આનો રચનાર કોણ?
કીડીની ગરદન
મિકેનિકલ ઇજનેરો નવાઈ પામે છે કે એક કીડી પોતાના શરીર કરતાં વધારે વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને સમજવા, અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના ઇજનેરોએ, કોમ્પ્યુટર દ્વારા કીડીના શરીરના કેટલાક મોડલ તૈયાર કર્યા છે. કીડીના શરીરનું બંધારણ, એનાં અંગો કઈ રીતે ગોઠવાયેલાં છે અને એ કઈ રીતે કામ કરે છે, એ આ મોડલથી સમજી શકાય છે. તેઓએ ખાસ એક્સ-રે મશીન (માઇક્રો સીટી સ્કેન) અને એક કીડી ભાર ઉપાડે ત્યારે, એના શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થતી હોય છે, એ બંનેનો ઉપયોગ કરીને આ મોડલ બનાવ્યાં છે.
કીડીની શરીર રચનામાં, એની ગરદન ખૂબ મહત્ત્વની છે. કેમ કે, મોંઢામાં ઊંચકેલી વસ્તુનું બધું વજન ગરદન પર આવે છે. કીડીની ગરદનમાં આવેલી નરમ કોશિકાઓ, એની ગરદન અને શરીરને જોડે છે. આ રચના, આપણા બંને હાથની આંગળીઓ એકબીજામાં ભેગી કરી હોય, એવી દેખાય છે. એક સંશોધકનું કહેવું છે: “ગરદનના સાંધાના હલનચલન માટે, આ કોશિકાઓની રચના અને બંધારણ બહુ મહત્ત્વનું છે. ગરદનના સાંધામાં આવેલા નરમ ભાગ અને માથું તથા શરીરના કડક ભાગ જોડાઈને એક મજબૂત બંધારણ બનાવે છે. કીડીની ભારે વસ્તુ ઉઠાવવાની ક્ષમતા પાછળ આ એક મહત્ત્વનું કારણ હોય શકે.” સંશોધકો આશા રાખે છે કે, કીડીની ગરદનની રચનાની સ્પષ્ટ સમજણ તેઓને રોબોટિક મશીનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા મદદરૂપ થશે.
વિચારવા જેવું: કીડીની ગરદનની આ જટિલ રચના શું પોતાની મેળે આવી ગઈ કે પછી એનો કોઈ રચનાર છે? (g16-E No. 3)