ગણતા નથી. (ગીત. ૯૭:૧૦) આપણે બીજું શું કરી શકીએ? આપણે બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. એમ કરીશું તો, આપણે મનમાં સારા વિચારો ભરી શકીશું. સભાઓ અને પ્રચારકામ પણ આપણને સારી વાતો પર મન લગાડવા મદદ કરશે. યહોવાએ વચન આપ્યું છે કે આપણે એ બધું કરીશું તો, તે આપણા પર એવી કોઈ કસોટી નહિ આવવા દે, જે સહન ન કરી શકીએ.—૧ કોરીં. ૧૦:૧૨, ૧૩.

૧૮. પ્રાર્થના કરવા વિશે આપણે બધાએ શું કરવું જોઈએ?

૧૮ આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ, જેમાં મુશ્કેલીઓનો કોઈ પાર નથી. એટલે યહોવાને વફાદાર રહેવા આપણે વધારે ને વધારે પ્રાર્થના કરવી જોઈએ. યહોવા ચાહે છે કે આપણે પ્રાર્થનામાં ‘તેમની આગળ હૈયું ઠાલવીએ.’ (ગીત. ૬૨:૮) દરરોજ દિલ ખોલીને યહોવા સાથે વાત કરવા સમય નક્કી કરો. તેમનો જયજયકાર કરો. તેમણે તમારા માટે જે કર્યું છે, એ માટે તેમનો આભાર માનો. પ્રચાર કરવા હિંમત માંગો. મુશ્કેલીઓ અને લાલચોનો સામનો કરવા તેમને કાલાવાલા કરો. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તમને પ્રાર્થના કરતા ન અટકાવે, એનું પૂરેપૂરું ધ્યાન રાખો. પણ યહોવા કઈ રીતે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપે છે? હવે પછીના લેખમાં આપણે એ સવાલનો જવાબ મેળવીશું.

ગીત ૬ અમારી પ્રાર્થના

a આપણે ચાહીએ છીએ કે આપણી પ્રાર્થના જિગરી દોસ્તને લખેલા પત્ર જેવી હોય. પણ ઘણી વાર પ્રાર્થના માટે સમય કાઢવો અઘરું લાગી શકે અથવા પ્રાર્થનામાં શું કહેવું એ ન સમજાય. આ લેખમાં એ બંને મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરીશું.