સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આતંરડાંનું ચેતાતંત્ર (ભૂરા રંગનું) પાચનતંત્રની અંદર આવેલું છે

આંતરડાંનું ચેતાતંત્ર—તમારા શરીરનું “બીજું મગજ”?

આંતરડાંનું ચેતાતંત્ર—તમારા શરીરનું “બીજું મગજ”?

તમારી પાસે કેટલાં મગજ છે? જો તમે કહો કે “એક,” તો તમે ખરા છો. પરંતુ, તમારા શરીરમાં બીજાં ચેતાતંત્રો પણ હોય છે. ચેતાકોષોનું એક માળખું એટલું ફેલાયેલું છે કે, અમુક વૈજ્ઞાનિકો એને “બીજું મગજ” કહે છે. એ છે આંતરડાંનું ચેતાતંત્ર, જે તમારા માથામાં નહિ પરંતુ તમારા પેટમાં હોય છે.

ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શરીરે ઘણી મહેનત કરવી પડે છે. એ માટે શરીરનાં અંગોમાં તાલમેલ હોય એ બહુ જરૂરી છે. મગજનું કામ બીજાં અંગોને કાર્ય સોંપવાનું છે અને પાચનતંત્રનું મોટા ભાગનું નિયંત્રણ એણે આંતરડાંના ચેતાતંત્રને સોંપ્યું છે.

આંતરડાંનું ચેતાતંત્ર મગજ કરતાં સાદું છે. પણ, એની રચના ઘણી જટિલ છે. માણસોનાં આંતરડાંના ચેતાતંત્રમાં ૨૦થી ૬૦ કરોડ ચેતાકોષો હોય છે. એ જટિલ માળખું પાચનતંત્રમાં હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે જો આંતરડાંના ચેતાતંત્રનું કાર્ય મગજમાં કરવામાં આવે, તો એના માટે જાડી કોશિકાઓ (ચેતાઓ) જોઈએ. ધ સેકન્ડ બ્રેન નામનું પુસ્તક જણાવે છે કે, “[પાચનતંત્ર] જાતે પોતાની દેખરેખ રાખે એ સલામત અને અનુકૂળ પણ છે.”

“રાસાયણિક કારખાનું”

ખોરાક પચે માટે જરૂરી છે કે, ચોક્કસ રાસાયણિક મિશ્રણ યોગ્ય સમયે પેદા થાય અને યોગ્ય જગ્યાએ પહોંચાડાય. પ્રોફેસર ગેરી મો પાચનતંત્રને “રાસાયણિક કારખાનું” કહે છે, જે યોગ્ય વર્ણન છે. જેટલી કુશળતાથી રાસાયણિક ક્રિયા થાય છે, એ સમજવું અઘરું છે. દાખલા તરીકે, આંતરડાંની દીવાલમાં ખાસ કોષ આવેલા છે. એ કોષો રસાયણોને શોધવાનું કે સ્વાદ પારખવાનું કામ કરે છે. એટલે કે, આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં રહેલાં રસાયણોને એ પારખે છે. એ માહિતી પરથી આંતરડાંનું ચેતાતંત્ર યોગ્ય પાચક રસ પેદા કરે છે. શરીર શોષી શકે એ રીતે પાચક રસ ખોરાકના નાના નાના ટુકડા કરે છે. આંતરડાંનું ચેતાતંત્ર ખોરાકના ટુકડામાં રહેલા બીજાં રાસાયણિક તત્ત્વો અને એસિડિટીનું પણ ધ્યાન રાખે છે અને એ પ્રમાણે પાચક રસોમાં જરૂરી ફેરફારો કરે છે.

પાચનનળીમાંથી ખોરાક જે રીતે આગળ વધે છે, એ નવાઈ પમાડે એવું છે. મોટાભાગે એનું ધ્યાન આંતરડાંનું ચેતાતંત્ર રાખે છે. “બીજું મગજ” એટલે કે આંતરડાંનું ચેતાતંત્ર પાચનનળીની દીવાલમાં રહેલા સ્નાયુનું સંકોચન કરે છે, જેનાથી પાચનતંત્રમાં ખોરાક આગળ વધે છે. પાચનતંત્ર સારી રીતે કાર્ય કરી શકે, એ માટે આંતરડાંનું ચેતાતંત્ર નિયંત્રણ કરે છે કે, સ્નાયુનું સંકોચન કેટલી વાર અને કેટલા જોરથી થવું જોઈએ.

આંતરડાંનું ચેતાતંત્ર શરીરની સલામતીનું પણ ધ્યાન રાખે છે. તમે જે ખોરાક લો છો, એમાં હાનિકારક જીવાણુ (બૅક્ટેરિયા) પણ હોઈ શકે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિનો મહત્ત્વનો ભાગ લસિકા કોષ છે. એના ૭૦થી ૮૦ ટકા કોષો તમારા પેટની અંદર હોય છે. જો તમારા ખોરાકમાં મોટા પ્રમાણમાં હાનિકારક જીવાણુ આવી જાય, તો આંતરડાંનું ચેતાતંત્ર શરીરનું રક્ષણ કરવા સ્નાયુનું સંકોચન ઝડપથી કરે છે. એનાથી, ઝેરી તત્ત્વો ઊલટી કે ઝાડા દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે.

સારો તાલમેલ

ભલે આંતરડાંનું ચેતાતંત્ર મગજની મદદ વગર કામ કરતું હોય એવું લાગે, પણ એ બંને વચ્ચે સારો તાલમેલ હોય છે. દાખલા તરીકે, આપણે ક્યારે અને કેટલું ખાવું જોઈએ એનો સંદેશો હોર્મોન્સ મગજને પહોંચાડે છે. એ હોર્મોન્સનું નિયંત્રણ આંતરડાંનું ચેતાતંત્ર રાખે છે. આંતરડાંના ચેતાકોષો મગજને જણાવે છે કે, તમારું પેટ ભરાઈ ગયું છે. જો તમે વધુ પડતું ખાઈ લીધું હોય, તો તમને ઊબકા આવવા લાગે છે.

આ લેખ વાંચ્યા પહેલાં, કદાચ તમને લાગતું હશે કે શું પાચનનળી અને મગજ વચ્ચે કોઈ તાલમેલ છે? શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે, અમુક ખોરાક ખાવ ત્યારે તમારો મૂડ સારો થઈ જાય છે? એનું કારણ સંશોધકો જણાવે છે કે જ્યારે આંતરડાંનું ચેતાતંત્ર મગજને ‘ખુશીનો સંદેશો’ મોકલે છે, ત્યારે શરીરમાં એક પછી એક ક્રિયા થાય છે અને તમારો મૂડ સારો થઈ જાય છે. એનાથી સમજી શકાય કે, શા માટે ખૂબ ચિંતા હોય ત્યારે લોકોને અમુક ખોરાક ખાવાનું ગમે છે. વૈજ્ઞાનિકો આંતરડાંના ચેતાતંત્રને કૃત્રિમ રીતે ઉત્તેજિત કરવાની રીત શોધી રહ્યા છે, જેથી ડિપ્રેશનના દર્દીની સારવાર કરી શકાય.

મગજ અને પાચનતંત્ર વચ્ચે સારો તાલમેલ હોય છે એનો બીજો દાખલો પણ છે. આપણે કહીએ છીએ કે પેટમાં ફાળ પડી. એવી લાગણી એટલે થાય છે કેમ કે, મગજ ચિંતામાં હોય ત્યારે, આંતરડાંનું ચેતાતંત્ર લોહીને પેટથી દૂર બીજા રસ્તે વાળી દે છે. અમુક કિસ્સામાં ઊબકા આવે છે, કેમ કે મગજ ચિંતામાં હોય ત્યારે એ આંતરડાંના ચેતાતંત્રને સંદેશો મોકલે છે, જેથી આતંરડામાં ફેરફાર થાય છે.

ખરું કે, આંતરડાંનું ચેતાતંત્ર એવી લાગણીઓ પેદા કરી શકે છે. પરંતુ, એ આપણા વતી વિચારી શકતું નથી કે નિર્ણય લઈ શકતું નથી. બીજા શબ્દોમાં, આંતરડાંનું ચેતાતંત્ર ખરેખર મગજ નથી. એ તમને ગીતો લખવા, બૅન્ક એકાઉન્ટ સંભાળવા કે લેસન કરવા મદદ કરી નહિ શકે. તેમ છતાં, એ અદ્ભુત તંત્ર એટલું જટિલ છે કે વૈજ્ઞાનિકો આશ્ચર્યમાં પડી જાય છે. એના મોટાભાગના કામ હજી શોધાયા નથી. હવે તમે જમવા બેસો ત્યારે, પાચનતંત્રમાં થતા નિયંત્રણ વિશે, માહિતીની આપ-લે વિશે અને તાલમેલ વિશે થોડું વિચારજો!