બધા સાથે દોસ્તી કરીએ
મુસીબતનું મૂળ
અમુક લોકોને બીજા સમાજના લોકો ગમતા નથી. એટલે, તેઓ બીજાઓ સાથે બહુ હળીમળી શકતા નથી. એનાથી તેઓના મનમાં ભેદભાવની લાગણી વધી શકે છે. ફક્ત આપણા જેવું વિચારતા લોકો સાથે દોસ્તી ન કરીએ. એમ કરીશું તો આપણને લાગી શકે કે આપણી કામ કરવાની રીત જ સાચી છે.
પવિત્ર શાસ્ત્રની સલાહ
‘તમારા દિલના દરવાજા ખોલી નાખો.’—૨ કોરીંથીઓ ૬:૧૩.
આપણે શું શીખી શકીએ? અહીં “દિલ” એટલે આપણી લાગણીઓ અને પસંદ-નાપસંદ હોઈ શકે છે. જો આપણે ફક્ત એવા લોકો સાથે દોસ્તી કરીશું જેઓની પસંદ-નાપસંદ આપણા જેવી જ છે, તો કદાચ આપણે કૂવામાંના દેડકા જેવા બની જઈશું. આપણે એવા લોકો સાથે પણ દોસ્તી કરવી જોઈએ જે આપણાથી ઘણા અલગ છે.
શા માટે બધા સાથે દોસ્તી કરવી જોઈએ?
આપણે જેમ જેમ લોકોને ઓળખીએ તેમ તેમ સમજીએ છીએ કે તેઓની રીતભાત કેમ અલગ છે. ધીરે ધીરે આપણી દોસ્તી વધે છે, પછી નાની નાની વાતોને ધ્યાનમાં લેતા નથી. આપણે તેઓની કદર કરવા લાગીએ છીએ. તેઓ સાથે કંઈક સારું થાય ત્યારે આપણે ખુશ થઈએ છીએ. તેઓ સાથે કંઈ ખોટું થાય ત્યારે આપણે પણ દુઃખી થઈએ છીએ.
નૈજરી નામની સ્ત્રીનો અનુભવ જોઈએ. તેના દેશમાં અમુક પરદેશીઓ આવીને વસ્યા હતા. એ લોકો તેને જરાય પસંદ ન હતા. પણ પછી તેણે પોતાના વિચારો બદલ્યા. તે કહે છે: ‘મેં તેઓ સાથે સમય વિતાવ્યો અને કામ કર્યું. મેં પહેલાં તેઓ વિશે
ઘણી ખોટી વાતો સાંભળી હતી. પણ તેઓ એવા જરાય નથી. જ્યારે આપણે અલગ અલગ સમાજના લોકોને દોસ્ત બનાવીએ છીએ, ત્યારે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિ અલગ હોય છે. આપણે તેઓને ઓળખવા લાગીએ છે ત્યારે આપણી દોસ્તી વધુ ગાઢ બને છે.’આપણે શું કરી શકીએ?
અલગ અલગ દેશ, જાતિ કે ભાષાના લોકો સાથે વાત કરો. તમે આમ કરી શકો:
-
તેઓને પોતાના વિશે કંઈક જણાવવા કહો.
-
તેઓને તમારા ઘરે જમવા બોલાવો.
-
તેઓના અનુભવો સાંભળો અને તેઓની પસંદ-નાપસંદ જાણો.
જો આપણે એ સમજીએ કે તેઓના સંજોગોએ તેઓને એવા બનાવી દીધા છે તો તેઓ વિશે ખરાબ નહિ વિચારીએ. આપણે દોસ્તીનો હાથ લંબાવીશું.