સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાતીય સંબંધ વિશે શાસ્ત્ર શું કહે છે?

સજાતીય સંબંધ વિશે શાસ્ત્ર શું કહે છે?

ઘણા દેશોમાં સજાતીય લગ્નો વિશે વાદવિવાદ ચાલી રહ્યો છે. જોકે, ૨૦૧૫માં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું કે આખા દેશમાં સજાતીય લગ્નો કાયદેસર ગણાશે. ત્યાર પછી તો ઇન્ટરનેટ પર આ વિષય ઘણો પ્રચલિત થઈ ગયો. લોકોએ આ સવાલ વારંવાર પૂછ્યો હતો: “સજાતીય વ્યક્તિઓ વચ્ચેના લગ્ન વિશે શાસ્ત્ર શું કહે છે?”

સમાન લિંગના લોકો (પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી) વચ્ચે થતા લગ્નના કાયદેસર અધિકારો વિશે શાસ્ત્ર કંઈ જણાવતું નથી. તો પછી, મહત્ત્વનો સવાલ એ છે કે, શાસ્ત્ર સજાતીય સંબંધ વિશે શું કહે છે?

શાસ્ત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા વગર જ, ઘણા લોકો માને છે કે તેઓને એનો જવાબ ખબર છે. પરંતુ, તેઓને પૂછવામાં આવે તો, એ લોકોના જવાબો અલગ અલગ હોય છે! અમુકને લાગે છે કે શાસ્ત્ર સજાતીય સંબંધની તદ્દન વિરુદ્ધમાં છે. જ્યારે કે બીજાઓને લાગે છે કે “તારા પડોશી પર પ્રેમ રાખ” એ શાસ્ત્રવચન દરેક પ્રકારના જાતીય સંબંધની છૂટ આપે છે.—રોમનો ૧૩:૯.

શાસ્ત્ર શું કહે છે?

નીચેનામાંથી કયું વાક્ય તમને સાચું લાગે છે?

  1. ૧. શાસ્ત્ર સજાતીય કાર્યોની વિરુદ્ધમાં છે.

  2. ૨. શાસ્ત્ર સજાતીય કાર્યોને ચલાવી લે છે.

  3. ૩. શાસ્ત્ર સજાતીય સંબંધ રાખનારાને ધિક્કારવાનું (ભેદભાવ રાખવાનું) જણાવે છે.

જવાબો:

  1. ૧. સાચું. શાસ્ત્ર કહે છે: ‘સજાતીય સંબંધ બાંધનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦) એ ફક્ત પુરુષોને નહિ, સ્ત્રીઓને પણ લાગુ પડે છે.—રોમનો ૧:૨૬.

  2. ૨. ખોટું. શાસ્ત્ર શીખવે છે કે જાતીય સંબંધની છૂટ ફક્ત લગ્ન કરેલાં સ્ત્રી-પુરુષને જ છે.—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; નીતિવચનો ૫:૧૮, ૧૯.

  3. ૩. ખોટું. શાસ્ત્ર સજાતીય કાર્યોને ધિક્કારે છે. પણ, એવાં કાર્યો કરતા લોકો પ્રત્યે અણગમો, નફરત કે કોઈ પણ પ્રકારના ખરાબ વ્યવહારને શાસ્ત્ર ટેકો આપતું નથી. —રોમનો ૧૨:૧૮. [1]

યહોવાના સાક્ષીઓ શું માને છે?

યહોવાના સાક્ષીઓ માને છે કે શાસ્ત્રનાં નૈતિક ધોરણો જીવન માટે સૌથી ઉત્તમ છે. તેઓ એ ધોરણો પ્રમાણે જીવવાનું પસંદ કરે છે. (યશાયા ૪૮:૧૭) [2] એટલે, યહોવાના સાક્ષીઓ બધાં પ્રકારનાં જાતીય ગંદાં કાર્યોને નકારે છે, જેમાં સજાતીય સંબંધ પણ આવી જાય છે. (૧ કોરીંથીઓ ૬:૧૮) [3] સાક્ષીઓ આ રીતે જીવવાનું પસંદ કરે છે અને એ પ્રમાણે જીવવાનો તેઓને અધિકાર છે.

યહોવાના સાક્ષીઓ બીજાઓ પાસેથી જેવા વર્તનની અપેક્ષા રાખે છે, એ પ્રમાણે તેઓ બીજાઓ સાથે વર્તે છે. આમ, તેઓ શાસ્ત્રમાં જણાવેલો સોનેરી નિયમ પાળવાનો પ્રયત્ન કરે છે

વધુમાં, યહોવાના સાક્ષીઓ “બધા લોકો સાથે શાંતિથી રહેવા” બનતા બધા પ્રયાસ કરે છે. (હિબ્રૂઓ ૧૨:૧૪) યહોવાના સાક્ષીઓ સજાતીય સંબંધ નકારે છે, પણ તેઓ પોતાના વિચારો બીજાઓ પર થોપી બેસાડતા નથી. તેમ જ, તેઓ સજાતીય સંબંધ રાખતા લોકોનો ધિક્કાર થતો હોય, એવાં કાર્યોમાં ભાગ લેતા નથી કે એવા સમાચારો સાંભળીને ખુશ થતા નથી. યહોવાના સાક્ષીઓ બીજાઓ પાસેથી જેવા વર્તનની અપેક્ષા રાખે છે, એ પ્રમાણે તેઓ બીજાઓ સાથે વર્તે છે. આમ, તેઓ શાસ્ત્રમાં જણાવેલો સોનેરી નિયમ પાળવાનો પ્રયત્ન કરે છે.—માથ્થી ૭:૧૨.

શું શાસ્ત્ર ભેદભાવ રાખવાનું ઉત્તેજન આપે છે?

અમુક લોકો કહે છે કે સજાતીય સંબંધ રાખતા લોકો વિરુદ્ધ ભેદભાવ રાખવાનું શાસ્ત્ર ઉત્તેજન આપે છે. તેઓ કહે છે કે જેઓ શાસ્ત્રનાં નૈતિક ધોરણો પ્રમાણે ચાલે છે, તેઓ બીજું કંઈ ચલાવી લેતા નથી. તેઓ એમ પણ કહે છે કે ‘શાસ્ત્ર જે જમાનામાં લખાયું હતું, એ વખતે લોકો સંકુચિત મનના હતા. આજે આપણે બધી જ જાતિના, દેશના અને સેક્સ વિશે અલગ અલગ વિચાર ધરાવતા લોકોનો સ્વીકાર કરીએ છીએ.’ તેઓ માટે તો, સજાતીય સંબંધનો નકાર કરવો એટલે જાણે લોકો સાથે રંગભેદ કરવા બરાબર છે. શું આ સરખામણી ગળે ઊતરે એવી છે? ના. ચાલો, એનું કારણ જોઈએ.

સજાતીય કાર્યોનો નકાર કરવો અને સજાતીય સંબંધ રાખતા લોકોનો નકાર કરવો, એ બંનેમાં ફરક છે. શાસ્ત્ર ખ્રિસ્તીઓને બધા પ્રકારના લોકોને માન આપવાનું કહે છે. (૧ પીતર ૨:૧૭) [4] પરંતુ, એનો અર્થ એ નથી થતો કે ખ્રિસ્તીઓએ બધાં પ્રકારનાં કાર્યોનો સ્વીકાર કરવો જોઈએ.

આ સરખામણી પર ધ્યાન આપો: માની લો કે તમે ધૂમ્રપાનને હાનિકારક ગણો છો અને એને ધિક્કારો છો. પરંતુ, તમારી સાથે કામ કરનાર એક વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય તો શું? ધૂમ્રપાન વિશેના તમારા વિચારો અને તેના વિચારો અલગ અલગ હોવાથી, શું તમે સંકુચિત મનના ગણાશો? તે ધૂમ્રપાન કરે છે અને તમે ધૂમ્રપાન કરતા નથી, શું એનો અર્થ એવો છે કે તમે તેની સાથે ભેદભાવ રાખો છો? હવે, જો તે ધૂમ્રપાન વિશેના તમારા વિચારો બદલવા તમને આગ્રહ કરે, તો શું તે સંકુચિત મનની અને પોતાના જ વિચારો થોપી બેસાડનાર વ્યક્તિ ન કહેવાય?

યહોવાના સાક્ષીઓ શાસ્ત્રનાં નૈતિક ધોરણો પ્રમાણે જીવવાનું પસંદ કરે છે. શાસ્ત્ર મના કરતું હોય, એવાં કાર્યો તેઓ ચલાવી લેતા નથી. તોપણ, અલગ રીતે જીવતા હોય એવા લોકોનો તેઓ મજાક ઉડાવતા નથી કે તેઓ સાથે ખરાબ રીતે વર્તતા નથી.

શું શાસ્ત્રના વિચાર કઠોર છે?

સજાતીય સંબંધ રાખવાની ઇચ્છા ધરાવતા લોકો વિશે શું? શું તેઓ જન્મથી જ એવા છે? જો એમ હોય તો શું એમ કહેવું કઠોર નહિ ગણાય કે તેઓ પોતાની કામવાસના પ્રમાણે વર્તે, એ બિલકુલ ખોટું છે?

જોકે વ્યક્તિમાં થતી સજાતીયતાની લાગણી પાછળનાં કારણો વિશે શાસ્ત્ર કંઈ જણાવતું નથી. પરંતુ, શાસ્ત્ર જણાવે છે કે અમુક લાગણીઓના મૂળ ઊંડા હોય છે. વધુમાં, શાસ્ત્ર જણાવે છે કે જો આપણે ઈશ્વરને ખુશ કરવા માંગતા હોય, તો અમુક કાર્યોને સદંતર છોડી દેવા જોઈએ. એમાં સજાતીય કાર્યોનો પણ સમાવેશ થાય છે.—૨ કોરીંથીઓ ૧૦:૪, ૫.

કેટલાક કહી શકે શાસ્ત્રના વિચાર કઠોર છે. તેઓ વિચારે છે કે, આપણે મન ફાવે તેમ કરવું જોઈએ. જાતીય આવેગો એટલા મહત્ત્વના છે કે એના પર કાબૂ રાખવો મુશ્કેલ છે. અરે, એમ કરવું શક્ય જ નથી. પ્રાણીઓ પોતાના પર કાબૂ રાખી શકતા નથી. પણ માણસો તેઓ કરતાં અલગ છે. શાસ્ત્ર કહે છે કે તેઓ પોતાના આવેગોનો સામનો કરી શકે છે.—કોલોસીઓ ૩:૫. [5]

આ સરખામણી પર ધ્યાન આપો: કેટલાક નિષ્ણાતો કહે છે કે ગુસ્સો કે એના જેવું બીજું વર્તન વ્યક્તિની અંદર થતી લાગણીઓને લીધે હોય શકે. જોકે, ગુસ્સાની લાગણી પાછળનાં કારણો વિશે શાસ્ત્ર કંઈ જણાવતું નથી, પણ એ જણાવે છે કે અમુક લોકો “ક્રોધી” અને “તામસી” હોય છે. (નીતિવચનો ૨૨:૨૪; ૨૯:૨૨) વધુમાં, શાસ્ત્ર એમ પણ કહે છે કે “રોષને છોડ ને કોપનો ત્યાગ કર.”—ગીતશાસ્ત્ર ૩૭:૮; એફેસીઓ ૪:૩૧.

અમુક લોકો એ સલાહ સાથે સહમત થતા નથી અથવા કહે છે કે ગુસ્સો કરનારાઓ વિરુદ્ધ એ તો કઠોરતા કહેવાય. અમુક નિષ્ણાતો માને છે કે ગુસ્સો રાખતી વ્યક્તિમાં એ લાગણીના મૂળ ઊંડા હોય છે. તોપણ, એવી વ્યક્તિ ગુસ્સાની લાગણી પર કાબૂ મેળવી શકે માટે આ નિષ્ણાતો સખત મહેનત કરે છે.

શાસ્ત્રનાં ધોરણોની વિરુદ્ધમાં હોય એવા કોઈ પણ કાર્યો વિશે યહોવાના સાક્ષીઓ આ નિષ્ણાતો જેવું જ વિચારે છે. એમાં એકબીજા સાથે પરણેલા ન હોય એવા સ્ત્રી-પુરુષના જાતીય સંબંધોનો પણ સમાવેશ થાય છે. આવા દરેક કિસ્સામાં શાસ્ત્રની આ સલાહ લાગુ પડે છે: “તમારામાંથી દરેક જણ પવિત્રતા અને આદરથી પોતાના શરીરને કાબૂમાં રાખવાનું શીખે. તમારે કામવાસનાની લાલસા રાખવી નહિ.”—૧ થેસ્સાલોનિકીઓ ૪:૪, ૫.

“તમારામાંના અમુક એવા જ હતા”

પહેલી સદીમાં જેઓ ખ્રિસ્તી બનવા માંગતા હતા, તેઓ અલગ અલગ સમાજમાંથી અને જુદી જુદી જીવનઢબમાંથી આવતા હતા. એમાંથી અમુકે તો પોતાની જીવનઢબમાં ધરખમ ફેરફારો કર્યા હતા. ઉદાહરણ તરીકે, “વ્યભિચારી, મૂર્તિપૂજક, લગ્ન બહાર જાતીય સંબંધ રાખનાર, સજાતીય કામોને આધીન થઈ જનાર” વિશે શાસ્ત્ર જણાવે છે અને પછી કહે છે કે “તમારામાંના અમુક એવા જ હતા.”૧ કોરીંથીઓ ૬:૯-૧૧.

“તમારામાંના અમુક એવા જ હતા,” એ દ્વારા શું શાસ્ત્ર એમ કહેવા માંગે છે કે સજાતીય કાર્યો બંધ કરનારાઓમાં એવી ઇચ્છા ફરી ક્યારેય જાગશે જ નહિ? એવું તો ભાગ્યે જ બની શકે, કારણ કે શાસ્ત્ર એમ પણ અરજ કરે છે: “પવિત્ર શક્તિથી ચાલતા રહો અને તમે પાપી શરીરની ઇચ્છા પ્રમાણે જરાય ચાલશો નહિ.”—ગલાતીઓ ૫:૧૬.

નોંધ લો કે શાસ્ત્ર એમ નથી કહેતું કે એક ખ્રિસ્તીને ખોટી ઇચ્છાઓ કદી થશે નહિ. પણ, એ કહે છે કે વ્યક્તિએ ખોટી ઇચ્છાઓથી દૂર રહેવાનું પસંદ કરવું જોઈએ. ખ્રિસ્તીઓ આવી ઇચ્છાઓને કાબૂમાં રાખતા શીખે છે. તેઓ એના વિશે એ હદ સુધી વિચારતા નથી કે તેઓ એવાં કાર્યો કરવા લલચાઈ જાય.—યાકૂબ ૧:૧૪, ૧૫. [6]

આ રીતે શાસ્ત્ર ઇચ્છા અને કાર્યો વચ્ચેનો તફાવત સમજાવે છે. (રોમનો ૭:૧૬-૨૫) વ્યક્તિ પોતાના વિચારો પર લગામ રાખીને ઇચ્છાઓને કાબૂમાં રાખી શકે છે. સજાતીય સંબંધની ઇચ્છા રાખતી વ્યક્તિ જે રીતે ગુસ્સો, વ્યભિચાર અને લોભ જેવી લાલચોને કાબૂમાં રાખે છે, એ જ રીતે તે સજાતીય ઇચ્છાઓને પણ કાબૂમાં રાખી શકે છે.—૧ કોરીંથીઓ ૯:૨૭; ૨ પીતર ૨:૧૪, ૧૫.

યહોવાના સાક્ષીઓ શાસ્ત્રનાં નૈતિક ધોરણો પાળે છે, પણ તેઓ પોતાના વિચારો બીજાઓ ઉપર થોપી બેસાડતા નથી. તેમ જ, પોતાનાથી અલગ રીતે જીવન જીવતા લોકોના રક્ષણ માટે બનાવેલા નિયમોને બદલવાનો પ્રયાસ પણ કરતા નથી. યહોવાના સાક્ષીઓ આશાનો સંદેશો આપે છે અને જેઓ એ સાંભળવા માંગે છે, તેઓને જણાવવા મહેનત કરે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૦. (g16-E No. 4)

^ ૧. રોમનો ૧૨:૧૮: ‘બધા લોકો સાથે હળીમળીને રહો.’

^ ૨. યશાયા ૪૮:૧૭: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.”

^ ૩. ૧ કોરીંથીઓ ૬:૧૮: “વ્યભિચારથી નાસી જાઓ!”

^ ૪. ૧ પીતર ૨:૧૭: “દરેક પ્રકારના માણસોને માન આપો.”

^ ૫. કોલોસીઓ ૩:૫: “તેથી, તમારા શરીરના અવયવોને મારી નાખો, જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર, અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના.”

^ ૬. યાકૂબ ૧:૧૪, ૧૫: “દરેક જણ પોતાની ઇચ્છાથી લલચાઈને કસોટીમાં ફસાય છે. પછી, એ ઇચ્છા વધે છે ત્યારે પાપને જન્મ આપે છે.”