સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | યુવાનો

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

મુશ્કેલી

  • તમારા પપ્પાની નોકરીને લીધે તમારે બીજે રહેવા જવું પડે એમ છે.

  • તમારો બેસ્ટ ફ્રેન્ડ બીજે રહેવા જાય છે.

  • તમારા મોટા ભાઈ કે બહેન લગ્ન કરીને બીજે રહેવા જવાના છે.

શું તમે બદલાતા સંજોગોનો સામનો કરવા તૈયાર છો?

વંટોળમાં જે ઝાડ વળી જાય એ મોટા ભાગે બચી જાય છે. એ ઝાડની જેમ તમે પણ જીવનમાં સંજોગો બદલાય ત્યારે, “વળવાનું” શીખી શકો છો. એ કેમનું કરવું એ વિશે વાત કરતાં પહેલાં, ચાલો બદલાતા સંજોગો વિશે અમુક બાબતોનો વિચાર કરીએ.

તમારે શું જાણવું જોઈએ?

સંજોગો પર આપણો કાબૂ નથી. શાસ્ત્રમાં મનુષ્યો વિશે એક સત્ય જણાવેલું છે: ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) વધુ સમય લાગે કે ઓછો, પણ તમને એ શબ્દોની હકીકત જરૂર સમજાશે. દરેક અણધાર્યો ફેરફાર ખરાબ જ હોય એવું જરૂરી નથી. શરૂઆતમાં કેટલાક ફેરફારો ખરાબ લાગી શકે, પણ પછીથી એનાથી ફાયદો થઈ શકે. મોટા ભાગના લોકોને પોતાનો નિત્યક્રમ હોય છે, એમાં સારા કે ખરાબ ગમે તેવા ફેરફાર થાય, તેઓને એ પચાવવો અઘરો લાગે છે.

તરુણો માટે ફેરફાર ચિંતાજનક હોય છે. શા માટે? એલેક્સ * નામનો છોકરો કહે છે, “તમારી અંદર આમ પણ ફેરફાર થઈ રહ્યા હોય છે. એવામાં બીજા ફેરફારોથી ચિંતામાં વધારો થાય છે.”

બીજું કારણ: મોટી ઉંમરની વ્યક્તિના જીવનમાં ફેરફાર થાય છે ત્યારે, તે જૂના અનુભવોમાં ડોકિયું કરીને જોવે છે કે પહેલાં આવા સંજોગોમાં શું કર્યું હતું. પણ, તરુણો પાસે જૂના અનુભવો બહુ ઓછા હોય છે.

સંજોગોને સ્વીકારતા શીખો. ખરાબ સંજોગોમાંથી પાછા ઊઠવું કે ફેરફાર પ્રમાણે બદલાવવું એક આવડત છે. અમુક તરુણો એવી આવડત કેળવે છે. એવા તરુણો ફક્ત નવા સંજોગોને સહન જ નથી કરી લેતા પણ, કોઈ પડકારને અવસરમાં બદલી નાખવા તૈયાર હોય છે. એ આવડત કેળવી હશે તો, તરુણો ચિંતાને લીધે ડ્રગ્સ કે દારૂને રવાડે નહિ ચઢી જાય.

તમે શું કરી શકો?

હકીકત સ્વીકારો. તમે પોતાના જીવન પર પૂરો કાબૂ રાખવા માંગો છો, પણ હકીકતમાં એ અશક્ય છે. મિત્રો બીજે જતા રહેશે અથવા તેઓના લગ્ન થઈ જશે; ભાઈ-બહેન મોટા થશે ત્યારે બીજે જતા રહેશે; કદાચ સંજોગો બદલાતા તમારા કુટુંબે બીજે રહેવા જવું પડે અને તમારે નવી શરૂઆત કરવી પડે. નિરાશાજનક વિચારોમાં ડૂબી જવાને બદલે હકીકત સ્વીકારવી જોઈએ.—શાસ્ત્રનો સિદ્ધાંત: સભાશિક્ષક ૭:૧૦.

ભાવિ પર નજર રાખો. જો ભૂતકાળ પર જ ધ્યાન આપ્યા કરશો, તો એ જાણે હાઈવે પર જતી વખતે, પાછળના અરીસામાં જોઈને ગાડી ચલાવવા જેવું ગણાશે. ક્યારેક ક્યારેક પાછળ જોવાની જરૂર પડી શકે, પણ તમારું બધું ધ્યાન આગળ રસ્તા પર હોવું જોઈએ. સંજોગો બદલાઈ ત્યારે પણ એ વાત સાચી છે. તમારે ભવિષ્ય પર નજર રાખવી જોઈએ. (નીતિવચનો ૪:૨૫) દાખલા તરીકે, ભાવિ પર નજર રાખવા તમે આવતા મહિના માટે કે છ મહિના માટે કયો ધ્યેય નક્કી કરશો?

સારી બાબતો પર ધ્યાન આપો. લોરા નામની છોકરી કહે છે, ‘કોઈ પણ સંજોગોમાં પોતાને ઢાળવાની આવડતનો આધાર, તમારા સ્વભાવ પર રહેલો છે. તમે જે સંજોગોમાં છો, એમાં રહેલી સારી બાબતો શોધી કાઢો.’ તમારા નવા સંજોગોમાં પણ સારી બાબતો છુપાયેલી હશે. શું તમે એમાંની કોઈ એક સારી બાબત જોઈ શકો છો?—શાસ્ત્રનો સિદ્ધાંત: સભાશિક્ષક ૬:૯.

વિક્ટોરિયા નામની છોકરી તરુણ હતી ત્યારે, તેના બધા ખાસ મિત્રો બીજે રહેવા જતા રહ્યા. તે કહે છે, ‘મને સાવ એકલું લાગતું. હું ઇચ્છતી કે બધું પહેલાંના જેવું જ થઈ જાય તો કેટલું સારું. પણ, આજે હું એ સમયનો વિચાર કરું છું તો, સમજી શકું છું કે ત્યારે હું મોટી થઈ રહી હતી. મને ખબર પડી કે મોટા થવા માટે ફેરફાર થાય એ જરૂરી છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજુબાજુ એવા ઘણા લોકો છે, જેઓને હું મિત્રો બનાવી શકું છું.’—શાસ્ત્રનો સિદ્ધાંત: નીતિવચનો ૨૭:૧૦.

જો ભૂતકાળ પર જ ધ્યાન આપ્યા કરશો, તો એ જાણે હાઈવે પર જતી વખતે, પાછળના અરીસામાં જોઈને ગાડી ચલાવવા જેવું ગણાશે

બીજાઓને મદદ કરો. શાસ્ત્ર કહે છે: “ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.” (ફિલિપીઓ ૨:૪) તમારી સમસ્યાનો સારામાં સારો ઉકેલ એ છે કે, તમે બીજાઓને મદદ કરો. ૧૭ વર્ષની એના કહે છે: “હું મોટી થઈ તેમ મને ખ્યાલ આવ્યો કે મારા જેવી જ કે મારાથી પણ ખરાબ મુશ્કેલીઓનો સામનો કરતી વ્યક્તિને મદદ કરવાથી મને રાહત મળે છે.” (g16-E No. 4)

^ ફકરો. 11 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.