કુટુંબ માટે મદદ | લગ્નજીવન
કઈ રીતે સમસ્યા વિશે વાતચીત કરવી
મુશ્કેલી
તમે અને તમારા લગ્નસાથી સમસ્યાઓની ચર્ચા કરતા હોવ ત્યારે અંતમાં શું થાય છે? શું વાત સાવ બગડી ગઈ હોય છે? જો એમ થતું હોય, તો તમે પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકો છો. સૌ પ્રથમ તો એ જાણી લેવું જરૂરી છે કે સ્ત્રી અને પુરુષ, બંનેની વાતચીત કરવાની રીત અલગ અલગ હોય છે. *
તમારે શું જાણવું જોઈએ?
મોટા ભાગે સ્ત્રીઓને સમસ્યાનો ઉકેલ જાણવા કરતા સમસ્યા વિશે વાત કરવાનું વધારે પસંદ હોય છે. હકીકતમાં, અમુક વાર વાત કરવી એ જ સમસ્યાનો ઉકેલ હોય છે.
“મારી લાગણીઓ જણાવી દીધા પછી, મારા પતિ મારી લાગણીઓને સમજે છે એવા અહેસાસથી હું હળવાશ અનુભવું છું. એક વાર વાત કરી દઉં પછી રાહત અનુભવું છું. અરે, અમુક સમયે તો વાતચીત પછી થોડી જ મિનિટોમાં હળવાશ અનુભવું છું.”—સિર્પા. *
“જ્યાં સુધી હું મારા પતિને લાગણીઓ ન જણાવું, ત્યાં સુધી મને ચેન પડતું નથી. વાત કરવાથી જ મારા દિલનો ભાર ઓછો થઈ જાય છે.”—એજીન.
“આ એક જાસૂસી કાર્ય જેવું છે. વાતચીત કરતાં કરતાં હું મુશ્કેલીને સમજવાનો અને એનું મુખ્ય કારણ જાણવાનો પ્રયાસ કરું છું.”—લુર્ડેસ.
પુરુષો માટે સમસ્યાનો ઉકેલ શોધવો વધારે મહત્ત્વનું છે. એ સ્વાભાવિક છે, કેમ કે સમસ્યાઓનો ઉકેલ લાવવાથી તેઓને સફળતાનો અહેસાસ થાય છે. મુશ્કેલીઓનો ઉકેલ આપીને તે પત્નીને બતાવવા માંગે છે કે તે મદદ માટે તેના પર આધાર રાખી શકે છે. એટલે, જ્યારે તેઓનાં સૂચનોને તરત સ્વીકારવામાં આવતા નથી, ત્યારે તેઓ થોડા ગૂંચવણમાં મૂકાઈ જાય છે. કીર્ક નામના એક પતિ કહે છે, “મને સમજાતું નથી કે જો ઉકેલ જોઈતો જ ન હોય, તો સમસ્યા વિશે વાત કરવાનો મતલબ શો!”
પરંતુ, ધ સેવન પ્રિન્સિપલ્સ ફૉર મેકિંગ મેરેજ વર્ક નામનું પુસ્તક ચેતવે છે કે ‘સલાહ આપતા પહેલાં લગ્નસાથીને સમજવું બહુ જરૂરી છે. સૂચનો આપતાં પહેલાં તમારા લગ્નસાથીને અહેસાસ કરાવો કે તમે તેમની સ્થિતિને તેમ જ તેમની લાગણીઓને સારી રીતે સમજો છો. મોટા ભાગના
કિસ્સાઓમાં લગ્નસાથીને તમારી પાસેથી કોઈ ઉકેલની આશા હોતી નથી, તે તો ફક્ત એવું ઇચ્છે છે કે પોતાનું દિલ ઠાલવે ત્યારે તમે તેમનું ધ્યાનથી સાંભળો.’તમે શું કરી શકો?
પતિઓ માટે: દિલથી સાંભળવા પ્રયત્ન કરો. થોમસ નામના એક પતિ કહે છે: “અમુક વાર પત્નીનું સાંભળ્યા પછી હું વિચારું છું કે, ‘એમાં શું મોટી વાત!’ પરંતુ, મારી પત્ની માટે હું તેની વાત દિલથી સાંભળું એટલું જ પૂરતું હોય છે.” સ્તેફન નામના પતિ સહમત થાય છે. તે કહે છે: “મારી પત્નીને વચ્ચે રોક્યા વગર હું તેને પોતાના દિલનો ઊભરો ઠાલવવા દઉં, એ જ સૌથી સારું છે. ઘણી વાર તે મને કહે છે કે દિલનો ઊભરો ઠાલવી દીધા પછી તેને રાહત મળે છે.”
આમ કરો: તમે તમારી પત્ની સાથે સમસ્યાની ચર્ચા કરતા હોવ ત્યારે, બિનજરૂરી સલાહ આપવાનું ટાળો. તેની સામે જુઓ અને તે જે કહે છે એને ધ્યાનથી સાંભળો. માથું હલાવીને હા પાડો. તે જે કહી રહી છે એ તમે સમજો છો એનો અહેસાસ કરાવવા મુખ્ય મુદ્દાઓ જણાવો. ચાર્લ્સ નામના પતિ કહે છે: “અમુક વાર મારી પત્ની માટે એ જાણવું જ પૂરતું છે કે હું તેને સમજું છું અને હું તેની પડખે છું.”—શાસ્ત્રનો સિદ્ધાંત: યાકૂબ ૧:૧૯.
પત્નીઓ માટે: તમે પતિ પાસે શું અપેક્ષા રાખો છો એ સ્પષ્ટ જણાવો. એલીની નામની પત્ની કહે છે: “આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણા પતિ આપણી વાત સમજી જાય. પરંતુ, અમુક વાર આપણે તેમને બધું સમજાવવું પડે છે.” એનેસ નામની પત્ની આ સૂચન આપે છે: “હું મારા પતિને કહું છું, ‘કંઈક બાબતો મને ખટકી રહી છે, હું ઇચ્છું છું કે તમે મારું સાંભળો. તમે બધું બરાબર કરી દેશો એવી આશા હું નથી રાખતી. પરંતુ હું ઇચ્છું છું કે તમે મારી લાગણીઓ સમજો.’”
આમ કરો: તમારી વાત સાંભળ્યા પહેલાં જ જો તમારા પતિ ઉકેલ આપવા બેસી જાય, તો એવું ન વિચારશો કે તેમને તમારી લાગણીઓની કંઈ પડી નથી. કદાચ તે તમારો બોજો ઓછો કરવા માંગે છે. એસ્તર નામની પત્ની કહે છે: “માઠું લગાડવાને બદલે, હું સમજવાનો પ્રયત્ન કરું છું કે મારા પતિ મારી કાળજી રાખે છે અને તેમને મારી વાત સાંભળવી છે અને સાથે સાથે મદદ પણ કરવી છે.”—શાસ્ત્રનો સિદ્ધાંત: રોમનો ૧૨:૧૦.
બંને માટે: બીજાઓ પાસેથી આપણે જેવા વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ, એવો જ વ્યવહાર આપણે તેઓની સાથે કરતા હોઈએ છીએ. પણ, સમસ્યાઓની સારી રીતે ચર્ચા કરવા એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે તમારા સાથી કેવા વ્યવહારની અપેક્ષા રાખે છે. (૧ કોરીંથીઓ ૧૦:૨૪) મીગેલ નામના પતિ કહે છે: ‘પતિઓ, તમારી પત્નીનું ધ્યાનથી સાંભળો. પત્નીઓ, કેટલીક વાર પતિ સમસ્યાનો ઉકેલ જણાવે ત્યારે સાંભળો. જ્યારે તમે બંને અમુક વસ્તુઓ જતી કરો છો, ત્યારે તમને બંનેને ફાયદો થાય છે.’—શાસ્ત્રનો સિદ્ધાંત: ૧ પીતર ૩:૮. (g16-E No. 3)