પૃથ્વીની ખોવાયેલી સુંદરતા
મહાસાગરો
મહાસાગરોમાં એવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ ખાવામાં અને દવાઓ બનાવવામાં થાય છે. દુનિયાનો ૫૦ ટકાથી પણ વધારે ઑક્સિજન મહાસાગરો પૂરો પાડે છે. કાર્બનના અલગ અલગ ઝેરી ગેસ પણ એ શોષી લે છે. ઉપરાંત, એ આપણા હવામાનને પણ નિયંત્રણમાં રાખે છે.
મહાસાગરો જોખમમાં
મહાસાગરમાં એવા ઘણા ખડકો મળી આવે છે, જે નાના નાના જીવોથી અથવા પરવાળાથી બનેલા હોય છે. એ ખડકોના કારણે ઓછામાં ઓછા ૨૫ ટકા જેટલા સમુદ્રના જીવો જીવતા રહી શકે છે. પણ વાતાવરણમાં થતા ભારે ફેરફારોને લીધે પરવાળાના ખડકો, ઝીંગા અને કરચલા જેવા જીવો તેમજ બીજા સમુદ્રના જીવોને નુકસાન પહોંચી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૩૦ વર્ષની અંદર મોટા ભાગના પરવાળાના ખડકોનો નાશ થઈ શકે છે.
એવાં ઘણાં પક્ષીઓ છે જે સમુદ્રમાંથી ખોરાક લે છે. નિષ્ણાતોના ધાર્યા પ્રમાણે એમાંના લગભગ ૯૦ ટકા જેટલાં પક્ષીઓએ પ્લાસ્ટિક ખાધું છે. તેઓ એવું પણ માને છે કે દર વર્ષે પ્લાસ્ટિકને લીધે લાખો સમુદ્રના જીવો મરી રહ્યા છે.
૨૦૨૨માં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે “આપણે મહાસાગરોની સંભાળ ન રાખી એટલે જ આજે એ બહુ મોટા ખતરામાં છે.”
પૃથ્વીની અજોડ રચના
મહાસાગરો, એમાં રહેતાં જીવજંતુઓ અને ફૂલછોડને એ રીતે બનાવવામાં આવ્યાં છે કે એ દરેક પોતાની રીતે સાફ અને સ્વસ્થ રહી શકે છે. પણ માણસોએ મહાસાગરોને પ્રદૂષિત કરી દીધા છે. રિજનરેશન: એન્ડીંગ ધ ક્લાઇમેટ ક્રાઇસિસ ઇન વન જનરેશન પુસ્તકમાં સમજાવ્યું છે કે “જો માણસ મહાસાગરોને પ્રદૂષિત કરવાનું બંધ કરી દે તો એ આપમેળે જ સાફ થઈ જશે.” ચાલો અમુક દાખલા જોઈએ:
-
મહાસાગરોમાં ફાઈટોપ્લેન્કટન નામના નાના છોડ હોય છે, જેને નરી આંખે જોઈ ન શકાય. એ નાના છોડ કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે. એવું માનવામાં આવે છે કે કાર્બન ડાયૉક્સાઇડને લીધે જ પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. જમીન પર ઊગતાં ઝાડપાન અને ઘાસ મળીને જેટલું કાર્બન ડાયૉક્સાઇડ ભેગું કરે છે, એટલું તો આ છોડ પોતે જ ભેગું કરી લે છે.
-
મરી ગયેલી માછલીઓને લીધે મહાસાગરમાં પ્રદૂષણ ફેલાઈ શકે છે. પણ મહાસાગરમાં એવા બૅક્ટેરિયા હોય છે જે એ માછલીઓની ચામડી અને હાડકાં ખાય છે. પછી એ બૅક્ટેરિયા બીજા સમુદ્રના જીવોનો ખોરાક બને છે. મહાસાગર પર સંશોધન કરતી સંસ્થાની વેબસાઇટ (સ્મિથસોનીયન ઇન્સ્ટિટ્યૂશન ઓશન પોર્ટલ) પર લખ્યું છે કે એ પ્રક્રિયાને લીધે “મહાસાગરનું પાણી કાચ જેવું ચોખ્ખું રહે છે.”
-
પાણીમાં ઍસિડનું (અમ્લતાનું) પ્રમાણ વધારે હોય તો પરવાળાના ખડકો, ઝીંગા અને કરચલા જેવા જીવો તેમજ બીજા જીવોને નુકસાન થાય છે. પણ ઘણી માછલીઓનાં પાચનતંત્રને લીધે મહાસાગરના પાણીમાં ઍસિડનું પ્રમાણ ઓછું થાય છે.
માણસોના પ્રયાસો
જો મહાસાગરોમાં કચરો ફેંકીશું જ નહિ, તો એને સાફ કરવાનો સવાલ જ ઊભો નહિ થાય. એટલે નિષ્ણાતો સલાહ આપે છે કે લોકો એવી પ્લાસ્ટિકની વસ્તુઓ ન વાપરે, જેને એક વાર વાપરીને ફેંકી દેવામાં આવે છે. એના બદલે તેઓ એવી થેલીઓ, વાસણો, ચમચીઓ અને કાંટાનો ઉપયોગ કરે, જેને ઘણી વાર વાપરી શકાય છે.
પણ એટલું જ કરવું પૂરતું નથી. હાલમાં જ પર્યાવરણ બચાવતી સંસ્થાએ એક વર્ષમાં ૧૧૨ દેશોના દરિયા કિનારેથી આશરે ૮,૩૦૦ ટન કચરો ભેગો કર્યો. આ એ કચરો છે જે મહાસાગરના પાણી પર તરતો તરતો કિનારે ભેગો થયો હતો. અરે, આ કચરાનો જથ્થો તો કંઈ નથી, દર વર્ષે એનાથી હજાર ગણો વધારે કચરો મહાસાગરમાં ભેગો થાય છે.
નેશનલ જિયોગ્રાફીક મૅગેઝિન જણાવે છે કે “માણસો એટલું બધું ઈંધણ વાપરે છે કે મહાસાગરમાં ઍસિડનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એને હવે ભાગ્યે જ કાબૂમાં કરી શકાય છે. એના લીધે સમુદ્રના જીવો મહાસાગરને સાફ કરવાની પોતાની પ્રક્રિયા સારી રીતે કરી શકતા નથી.”
ઈશ્વર આપે છે આશાનું કિરણ
“તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે. સાગર કેટલો મોટો અને વિશાળ છે! એ અસંખ્ય જીવજંતુઓ અને નાનાં-મોટાં પ્રાણીઓથી ઊભરાય છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪, ૨૫.
આપણા સર્જનહારે મહાસાગરોને બનાવ્યા છે. તેમણે એને એ રીતે બનાવ્યા છે કે એ આપમેળે શુદ્ધ થઈ શકે છે. જરા વિચારો, તેમણે સમુદ્ર અને એમાં રહેલાં જીવજંતુઓ અને ફૂલછોડ બનાવ્યાં છે. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે મહાસાગરોને થયેલું નુકસાન તે ભરપાઈ કરી શકે છે. એ વિશે જાણવા પાન ૧૫ પર આપેલો લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”