જીવસૃષ્ટિમાંથી આપણે શું શીખી શકીએ?
પૃથ્વી પર જાત જાતના વૃક્ષો અને જીવજંતુઓ છે. એના લીધે પૃથ્વી સૌથી સુંદર ગ્રહ છે. આજે આપણે જીવજંતુઓ વિશે પહેલાં કરતાં વધારે જાણીએ છીએ. જીવજંતુઓ મોટા થાય છે, બીજા જીવો પેદા કરે છે અને એકથી બીજી જગ્યાએ જાય છે. એની રચનાથી શું શીખવા મળે છે? ચાલો જોઈએ.
જીવોની ડિઝાઇન બતાવે છે કે એને રચવામાં આવ્યા છે. એક બિલ્ડિંગ ઘણી બધી ઈંટોથી બને છે. એવી રીતે બધા જીવો નાના-નાના કોષોથી બને છે. એ કોષો નાની ફેક્ટરી જેવા છે, જેમાં હજારો જટિલ કામ થાય છે. એનાથી તેઓ જીવી શકે છે અને બીજા જીવો પેદા કરી શકે છે. એક નાનામાં નાના જીવના કોષોમાં એવાં કામો થાય છે જે આપણી સમજની બહાર છે. યીસ્ટ અથવા આથાની વાત કરીએ તો, એનાં દરેક કણમાં એક જીવ હોય છે. એ જીવ ફક્ત એક કોષથી બનેલો છે. એ કોષ માણસોના કોષ કરતાં એકદમ સામાન્ય લાગે છે, પણ એની ડિઝાઇન બહુ જટિલ છે. યીસ્ટના કોષના કેન્દ્રમાં ડી.એન.એ. હોય છે. જેમ ફેક્ટરીમાં “મશીનો” કામ કરે છે, એવી જ રીતે એ કોષમાં અનેક કામ થાય છે, એ પણ વ્યવસ્થિત રીતે. એ કોષ અણુઓને અલગ-અલગ સમૂહમાં વહેંચે છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. એમાં અમુક ફેરફારો કરે છે. આ બધા કામોથી કોષ જીવે છે. કોષમાં ખોરાક ખતમ થઈ જાય છે ત્યારે એ અમુક ક્રિયાઓ બંધ કરી દે છે અને નિષ્ક્રિય થઈ જાય છે. જાણે ભર ઊંઘમાં જતા રહે છે. એને સૂકું યીસ્ટ કહેવામાં આવે છે, જેને લાંબો સમય રાખી શકાય છે. જરૂર પડે ત્યારે ફરી સક્રિય કરી શકાય છે અને એનાથી બ્રેડ, ભટૂરા જેવી વાનગીઓ બનાવી શકાય છે.
વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી યીસ્ટના કોષોનો અભ્યાસ કરે છે, જેથી માણસોના કોષોને સારી રીતે સમજી શકે. તેઓ એ વિષે બધું જ જાણતા નથી. મશીન ઇન્ટેલિજન્સના પ્રોફેસર રોસ કિંગએ અફસોસ વ્યક્ત કરતા આમ કહ્યું: “યીસ્ટ એક સામાન્ય જીવ છે. એમાં થતી ક્રિયાઓ વિષે બધું જ સમજવા
હજુ પણ વધારે પ્રયોગ કરવાની જરૂર છે. જો દુનિયાના બધા વૈજ્ઞાનિકો એ પ્રયોગ કરે તોપણ, એ કોષો કઈ રીતે કામ કરે છે એ સમજવું તેઓ માટે એકદમ મુશ્કેલ હશે.”યીસ્ટ એક નાનો જીવ છે, તોપણ એમાં અગણિત જટિલ ક્રિયા થાય છે. એની રચના જોઈને તેમને શું લાગે છે, શું એ જીવ આપ મેળે આવી ગયો કે પછી કોઈકે એને બનાવ્યો?
એક જીવમાંથી બીજો જીવ પેદા થાય છે. માણસના દરેક કોષમાં ૩૨૦ કરોડ ન્યુક્લિઑટાઈડ હોય છે. એ નાના-નાના અણુઓ ભેગા મળીને ડી.એન.એ. બને છે. એમાં રહેલાં ન્યુક્લિઑટાઈડ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોય છે. જેથી એ કોષો એન્ઝાઇમ અને પ્રોટીન બનાવી શકે.
વૈજ્ઞાનિકો કહે છે કે જો ન્યુક્લિઑટાઈડ અબજો અબજો વખત એટલે કે ૧ની પાછળ ૧૫૦ શૂન્ય આવે, તો કદાચ પોતાની જાતે એકવાર ડી.એન.એ. બની શકે.
આજ સુધી વૈજ્ઞાનિકો એક પણ પ્રયોગોથી સાબિત નથી કરી શક્યા કે એક નિર્જીવ વસ્તુથી જાતે જ કોઈ જીવ બની શકે છે.
મનુષ્યનું જીવન અજોડ છે. મનુષ્ય જ જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકે છે. આપણી પાસે અલગ-અલગ આવડતો છે, બીજાઓ સાથે દોસ્તી કરી શકીએ છીએ અને બીજાને લાગણી બતાવી શકીએ છીએ. જ્યારે કે, પ્રાણીઓ એ બધું કરી શકતા નથી. આપણે જાતજાતની વાનગીઓ ચાખી શકીએ છીએ અને એની સુગંધ લઈ શકીએ છીએ. સુંદર નજારો અને રંગો જોઈ શકીએ છીએ. મધુર સંગીતનો આનંદ માણી શકીએ છીએ. ભવિષ્યની યોજના બનાવી શકીએ છીએ અને જીવનની મજા લઈ શકીએ છીએ.
શું એ બધી આવડત આપણમાં આપોઆપ જ આવી ગઈ? ના. કારણ કે એના વગર આપણે જીવી નથી શકતા અને બાળકો પેદા નથી કરી શકતા. કે પછી, એ આવડતો પુરાવો આપે છે કે એક ઈશ્વર છે અને તેમણે આપણને સુંદર જીવન આપ્યું છે. તમને શું લાગે છે?