કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર
યુવાની તરફ પગલાં ભરતાં બાળકોને મદદ આપો
મુશ્કેલી
તમે હાથમાં લઈને જેને રમાડતા હતા એ બાળક જોતજોતામાં મોટું થઈ ગયું. ગઈ કાલ સુધી જાણે તે હજી બાળક હતું, પણ જલદી જ તે તરુણ વર્ષો તરફ ડગ માંડવાનું છે. એ એવો સમય છે, જેમાં શારીરિક ફેરફારો દેખાવાની શરૂઆત થશે.
તમારો દીકરો કે દીકરી યુવાની તરફ ડગ માંડે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારોની શરૂઆત થાય છે. એ સમય તેના માટે મૂંઝવણભર્યો અથવા લાગણીમય રીતે ઉતાર-ચઢાવ લાવનાર બની શકે. એવા પડકારોનો સામનો કરવા તમે તમારા દીકરા કે દીકરીને કઈ રીતે મદદ કરી શકો?
તમારે શું જાણવું જોઈએ?
એ ફેરફારની શરૂઆત ક્યારે થાય છે. વહેલાંમાં વહેલું ૮ વર્ષની ઉંમરે અને મોડામાં મોડું ૧૬ વર્ષની ઉંમરે એ ફેરફારોની શરૂઆત થઈ શકે. એક પુસ્તક જણાવે છે, ‘એ ફેરફારોની શરૂઆત આટલી વહેલી કે મોડી થવી સામાન્ય છે.’—લેટિંગ ગો વિથ લવ ઍન્ડ કૉન્ફિડન્સ.
એ ફેરફારોને લીધે થતી શરમની કે સંકોચની લાગણી. બીજાઓ વચ્ચે પોતે કેવા દેખાશે એ વિશે તરુણો વધુ પડતી ચિંતા કરવા લાગી શકે. જારેદ * નામનો એક યુવક જણાવે છે, ‘હું મારા દેખાવ અને મારા વર્તન વિશે સભાન બનવા લાગ્યો હતો. બીજાઓ આસપાસ હોય ત્યારે મનોમન વિચાર્યા કરતો કે ક્યાંક તેઓ મને વિચિત્ર તો નથી ગણતા ને!’ એ સમયે ચહેરા પર ખીલ કે ફોલ્લી થવાથી આત્મવિશ્વાસ પડી ભાંગી શકે. ૧૭ વર્ષની કેલી જણાવે છે: ‘મને લાગતું જાણે મારા ચહેરા પર હુમલો થઈ રહ્યો છે. મને યાદ છે કે હું રડતી અને પોતાને કદરૂપી કહેતી.’
ફેરફારો જલદી શરૂ થાય એવાઓ માટે અલગ પડકારો છે. છોકરીઓને એ વાત ખાસ લાગુ પડે છે. તેઓનાં સ્તન વિકસવાં લાગે અને શરીરનો બીજો ભાગ આકાર લેવા લાગે ત્યારે, તેઓને છેડતીનો સામનો કરવો પડી શકે. એક પુસ્તક જણાવે છે: ‘ઉંમરમાં મોટા છોકરાઓનું ધ્યાન એ છોકરીઓ તરફ ખેંચાવાનું જોખમ રહેલું છે. કારણ કે એવા છોકરાઓ જાતીયતાનો અનુભવ કરવા વધુ સક્ષમ હોય છે.’—અ પેરન્ટ્સ ગાઇડ ટુ ધ ટીન યિઅર્સ.
એ ફેરફારોથી કંઈ સમજદારી આવી જતી નથી. નીતિવચનો ૨૨:૧૫ જણાવે છે, “મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.” યુવાનીમાં આવતા ફેરફારો એ હકીકતને બદલી નાંખતા નથી. તરુણ કદાચ મોટો થઈ ગયેલો દેખાઈ શકે, પણ એક પુસ્તક જણાવે છે: ‘એના પરથી એ ન માપી શકાય કે તે સારા નિર્ણય લેનાર, જવાબદારીભર્યું વર્તન કરનાર, સંયમ રાખનાર અથવા પુખ્ત હોવાના બીજા ગુણો ધરાવનાર છે કે નહિ.’—યુ ઍન્ડ યૉર અડોલેસન્ટ.
તમે શું કરી શકો?
તરુણ સાથે એ ફેરફારો વિશે અગાઉથી વાત કરી રાખો. તમારા બાળકને જણાવો કે તેના શરીરમાં કેવા ફેરફારો આવી શકે, જેના વિશે તેણે તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે, છોકરીઓને આવતું માસિક અને છોકરાઓને ઊંઘમાં થતો વીર્યસ્ત્રાવ (સ્વપ્નદોષ). યુવાવસ્થામાં બીજા ફેરફાર ધીરે ધીરે આવે છે. જ્યારે કે, આ ફેરફાર અચાનક આવી પડવાથી કદાચ તરુણને મૂંઝવણમાં મૂકી શકે અથવા ગભરાવી પણ નાંખે. એવા મુદ્દાની ચર્ચા કરતી વખતે યોગ્ય વલણ રાખો. બાળકોને લાગવા દો કે એવા ફેરફારો વ્યક્તિને પુખ્ત બનવા માટે જરૂરી છે.—બાઇબલ સિદ્ધાંત: ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.
ખુલ્લા દિલે પૂરેપૂરી વાત કરો. જોન નામનો એક યુવક કહે છે: ‘મારાં મમ્મી-પપ્પા એ વિશે ગોળગોળ વાત કરતા. કાશ, તેઓએ સાફ-સાફ વાત કરી હોત!’ એલાના ૧૭ વર્ષની છે. તે સરખો વિચાર જણાવે છે: ‘મારી મમ્મીએ મને એ સમજવા મદદ કરી કે મારા શરીરમાં કેવા ફેરફાર આવી શકે. પણ જો લાગણીઓનો સામનો કરવામાં પણ તેમણે મદદ કરી હોત, તો વધુ સારું થાત!’ વાતનો સાર શો છે? ભલે આ બાબતે ચર્ચા કરવામાં જરા શરમ આવે, તોપણ એનાં બધાં જ પાસાં વિશે બાળક સાથે તમારે ખુલ્લા દિલે વાત કરવી જોઈએ.—બાઇબલ સિદ્ધાંત: પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦.
એ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ શકે એવા સવાલો પૂછો. ચર્ચા શરૂ થઈ શકે માટે, કેમ નહિ કે એ વિષય પર બાળકને તેના દોસ્તોનો અનુભવ પૂછો! દાખલા તરીકે, તમે તમારી દીકરીને આમ કહી શકો: “શું તારી બહેનપણીઓમાં માસિક વિશે વાતો થાય છે?” “શું બીજાં બાળકો એવી છોકરીઓની મજાક ઉડાવે છે, જેઓ જલદી મોટી દેખાવા લાગી હોય?” તમારા દીકરાને તમે આ સવાલ પૂછી શકો: “તારા ભાઈબંધોમાં કોઈ હજી બાળક જેવો દેખાતો હોય, તો શું બીજાઓ તેની મજાક ઉડાવે છે?” તમારો તરુણ એ સવાલોનો જવાબ આપે ત્યારે બની શકે કે, તેને પોતાની લાગણીઓ અને અનુભવ વિશે દિલ ખોલીને વાત કરવી સહેલી લાગે. તે જવાબ આપતો હોય ત્યારે બાઇબલની આ સલાહ પ્રમાણે કરી શકો: ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા બનો.’—યાકૂબ ૧:૧૯.
તમારા તરુણને ‘વ્યવહારુ જ્ઞાન તથા વિવેકબુદ્ધિ’ વિકસાવવાં મદદ કરો. (નીતિવચનો ૩:૨૧) યુવાની કંઈ ફક્ત શારીરિક કે લાગણીમય બદલાણ નથી. આ સમય દરમિયાન તમારા તરુણમાં પારખશક્તિ કે તર્ક કરવાની શક્તિ વિકસે છે, જે તેના મોટા થયા પછી પણ તેને સારા નિર્ણયો લેવા મદદ કરી શકે છે. તેથી, તેનામાં સારા સંસ્કારો સિંચવાનો આ સારો સમય છે. એ તક જવા ન દેશો!—બાઇબલ સિદ્ધાંત: હિબ્રૂ ૫:૧૪.
હાર માનશો નહિ. ઘણા તરુણો એવું બતાવે કે જાણે તેઓ એ વિશે વાત કરવા ચાહતા નથી. પણ જોજો છેતરાશો નહિ! એક પુસ્તક જણાવે છે કે, ‘જે તરુણ એવું બતાવે કે એ વિષયમાં તેને રસ નથી, કે કંટાળો આવે છે, કે પછી ચિતરી ચઢે છે અથવા તે વાત સાંભળી રહ્યો નથી, તે કદાચ તમારો શબ્દેશબ્દ યાદ રાખતો હોય.’—યુ ઍન્ડ યૉર અડોલેસન્ટ. (g૧૬-E No. ૨)
^ ફકરો. 8 આ લેખમાં નામ બદલ્યાં છે.