ફોનની અસર વિચારો પર?
આજે આપણે રોજ નવું નવું શીખીએ છીએ. પછી ભલે સ્કૂલમાં જતા હોઈએ, જોબ પર જતા હોઈએ કે બીજા કોઈપણ કારણને લીધે શીખતા હોઈએ. એ માટે આપણે બહાર પણ નથી જવું પડતું. ઘરે બેઠાં બેઠાં જ ફોન કે કોમ્પ્યુટરથી ઘણું બધું શીખી શકીએ છીએ. આટલું આસાન તો ક્યારેય ન હતું. આ બધી ટેક્નોલોજીની કમાલ છે.
કોમ્પ્યુટર કે ફોનનો વધારે પડતો ઉપયોગ કરતા લોકો . . .
-
ધ્યાન દઈને વાંચી શકતા નથી.
-
ધ્યાન દઈને કામ કરી શકતા નથી.
-
એકલા પડે ત્યારે જલદીથી કંટાળી જાય છે.
શું તમે જાણો છો?
વાંચીએ
જેઓ ફોન કે કોમ્પ્યુટરનો વધારે પડતો ઉપયોગ કરે છે તેઓ પાસે ધીરજ હોતી નથી.
અમુક લોકોને લેખ પર નજર ફેરવતા જ ખ્યાલ આવી જાય છે કે એ શાના વિશે છે અને તેઓના સવાલનો જવાબ જલદીથી મળી જાય છે. પણ એ રીતે વાંચવાથી હંમેશાં ખરો અર્થ સમજી શકાતો નથી.
વિચારવા જેવું: શું તમે કોઈ લાંબો લેખ સારી રીતે વાંચી શકો છો? લાંબો લેખ સારી રીતે વાંચી શકો એ માટે શું કરવું જોઈએ?—નીતિવચનો ૧૮:૧૫.
ધ્યાન આપીએ
અમુક લોકો માને છે કે તેઓ એકસાથે બે કામ કરી શકે છે. જેમ કે, અભ્યાસ કરતા કરતા મૅસેજ વાંચી અને લખી પણ શકે છે. પણ હકીકતમાં, તેઓ એકેયમાં પૂરું ધ્યાન આપી શકતા નથી. ખાસ કરીને જ્યારે ધ્યાનથી વાંચવાનું હોય.
એક સમયે એક જ કામ કરવાના અનેક ફાયદા છે. ગ્રેસ કહે છે, “હું એક સમયે એક જ કામ કરું છું, જેથી એ ધ્યાનથી કરી શકું. એનાથી ભૂલો ઓછી થાય છે અને ટેન્શન રહેતું નથી.”
વિચારવા જેવું: વાંચતા વાંચતા બીજું કામ કરીએ તો જે વાંચીએ છીએ, એ સમજવું ને યાદ રાખવું સહેલું છે કે અઘરું?—નીતિવચનો ૧૭:૨૪.
એકલા હોઈએ
અમુક લોકોને એકલું એકલું જરાય ગમતું નથી. તેઓ ફ્રી થાય એટલે ફોન કે કોમ્પ્યુટર પર કંઈક કરવા બેસી જાય છે. ઓલિવિયા કહે છે, ‘હું પંદરેક મિનિટ માંડ શાંતિથી બેસી શકું. પછી ટીવી ચાલુ કરું કે ફોન લઈને બેસી જાઉં.’
ક્યારેક પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ. તમે શાંતિથી બેસીને વિચારી શકો ને એમાંથી ઘણું શીખી શકો. એનાથી યુવાનોને જ નહિ, મોટી ઉંમરનાને પણ ફાયદો થાય છે.
વિચારવા જેવું: હું એકલો હોઉં ત્યારે શું શાંતિથી બેસીને વિચારું છું?—૧ તિમોથી ૪:૧૫.
તમે શું કરી શકો?
શું હું ફોનનો યોગ્ય ઉપયોગ કરું છું?
હું કઈ રીતે ફોનની મદદથી વધારે આવડત કેળવી શકું? વાંચતી વખતે ફોનના લીધે શું મારું ધ્યાન ફંટાઈ જાય છે?
પવિત્ર શાસ્ત્રની સલાહ: “તું બુદ્ધિ અને સમજશક્તિને પકડી રાખ.”—નીતિવચનો ૩:૨૧.