પૃથ્વીની ખોવાયેલી સુંદરતા
જંગલો
અમુક વૈજ્ઞાનિકો જંગલોને માણસનાં ફેફસાં સાથે સરખાવે છે. શા માટે? કેમ કે એ હવાને શુદ્ધ કરે છે. કાર્બન ડાયૉક્સાઇડ આપણા માટે હાનિકારક છે, ઝાડપાન એને શોષી લે છે અને ઑક્સિજન છોડે છે. ઑક્સિજન આપણા શ્વાસ માટે ખૂબ જરૂરી છે. ૮૦ ટકા જીવજંતુઓ અને ઝાડપાન જંગલમાં હોય છે. સાચે જ, જંગલો ના હોત તો આપણું શું થાત!
જંગલો વિનાશને આરે
દર વર્ષે કરોડો ઝાડ કાપવામાં આવે છે. જંગલોનો સફાયો કરવાનું મુખ્ય કારણ છે, ખેતીવાડી. પાછલાં ૭૫ વર્ષોના ગાળામાં દુનિયાના અડધા વર્ષાવન (રેઇન ફૉરેસ્ટ) ખતમ થઈ ગયા છે.
જ્યારે એક જંગલનો સફાયો કરવામાં આવે છે, ત્યારે એમાં રહેલાં જીવજંતુઓ અને ઝાડપાનનો પણ નાશ થઈ જાય છે.
પૃથ્વીની અજોડ રચના
જોવા મળ્યું છે કે અમુક જંગલોનાં બધાં ઝાડ કાપી નાખવામાં આવે તોપણ એમાં ઝાડપાન ફરીથી ઊગી નીકળે છે. વાતાવરણ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો એ જોઈને દંગ રહી ગયા કે જંગલોનો સફાયો કર્યાં પછી એનાં ઝાડ જલદી ઊગી નીકળ્યાં હતાં અને જંગલો ફરીથી હર્યાંભર્યાં થઈ ગયાં હતાં. ચાલો અમુક દાખલા જોઈએ:
-
સાયન્સ મૅગેઝિનના જણાવ્યા પ્રમાણે, સંશોધકો જોવા માંગતા હતા કે ખેતીવાડી માટે કાપી નાખવામાં આવેલાં જંગલોની જમીન પર પછીથી ખેતીવાડી બંધ કરવામાં આવી ત્યારે જમીનનું શું થયું. એટલે તેઓએ ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકાની ૨,૨૦૦ જમીન પર અભ્યાસ કર્યો. એ અભ્યાસથી તેઓને જાણવા મળ્યું કે એ જમીનની માટી એવી છે, જે દસ વર્ષની અંદર ફરીથી ઉપજાઉ બની શકે છે અને એના પર ઝાડ ઊગી શકે છે.
-
એ સંશોધકોએ અનુમાન લગાવ્યું કે આશરે ૧૦૦ વર્ષની અંદર એ જમીન પર આપમેળે વૃક્ષો ઊગી નીકળશે અને ફરીથી જંગલો બની જશે.
-
બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ હાલમાં જ એ જાણવા અભ્યાસ કર્યો કે કઈ જમીન પર જંગલ ફટાફટ ઊગી શકે છે. શું એવી જમીન પર જ્યાં માણસો ઝાડ રોપે છે કે પછી એવી જમીન પર જેને એમ જ છોડી દેવામાં આવે છે?
-
નેશનલ જિયોગ્રાફીક મૅગેઝિનમાં એક અહેવાલ છપાયો હતો. એમાં લખ્યું હતું કે ‘વૈજ્ઞાનિકોને એ જાણીને ખુશી થઈ કે માણસોએ જમીન પર છોડ રોપવાની જરૂર જ ન હતી. જે જમીનને અભ્યાસ માટે એમ જ છોડી દેવામાં આવી હતી, એમાં પાંચ વર્ષની અંદર જ આપોઆપ ઝાડ ઊગી નીકળ્યાં અને જંગલ ફરીથી હર્યુંભર્યું થઈ ગયું.’
માણસોના પ્રયાસો
બચેલાં જંગલોનું રક્ષણ કરવા અને જે જંગલોને નુકસાન પહોંચ્યું છે એને ફરીથી પહેલાં જેવાં બનાવવા દુનિયામાં ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રમાણે એ પ્રયત્નને લીધે છેલ્લાં ૨૫ વર્ષોમાં “જંગલોનો સફાયો કરવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.”
પણ એટલાથી કંઈ ફરક પડ્યો નથી. એક સંગઠનના અહેવાલમાં લખ્યું હતું કે ‘પાછલાં અમુક વર્ષોમાં ગરમ વિસ્તારોમાં જંગલોનો સફાયો કરવાનું બંધ થયું જ ન હતું. પહેલાં જેટલાં જંગલો કાપવામાં આવતાં, આજે પણ એટલાં જ કાપવામાં આવે છે.’
ગેરકાનૂની રીતે ઝાડ કાપતી કંપનીઓને લાખો-કરોડો રૂપિયાનો ફાયદો થાય છે. એટલે લાલચમાં આવીને તેઓ ગરમ વિસ્તારોનાં જંગલોને નષ્ટ કરી રહ્યા છે.
ઈશ્વર આપે છે આશાનું કિરણ
“યહોવા a ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં.”—ઉત્પત્તિ ૨:૯.
સર્જનહારે જંગલોને એવી રીતે બનાવ્યાં છે કે માણસો એનો ઉપયોગ કરી શકે અને જો એને કોઈ નુકસાન થાય તો એ આપમેળે સરખું થઈ શકે. ઈશ્વર ચાહે છે કે જંગલ ટકી રહે, હર્યુંભર્યું રહે અને પોતાનું કામ સારી રીતે કરતું રહે.
બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર લાલચુ માણસોને એટલી હદે પૃથ્વી બગાડવા નહિ દે કે પૃથ્વીનો, માણસોનો, પ્રાણીઓનો અને ઝાડપાનનો નાશ થઈ જાય. એ વિશે જાણવા પાન ૧૫ પર આપેલો લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”
a પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.