ચિંતામાંથી રાહત મેળવો
ચિંતામાંથી રાહત આપતાં પગલાં
ચિંતા કે સ્ટ્રેસનો સામનો સારી રીતે કરવા તમારે એવી બાબતો પર વિચાર કરવો જોઈએ જે સૌથી મહત્ત્વની છે. એટલે કે, તમારું આરોગ્ય, બીજાઓ સાથેનું તમારું વર્તન, તમારા ધ્યેયો અને અગત્યનાં કામો. આ લેખમાં આપણે અમુક સિદ્ધાંતોની ચર્ચા કરીશું, જે તમને એમ કરવા મદદ કરશે. એટલું જ નહિ, રાહત મેળવવા પણ કામ લાગશે.
આજે આજની જ ચિંતા કરો
“આવતીકાલની કદી પણ ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ માટે બીજી ચિંતાઓ ઊભી હશે.”—માથ્થી ૬:૩૪.
કઈ રીતે લાગુ પાડવું: જીવનમાં ચિંતાઓ તો રહેવાની જ. કાલની વધુ પડતી ચિંતા કરીને આજનો બોજો ન વધારીએ. આજે આજની જ ચિંતા કરીએ.
-
તણાવભર્યા સંજોગોમાં ચિંતાઓ વધી શકે. એટલે બે બાબતો યાદ રાખો. પહેલી, તણાવભર્યા સંજોગો પૂરી રીતે ટાળી શકાતા નથી. ચિંતા કરી કરીને કંઈ તમે તણાવને ઓછો કરી શકતા નથી. બીજી, તમને જેનો ડર છે, ચિંતા છે એવા સંજોગો કદાચ ન પણ આવે.
વાજબી બનો
‘જે ડહાપણ સ્વર્ગમાંથી છે એ વાજબી છે.’—યાકૂબ ૩:૧૭.
કઈ રીતે લાગુ પાડવું: પોતાનાથી કે બીજાઓથી બધું જ બરાબર થવું જોઈએ એવો આગ્રહ ન રાખીએ. હાંસલ કરી શકાય એવા જ ધ્યેય રાખીએ. જે થઈ જ ન શકે એની માટે મથ્યા ન કરીએ.
-
નમ્રતાથી કામ લો. વાજબી બનો. તમારી અને બીજાઓની ક્ષમતાઓ કે મર્યાદાઓનો ખ્યાલ રાખો. તમે એમ કરશો તો તણાવ ઓછો થશે અને વાતાવરણ હળવું બનશે. અરે, કદાચ પ્રોત્સાહન મળે એવો માહોલ ઊભો થાય, જેનાથી કામ વધુ સારું થઈ શકે. રમૂજી અને ગમ્મત કરવાનો સ્વભાવ પણ તમને મદદ કરશે. સંજોગો તંગ હોય ત્યારે પણ જો તમે હસો છો, તો તણાવ ઘટે છે અને તમારો મૂડ સારો થઈ જાય છે.
તણાવનું કારણ પારખો
“ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.”—નીતિવચનો ૧૭:૨૭.
કઈ રીતે લાગુ પાડવું: વ્યાધિ કરવાથી અને ખોટી લાગણીઓથી સમજશક્તિ બહેર મારી જાય છે. એવામાં કંઈ સારું સૂઝતું નથી. એટલે ઠંડા મગજથી કામ લેવું જોઈએ.
-
તમને કયા કારણથી સ્ટ્રેસ થાય છે એ પારખો. એવામાં તમે કઈ રીતે વર્તો છો એની પણ નોંધ લો. જેમ કે, સ્ટ્રેસ દરમિયાન તમારાં વિચારો, લાગણીઓ અને વર્તન કેવાં હોય છે. ચાહો તો એ લખી રાખી શકો. તણાવના માહોલને તમે કઈ રીતે હાથ ધરો છો એ જાણતા હશો તો, જરૂરી સુધારા કરી શકશો. સ્ટ્રેસ આપતી બાબતોને ટાળવાની રીતો વિચારી રાખો. જો એ શક્ય ન લાગે, તો સ્ટ્રેસ ઓછો થાય એવી રીતો શોધો. જેમ કે, કામ કરવાની રીતમાં જરૂરી સુધારા કરો, સમયનો વધુ સારો ઉપયોગ કરો.
-
સંજોગોને જોવાની રીત બદલી શકો. તમને જે વાત ચિંતા કરવા જેવી લાગતી હોય, એ બીજાઓને ન પણ લાગે. દરેકની વિચારવાની રીત જુદી હોય છે. એટલે આ ત્રણ સૂચનો યાદ રાખો:
-
બીજાઓના ઇરાદા ખરાબ જ હશે એવું ધારી ન લો. જેમ કે, તમે લાઈનમાં ઊભા છો અને કોઈ પાછળથી આવીને ઘૂસ મારે છે. એ સારું ન કહેવાય એવું વિચારીને તમને ખરાબ લાગે છે. પણ ગુસ્સે થવાને કે તાણમાં આવી જવાને બદલે, કેમ નહિ કે એવું વિચારો કે એની કોઈ મજબૂરી હશે. કોને ખબર, ખરેખર એવું હોય પણ શકે!
-
સંજોગ કોઈ પણ હોય એનું સારું પાસું જોવાનું રાખો. જેમ કે, ડૉક્ટરને આવવાને વાર થઈ રહી છે અથવા એરપોર્ટ પર વિમાન મોડું ઊપડવાનું છે. એ ઘડીને, મહત્ત્વનું કંઈક વાંચવાની કે ઈ-મેઇલ કરવાની, કે કોઈ બીજું કામ પતાવવાની તક ગણી શકો.
-
સમસ્યાને પારખો. આનો વિચાર કરો: આજની મુશ્કેલી શું આવતીકાલે પણ એટલી જ મોટી હશે? શું એ લાંબા સમય સુધી ચાલશે, કે પછી થોડા સમય સુધી? ગંભીર છે કે નજીવી?
-
સમય અને વ્યવસ્થા જાળવો
“બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.”—૧ કોરીંથીઓ ૧૪:૪૦.
કઈ રીતે લાગુ પાડવું: જીવનમાં બધી બાબતે સમય અને વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ.
-
કેટલીક વાર મુશ્કેલીનું કારણ હોય છે-અસ્તવ્યસ્ત જીવનઢબ, ઢીલ અને આળસ. એવા અસ્તવ્યસ્ત કામને લીધે માણસ વધુ તણાવમાં મુકાય છે. કામો પતે નહિ, કશાનો પાર આવે નહિ. એ ટાળવા નીચેની તરકીબો અજમાવી જુઓ.
-
કોઈ પણ કામ તમે કેટલા સમયમાં પતાવી દેશો એ નક્કી કરો અને એ નિર્ણયને વળગી રહો.
-
કામ પાછું ઠેલાયા કરે એવું કોઈ વલણ કે આદત હોય તો પારખો અને એમાં સુધારો કરો.
-
યોગ્ય જીવનઢબ કેળવો
‘શ્રમ વેઠીને અને પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત મુઠ્ઠીભર મળે તે સારું છે.’—સભાશિક્ષક ૪:૬.
કઈ રીતે લાગુ પાડવું: કામમાં ડૂબી રહેનારાઓ પોતે ‘જે શ્રમ વેઠીને ખોબો ભરીને મેળવે છે’ એનો લાભ લઈ શકતા નથી. પોતે કમાયેલા પૈસાનો આનંદ માણવા તેઓ પાસે સમય કે શક્તિ બચતી નથી.
-
પૈસા અને નોકરી માટે યોગ્ય વલણ રાખો. વધુ પૈસા કમાવવાથી ખુશી વધશે અને તણાવ ઓછો થશે એવું નથી. હા, એનાથી ઉલટું જરૂર બની શકે. સભાશિક્ષક ૫:૧૨ કહે છે: ‘ધનવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.’ એટલે, ચાદર પ્રમાણે સોડ તાણો. ગજા બહારનો ખર્ચો ટાળો.
-
હળવાશની પળો માટે થોડો સમય કાઢો. મનગમતી બાબતો કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. પણ જોજો, ટીવી સામે બેસી રહેવું તમારો સ્ટ્રેસ દૂર કરશે, એવું માનતા નહિ! એવી પ્રવૃત્તિઓ તમને મદદ કરી શકે નહિ.
-
મોબાઈલ અને બીજાં સાધનોના વધુ પડતા ઉપયોગથી દૂર રહો. વારંવાર ઈ-મેઇલ, મૅસેજ અથવા સોશિયલ મીડિયા પર ડોકિયું કર્યા કરવાનું ટાળો. જો અગત્યનું ન હોય તો, કામના કલાકો પછી ઑફિસનું કામ ઑફિસમાં જ રાખો.
તબિયતની કાળજી રાખો
“શરીરની કસરત તો અમુક હદે જ લાભ કરે છે.”—૧ તિમોથી ૪:૮.
કઈ રીતે લાગુ પાડવું: નિયમિત કસરતથી તંદુરસ્તી સારી રહે છે.
-
તંદુરસ્તી જળવાય એવી ટેવો પાડો. શરીર કસાય એવાં કામથી મૂડ સારો રહે છે અને સ્ટ્રેસનો સામનો કરવા તમારું શરીર મજબૂત બને છે. પૌષ્ટિક ખોરાક લો. જમવાનું ટાળશો નહિ, સમયસર જમો અને પૂરતો આરામ લો.
-
ચિંતાઓથી પીછો છોડાવવા “જોખમી” રસ્તાથી બચો. દારૂની લત, ધૂમ્રપાન કે નશીલી દવાઓના રવાડે ચઢશો નહિ. એ લતથી તમારી મહેનતના પૈસાની પાયમાલી અને તબિયતને નુકસાન થઈ શકે છે. એટલે તણાવ ઊલટાનો વધે છે.
-
સ્ટ્રેસ કાબૂમાં ન આવતો જણાય તો ડૉક્ટરની સલાહ લો. યાદ રાખો, એવી મદદ લેવી કંઈ શરમની વાત નથી.
સૌથી અગત્યનું શું છે એ નક્કી કરો
‘જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.’—ફિલિપીઓ ૧:૧૦.
કઈ રીતે લાગુ પાડવું: સમજી-વિચારીને નક્કી કરો કે તમારા જીવનમાં સૌથી અગત્યનું શું છે.
-
સૌથી અગત્યનાં હોય એવાં કામોની યાદી બનાવો. એનાથી તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલા કયું કામ કરવું જોઈએ. એ પણ ખબર પડશે કે કયાં કામ પછીથી કરી શકો, કયાં બીજાઓને સોંપી શકો અને કયાં પડતાં મૂકી શકો.
-
એક અઠવાડિયા માટે નોંધ રાખો કે તમારો સમય કઈ રીતે વાપરો છો. સમયનો વધુ સારો ઉપયોગ થઈ શકે એવી રીતો શોધો. સમય જેટલો સમજી-વિચારીને વાપરશો એટલો ભાર ઓછો લાગશે.
-
આરામ માટે થોડો સમય કાઢો. ભલે ટૂંક સમય માટે હોય પણ એનાથી તમને તાજગી મળે છે અને તણાવ ઓછો થાય છે.
કોઈકની મદદ લો
“પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.”—નીતિવચનો ૧૨:૨૫.
કઈ રીતે લાગુ પાડવું: દયાભાવ અને માયાળુ શબ્દો વ્યક્તિને ઉત્તેજન અને ખુશી આપે છે.
-
તમને સમજતી હોય એવી વ્યક્તિ આગળ દિલ ઠાલવો. તમારો ખાસ મિત્ર તમને બાબતો જુદી રીતે જોવા મદદ કરી શકે. અરે, કદાચ એવો કોઈ ઉકેલ બતાવી શકે જે તમારા ધ્યાનમાં આવ્યો ન હોય. બીજું કે, મનનો ભાર કોઈક આગળ ઠાલવી દેવાથી તમને સારું લાગશે.
-
મદદ માટે પૂછો. કોઈ કામ કે જવાબદારીનો બોજ ઊંચકવામાં કદાચ કોઈ ટેકો આપી શકે.
-
જોડે કામ કરનાર વ્યક્તિને લીધે જો તમને તણાવ થતો હોય, તો સંજોગો હળવા કરવાનો રસ્તો કાઢો. એ વ્યક્તિને પ્રેમ અને માનથી જણાવી શકો કે તેના વર્તનને લીધે તમને કેવું લાગે છે. (નીતિવચનો ૧૭:૨૭) જો એનાથી કંઈ ફાયદો ન થાય, તો એ વ્યક્તિ સાથે સમય ઓછો વિતાવો.
સરજનહારની મદદ લો
“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.”—માથ્થી ૫:૩.
કઈ રીતે લાગુ પાડવું: માણસોને રોટી, કપડાં અને મકાન સિવાય પણ કશુંક જરૂરી છે. એ છે આપણા સરજનહાર તરફથી માર્ગદર્શન. ખુશહાલ રહેવા આપણે એ માર્ગદર્શન માટે ભૂખ કેળવવી જોઈએ. તેમની સલાહ લેતા રહીને એ ભૂખ સંતોષવી જોઈએ.
-
પ્રાર્થના એ અકસીર ઇલાજ છે. બાઇબલ દ્વારા ઈશ્વરે તમને એક ખાસ આમંત્રણ આપ્યું છે. એમાં લખ્યું છે: “તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) પ્રાર્થના કરવાથી અને ઈશ્વરની શિખામણો પર મનન કરવાથી તમે શાંતિ અને રાહતનો અનુભવ કરી શકો છો.—ફિલિપીઓ ૪:૬, ૭.
-
સરજનહાર સાથે મિત્રતા બાંધવા તમને મદદ કરી શકે એવું સાહિત્ય વાંચવાનું રાખો. આ મૅગેઝિનમાં ચર્ચા કરી ગયેલા સિદ્ધાંતો બાઇબલમાંથી લેવામાં આવ્યા છે. એ શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે, જેથી માર્ગદર્શનની આપણી ભૂખ સંતોષાય. એવું સાહિત્ય “સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ” વધારવામાં પણ મદદ કરે છે. (નીતિવચનો ૩:૨૧) તો કેમ નહિ કે તમે બાઇબલ વાંચી જુઓ. એની શરૂઆત નીતિવચનો નામના પુસ્તકથી કરો તો વધારે સારું રહેશે.