સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | યુવાનો

સાચા દોસ્તો બનાવો

સાચા દોસ્તો બનાવો

મુશ્કેલી

ટૅક્નોલૉજીના લીધે આજે આપણે ઘણા લોકો સાથે સહેલાઈથી સંપર્કમાં રહી શકીએ છીએ. પહેલાંના સમયમાં સંપર્કમાં રહેવું આટલું સહેલું ન હતું. તેમ છતાં, તમને કદાચ લાગી શકે કે તમારી દોસ્તી એટલી ગાઢ નથી. એક યુવાનનું આમ કહેવું છે: ‘મને લાગે છે કે મારા દોસ્તો મને ગમે ત્યારે છોડી દઈ શકે છે. જ્યારે કે, મારા પપ્પાના એવા દોસ્તો છે, જે દાયકાઓથી દોસ્તી નિભાવી રહ્યા છે!’

શા માટે આજે મિત્રો વચ્ચે સંબંધો એટલા ગાઢ હોતા નથી?

તમારે શું જાણવું જોઈએ?

અમુક હદે દોષ ટૅક્નોલૉજીનો છે. એસએમએસ, સોશિયલ નેટવર્કિંગ અને ઇન્ટરનેટની બીજી વેબસાઇટને લીધે, રૂબરૂ મળ્યા વગર વ્યક્તિ સાથે દોસ્તી કરવી શક્ય બન્યું છે. જોકે, એવા માધ્યમોને લીધે સારી અને આનંદદાયક વાતચીતની જગ્યા ટૂંકા અને તરત મોકલાતા મૅસેજોએ લઈ લીધી છે. આર્ટિફિશિયલ મૅચ્યૉરિટી નામનું પુસ્તક જણાવે છે: ‘આજે લોકો રૂબરૂ વાતચીત બહુ ઓછી કરે છે. વિદ્યાર્થીઓ રૂબરૂ વાતચીતની સરખામણીમાં વધારે સમય કૉમ્પ્યુટર કે મોબાઇલની સ્ક્રીન સામે વિતાવે છે.’

અમુક કિસ્સાઓમાં ટૅક્નોલૉજીને લીધે સંબંધો બહુ ગાઢ લાગી શકે. જોકે, હકીકતમાં કદાચ એવું ન પણ હોય. ૨૨ વર્ષનો બ્રીઆન * કહે છે: ‘હાલમાં મને અહેસાસ થયો કે દોસ્તોના હાલચાલ પૂછવા માટે હું મૅસેજ કરવા પાછળ ઘણી મહેનત કરતો હતો. પણ પછી, મેં એમ કરવાનું બંધ કર્યું, જેથી મને ખબર પડે કે તેઓમાંના કેટલા દોસ્તો સામે ચાલીને મારા હાલચાલ પૂછે છે. સાચું કહું તો, બહુ ઓછા દોસ્તોએ એવી તસ્દી લીધી. આમ, દેખાઈ આવ્યું કે જેઓને હું ગાઢ દોસ્તો માનતો હતો તેઓમાંના અમુક કંઈ એટલા પાક્કા ભાઈબંધ ન હતા.’

પણ શું એ ખરું નથી કે, એસએમએસ અને ઇન્ટરનેટ આપણને મિત્રો સાથે સંપર્કમાં રહેવા અને દોસ્તી પાક્કી બનાવવા મદદ કરે છે? હા, એ ખરું છે. પણ, એ ત્યારે વધુ ઉપયોગી બને છે, જ્યારે તમે મિત્રોની સાથે અવારનવાર હળતામળતા હો. મોટા ભાગે, એક પુલની જેમ ઇન્ટરનેટ આપણને વ્યક્તિના સંપર્કમાં તો લાવે છે, પણ વ્યક્તિની પાસે લઈ જઈ શકતું નથી.

તમે શું કરી શકો?

સાચી દોસ્તી પારખો. મિત્રનું વર્ણન બાઇબલમાં આ રીતે કરવામાં આવ્યું છે, ‘મિત્ર ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખે છે.’ (નીતિવચનો ૧૮:૨૪) શું તમે પણ એવા દોસ્તો નથી ઇચ્છતા? શું તમે પોતે એવા દોસ્ત છો? એ સવાલોનો જવાબ મેળવવા આમ કરી શકો: તમે એવા ત્રણ ગુણો વિશે લખો, જે તમે ચાહો છો કે તમારા મિત્રમાં હોય. એ પછી, એવા ત્રણ ગુણો વિશે લખો જે તમે પોતે એક સારા મિત્ર તરીકે કેળવવા માંગો છો. પછી આનો વિચાર કરો: ‘ઇન્ટરનેટથી બનાવેલા દોસ્તોમાંના કયા દોસ્તો એ ગુણો ધરાવે છે? તેઓ એક મિત્ર તરીકે મારામાં કયા ગુણો જોઈ શકે છે?’—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૨:૪.

અગત્યનું શું છે એ પારખો. ઇન્ટરનેટ પર મોટા ભાગે એવા લોકો દોસ્તો બને છે, જેઓના રસ અને શોખ એક જેવા હોય. જ્યારે કે, સારી દોસ્તી માટે બે વ્યક્તિઓના જીવનનાં સિદ્ધાંતો અને મૂલ્યો એક જેવા હોવા મહત્ત્વનું છે, તેઓના શોખ નહિ! ૨૧ વર્ષની લીઅન કહે છે, ‘મારા બહુ ઓછા મિત્રો છે. પણ જેટલા છે, તેઓ મને એક સારી વ્યક્તિ બનવાનું ઉત્તેજન આપનારા છે.’—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૩:૨૦.

રૂબરૂ મળો. સારી દોસ્તી માટે રૂબરૂ વાતચીત કરવી એ સૌથી સારી રીત છે. કારણ કે, મોઢામોઢ વાતચીતમાં તમે એકબીજાના હાવભાવ અને બોલચાલની ઢબ જોઈ શકો છો.—બાઇબલ સિદ્ધાંત: ૧ થેસ્સાલોનીકી ૨:૧૭.

પત્ર લખો. કદાચ એ સલાહ તમને જૂનવાણી લાગે. પરંતુ, પત્ર લખવાથી એ દેખાઈ આવે છે કે તમે ખાસ એ વ્યક્તિને ધ્યાનમાં રાખીને પોતાની લાગણીઓ જણાવવાની જહેમત લો છો. આ એકદમ વ્યસ્ત દુનિયામાં એવું ભાગ્યે જ કોઈ કોઈની માટે કરે, ખરું ને! દાખલા તરીકે, અલોન ટુગેધર નામના પુસ્તકમાં એની લેખિકા શેરી ટર્કલ એક એવા યુવાન વિશે જણાવે છે, જેને યાદ નથી કે તેને ક્યારેય કોઈના તરફથી પત્ર મળ્યો હોય. એ યુવાન જૂના જમાનાને યાદ કરે છે, જ્યારે લોકો એકબીજાને પત્ર લખતા. આગળ તે કહે છે, ‘હું એ સમયે જન્મ્યો પણ ન હતો, છતાં એ દિવસોની મને ખોટ સાલે છે.’ તેથી, ભલે જૂનવાણી તો જૂનવાણી, પણ કેમ નહિ કે એ રીત અજમાવીને દોસ્તી ગાઢ બનાવવાનો પ્રયત્ન કરીએ!

ભૂલશો નહિ: સાચી દોસ્તી મેળવવા ફક્ત સંપર્કમાં રહેવા કરતાં કંઈક વધારે કરવું પડે. એવી દોસ્તી માટે જરૂરી છે કે તમે અને તમારા દોસ્તો એકબીજાને પ્રેમ, સહાનુભૂતિ, ધીરજ અને માફીનો ગુણ બતાવો. એ ગુણોને લીધે દોસ્તી એક આશીર્વાદ જેવી બને છે. પરંતુ, ફક્ત ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત કરીને એ ગુણો બતાવવા બહુ જ અઘરું છે. (g૧૬-E No. ૧)

^ ફકરો. 8 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.