સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એવું રાજ્ય આવશે, જે મુશ્કેલીઓ કાઢી નાખશે

‘અપાર શાંતિ હશે’

‘અપાર શાંતિ હશે’

યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રસંઘ) એક વિચારને આગળ ધપાવી રહ્યું છે, એ છે ‘વિશ્વ નાગરિકતા.’ એટલે કે તેઓ ચાહે છે કે લોકો એકબીજા સાથે હળીમળીને રહે, માનવ અધિકારોને માન આપે અને પર્યાવરણને સાચવે. શા માટે? યુ. એન. ક્રોનિકલ નામના સામયિકમાં મેહર નાસિર જણાવે છે, ‘આબોહવાને થઈ રહેલું નુકસાન, વધતી જતી ગુનાખોરી, અમીરી-ગરીબીનો તફાવત, દેશોમાં ચાલતી લડાઈઓ, શરણાર્થીઓની વધતી સંખ્યા, વિશ્વભરમાં વકરેલો આતંકવાદ, વધતી જતી ચેપી બીમારીઓ અને એના જેવી બીજી બાબતો કંઈ દેશની સરહદો જોઈને આવતી નથી.’

કેટલાકને લાગે છે કે આખી દુનિયામાં ફક્ત એક સરકાર હોવી જોઈએ. એમાં દાન્તે અને આલ્બર્ટ આઇનસ્ટાઇનનો સમાવેશ થાય છે. દાન્તે (૧૨૬૫-૧૩૨૧) ઇટાલીના જાણીતા ફિલોસોફર, કવિ અને રાજનેતા હતા. આલ્બર્ટ આઇનસ્ટાઇન (૧૮૭૯-૧૯૫૫) પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. દાન્તે માનતા હતા કે, જ્યાં રાજકીય વિચારો જુદાં જુદાં હોય, ત્યાં શાંતિ વધારે ટકતી નથી. દાન્તેએ ઈસુના શબ્દો ટાંક્યા હતા, “દરેક રાજ્ય જેમાં અંદરોઅંદર ભાગલા પડે છે એનું પતન થાય છે.”—લુક ૧૧:૧૭.

બીજા વિશ્વયુદ્ધમાં દુનિયાને પરમાણુ બોમ્બનો પરચો મળ્યો હતો. એના થોડા સમય પછી, આઇનસ્ટાઇને યુએનની જનરલ એસેમ્બલીને જાહેર પત્ર લખ્યો હતો: ‘યુએને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને વિશ્વમાં એક જ સરકાર સ્થાપવા માટે પ્રયત્ન કરવો જોઈએ, જેથી દુનિયાભરમાં શાંતિ-સલામતી સ્થપાય.’

પણ એ સરકારના રાજનેતાઓ વિશે આવી શંકા થઈ શકે: શું તેઓ ભ્રષ્ટ નહિ હોય? શું તેઓમાં લાયકાત હશે? શું તેઓ જુલમ નહિ ગુજારે? શું તેઓ પણ દુષ્ટ શાસકોની જેમ વર્તશે? એ સવાલો બ્રિટનના ઇતિહાસકાર લોર્ડ એક્ટનના આ શબ્દોની યાદ અપાવે છે: ‘સત્તાને ભ્રષ્ટાચારનો સડો લાગવાનો જ. જેટલી સત્તા વધારે એટલો સડો વધારે.’

માણસોને સાચી શાંતિ જોઈતી હોય તો સંપીને રહેવું પડશે. આપણે કઈ રીતે એવું કરી શકીએ? એવો વિચાર કરવો શું વાજબી કહેવાય? બાઇબલ કહે છે, એવું શક્ય છે. ભ્રષ્ટ રાજનેતાઓની સરકારથી નહિ, પણ ઈશ્વરના રાજ્યથી. ફક્ત ઈશ્વરને રાજ કરવાનો હક છે, માણસોને નહિ. બાઇબલમાં એને ‘ઈશ્વરનું રાજ્ય’ કહેવામાં આવ્યું છે.—લુક ૪:૪૩.

“તમારું રાજ્ય આવો”

ઈસુએ પ્રાર્થના કરવાનું શીખવ્યું ત્યારે ઈશ્વરના રાજ્ય વિશે જણાવ્યું: ‘તમારું રાજ્ય આવો. પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૯, ૧૦) ઈશ્વરના રાજ્યમાં સત્તા કે લાલચના ભૂખ્યા માણસોની ઇચ્છા પૂરી નહિ થાય. પણ, પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી થશે.

ઈશ્વરના રાજ્યને “સ્વર્ગનું રાજ્ય” પણ કહેવામાં આવે છે. (માથ્થી ૫:૩) શા માટે? એ રાજ્ય પૃથ્વી પર નહિ હોય, એ તો સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. એ વિશે વિચાર કરો. એ રાજ્યને પૈસા કે બીજી વસ્તુઓની જરૂર નહિ પડે. એનાથી માણસોને કેટલી રાહત મળશે!

ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને એના રાજા બનાવ્યા છે. બાઇબલમાં ઈસુ વિશે જણાવ્યું છે:

  • ‘તેની પીઠ પર રાજ્યનો અધિકાર રહેશે. તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.’—યશાયા ૯:૬, ૭.

  • ‘તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય; તેની સત્તા સનાતન છે.’ —દાનીયેલ ૭:૧૪.

  • ‘દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વર અને તેમના ખ્રિસ્તનું રાજ્ય થયું છે.’—પ્રકટીકરણ ૧૧:૧૫.

ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. એ રાજ્યમાં બધા મનુષ્યો પૃથ્વીની સંભાળ રાખશે. એટલે પૃથ્વી પાછી સુંદર બનશે અને જીવ સૃષ્ટિ વધશે.

ઈશ્વરના રાજ્યમાં દરેકને એકસરખાં ધોરણો શીખવવામાં આવશે. એટલે કોઈ મતભેદ નહિ હોય. યશાયા ૧૧:૯ એ વિશે કહે છે, “કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.”

એ સમયે પૃથ્વીના બધા લોકો સાચા અર્થમાં વિશ્વ નાગરિક બનશે, જે યુનાઈટેડ નેશન્સ કરી શક્યું નથી. ગીતશાસ્ત્ર ૩૭:૧૧ કહે છે, “પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” “ગુના,” “પ્રદૂષણ,” “ગરીબી” અને “યુદ્ધ” જેવા શબ્દો પણ આપણે ભૂલી જઈશું. પણ એવું ક્યારે થશે? પૃથ્વી પર ઈશ્વરનું રાજ ક્યારે આવશે? એ કઈ રીતે શાંતિ-સલામતી લાવશે? એનાથી આપણને કેવા ફાયદા થશે? ચાલો એ વિશે જાણીએ.