સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનને આદર આપીએ

જીવનને આદર આપીએ

જીવનને આદર-માન આપવા કેમ મહત્ત્વના છે?

આપણાં કામોથી પોતાના અને બીજાઓના જીવનને નુકસાન પહોંચતું હોય તો, એનાથી દેખાય આવશે કે આપણે પોતાના અને બીજાઓના જીવનને કીમતી ગણતાં નથી.

  • સિગારેટ પીવાથી કેન્સર થાય છે અને શરીરની કેન્સર સામે લડવાની તાકાત ઓછી થઈ જાય છે. એવું કહેવામાં આવે છે, જે લોકોનું મરણ ફેફસાંના કેન્સરને લીધે થયું, તેઓમાંથી લગભગ ૯૦ ટકા લોકો પોતે અથવા તેઓની આજુબાજુના લોકો સિગારેટ પીતા હતા.

  • દર વર્ષે અમુક દેશોમાં સ્કૂલો અને બીજી જગ્યાઓએ ગોળીબાર થાય છે. એના લીધે ઘણા લોકોને આઘાત લાગે છે. એક સંશોધન જણાવે છે: “અમેરિકાની સ્કૂલમાં થયેલા ગોળીબારથી બચનારાઓ એટલા હચમચી ગયા છે કે તેઓના દિલના ઘા હજી રુઝાયા નથી.”

  • લોકો દારૂ કે ડ્રગ્સના નશામાં વાહન ચલાવે છે ત્યારે, ઍક્સિડન્ટ થઈ શકે છે. એટલું જ નહિ, તેઓ ફૂટપાથ પર ચાલતા લોકો માટે ખતરો ઊભો કરે છે. જ્યારે અમુક લોકો જીવન માટે આદર બતાવતા નથી, ત્યારે નિર્દોષ લોકો એનો ભોગ બને છે.

જીવનને આદર-માન આપવા તમારે શું કરવું જોઈએ?

તંદુરસ્તીનું ધ્યાન રાખો. તમે સિગારેટ, વેપિંગ, વધુ પડતો દારૂ પીવો અને ડ્રગ્સ જેવી ખરાબ આદતો છોડી શકો છો. હજુ પણ મોડું નથી થયું! એવી ખરાબ આદતોથી તમે પોતાના જીવનને નુકસાન પહોંચાડો છો. એટલું જ નહિ, તમારી આસપાસ રહેતા લોકોના જીવનને અને તમારાં કુટુંબના સભ્યોનાં જીવનને આદર આપતા નથી.

“ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ડર રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.”—૨ કોરીંથીઓ ૭:૧.

સલામતીનું ધ્યાન રાખો. તમારા ઘરમાં કોઈ અકસ્માત ન થાય, એટલે એને સારી હાલતમાં રાખો. તમારા વાહનને પણ સારી હાલતમાં રાખો અને ધ્યાનથી વાહન ચલાવો. બીજાઓની વાતમાં આવીને એવું કંઈ ન કરો, જેથી તમને કોઈ ઈજા થાય અથવા તમારે જીવ ગુમાવવો પડે.

“જો તમે નવું ઘર બાંધો, તો એના ધાબા ફરતે પાળી બનાવો, જેથી કોઈ ધાબા પરથી પડી ન જાય અને લોહીનો દોષ તમારા કુટુંબને માથે ન આવે.”—પુનર્નિયમ ૨૨:૮. a

બીજાઓ સાથે પ્રેમથી વર્તો. જીવનને આદર આપવાનો અર્થ થાય કે દરેક જાતિ અને દેશના લોકો સાથે પ્રેમથી વર્તીએ. અમીર-ગરીબ અથવા ભણેલા-ગણેલા કે અભણ સાથે ભેદભાવ ન કરીએ. કેમ કે ભેદભાવ અને નફરતને લીધે દુનિયામાં હિંસા અને યુદ્ધો થઈ રહ્યાં છે.

“દરેક પ્રકારની કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો તેમજ નુકસાન કરતી બધી જ બાબતો તમારામાંથી કાઢી નાખો. પણ એકબીજા સાથે માયાળુ અને કૃપાળુ રીતે વર્તો.”—એફેસીઓ ૪:૩૧, ૩૨.

યહોવાના સાક્ષીઓ જીવનને કઈ રીતે આદર-માન આપે છે?

યહોવાના સાક્ષીઓ તંદુરસ્ત જીવન જીવવાનું ઉત્તેજન આપે છે. બાઇબલમાંથી અભ્યાસ કરીને અને અમારી સભાઓમાંથી શીખીને ઘણા લોકોને મદદ મળી છે. તેઓ ખરાબ લતમાંથી અને શરીરને નુકસાન કરતી આદતોમાંથી છુટકારો મેળવી શક્યા છે.

અમે બાંધકામની જગ્યાએ સલામતીનું ધ્યાન રાખીએ છીએ. પ્રાર્થનાઘરો અને ભક્તિને લગતી બીજી ઇમારતો બાંધવા ઘણા સ્વયંસેવકો મદદ કરે છે. કોઈને ઇજા ન થાય એટલે અમે સલામતીનું ધ્યાન રાખવા તેઓને તાલીમ આપીએ છીએ. સમયે સમયે અમે ઇમારતોની તપાસ કરીએ છીએ, જેથી સ્થાનિક નિયમો પ્રમાણે એ સુરક્ષિત હોય.

આફતો આવે ત્યારે અમે રાહતકામમાં મદદ કરીએ છીએ. વર્ષ ૨૦૨૨માં દુનિયામાં આશરે ૨૦૦ જેટલી મોટી આફતો આવી. એ સમયે આફતોનો ભોગ બનેલા લોકોને મદદ કરવા અમે આશરે ૯૦ કરોડ રૂપિયા ખર્ચ્યા.

૨૦૧૪માં પશ્ચિમ આફ્રિકામાં અને ૨૦૧૮માં કૉંગો લોકશાહી પ્રજાસત્તાકમાં ઇબોલા વાઇરસ ઝડપથી ફેલાયો હતો. અમે લોકોને શીખવ્યું કે તેઓ સલામતીનું કઈ રીતે ધ્યાન રાખી શકે, જેથી આ ખતરનાક વાઇરસ વધારે ન ફેલાય. અમારાં સંગઠને અમુક ભાઈઓને મોકલ્યા. તેઓએ ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે જીવન બચાવવા આધીન રહેવું જરૂરી છે. અમે પ્રાર્થનાઘરની બહાર હાથ ધોવાની ગોઠવણ કરી. અમે લોકોને હાથ ધોવાના મહત્ત્વ વિશે સમજાવ્યું. આ બીમારીને ફેલાતા કઈ રીતે અટકાવી શકીએ, એ વિશે પણ જણાવ્યું.

પશ્ચિમ આફ્રિકામાં સિયેરા લિયોન દેશમાં રેડિયો પર એક જાહેરાત કરવામાં આવી હતી. એમાં યહોવાના સાક્ષીઓની પ્રસંશા કરી હતી અને જણાવ્યું કે ઇબોલા વાઇરસથી બચવા માટે તેઓએ ફક્ત પોતાનાં ભાઈ-બહેનોને જ નહિ, બીજાઓને પણ મદદ કરી હતી.

૨૦૧૪માં લાઇબીરિયામાં ઇબોલા વાયરસ ફેલાવવા લાગ્યો. એ દરમિયાન પ્રાર્થનાઘરની બહાર હાથ ધોવાની ગોઠવણ કરવામાં આવી

a પ્રાચીન મધ્ય પૂર્વનાં ઘરોનું ધાબું સપાટ હતું અને રોજબરોજનાં કામ ત્યાં જ થતાં હતાં. એટલે એ નિયમ કુટુંબની અને બીજાઓની સલામતીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો.