સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓને આદર આપીએ

બીજાઓને આદર આપીએ

બીજાઓને આદર-માન આપવા કેમ મહત્ત્વના છે?

બીજાઓને આદર આપીએ છીએ ત્યારે, આપણે સંજોગોને વધારે ખરાબ થતા રોકી શકીએ છીએ.

  • બાઇબલમાં લખ્યું છે: “નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે, પણ કઠોર શબ્દો ગુસ્સો ભડકાવે છે.” (નીતિવચનો ૧૫:૧) આપણાં વાણી-વર્તનમાં બીજાઓને આદર ન બતાવીએ, તો એ જાણે આગમાં ઘી નાખવા જેવું છે. અમુક વાર એનાં ખરાબ પરિણામો ભોગવવા પડે.

  • ઈસુએ જણાવ્યું હતું: “દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે.” (માથ્થી ૧૨:૩૪) આપણે બીજાઓ સાથે આદરથી વાત ન કરીએ તો શું દેખાઈ આવે છે? એનાથી દેખાઈ આવે છે કે આપણે અલગ અલગ દેશ, જાતિ અને સમાજના લોકો વિશે કેવું વિચારીએ છીએ.

    હાલમાં ૨૮ દેશોમાં એક સર્વે કરવામાં આવ્યો. એમાં ૩૨,૦૦૦ કરતાં પણ વધારે લોકોએ ભાગ લીધો. એમાંથી ૬૫ ટકા લોકોએ જણાવ્યું કે આજે લોકોમાં પહેલાં જેવો આદરભાવ જરાય રહ્યો નથી.

બીજાઓને આદર-માન આપવા તમારે શું કરવું જોઈએ?

સ્કૂલમાં અને કામની જગ્યાએ બધાને આદર આપો, પછી ભલે તમારા વિચારો એકબીજા સાથે મેળ ખાતા ન હોય. એવી વાતો વિશે વિચારો જેમાં તમે સહમત હોવ, એનાથી તમે બીજાઓ વિશે ખોટો મત નહિ બાંધો અથવા બીજાઓની ભૂલો નહિ શોધો.

“બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો, જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે.”—માથ્થી ૭:૧.

જેમ તમે ચાહો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ વર્તો. જો તમે બીજાઓ સાથે સારી રીતે અને આદરથી વર્તશો, તો બીજાઓ પણ તમારી સાથે એવી જ રીતે વર્તશે.

“જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—લૂક ૬:૩૧.

માફ કરવા તૈયાર રહો. કોઈ વ્યક્તિનાં વાણી-વર્તનથી તમને દુઃખ પહોંચે તો, એવું ન વિચારશો કે તેમણે જાણીજોઈને એવું કર્યું છે. બને તો એ વાતને ભૂલી જાઓ.

“માણસની ઊંડી સમજણ તેનો ગુસ્સો શાંત પાડે છે અને અપરાધ નજરઅંદાજ કરવામાં તેનો મહિમા છે.”—નીતિવચનો ૧૯:૧૧.

યહોવાના સાક્ષીઓ બીજાઓને કઈ રીતે આદર-માન આપે છે?

યહોવાના સાક્ષીઓ તરીકે અમે દરેક સમાજના લોકોને આદર આપીએ છીએ. તેમજ બીજાઓને એમ કરવાનું ઉત્તેજન આપીએ છીએ.

અમે દરેક લોકોને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પણ અમારી માન્યતા અને વિચારો બીજાઓ પર થોપતા નથી. એના બદલે, અમે બાઇબલની આ સલાહ પાળીએ છીએ: “નરમાશથી અને પૂરા આદર સાથે” ખુશખબર જણાવીએ.—૧ પિતર ૩:૧૫; ૨ તિમોથી ૨:૨૪.

અમે ભેદભાવ કરતા નથી. જેઓને બાઇબલમાંથી શીખવાનું ગમે છે, તેઓને અમારી સભાઓમાં આવકાર આપીએ છીએ. પછી ભલે તેઓ કોઈ પણ દેશ, જાતિ કે ધર્મના હોય. અમે બધાને ‘માન આપવા’ બનતું બધું કરીએ છીએ.—૧ પિતર ૨:૧૭.

અમે સરકારના અધિકારને માન આપીએ છીએ. (રોમનો ૧૩:૧) અમે દેશના નિયમો પાળીએ છીએ અને ટૅક્સ ભરીએ છીએ. ભલે અમે રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. પણ એ વાતને માન આપીએ છીએ કે દરેક લોકોને રાજકારણને લગતા નિર્ણયો લેવાનો હક છે.