સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ત્રણ રાજાઓએ બેથલેહેમમાં ઈસુની મુલાકાત લીધી હતી?

શું ત્રણ રાજાઓએ બેથલેહેમમાં ઈસુની મુલાકાત લીધી હતી?

બાઇબલ શું કહે છે

શું ત્રણ રાજાઓએ બેથલેહેમમાં ઈસુની મુલાકાત લીધી હતી?

ઈસુના જન્મ પછી, તેમને યહુદીઓના રાજા તરીકેનું સન્માન આપવા પૂર્વમાંથી મોભાદાર વ્યક્તિઓ બેથલેહેમમાં આવી હતી. આ ઘટના એટલી પ્રખ્યાત થઈ ગઈ કે આખી દુનિયામાં આજ સુધી જેઓ નાતાલ ઉજવે છે તેઓ એ વ્યક્તિઓની મુલાકાતનું પણ સ્મરણ કરે છે.

અમુક જગ્યાના લોકો ગભાણ બનાવે છે. જેમાં ઈસુના જન્મ વખતે પૂર્વના મુલાકાતીઓ, ત્રણ રાજાઓ તરીકે ભેટો સાથે ઊભા હોય છે એમ બતાવવામાં આવે છે. બીજા કેટલાક દેશોમાં, બાળકો ‘પવિત્ર રાજાઓનો’ પોશાક પહેરીને પોતાના ફળિયાઓમાં ફરે છે. આજે ૨૦ સદીઓ પછી પણ, બધી જ જગ્યાઓના લોકો એ મુલાકાતીઓને યાદ કરે છે. આ બધું જોઈને એક પ્રશ્ન જરૂર ઉદ્‍ભવે છે કે આખરે તેઓ કોણ હતા?

શું તેઓ રાજાઓ હતા?

આ ઐતિહાસિક અહેવાલ, બાઇબલમાં માત્થીના પુસ્તકમાં મળી આવે છે. ત્યાં કહે છે: ‘ઈસુનો જન્મ થયો, પછી ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા. તેમણે પૂછપરછ કરી, “યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઊગતો જોયો છે, અને તેમનું ભજન કરવા આવ્યા છીએ.”’ (માત્થી ૨:૧, ૨, પ્રેમસંદેશ) શા માટે આ બાઇબલ ભાષાંતર મુલાકાતીઓને રાજાઓ નહિ પણ ખગોળશાસ્ત્રીઓ કહે છે?

શાસ્ત્ર અહીં ગ્રીક શબ્દ માગોસનો બહુવચનમાં ઉપયોગ કરે છે. તેથી, જુદા જુદા બાઇબલો એનું “પંડિતો,” “જ્યોતિષીઓ,” “ખગોળશાસ્ત્રીઓ” અથવા ફક્ત “માગીઓ” તરીકે ભાષાંતર કરે છે. આ શબ્દ તારાઓ અને ગ્રહોથી જોષ જોતા હોય અને ભવિષ્યમાં શું થવાનું છે એ તથા એના આધારે સલાહ આપતી હોય એવી વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. તેથી, બેથલેહેમના મુલાકાતીઓને બાઇબલ જ્યોતિષીઓ તરીકે ઓળખાવે છે, જેઓ મેલીવિદ્યાનો ઉપયોગ કરતા હતા અને આવાં કામો દેવને બિલકુલ પસંદ નથી.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.

શું તેઓ રાજાઓ પણ હતા? જો એમ હોય તો, બાઇબલે તેઓને રાજાઓ તરીકે ઓળખાવ્યા હોત. માત્થી ૨:૧-૧૨માં ચાર વખત “રાજા” શબ્દનો ઉપયોગ થાય છે. એમાં એક વખત ઈસુ માટે અને ત્રણ વખત હેરોદ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એક પણ વખત માગીઓને રાજા કહેવામાં આવ્યા નથી. આ મુદ્દા પર કૅથલિક જ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે: “પાંચમી સદી સુધીના બધા જ ખ્રિસ્તી લેખકો માનતા હતા કે માગીઓ રાજાઓ ન હતા.” બાઇબલ પણ કહેતું નથી કે માગીઓ રાજાઓ હતા.

શું તેઓ ત્રણ હતા?

બાઇબલ એમ જણાવતું નથી કે કેટલા માગીઓ આવ્યા હતા. છતાં, રિવાજ પ્રમાણે ગભાણ અને નાતાલનાં ગીતોમાં જોવા મળે છે કે તેઓ ત્રણ હતા. જોકે, એમ માનવાનું કારણ એ હોય શકે છે કે, ત્યાં ત્રણ ભેટો હતી. આ ભેટો વિષે બાઇબલ કહે છે: “તેઓએ પોતાની જોણ્ણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને [ઈસુને] નજરાણું કર્યું.”—માત્થી ૨:૧૧.

તેથી, શું એમ માની લેવું વાજબી છે કે, ત્રણ જુદી જુદી ભેટો હોવાથી ત્રણ માગીઓ હોવા જોઈએ? ચાલો હવે ઈસ્રાએલના બીજા એક નોંધપાત્ર મુલાકાતીનો અહેવાલ વિચારીએ. એ હતી શેબાની રાણી જેણે સુલેમાન રાજાની મુલાકાત લીધી ત્યારે, તેમને ‘સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણોની’ ભેટ આપી હતી. (૧ રાજા ૧૦:૨) જોકે, ત્રણ પ્રકારની ભેટો આપવામાં આવી હતી, પણ આપનાર વ્યક્તિ ફક્ત એક જ હતી અને એ હતી શેબાની રાણી. તેની ભેટોની સંખ્યા એમ નથી સૂચવતી કે, એ પ્રસંગે ત્રણ વ્યક્તિઓ સુલેમાનને મળવા આવી હતી. એવી જ રીતે, ઈસુને આપેલી ત્રણ ભેટો સૂચવતી નથી કે કેટલી વ્યક્તિઓ એ લાવ્યા હતા.

કૅથલિક જ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે: “સુવાર્તાના લેખકોએ કેટલા માગીઓ હતા એ વિષે લખ્યું નથી, અને એવો કોઈ ખાસ રિવાજ પણ નથી. અમુક લેખકો માને છે કે ત્રણ માગીઓ હતા; એનું કારણ ભેટોની સંખ્યા હોય શકે.” કૅથલિક જ્ઞાનકોષ આગળ કહે છે કે અલગ અલગ ચિત્રોમાં મુલાકાતીઓની સંખ્યા બે, ત્રણ, ચાર અને આઠ પણ બતાવવામાં આવે છે. કેટલાક લોકો તો કહે છે કે ૧૨ જેટલી વ્યક્તિઓ આવી હતી. પરંતુ ખરેખર કેટલા માગીઓ હતા એ નક્કી કરી શકાય એમ નથી.

પ્રખ્યાત પરંતુ જૂઠી વાર્તા

મોટા ભાગના લોકો માને છે એનાથી વિરુદ્ધ, માગીઓ પહેલાં યરૂશાલેમમાં ગયા હતા, નહિ કે બેથલેહેમમાં જ્યાં ઈસુનો જન્મ થયો હતો. ઈસુના જન્મ સમયે તેઓ હાજર ન હતા. બાઇબલ કહે છે કે પછી, તેઓ બેથલેહેમમાં ગયા ત્યારે, “ઘરમાં જઈને તેઓએ બાળકને . . . દીઠો.” (માત્થી ૨:૧, ૧૧) તેથી, એ સ્પષ્ટ છે કે માગીઓએ ઈસુની મુલાકાત લીધી ત્યારે, તેમનું કુટુંબ ઘરમાં રહેતું હતું. તેઓએ તેમને ગભાણમાં સૂતેલા જોયા ન હતા.

ઈસુના જન્મ સમયે તેમને આદર આપતા ત્રણ રાજાઓની પ્રખ્યાત વાર્તા, શાસ્ત્રની સમજણ પ્રમાણે સાચી નથી. ઉપર જણાવ્યું તેમ, બાઇબલ શીખવે છે કે, ઈસુની મુલાકાતે આવેલા માગીઓ રાજાઓ ન હતા, પરંતુ ખગોળશાસ્ત્રીઓ હતા, અને તેઓ મેલીવિદ્યામાં માનતા હતા. શાસ્ત્રીય અહેવાલો તેઓની સંખ્યા બતાવતા નથી. એ ઉપરાંત, ઈસુના જન્મ વખતે તે ગભાણમાં હતા ત્યારે તેઓએ મુલાકાત લીધી ન હતી. એને બદલે, તેમનું કુટુંબ ઘરમાં રહેતું હતું ત્યારે, તેઓએ મુલાકાત લીધી હતી.

ખરૂં કે, ત્રણ રાજાઓ અને નાતાલ સાથે જોડાયેલી બીજી પ્રખ્યાત વાર્તાઓ ભરોસાપાત્ર નથી. તેમ જ, એ બાઇબલ આધારિત ન હોવા છતાં, એમ માનવામાં આવે છે કે એમાં કંઈ ખોટું નથી. છતાં, સાચા ખ્રિસ્તીઓ એવી ભક્તિમાં આનંદ માણે છે જે જૂઠાણાથી મુકત હોય. ઈસુ પોતે પણ એવું જ માનતા હતા. પ્રાર્થનામાં તેમણે એક વખત પોતાના પિતાને કહ્યું: “તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) તેમણે કહ્યું કે “ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે; કેમકે એવા ભજનારાઓને બાપ ઇચ્છે છે.”—યોહાન ૪:૨૩.

[પાન ૧૫ પર ચિત્ર]

ઇટાલીમાં “માગીઓની ઉપાસના”