સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ મુશ્કેલીઓનો સામનો કર્યો

રીકાર્ડો અને એન્ડ્રાસની કહાની

રીકાર્ડો અને એન્ડ્રાસની કહાની

બાઇબલના શિક્ષણમાં લોકોનું જીવન બદલવાની અદ્‍ભુત તાકાત છે. ચાલો એના બે દાખલા જોઈએ: રીકાર્ડો અને એન્ડ્રાસ.

રીકાર્ડો: ૧૫ વર્ષની ઉંમરે જ હું એક ગેંગમાં જોડાઈ ગયો. ગેંગના સભ્યોની મારા પર ઘણી ખરાબ અસર પડી. એટલી હદે કે, મારી ઇચ્છા હતી: હું જેલમાં જઉં અને ત્યાં દસ વર્ષ કાઢું! ભલે તમને એ રમૂજ લાગે પણ એ હકીકત છે. અમારા વિસ્તારમાં જેઓ જેલમાં ગયા હોય તેઓને માન-સન્માન મળતાં. મારે પણ એવા માન-સન્માન જોઈતાં હતાં.

ગેંગમાં હતો ત્યારે મેં બધાં ખોટાં કામો કર્યાં જેમ કે ડ્રગ્સ, સેક્સ અને મારામારી. એક રાતે ભારે ગોળીબાર થયો. મને લાગ્યું કે આજે તો આવી જ બન્યું. પણ હું ત્યાંથી નાસી છૂટ્યો, મારો વાળ પણ વાંકો ન થયો. એ ઘટના પછી હું વિચારવા લાગ્યો કે મારે આગળ શું કરવું છે. મારે ફેરફાર કરવા હતા. પણ, કઈ રીતે કરું? ક્યાંથી મદદ મેળવું?

મારાં સગાંઓનું જીવન પણ દુઃખ-તકલીફોથી ભરેલું હતું. પણ, મારા એક મામાનું કુટુંબ હંમેશાં ખુશ રહેતું. મને ખબર હતી કે તેઓ સારા છે અને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. એકવાર તેઓએ મને જણાવ્યું હતું કે, ઈશ્વરનું નામ યહોવા છે. એટલે, એ ઘટના પછી મેં યહોવાનું નામ લઈને પ્રાર્થના કરી. પછી જે થયું, એ મારા માનવામાં જ ન આવ્યું. બીજે દિવસે યહોવાના એક સાક્ષી મારા દરવાજે ઊભા હતા! પછીથી તેમણે જ મને બાઇબલમાંથી શીખવ્યું.

બીજી એક મુશ્કેલી આવી, મારા મિત્રો અવારનવાર ફોન કરીને મને બોલાવતા. તેઓને ના પાડવી, સહેલું ન હતું. તોપણ મેં તેઓને ના પાડી દીધી. કેમ કે બાઇબલમાંથી શીખવાની મેં મનમાં ગાંઠ વાળી હતી. હું ખુશ છું કે મેં એવો નિર્ણય લીધો! મારી જિંદગી સાવ બદલાઈ ગઈ, મને સાચી ખુશી મળી.

મને યાદ છે, પહેલાં મેં ઈશ્વરને એવી પ્રાર્થના કરી હતી કે દસ વર્ષ જેલમાં જવા મળે, જેથી ગેંગના બીજા સભ્યો મને માન આપે. પણ પછી મેં પ્રાર્થના કરી કે દસ વર્ષ પૂરા સમયની સેવા કરવા મળે, જેથી બીજાઓને મદદ કરી શકું. ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી. આજે, હું ૧૭ વર્ષથી પૂરા સમયની સેવા કરી રહ્યો છું. અને હા, કહેવાનું ભૂલી ગયો, હું ક્યારેય જેલમાં ગયો નથી!

જૂના મિત્રોમાંથી ઘણાએ કેટલાય વર્ષો જેલમાં કાઢ્યા છે. બીજા કેટલાક મરી ગયા છે. વીતેલી કાલ પર નજર કરું ત્યારે, મામાના કુટુંબનો દિલથી આભાર માનું છું. તેઓએ બીજાં સગાંઓની જેમ નહિ, પણ અલગ રીતે જીવવાનું નક્કી કર્યું હતું. તેઓ બાઇબલ પ્રમાણે જીવતા હતા. તેઓ માટે મારા દિલમાં જેટલું માન છે, એટલું ગેંગના મિત્રો માટે ક્યારેય ન હતું. સૌથી વધુ તો યહોવાનો આભારી છું કે, તેમણે મને જિંદગીનો સાચો માર્ગ બતાવ્યો.

એન્ડ્રાસ: મારો જન્મ અને ઉછેર એવા વિસ્તારમાં થયો હતો, જ્યાં ખરાબ બાબતો ઘણી સામાન્ય હતી. જેમ કે ડ્રગ્સ લેવું, ધાકધમકીથી પૈસા કઢાવવા, હત્યા અને વેશ્યાવૃત્તિ જેવાં કામ કરવા. મારા પપ્પા તો દારૂ અને કોકેઇનના બંધાણી હતા. તે અને મારી મમ્મી હંમેશાં ઝઘડતા, મારઝૂડ કરતા.

નાની ઉંમરથી જ હું પણ દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢી ગયો. દિવસે હું મોટા ભાગે ગલીઓમાં રખડતો, સામાન ચોરીને વેચી નાંખતો. મોટો થતો ગયો તેમ પપ્પાએ મારી સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો. પણ, એ માટે તેમણે ખોટી રીત અપનાવી. તે મને ખરાબ બાબતો શીખવવા લાગ્યા. ડ્રગ્સ અને બીજી ગેરકાયદેસર વસ્તુઓની દાણચોરી કરીને દેશમાં કઈ રીતે ઘુસાડવી અને વેચી મારવી, એ તેમણે શીખવ્યું. થોડા સમયમાં તો હું માલદાર થઈ ગયો. એવામાં એક દિવસે પોલીસે મને પકડી લીધો. હત્યાનો પ્રયાસ કરવાનો મારા પર આરોપ હતો, એટલે મને પાંચ વર્ષની સજા થઈ.

એક દિવસ જેલમાં લાઉડસ્પીકર પર જાહેરાત થઈ કે, યહોવાના સાક્ષીઓ કેદીઓને બાઇબલમાંથી શીખવવાના છે. મેં શીખવાનું નક્કી કર્યું. મને તેઓની વાત ગમી એટલે, હું તેઓ સાથે અભ્યાસ કરવા લાગ્યો. તેઓ બાઇબલમાંથી મને ગમે એવી વાતો જ બતાવતા ન હતા. પણ, તેઓએ મને બાઇબલમાંથી સાફ બતાવ્યું કે ઈશ્વર મારી પાસે કેવા સંસ્કારોની અપેક્ષા રાખે છે.

હું અભ્યાસ કરતો, એ સાથી કેદીઓને જરાય ગમતું નહિ. એટલે તેઓ મને મારવાની ધમકી આપતા હતા. મને ખ્યાલ આવ્યો કે હું પોતાની તાકાતથી જીવનમાં ફેરફાર કરી શકીશ નહિ. એટલે મેં પ્રાર્થનામાં શક્તિ અને સમજદારી માંગ્યા. યહોવાએ મને એ આપ્યા પણ ખરાં. હું તેઓની ધમકીઓથી ડરી ગયો નહિ, પણ બીજા કેદીઓને ખુશખબર જણાવતો રહ્યો.

જેલમાંથી છૂટવાનો સમય આવ્યો ત્યારે તો હું સાવ મૂંઝાઈ ગયો હતો. અરે, મને લાગ્યું કે અહીં જ રહી જઉં! હું જેલમાંથી નીકળી રહ્યો હતો ત્યારે, કેટલાક કેદીઓ હાથ હલાવીને આવજો કહી રહ્યા હતા. તો કેટલાક પ્રેમથી કહી રહ્યા હતા, ‘પાદરી સાહેબ, સાચવીને ઘરે જજો!’

જો ઈશ્વરે મને સાચો રસ્તો બતાવ્યો ન હોત, તો મારી જિંદગી કેવી હોત, એ વિચારથી જ હું ડરી જઉં છું. ઈશ્વરનો લાખ-લાખ આભાર કે તેમણે મારા પર સ્નેહ વરસાવ્યો અને મને નકામો ન ગણ્યો. *

^ જીવન સુધારવા પવિત્ર બાઇબલથી મદદ મળે છે. એવા બીજા દાખલાઓ માટે jw.org/gu પર લાઇબ્રેરીમાં લેખો વિભાગ પર ક્લિક કરો અને પછી “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” જુઓ.