તેઓએ વચન પાળ્યું!
તેઓએ વચન પાળ્યું!
એન્ટોનિયો માધ્યમિક શાળાના છેલ્લા વર્ષમાં હતો. તે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને સત્ય વિષે જણાવવા માંગતો હતો. તેથી, તેણે ઇતિહાસની શિક્ષિકાને સૂચવ્યું કે, તે નાઝી હુમલા સામે યહોવાહના સાક્ષીઓ ટકી રહ્યા (અંગ્રેજી) વિડીયો બતાવે. શિક્ષિકાનું મન ન હોવા છતાં, બીજા દિવસે વિડીયો બતાવવા સહમત થયા.
એન્ટોનિયો જણાવે છે કે, “શરૂઆતમાં તો શિક્ષિકા જરા ચડિયાતું વલણ બતાવીને વિડીયો જોતા હતા; પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે પ્રખ્યાત ઇતિહાસકારોએ જુલમી છાવણીઓમાંના યહોવાહના સાક્ષીઓનું વર્ણન કર્યું છે ત્યારે, તેમણે વધુ ધ્યાન આપ્યું. અંતે, તેમણે વિડીયોનું સૂચન કરવા બદલ મારો આભાર માન્યો.”
એ પછીના ઇતિહાસના પીરીયડમાં, શિક્ષિકાએ જર્મનીમાં એ સમયે યહોવાહના સાક્ષીઓ જે નામે ઓળખાતા હતા, એ બાઇબલફોર્શેરનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તેમને લાગ્યું કે, એન્ટોનિયો એનું વર્ણન કરે એ વધુ સારું થશે. એન્ટોનિયોએ, સમાજમાં સાક્ષીઓની ભૂમિકા અને તેઓના કેટલાક સિદ્ધાંતો સમજાવ્યા. તેણે આમ કહીને સમાપ્તિ કરી: “જોકે, લોકો અમારું ન સાંભળે, અમને જોઈને દરવાજો બંધ કરી દે, અથવા અમારાં પ્રકાશનો ન વાંચે તો, અમે જે મૂલ્યવાન સંદેશો લાવીએ છીએ, એનાથી તેઓને કંઈ જ લાભ થઈ શકતો નથી.”
એ વિષે એન્ટોનિયોના વર્ગના બધા વિદ્યાર્થીઓ સહમત થયા, અને શિક્ષિકાએ વર્ગમાં એક ઠરાવ રજૂ કર્યો. તેઓ પ્રથમ તક મળતા જ, સાક્ષીઓનું સાંભળશે અને તેઓનાં પ્રકાશનો લેશે. વિદ્યાર્થીઓ થોડા સમય સુધી વિડીયો વિષે વાતો કરતા રહ્યા. એન્ટોનિયોને થયેલા સંતોષની તમે કલ્પના કરી શકો, જ્યારે થોડા દિવસમાં જ, તેના કેટલાક સહાદ્યાયીઓ વૉચટાવર પ્રકાશનો લઈને વર્ગમાં આવ્યા, અને દરેકે સ્મિત સાથે જણાવ્યું: “જો, મેં મારું વચન પાળ્યું છે!”