ફોનની અસર બાળકો પર?
મોટી ઉંમરના લોકો માટે ફોન કે કોમ્પ્યુટર વાપરવું અઘરું છે, પણ બાળકો માટે એ ડાબા હાથનો ખેલ છે.
મોટા ભાગે જોવા મળ્યું છે કે જે બાળકો ઇન્ટરનેટમાં ડૂબેલા હોય છે . . .
-
તેઓને ફોનની લત લાગી જાય છે.
-
તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાને બદનામ કરે છે.
-
તેઓ જાણીજોઈને કે અજાણતા પોર્નોગ્રાફી જુએ છે.
શું તમે જાણો છો?
લત
અમુક વેબસાઇટ અને ઓનલાઇન ગેમ એવી રીતે બનાવવામાં આવે છે કે લોકોને એની લત લાગી જાય છે. એક પુસ્તકમાં એના વિશે જણાવ્યું છે કે “આજકાલ તો ફોનમાં જાતજાતની એપ હોય છે કે તમે કલાકો સુધી ફોન પર જ રહો.” અમુક એપમાં તો વચ્ચે વચ્ચે જાહેરાત આવે છે. જ્યારે કોઈ એપ વધારે વાપરીએ છીએ, ત્યારે જાહેરાત કરનારા વધારે પૈસા કમાય છે.
વિચારવા જેવું: શું મારા બાળકો ૨૪ કલાક ફોન પર જ હોય છે? હું મારા બાળકોને કઈ રીતે સમજાવું કે તેઓ બધો સમય ફોનમાં વેડફવાને બદલે બીજાં કામ પણ કરે?—એફેસીઓ ૫:૧૫, ૧૬.
ઇન્ટરનેટ પર હેરાનગતિ
અમુક લોકો સોશિયલ મીડિયા પર મન ફાવે એમ વર્તે છે. સામેવાળાને કેવું લાગશે એનો જરાય વિચાર કરતા નથી. તેઓને સોશિયલ મીડિયા પર બીજાઓને પજવવાની કે હેરાન કરવાની આદત પડી જાય છે.
કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવી માહિતી મૂકે છે, જેથી બીજાઓનું ધ્યાન ખેંચાય અને લોકો તેઓને લાઇક કે ફોલો કરે. બીજા અમુક લોકોને એના પર મિત્રોના ફોટા જોઈને ખબર પડે કે મિત્રોએ પાર્ટી રાખી હતી, પણ તેઓને બોલાવ્યા નહિ. એનાથી તેઓને ખોટું લાગે છે.
વિચારવા જેવું: શું મારા બાળકો સોશિયલ મીડિયા પર માનથી વાત કરે છે? (એફેસીઓ ૪:૩૧) જો દોસ્તો બાળકોને પાર્ટીમાં ન બોલાવે, તો શું તેઓને ખોટું લાગે છે?
પોર્નોગ્રાફી
આજે ઇન્ટરનેટ પર ઢગલાબંધ ગંદાં ચિત્રો અને વીડિયો જોવાં મળે છે. એ એક ક્લિકથી જોઈ શકાય છે. એટલે ઘણા માબાપો પોતાનાં બાળકોના ફોનમાં એવા પ્રોગ્રામ નાખે છે, જેનાથી બાળકો ગંદાં ચિત્રો જોઈ ના શકે. તેઓ ગમે એટલા અપ-ટુ-ડેટ પ્રોગ્રામ નાખે, તોપણ બાળકોની નજર સામે અમુક વાર એવાં ચિત્રો આવી જાય છે.
સેક્સટીંગ એટલે ગંદા મૅસેજ અથવા નગ્ન ચિત્રો મોકલવા કે મેળવવા. બાળકો પોતાના નગ્ન ફોટા મોકલે અથવા બીજા બાળકોનાં નગ્ન ફોટા મેળવે તો એ કેટલાક દેશોમાં ગુનો છે. તેઓને ઉંમર પ્રમાણે સજા થઈ શકે છે.
વિચારવા જેવું: હું મારા બાળકોને કઈ રીતે સમજાવી શકું કે ગંદાં ચિત્રો જોવા કે મોકલવા એ ખોટું છે?—એફેસીઓ ૫:૩, ૪.
તમે શું કરી શકો?
બાળકોને શીખવીએ
બાળકો ફોન કે કોમ્પ્યુટર વાપરવામાં બહુ હોશિયાર હોય છે, તોય માબાપે શીખવવું જોઈએ કે તેઓ એ સમજદારીથી વાપરે. એક પુસ્તકમાં લખ્યું છે કે તમે બાળકને ફોન કે કોમ્પ્યુટર આપી દીધા છે, પણ સમજી-વિચારીને વાપરવાનું શીખવ્યું નથી. “એ તો જાણે એવું છે કે તમે તેને તળાવમાં ધક્કો મારી દીધો, પણ તરતા શીખવ્યું નથી.”
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.
આ સૂચનોમાંથી તમને જે લાગુ પાડવાનું ગમે એના પર ટિક કરી શકો અથવા તમારું સૂચન લખી શકો.
-
બાળકને શીખવીશ કે સોશિયલ મીડિયા પર સમજી-વિચારીને વર્તે
-
બાળકને શીખવીશ કે દોસ્તો પાર્ટીમાં ન બોલાવે તો ખોટું ન લગાડે
-
બાળકના ફોન કે કોમ્પ્યુટરમાં એવો પ્રોગ્રામ નાખીશ કે તેઓ ગંદાં ચિત્રો કે વીડિયો જોઈ ના શકે
-
બાળકનો ફોન ચેક કરીશ જેથી ખબર પડે કે તે શું કરે છે અને શું જુએ છે
-
બાળક દિવસમાં કેટલો સમય ફોન વાપરશે એ નક્કી કરીશ
-
બાળકને સૂતી વખતે ફોન વાપરવા નહિ આપું
-
જમતી વખતે કોઈ ફોન ન વાપરે