સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુનાહિત જીવનમાં આશાનું કિરણ

ગુનાહિત જીવનમાં આશાનું કિરણ

ગુનાહિત જીવનમાં આશાનું કિરણ

કોસ્ટા કુલાપીસના જણાવ્યા પ્રમાણે

મેં જેલની ગંદી ચાર દીવાલોમાં એવું વિચારવાનું શરૂ કર્યું કે હું કોઈક રીતે મોટા પ્રમાણમાં ક્યાંકથી પૈસા મેળવું. જેથી હું મારા ગુનાહિત જીવનમાંથી બહાર આવી શકું. અને હું મારું નવું જવન શરૂ કરી શકું.

હું ત્યાં બેઠો બેઠો વ્યાકુળ થઈ ગયો હતો. કેમ કે હું ગયા વર્ષે મારા ૧૧ મિત્રો કઈ રીતે માર્યા ગયા એ વિષે વિચારી રહ્યો હતો. એક જણને ખૂન કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. બીજા એકે તેના પર ખૂનનો મુકદ્દમો ચાલી રહ્યો હતો એ દરમિયાન આત્મહત્યા કરી. બીજા ત્રણ મિત્રો વધારે પડતા કેફી પદાર્થો લેવાના કારણે મરણ પામ્યા. બે ફળિયાની મારામારીમાં માર્યા ગયા. અને ચાર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા. વળી, મારા બીજા ઘણા મિત્રો ગંભીર અપરાધોમાં સંડોવાયેલા હોવાથી વિવિધ જેલોમાં હતા.

તેથી, મારી જેલની કોટડીમાં મેં દેવને આજીજીપૂર્વક પ્રાર્થના કરી કે તે ગમે તે હોય પણ મને આ ગુનાહિત જીવનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે. પ્રાર્થના કર્યાને બહુ સમય નહિ થયો હોય અને મને મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો. મારા પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એ માટેની આકરી સજામાંથી હું માંડ માંડ બચી શક્યો. મેં મારો ગુનો કબૂલી લીધો કે મેં તેઓને જરૂર માર્યા હતા. પરંતુ હાનિ પહોંચાડવાના ઇરાદાથી માર્યા ન હતા. આથી અદાલતે મારી સજા ઓછી કરી નાખી. પરંતુ આ બધું કેવી રીતે બન્યું એ વિષે ચાલો હું તમને કંઈક જણાવું.

મારો જન્મ ૧૯૪૪માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો. હું ત્યાં જ મોટો પણ થયો. મારું બાળપણ દુઃખદાયક હતું. કેમ કે મારા પિતાના ગુસ્સાવાળા સ્વભાવના લીધે અમારું કૌટુંબિક જીવન અવારનવાર દુઃખી થઈ જતું હતું. તેમને જુગાર રમવાની ખરાબ લત પડી ગઈ હતી. અને દારૂ પીવાના લીધે તે ઘણી વાર અમને બધાને મારતા હતા અને ખાસ કરીને મારી માતાને. આ પ્રકારના જીવનમાંથી છૂટકારો મેળવવા માટે મેં આમતેમ ભટકવાનું શરૂ કર્યું.

ગુનાહિત માર્ગ

પરિણામે, હું બહુ નાની ઉંમરે દુનિયાદારી શીખી ગયો. દાખલા તરીકે, હું આઠ વર્ષનો હતો ત્યારે, બે બોધપાઠ શીખ્યો. પ્રથમ બોધપાઠ હું પડોશીના ઘરમાંથી ચોરેલાં રમકડાંઓ સાથે પકડાયો ત્યારે શીખ્યો. મારા પિતાએ મને ખૂબ જ માર માર્યો. હું હજુ પણ તેમની ગુસ્સાથી ભરેલી ધમકી સાંભળી શકું છું: “ફરી કદી પણ ચોરી કરીશ તો, હું તને મારી નાખીશ!” મેં એવો નિર્ણય કર્યો કે હું ફરી કદી પણ ચોરી કરીશ ત્યારે પકડાઈશ નહિ. મેં મનમાં વિચાર્યું કે, ‘ફરી વાર ચોરેલી વસ્તુઓને હું એવી જગ્યાએ સંતાડીશ કે કોઈ એને શોધી ન શકે.’

હું નાનો હતો ત્યારે બીજો એક બોધપાઠ શીખ્યો. શાળામાં ધાર્મિક વિષયના વર્ગમાં, અમારા શિક્ષકે અમને શીખવ્યું કે દેવને વ્યક્તિગત નામ છે. તેમણે કહ્યું, “દેવનું નામ યહોવાહ છે. અને તમે તેમના દીકરા ઈસુના નામમાં તેમની પાસે પ્રાર્થનામાં જે કાંઈ માંગો એ તે સાંભળશે.” મને આ બાબત જાણીને ઘણું આશ્ચર્ય થયું. આ બાબતે મારા નાના મગજ પર ઊંડી અસર કરી. પરંતુ હું મારી અપરાધી દુનિયામાં હજુ સુધી ડૂબેલો હતો. માધ્યમિક શાળામાં પહોંચ્યો એ પહેલા તો, હું નાની-મોટી ચોરીઓ કરવામાં પાવરધો બની ગયો હતો. મને શાળામાં મારા કોઈ મિત્રો તરફથી મદદ મળી ન હતી કેમ કે તેઓમાંના ઘણાને વિવિધ અપરાધો માટે સુધારણા ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા.

વર્ષો પસાર થતા ગયા તેમ, હું એક રીઢો અપરાધી બની ગયો. હું વીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો, ઠગવામાં, ચોરી કરવામાં, મોટરગાડીઓ ચોરવામાં અને મારપીટ કરવામાં પાવરધો બની ગયો હતો. હું સતત જુગાર રમતો હતો અને દારૂ પીતો હતો તેમ જ દલાલી કરવામાં, વેશ્યાઓમાં અને અપરાધોમાં અટવાયેલો રહેવાથી, હું મારી ટેકનિકલ માધ્યમિક શાળાના પહેલા વર્ષને પણ પૂરું કરી શક્યો ન હતો.

હું હંમેશા રીઢા અપરાધીઓની સંગતમાં રહેતો હતો કે જેઓ તેમની સાથે વિશ્વાસઘાત કરનારાઓને છોડતા ન હતા. હું શીખ્યો કે મેં મેળવેલી મારી સિદ્ધિઓ વિષે કદી પણ બડાશ ન મારું અને મારા પૈસા પાણીની જેમ ન વેડફું. એમ કરવાથી એ ફક્ત કરેલા અપરાધ ખુલ્લા પાડે છે જેનાથી પોલીસનું ધ્યાન ખેંચાઈ શકે અને પછી તે ગમે તેવા પ્રશ્નો પૂછી શકે. અને એનાથી પણ વધુ તો, બીજા અપરાધીઓ અમુક હિસ્સાની માંગણી કરવાની ધમકી પણ આપી શકે.

આટલી બધી સાવચેતી રાખ્યા છતાં, ઘણી વાર હું કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં તો જોડાયો નથીને એવી શંકાથી પોલીસ મારા પર નજર રાખતી હતી. પરંતુ હું મારી પાસે એવો કોઈ સામાન કે મિલકત રાખતો ન હતો કે જેનાથી લોકોને મારા પર શક જાય કે હું કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં જોડાયેલો છું અને તેઓ મારા પર આંગળી ઉઠાવી શકે. એક વાર, પોલીસે વહેલી સવારે ત્રણ વાગે મારા ઘર પર છાપો માર્યો. કારણ કે અમારી પડોશમાં રહેતા ઇલેક્ટ્રિકલ સામાનના જથ્થાબંધ વેપારીનો સામાન ચોરાઈ ગયો હતો. અને તેઓ એની શોધ કરતા હતા, આથી તેઓએ બે વાર મારા ઘરની તપાસ કરી. તેઓને કંઈ જ મળ્યું નહિ. મારી આંગળીના નિશાનને જોવા માટે મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો પરંતુ મારા પર હજુ કોઈ આરોપ મૂકવામાં આવ્યો ન હતો.

ડ્રગ્સની દુનિયામાં સંડોવાવું

હું ૧૨ વર્ષનો હતો ત્યારથી જ, મેં નિયમિતપણે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. આના કારણે મારું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. અને ઘણી વાર હું વધુ પડતું ડ્રગ્સ લેતો હતો. થોડા સમય પછી મને એક ડૉક્ટરની ઓળખાણ કરાવવામાં આવી કે જેને અપરાધોની દુનિયા સાથે ગાઢ સંબંધ હતો. આને કારણે હું ડ્રગ્સનો વેપારી બન્યો. અને મને જલદી જ ખબર પડી કે થોડા વેપારીઓને આનો પુરવઠો આપવાથી પકડાઈ જવાનું જોખમ ઓછું રહે છે, કારણ કે હું બીજાઓ પર જોખમ ઢોળી દઈને છટકી જઈ શકતો હતો.

દુઃખદ બાબત છે કે મારી સાથે ડ્રગ્સની લેવડદેવડ રાખનારાઓમાંથી કેટલાક લોકો વધુ પડતું ડ્રગ્સ લેવાના કારણે મરણ પામ્યા કે ગંભીર અપરાધોમાં સંડોવાયા. એક “મિત્ર”એ પ્રખ્યાત તબીબી ડૉક્ટરનું ખૂન કર્યું. એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો. ત્યાર પછી તેણે મારા પર આરોપ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મને તો એ ઘટના વિષે ખબર પણ ન હતી. પોલીસ મારા ઘરે આવી ત્યારે મને આ બાબત વિષે ખબર પડી. હકીકતમાં, પોલીસ અવારનવાર મારા ઘરે આવીને મને પ્રશ્નો પૂછે એ નવાઈની બાબત ન હતી, કેમ કે તેઓ આવીને મને વિવિધ અપરાધો વિષે પ્રશ્નો પૂછતી હતી.

તેમ છતાં, એક દિવસ મેં એક મૂર્ખામીભર્યું કામ કર્યું. એ દિવસે મેં વધારે પડતું ડ્રગ્સ લીધું, ઉપરથી દારૂ પીધા પછી, મેં ગેરસમજણથી બે નિર્દોષ માણસો પર હુમલો કર્યો અને મેં તેઓને ગંભીર રીતે હાનિ પહોંચાડી. બીજા દિવસે તેઓ પોલીસ સાથે મારા ઘરે આવ્યા અને મેં તેઓ પર હુમલો કર્યો હતો એમ તેઓએ મને ઓળખી બતાવ્યો. મારી તેઓને ગંભીર શારીરિક નુકશાન પહોંચાડવાના અપરાધમાં ધરપકડ કરવામાં આવી. અને એ કારણે હું જેલમાં આવ્યો.

ધનવાન બનો, પછી સુધરી જાવ

જેલમાંથી બહાર નીકળ્યા પછી, મને એક જગ્યાએ નોકરી છે એવી જાણ કરવામાં આવી. દવા બનાવનાર એક કંપનીમાં હિસાબ રાખનાર એક માણસની જરૂર હતી. મેં એના માટે અરજી કરી અને માલિકને ખાતરી કરાવી કે એ નોકરી મારા માટે જ હતી. એ કંપનીમાં કામ કરતા એક મિત્રની ભલામણથી, મને નોકરી મળી. મેં વિચાર્યું કે પૈસા બનાવવાનો આ એક સારો માર્ગ છે. અને પછી બીજે ક્યાંક દૂર જઈને એક સારી શરૂઆત કરી શકું. તેથી મેં શક્ય એટલી ઝડપથી વેપારને લગતી બધી બાબતો શીખવા માંડી. હું દરરોજ મોડી રાત સુધી દરેક પ્રકારની દવાના નામનો અભ્યાસ કરતો. મને ખાતરી થવા માંડી કે આ નવા જીવનમાં જવાનો એક માર્ગ હતો.

મેં યોગ્ય સમયની રાહ જોવાની અને મારાથી ઉચ્ચ હોદ્દાના વ્યક્તિઓનો વિશ્વાસ જીતવાની યોજના કરી. પછી વિચાર્યું કે સમય આવશે ત્યારે બધી દવાઓ ચોરી લઈશ કે જેનું કાળાબજારમાં ઘણું મૂલ્ય હોય છે. અને આવી રીતે હું રાતોરાત ધનવાન બની જઈશ. પછી મેં એવી પણ યોજના કરી કે મારા પર ચોરીનો આરોપ મૂકવામાં આવે તો પણ હું એને સહેલાયથી બેબુનિયાદ સાબિત કરી શકું.

ત્યાર પછી મારી યોજના અમલમાં મૂકવાનો સમય આવી પહોંચ્યો. એક રાત્રે, હું સાવધાનીથી વખારમાં ગયો. મારી આંખોની સામે કબાટમાં દવાઓ ભરેલી હતી, જેના બદલે મને લાખો ડૉલર મળી શકતા હતા. ત્યાં મને અપરાધ અને હિંસાથી મુક્ત નવું જીવન શરૂ કરવાની તક દેખાઈ. પરંતુ, પહેલી જ વાર, મારું અંતઃકરણ મને ડંખવા લાગ્યું. પણ શું મારી પાસે અંતઃકરણ હતું? મારું અંતઃકરણ મને કેમ ડંખવા લાગ્યું? મને વિગતવાર જણાવવા દો કે એવું શા માટે બન્યું.

આ બન્યું એના થોડાં અઠવાડિયાં પહેલાં જ, મેનેજર અને મારી વચ્ચે જીવનનો અર્થ શું છે એ વિષે ચર્ચા થઈ હતી. તેમણે મને કંઈક જણાવ્યું એના પ્રત્યુત્તરમાં મેં તેમને કહ્યું કે, આવા સમયે વ્યક્તિ પ્રાર્થના કરી શકે. તેમણે પૂછ્યું, “કોને?” મેં જવાબ આપ્યો, “દેવને.” મેનેજરે કહ્યું, “પણ દેવો તો ઘણા બધા છે, તેથી વ્યક્તિએ કોને પ્રાર્થના કરવી જોઈએ?” મેં કહ્યું: “સર્વશક્તિમાન દેવને.” તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, “વારુ, તો તેમનું નામ શું છે?” મેં પૂછ્યું, “તમે શું કહેવા માંગો છો?” તેમણે કહ્યું, “જેમ તારું, મારું અને દરેક જણને નામ હોય છે એમ, સર્વશક્તિમાન દેવને પણ વ્યક્તિગત નામ છે.” તેમનું એમ કહેવું વાજબી હતું, પરંતુ મને ગુસ્સો આવતો હતો. તેથી મેં ખીજાઈને પૂછ્યું: “તો તમે જ કહો, દેવનું નામ શું છે?” તેમણે પ્રત્યુત્તર આપ્યો, “સર્વશક્તિમાન દેવનું નામ યહોવાહ છે!”

યહોવાહ નામ સાંભળતા જ મને ભૂતકાળમાં બનેલા વિવિધ બનાવો યાદ આવવા માંડ્યા અને હું ફક્ત આઠ વર્ષનો હતો ત્યારે શિક્ષકે વર્ગમાં જે બોધપાઠ શીખવ્યા હતા એ યાદ કરવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે મેનેજર સાથે કરેલી ચર્ચા મારા પર આટલી બધી અસર કરશે. અમે બેસીને કલાકો સુધી રસપ્રદ ચર્ચાનો આનંદ માણ્યો. બીજા દિવસે તેમણે મને સત્ય જે અનંજીવન તરફ દોરી જાય છે * પુસ્તક આપ્યું. એ રાતે જ મેં આખું પુસ્તક વાંચી નાખ્યું અને તરત જ ખાતરી થઈ ગઈ કે મને સત્ય અને જીવનનો સાચો અર્થ મળ્યો છે. પછીનાં બે અઠવાડિયાં અમે અમારો મોટા ભાગનો સમય એ અદ્‍ભુત ભૂરા રંગના પુસ્તકમાંના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં ફાળવ્યો હતો.

તેથી, હું વખારમાં એકલો હતો ત્યારે મને મારા અંતઃકરણે કહ્યું કે દવાઓની ચોરી કરી એને વેચવાની મારી યોજના ખોટી છે. તેથી હું ત્યાંથી ચુપચાપ ઘરે જતો રહ્યો અને નક્કી કર્યું કે હવે ક્યારેય ચોરી નહિ કરું.

સંપૂર્ણ ફેરફાર

ત્યાર પછીના દિવસોમાં, મેં મારા કુટુંબીજનોને કહ્યું કે મેં નવેસરથી જીવન જીવવાનું નક્કી કર્યું છે. હું જે શીખ્યો હતો એ બાઇબલ સત્યોમાંથી કેટલાક મુદ્દાઓની તેમની સાથે ચર્ચા કરવાનું મેં શરૂ કર્યું. મારા પિતા મને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનું ઇચ્છતા હતા. પરંતુ મારા ભાઈ જોને મારો બચાવ કરતા પિતાને કહ્યું: “કોસ્ટા પહેલી વાર પોતાના જીવનમાં કંઈક અપરાધની બાબતોમાં જોડાયો નથી, અને તમારે એને ઘરમાંથી બહાર કાઢી મૂકવો છે? હું આ બાબતો વિષે વધારે માહિતી મેળવવાનો છું.” મને આશ્ચર્ય થયું કે, જોને મને તેની સાથે બાઇબલ અભ્યાસ કરવા વિષે પૂછ્યું. ત્યારથી માંડીને, મારી પાસે જે કોઈ ડ્રગ્સ લેવા આવતા તેઓને હું એના બદલે સત્ય પુસ્તક આપતો હતો! અને એ પુસ્તકની મદદથી મેં ૧૧ બાઇબલ અભ્યાસો શરૂ કર્યા.

ત્યાર પછી મને ખબર પડી કે એ કંપનીનો મેનેજર સાક્ષી ન હતો. તેની પત્ની કંઈક ૧૮ વર્ષોથી સાક્ષી હતી, પરંતુ તેની પાસે “સત્ય વિષે શીખવાનો સમય ન હતો.” તેથી તેણે મારી સાથે નિયમિત બાઇબલ અભ્યાસ કરવા અનુભવી સાક્ષીની ગોઠવણ કરી. મારા બાઇબલ અભ્યાસે મને જીવનમાં આવતી બીજી મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી. દેવના શબ્દના સત્યનો અભ્યાસ કરવાનું શરૂ કર્યાને થોડા સમય પછી જલદી જ મેં મારા દુન્યવી માર્ગો છોડવાનું શરૂ કરી દીધું.—યોહાન ૮:૩૨.

તેમ છતાં, થોડાં જ અઠવાડિયાંઓમાં કરેલા ઝડપી ફેરફારોના લીધે મને પોતાને ઘણું જ અચરત થયું. મોટા મોટા ફેરફારો કરવાના આવ્યા ત્યારે મને ઘણી મુશ્કેલીઓ પડી. પરંતુ મને ખબર હતી કે હું મારા બાઇબલ અભ્યાસથી જે શીખું છું એને લાગુ પાડવા માટે મારે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. બીજી તર્ફે, મેં અનુભવ્યું કે હું જે જીવન જીવી રહ્યો હતો એ પ્રમાણે જ જીવવાનું ચાલુ રાખીશ તો મારું મૃત્યુ પણ થઈ શકે અથવા મારે મોટા ભાગનું જીવન જેલમાં વિતાવવું પડે. તેથી મેં બાબતો પર ઘણો વિચાર કર્યા પછી અને આતુરતાપૂર્વક પ્રાર્થના કર્યા પછી, સત્યને અનુસરવાનું નક્કી કર્યું. મેં છ મહિનામાં પ્રગતિ કરીને એપ્રિલ ૪, ૧૯૭૧ના રોજ પાણીના બાપ્તિસ્માથી યહોવાહને મારું સમર્પણ કર્યું.

મેળવેલા બદલાઓ

મેં કરેલા ફેરફારના કારણે મને ઘણા આશીર્વાદો મળ્યા છે. હું એ મેળવેલા આશીર્વાદોનો વિચાર કરું છું ત્યારે ખૂબ આનંદ અનુભવું છું. એ શરૂઆતની મુશ્કેલીઓના થોડાં અઠવાડિયાંઓમાં મેં ૧૧ બાઇબલ અભ્યાસો શરૂ કર્યા અને એમાંથી ૫ જણ આજે પણ સત્યના માર્ગમાં ચાલી રહ્યાં છે. મારી માતાએ પણ બાઇબલ અભ્યાસ સ્વીકારીને બાપ્તિસ્મા લીધું. વર્ષ ૧૯૯૧માં મૃત્યુ પામી ત્યાં સુધી તેણે વિશ્વાસુપણે દેવની સેવા કરી. મારા બે ભાઈઓએ યહોવાહને પોતાનું સમર્પણ કર્યું અને હમણાં તેઓ અધ્યક્ષ તરીકે સેવા કરી રહ્યાં છે. મેં મારી માસીને પણ સત્ય શીખવ્યું. તે છેલ્લા ૧૫ વર્ષથી પૂરા-સમયના સેવક તરીકે સેવા કરી રહ્યાં છે.

જીવનમાં મેં કરેલા ફેરફારોથી દવાની કંપનીના મેનેજર એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે સત્યને વધારે ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. હું બાપ્તિસ્મા પામ્યો એના એક વર્ષ પછી, તેમણે પણ પાણીના બાપ્તિસ્માથી દેવને પોતાનું સમર્પણ કર્યું. હવે તે યહોવાહના સાક્ષીઓના પ્રિટોરિયામાંના એક મંડળમાં ઘણા વર્ષોથી અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે.

મેં એક સમર્પિત ખ્રિસ્તી બહેન સાથે લગ્‍ન કરેલા છે. લીઓની અને હું વર્ષ ૧૯૭૮માં ઑસ્ટ્રેલિયા ગયા. ત્યાં અમારા બે દીકરા એલીશા અને પાઊલ જન્મ્યા. મારા કુટુંબનું ઉત્તેજન ખરેખર મારા માટે એક શક્તિનો ઉદ્‍ભવ હતો. મને ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબરામાં અધ્યક્ષ તરીકે સેવા કરવાનો લહાવો મળ્યો છે. હું દરરોજ યહોવાહનો આભાર માનું છું કે જેમણે મને ગુનાહિત નિરર્થક જીવનમાંથી બચાવ્યો. એથી વધુ, તેમણે મને તેમ જ મારા પ્રિયજનો માટે ખરેખરી આશા પૂરી પાડી છે જેણે અમને જીવનનો અર્થ પૂરો પાડ્યો છે.

[ફુટનોટ]

^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.

[પાન ૧૮ પર ચિત્ર]

હું ૧૨ વર્ષનો હતો ત્યારે

[પાન ૧૮ પર ચિત્ર]

આજે મારા બે દીકરા અને પત્ની સાથે