સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંકટોથી અમે - દેવ પર ભરોસો રાખતા શીખ્યા

સંકટોથી અમે - દેવ પર ભરોસો રાખતા શીખ્યા

સંકટોથી અમે - દેવ પર ભરોસો રાખતા શીખ્યા

રોઝી મેજરના જણાવ્યા પ્રમાણે

હું પહેલીવાર સગર્ભા હતી. હું સગર્ભાના પાંચમા મહિનામાં હતી ત્યારે મારી સાસુએ જોયું કે, મારા બંને પગો ઘણા સૂજી ગયા હતા. એ માર્ચ ૧૯૯૨નો દિવસ હતો. હું અને મારા પતિ કંઈ જાણતા ન હતા કે હવે શું થશે. પરંતુ એક બાબત ખરી કે, આ અનુભવ યહોવાહમાં અમારા ભરોસાની કસોટી કરશે.

એક અઠવાડિયા પછી મારા ડૉક્ટરને ખબર પડી કે મારું લોહીનું દબાણ એકદમ ઊંચું છે. તેમણે મને હૉસ્પિટલમાં દાખલ થઈ, અમુક ચેક-અપ કરાવવાની ભલામણ કરી, જેથી તેઓ સંભાળ રાખી શકે. તેથી, સ્વાભાવિક રીતે જ મને ચિંતા થવા લાગી. તપાસ કરવાથી જાણવા મળ્યું કે, મને લોહીમાં રોગ-વિકાર (ટૉક્સીમિઆ) થયો હતો જે ગર્ભાવસ્થા માટે જોખમ ઊભું કરે છે. *

હૉસ્પિટલમાંની ડૉક્ટરે મને ભલામણ કરી કે, મને અને બાળકને બચાવવા માટે તાત્કાલિક પ્રસૂતિ કરવી પડશે. હું અને મારા પતિ એકદમ સ્તબ્ધ થઈ ગયા. હું માંડ કહી શકી કે, “બાળક તો ફક્ત ૨૪ અઠવાડિયાનું જ છે! અમારું બાળક ગર્ભની બહાર કેવી રીતે બચી શકે?” ડૉક્ટરે પ્રેમથી કહ્યું કે, “હું થોડા દિવસ રાહ જોઈશ. છતાં, જો તમારી હાલત વધારે બગડશે તો, મારે પ્રસૂતિ કરાવવી જ પડશે.” તેર દિવસ તો પસાર થયા, પરંતુ પછી મારી સ્થિતિ ઝડપથી બગડતી ગઈ. ડૉક્ટરે મારા પતિને બોલાવ્યા અને પ્રસૂતિ કરાવવાનો મુશ્કેલ નિર્ણય અમારે લેવો પડ્યો.

પ્રસૂતિ

પ્રસૂતિની આગલી રાતે, શિશુરોગના ડૉ. મેકનીલ અમને મળ્યા અને સમજાવ્યું કે, પૂરું વિકસેલું બાળક ન હોવાથી ઘણી મુસીબતો ઊભી થઈ શકે. તેને મગજનું નુકસાન, બરાબર વિકસેલા ન હોવાથી ફેફસાંનું નુકસાન, અને બીજી ઘણી તકલીફો થવાની શક્યતા છે. મેં “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,” તેને માટે પ્રાર્થના કરી. જેથી, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા હિંમત મળે. (ફિલિપી ૪:૭) બીજા દિવસે સવારે સિઝેરિયનથી અમારી બાળકી જન્મી. તેનું વજન ફક્ત ૭૦૦ ગ્રામ હતું. અમે તેનું નામ જૉઆન શેલી પાડ્યું.

પાંચ દિવસ પછી હું ખાલી હાથે ઘરે ગઈ. મારી નાની દીકરી હૉસ્પિટલના ખાસ સારવાર યુનિટમાં રહી, જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી. બે અઠવાડિયા પછી જૉઆનને ન્યૂમોનિયા થયો. તે સાજી થવા માંડી ત્યારે અમે ઘણા ખુશ હતા. પરંતુ થોડા જ દિવસ પછી તેને આંતરડાંમાં ચેપ લાગ્યો, અને તેને હૉસ્પિટલના ખાસ સારવાર યુનિટમાં લઈ જવામાં આવી. બીજા છ દિવસમાં, જૉઆનમાં કંઈક અંશે સુધારો થવા લાગ્યો અને વજન પણ વધવા લાગ્યું. અમે ઘણા ખુશ હતા! પરંતુ અમારી ખુશી થોડા સમય પૂરતી જ હતી. ડૉ. મેકનીલે અમને જણાવ્યું કે જૉઆનામાં લોહીની ખામી હતી. તેમણે કૃત્રિમ હોર્મોન ઇરાઇથ્રોપોઇટિન (EPO) મેળવવાનું સૂચવ્યું, જેથી જૉઆનમાં લાલ રક્તકણોનું ઉત્પાદન વધારી શકાય. અહીં બહામસની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ બ્રુકલિન, ન્યૂયૉર્કમાં, હૉસ્પિટલ માહિતી સેવાના પ્રતિનિધિનો સંપર્ક સાધ્યો. તેઓએ ઝડપથી ડૉ. મેકનીલને ઈપીઓ વિષેની બધી તાજેતરની માહિતી પૂરી પાડી, અને તેમણે સારવાર શરૂ કરી દીધી.

આગળ રહેલી સમસ્યાઓ

ચિંતામાં ને ચિંતામાં થોડાં અઠવાડિયાં પસાર થયાં. જૉઆનને હવે આંતરડાંમાં ચેપ લાગ્યો હતો, આંચકી આવતી હતી, (અમુક વખતે તે શ્વાસ લઈ શકતી ન હતી), તેનામાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હતું, અને ઉપરથી તેને ફેફસાંનો ન્યૂમોનિયા પણ થયો, તેથી, તે ખૂબ જ બીમાર હતી. અમને ડર હતો કે, એમાંની કોઈ પણ માંદગી એનો જીવ લઈ લેશે. પરંતુ ધીમે ધીમે જૉઆનની તબિયતમાં સુધારો થયો. ત્રણ મહિનાની થઈ હોવા છતાં તે હૉસ્પિટલમાં હતી, અને તેનું વજન ફક્ત ૧.૪ કિલોગ્રામ જ હતું. પરંતુ, તેના જીવનમાં પહેલી વાર તે ઑક્સિજનની મદદ વિના, જાતે શ્વાસ લેવા માંડી. હીમોગ્બોબિનનું પ્રમાણ પણ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે, તેનું વજન બીજા ૫૦૦ ગ્રામ વધે તો, તમે તેને ઘરે લઈ જઈ શકો.

ત્રણ અઠવાડિયાં પછી જૉઆનને ફરી શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ. તપાસ કરતાં પણ એનું કારણ જણાયું નહિ. આંચકીઓ વધવા માંડી, અને ખવડાવતી વખતે હંમેશા શ્વાસની તકલીફ થતી. છેવટે, ખબર પડી કે જૉઆનની અન્‍નનળી અને શ્વાસની નળીમાં તકલીફ હતી. ખાધા પછી તેની અન્‍નનળી બંધ થતી ન હતી, તેથી ખોરાક પેટમાંથી પાછો ગળામાં આવતો હતો. એવું થતું ત્યારે, એનો શ્વાસ રૂંધાતો અને તે શ્વાસ લઈ શકતી ન હતી.

ઑક્ટોબરની શરૂઆતમાં, બાળકોનાં ખાસ સારવાર યુનિટમાંથી જૉઆનને વાઇરસ થયો. આ વાઇરસથી ત્યાં ઘણાં પૂરા વિકસિત ન હોય એવાં બાળકો મરી જતાં હતાં. જૉઆનની આ એકદમ નાજુક સ્થિતિમાં લાંબો સમય સુધી આંચકી આવવાથી તે શ્વાસ લઈ ન શકી. તેને ફરી હોશમાં લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. શિશુરોગના ડૉક્ટરને કોઈ આશા ન હતી કે તે જીવશે. એ જ સમયે, અચાનક તે શ્વાસ લેવા લાગી. પરંતુ, તરત જ તેને આંચકી આવવા લાગી. ફરી તેને ઑક્સિજન પર રાખવામાં આવી, તેથી અમને થયું કે, હવે જૉઆન માટે આ છેલ્લી ઘડીઓ છે. છતાં, તે બચી ગઈ એ માટે અમે યહોવાહનો ખુબ જ ઉપકાર માન્યો.

યહોવાહમાં વધુ ભરોસો મૂકતા શીખ્યા

જૉઆનના જન્મ પહેલાં અમે જે મુશ્કેલીઓ અનુભવી, એ જાણે કે કિનારે પહોંચીને હોડીમાંથી પડી ગયા બરાબર હતું, જ્યાંથી તરીને કિનારા સુધી પહોંચી શકાય. પરંતુ, હવે જાણે કે, અમે હોડીમાંથી મઝધારે પડી ગયા છીએ, અને આજુબાજુ ક્યાંય જમીનનું નામનિશાન દેખાતું નથી. વીતી ગયેલા સમય વિષે વિચારતા એમ લાગે છે કે, તેના જન્મ પહેલાં, અમે પોતા પર જ વધારે ભરોસો રાખતા હતા. પરંતુ જૉઆનના અનુભવ પરથી અમે મનુષ્ય ઉકેલ ન લાવી શકે એવા સમયે યહોવાહ પર વધારે ભરોસો રાખવાનું શીખ્યા. અમે ઈસુએ આપેલી સલાહ પ્રમાણે જીવતા શીખ્યા—દહાડા પૂરતી જ ચિંતા કરવી. (માત્થી ૬:૩૪) ઘણી વખત અમને ખબર ન હતી કે શાના વિષે પ્રાર્થના કરવી છતાં, અમે યહોવાહ પર વધુ ભરોસો રાખતા શીખ્યા. હવે અમે બાઇબલ ડહાપણ અને “પરાક્રમની અધિકતા” આપવા માટે યહોવાહના આભારી છીએ, જેણે અમારા માટે કઠિન મુશ્કેલીઓનો સામનો કરવાનું શક્ય બનાવ્યું.—૨ કોરીંથી ૪:૭.

એ કટોકટીના સમયમાં, હું ઘણી વખત ખૂબ જ લાગણીમય બની જતી. તેથી, હું જૉઆન સિવાય બીજું કંઈ વિચારી શકતી ન હતી. મારા પતિ જોએ આત્મિક રીતે સમતોલપણું જાળવવા ખૂબ જ મદદ કરી, તેથી હું તેમની બહું જ આભારી છું.

જૉઆન ઘરે આવી

જૉઆનની તંદુરસ્તીમાં ધીમે ધીમે સુધારો થયો. એક દિવસે તો તેણે મોઢામાંથી ઑક્સિજનની નળીને ખેંચી કાઢી. ડૉ. મેકનીલને લાગ્યું કે જૉઆન હવે ઘરે જઈ શકે છે. અમે તો જાણે હવામાં ઊડવા લાગ્યા! ઘરે લઈ આવતા પહેલાં, તેને નળીથી ખવડાવતા અમે શીખ્યા. અમે ઑક્સિજનનો પુરવઠો પણ ગોઠવ્યો, હૃદય અને શ્વાસ તપાસવાનું મૉનિટર પણ ભાડે લીધું. એ ઉપરાંત અમે તાત્કાલિક સારવારની તાલીમ પણ મેળવી. છેવટે, ઑક્ટોબર ૩૦ ૧૯૯૨માં, જૉઆનને હૉસ્પિટલમાંથી ઘરે આવવાની રજા મળી. તેણે હૉસ્પિટલના ખાસ સારવાર યુનિટમાં ૨૧૨ દિવસ પસાર કર્યા, એટલા દિવસ અમે પણ ત્યાં જ હતા.

શરૂઆતથી જ, કુટુંબ અને યહોવાહના સાક્ષીઓના સ્થાનિક મંડળના ભાઈ-બહેનો અમારા માટે આશીર્વાદરૂપ હતા. તેઓ ઘર અને કંપાઉન્ડ સાફ કરી જતા, જમવાનું બનાવતા, હૉસ્પિટલ જવા આવવામાં મદદ કરતા. તેમ જ જૉઆનનું ધ્યાન રાખતા જેથી હું થોડો સમય સૂઈ શકું. આ દરમિયાન અમે ભાઈ-બહેનોનો સાચો પ્રેમ જોઈ શક્યા, જેના વિષે અમે સાવ જ અજાણ હતા. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનોએ મુશ્કેલી અનુભવી ત્યારે તેઓને કઈ બાબતે મદદ કરી, એના વિષે તેઓએ અમને જણાવ્યું.

આજે અમારું જીવન

જૉઆનને બચાવવા અને સારી તંદુરસ્તી મેળવવા સૌથી સારી તબીબી સારવાર પૂરી પાડવા અમે સખત મહેનત કરી હતી. તે ૧૯ મહિનાની થઈ ત્યારે અમને જાણવા મળ્યું કે, જૉઆનને મગજમાં નુકસાની છે. પછી, સપ્ટેમ્બર ૧૯૯૪માં તેને અન્‍નનળી અને શ્વાસનળીની તકલીફને કારણે મોટું ઑપરેશન કરાવવું પડ્યું. ફરીથી ૧૯૯૭માં, જૉઆનને શ્વાસની તકલીફ થવા લાગી. આનંદની વાત છે કે, તેના ખોરાકમાં થોડા ફેરફારો કરવાથી એ બંધ થઈ ગઈ. બીમારીના કારણે જૉઆનનો વિકાસ ધીમો છે. પરંતુ હવે એ ખાસ શાળામાં જાય છે અને સારું કરી રહી છે. તે ચાલી શકતી નથી, તેમ જ તે વધારે બોલી પણ શકતી નથી. છતાં, તે અમારી સાથે દરેક સભાઓમાં અને પ્રચાર કાર્યમાં આવે છે. તે ઘણી ખુશ દેખાય છે.

યહોવાહ દેવે અમને આ સંકટોમાંથી પસાર થવા પુષ્કળ દિલાસો આપ્યો છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, હંમેશા ‘યહોવાહમાં હર્ષ પામીએ’ અને તેમનામાં ભરોસો રાખીએ, ભલેને અણધાર્યા સંકટો આવે. (હબાક્કૂક ૩:૧૭, ૧૮; સભાશિક્ષક ૯:૧૧) અમે આતુરતાપૂર્વક દેવે વચન આપેલી પારાદેશ પૃથ્વીની આશા રાખીએ છીએ. જેમાં અમારી વહાલી દીકરી જૉઆન સંપૂર્ણ તંદુરસ્તીનો આનંદ માણશે.—યશાયાહ ૩૩:૨૪.

[ફુટનોટ]

^ ટૉક્સીમિઆથી સગર્ભા સ્ત્રીની લોહીની નસોમાં અવરોધ આવે છે. જેના કારણથી તેને પોતાને અને ગર્ભની આસપાસના આવરણને તથા વિકસતા ગર્ભને ઓછું લોહી પહોંચે છે. આ રોગનું મૂળ હજુ સુધી શોધી શકાયું નથી છતાં, કેટલાક પુરાવાઓ બતાવે છે કે એ વારસાગત છે.

[પાન ૨૫ પર ચિત્ર]

અમારી દીકરી જૉઆન

[પાન ૨૭ પર ચિત્ર]

શારીરિક અક્ષમતાઓ હોવા છતાં, જૉઆન આનંદી છે