સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

આત્મિક બાબતોની શોધ

ધ ટાઇમ્સ વર્તમાનપત્ર કહે છે, “આ સદીનો અંત પાસે આવી રહ્યો છે તેમ, બ્રિટિશરો પોતાના જીવનમાં કંઈક આત્મિક બાબતો શોધી રહ્યાં છે. આ માટે તેઓએ ઘણા ધાર્મિક વિષયો, મંત્રતંત્ર અને સૃષ્ટિ વિષે વિપુલ પ્રમાણમાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે.” કલ્ચર ટ્રેન્ડમાં જોવા મળતા અભ્યાસ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ધાર્મિક શીર્ષકોવાળાં અસંખ્ય પુસ્તકોમાં ૮૩ ટકાનો વધારો થયો છે. તેમ જ આ નવા યુગ અને રહસ્યમય બાબતોના વિષયમાં પણ ૭૫ ટકાનો વધારો થયો છે. એનાથી વિરુદ્ધ પ્રકાશિત કરવામાં આવેલાં અસંખ્ય વૈજ્ઞાનિક પુસ્તકો કે જેમાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના પુસ્તકોનો સમાવેશ થાય છે, એની માંગ ઘટીને ૨૭ ટકા થઈ ગઈ છે. આ આંકડાઓને ધ્યાનમાં લેતા, સેરા સેલવુડ અહેવાલની સંપાદકે સૂચવ્યું કે “આ સદીના અંતમાં, લોકો જીવનના હેતુને શોધી રહ્યા છે.” તો પછી શા માટે નકશાપોથી અને ભૂગોળના પુસ્તકોમાં ૧૮૫ ટકાનો વધારો થયો છે? તેણે કહ્યું, “એનું કારણ એ હોય શકે કે તેઓ એવી જગ્યાએ જવા માંગે છે, જ્યાં જીવનની બધી મુસીબતોથી છુટકારો મળતો હોય.”

યુરોપમાં ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન

કૅથલિક ઇન્ટરનેશનલ સામયિક અહેવાલ આપે છે, ધ ઇન્ટરનેશનલ હેલસીન્કી ફેડરેશને “૧૯ યુરોપિયન દેશો પર ધાર્મિક સ્વતંત્રતાના કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.” ફેડરેશને નોંધ્યું કે ખાસ કરીને ઑર્થોડૉક્સ દેશોમાં લઘુમતી ધર્મો વિરુદ્ધ દબાણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં, અનેક યુરોપિયન યુનિયન સભ્યો જણાવે છે કે “બનાવેલા કાયદાઓ પરંપરાગત માન્યતાઓને મજબૂત કરે છે જ્યારે [યહોવાહના સાક્ષીઓ] જેવા નાના વૃંદ પર પ્રતિબંધ મૂકે છે” સામયિકે બતાવ્યું. ફેડરેશનના નિર્દેશક હારૂન રોડ્‌સે ઉમેર્યું: “પાશ્ચાત્ય દેશો એટલા માટે કાયદાઓ બનાવે છે કે તેઓને ડર લાગે છે કે જો તેઓ આ નાના વૃંદો પર પ્રતિબંધ નહિ મૂકે તો એ લોકપ્રિય બની જશે. એટલા માટે તેઓ એને રોકવાનો જોરદાર પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ બાબતો આમ જ ચાલતી રહેશે તો એ વધારે બગડી શકે છે. અને એને સુધારવાનો પ્રયત્ન ત્યારે જ કરી શકાય જ્યારે લોકોને એવું લાગશે કે બધાને ધર્મ પસંદ કરવાનો સમાન હક્ક છે.”

અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન

સાયન્સ ન્યૂઝ અહેવાલ આપે છે કે ગયા વર્ષે અર્થાત્‌ ૧૯૯૮માં ૧૮૬૦ પછી પહેલી વાર સૌથી વધારે તાપમાન નોંધવામાં આવ્યું છે. એવો અંદાજ કાઢવામાં આવ્યો કે ગયા વર્ષનું મધ્યમ તાપમાન ૦.૫૮ સેલ્સિયસ હતું. આ તાપમાન વર્ષ ૧૯૬૧ અને ૧૯૯૦ના મધ્યમ તાપમાન કરતાં વધારે હતું. સામયિક કહે છે, “હવામાનનો અભ્યાસ કરનારાઓની દૃષ્ટિએ ગયા વર્ષનું આ તાપમાન હિમાલયની જેમ વધી ગયું હતું. તેઓ એટલા માટે ભયભીત થઈને એવું વિચારે છે કે હવામાનમાં થોડો પણ ફેરફાર થાય તો એનાથી આખી પૃથ્વી પર અસર થઈ શકે.” અહેવાલ એ પણ નોંધે છે કે ૧૯૮૩ પછીના દસ વર્ષોમાં સૌથી વધારે તાપમાન નોંધવામાં આવ્યું છે. જેમાંના સાત વર્ષો ૧૯૯૦ પછીના છે. અમેરિકાના નૅશનલ ઓસનિક ઍન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશનના જોનાથાન ઓવરપૅક કહે છે કે ગયા ૧,૨૦૦ વર્ષોની સરખામણીમાં છેલ્લા વીસ વર્ષોમાં સૌથી વધારે ગરમી પડી છે. ધ વર્લ્ડ મિટિયોરલૉજીકલ ઓર્ગેનાઇઝેશન બતાવે છે કે ફક્ત યુરોપ અને એશિયાના ઉત્તર ભાગમાં રહેનાર લોકો આ ગરમીથી બચી શક્યા છે. ગરમીની સૌથી વધારે અસર દક્ષિણ અમેરિકા અને રશિયામાં થઈ છે. મધ્ય રશિયામાં તો જૂન મહિનામાં એટલી જોરદાર લૂ લાગી હતી કે જેમાં ૧૦૦થી વધારે લોકો મરણ પામ્યા હતા અને કેટલીક જગ્યાઓએ તો આગ પણ લાગી હતી.

નવું ‘શીત યુદ્ધ’

લીઉબ્લિએ શહેરના ડેલો વર્તમાનપત્રએ એક રસપ્રદ અહેવાલ આપ્યો: “સ્લોવેનિયા દેશના લોકોને આઇસક્રીમ એટલો બધો ભાવે છે કે તેઓ એને જોતા જ એની પર તૂટી પડે છે. અને આ કારણના લીધે દુકાનદાર પોતાના ફ્રિજરને દરેક પ્રકારના આઇસક્રીમથી ભરેલાં રાખે છે.” બીજા એક વર્તમાનપત્ર અનુસાર સ્લોવેનિયામાં લોકો દિવસે દિવસે આઇસક્રીમના શોખીન બનતા જાય છે. આ કારણે આઇસક્રીમ બનાવનારાઓના વેચાણમાં ૨૨ ટકાનો વધારો થયો છે. અહીં દરેક વ્યક્તિ એક વર્ષમાં લગભગ ૪.૩ લીટર આઇસક્રીમ ખાય છે. આવી જ રીતે લોકો આઇસક્રીમ ખાતા રહેશે તો આ બાબતમાં આ દેશ જલદી જ પશ્ચિમ યુરોપના દેશોથી આગળ નીકળી જશે. પશ્ચિમ યુરોપમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં લગભગ ૫.૫ લીટર આઇસક્રીમ ખાય છે. અને આખા યુરોપમાં આઇસક્રીમ ખાવાની બાબતમાં સ્વીડન સૌથી આગળ છે. માર્કેટ ઇંટેલિજન્સી ગૃપ યૂરોમૌનિટર અનુસાર સ્વીડનમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં લગભગ ૧૬ લીટર આઇસક્રીમ ખાય છે. પરંતુ આખી દુનિયામાં બધા રાષ્ટ્રોમાં અમેરિકા જ એક એવું રાષ્ટ્ર છે કે જ્યાં લોકો સૌથી વધારે આઇસક્રીમ ખાય છે. અહીં દરેક વ્યક્તિ એક વર્ષમાં લગભગ ૨૦ લીટર આઇસક્રીમ ખાય છે.

“અદૃશ્ય બીમારી”

વાતાવરણ વિષે સમાચાર આપનાર સેવા અહેવાલ જણાવે છે, “એવું અનુમાન કરવામાં આવે છે કે વિકાસશીલ દેશોમાં ૧.૫થી ૧.૮ કરોડ બાળકોના લોહીમાં વધારે પ્રમાણમાં સીસુ જોવા મળે છે.” દાખલા તરીકે, ભારતમાં, બાળકોમાં બુદ્ધિની ક્ષમતા તેઓમાં સીસાનું પ્રમાણ કેટલું છે એ પરથી નક્કી કરવામાં આવે છે. ડૉ. એબ્રાહમ જ્યોર્જ અનુસાર, બાળકોમાં “સીસાનું પ્રમાણ વધતું અટકાવવામાં નહિ આવે તો, એ બાળકોની સમજશક્તિ પર ગંભીર અસર કરી શકે. અને તેઓ ધીમે ધીમે પોતાની સમજશક્તિને પણ ગુમાવી શકે.” ભારતના શહેરોમાં આ ઝેરી સીસાનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ મોટરગાડી છે. શા માટે? કારણ કે લોકો મોટરગાડી ચલાવવા માટે હજુ પણ પેટ્રોલનો ઉપયોગ કરે છે. પરંતુ આજે ગરીબી અને ભૂખમરો એટલા મોટા પ્રમાણમાં છે કે લોકો આ ઝેરી સીસાથી થતા નુકશાન પર ધ્યાન આપતા નથી. આ કારણે ડૉક્ટર જ્યોર્જ કહે છે કે આ “અદૃશ્ય બીમારી” છે.

પાણીની વધુ સમસ્યાઓ

ન્યૂ સાયન્ટિસ્ટ અહેવાલ આપે છે, “આપણા પીવાના પાણીમાં ફક્ત જંતુનાશક દવાઓ જ નહિ પરંતુ બીજી દવાઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.” આ દવાઓ ઘણી બધી જગ્યાએથી આવીને પાણીમાં ભળે છે. ઘણી વાર નકામી દવાઓને સંડાસમાં કે ગટરમાં નાખવામાં આવે છે. વધુમાં, આ દવાઓ પેશાબમાં જોવા મળે છે. રોયલ ડેનિસ સ્કૂલ ઑફ ફાર્મસીના બૅટ હેલિંગ સ્યુઈરન્સન કહે છે, “માનવીઓ અને પ્રાણીઓને આપવામાં આવતી દવાઓમાંથી ૩૦થી ૯૦ ટકા દવા પેશાબમાં જોવા મળે છે.” ખેડૂતો પોતાનાં ખેતરોમાં નિયમિતપણે ખાતર તરીકે પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરે છે. આ દવાઓને એમ જ ફેંકી દેવામાં આવે તો, એ દવાઓના ગુણધર્મો એવા જ રહે છે અને એ વાતાવરણ સાથે ભળી જાય છે. માનવીઓ દ્વારા દવાનો ઉપયોગ થયા બાદ જ્યારે એ વાતાવરણમાં ભળી જાય છે ત્યારે વધારે ઝેરી બની શકે છે, કેમ કે એ પાણીમાં સહેલાયથી મિશ્ર થઈ જાય છે. બ્રિટનની વાતાવરણ એજન્સીના સ્ટીવ ક્લિન કહે છે કે “પાણીમાં જોવા મળતી દવાઓમાં એવાં ઝેરી રસાયણો રહેલા છે કે જેના પ્રત્યે આપણે સંપૂર્ણપણે આંખ આડા કાન કરીએ છીએ.”

શું બાળકોના જાતીય શોષણ પ્રત્યે સભાનતા વધી રહી છે?

કારકસ શહેરના એક વર્તમાનપત્ર, એલ યુનિવર્સલએ આપેલા અહેવાલ અનુસાર, વેનેઝુએલા દેશમાં ૧૯૮૦માં ૧૦માંથી એક બાળકનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પણ આધુનિક સમયમાં તો દસમાંથી ત્રણ બાળકો પર આ શોષણ કરવામાં આવે છે. વર્ષ ૧૯૮૦માં સરેરાશ ૧૨થી ૧૪ વર્ષની વચ્ચેનાં બાળકોનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પણ આજે આ શોષણ મોટા ભાગે ત્રણ વર્ષથી નાનાં બાળકો પર કરવામાં આવે છે. આવા અધમ કૃત્યમાં કોણ પરોવાતું હોય છે? એવું માનવામાં આવે છે કે શાળાની આસપાસ ફરતા અજાણ્યા માણસો તકની રાહ જોતા હોય છે અને મોકો મળતા બાળકોને ચોકલેટ કે પીપરમીંટ આપીને લલચાવે છે. પરંતુ એલ યુનિવર્સલ સમજાવે છે કે આ માન્યતા તદ્દન ખોટી છે, કારણ કે આવા અધમ કૃત્યો કરવામાં ૭૦ ટકા લોકો સગાઓ કે કૌટુંબિક મિત્રો હોય છે. અને ૭૦માંથી અડધા કરતાં વધારે તો સાવકા માબાપ હોય છે. બાકીનાં બાળકોનું તેઓના મોટા ભાઈ, સગાઓ કે શિક્ષકો જાતીય શોષણ કરે છે કે જેઓ તેઓની સંભાળ રાખતા હોય છે.

શિક્ષણનો અભાવ

ઇંગ્લૅંડ્‌સ ન્યૂઝ અનલીમીટેડ અહેવાલ આપે છે, “વિકાસશીલ દેશોમાં ૧૨.૫ કરોડ બાળકોને શાળામાં જવાની તક મળતી નથી. આ બાળકોમાં વધારે પ્રમાણમાં છોકરીઓનો સમાવેશ થાય છે. અને ૧૫ કરોડ એવાં બાળકો છે કે જેઓ વાચતાં લખતાં શીખે એ પહેલાં જ શાળા છોડી દે છે.” હાલમાં આ વિકાસશીલ દેશોમાં ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ અર્થાત્‌ ૮૭.૨ કરોડ લોકો અભણ છે. વધુમાં આ દેશો ધનવાન દેશો પાસેથી ઉધાર પૈસા લે છે જેના કારણે નિરક્ષર લોકોની શિક્ષણ મેળવવાની આશા પર પાણી ફરી વળે છે. કેવી રીતે? જે પૈસા લોકોના શિક્ષણ માટે કામ આવી શકે એ પૈસા તો ધનવાન દેશો પાસેથી લીધેલું દેવું ચૂકવવામાં જતા રહે છે. આમ ફરીથી અભણતાનું ચક્ર પાછું ફરે છે કે જે છેવટે ગરીબીમાં પરિણમે છે.