સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

આફ્રિકામાં તોફાન હું ૧૨ વર્ષનો છું અને એપ્રિલ ૮, ૧૯૯૯ના સજાગ બનો!માં “તોફાન પછી સાચા ખ્રિસ્તીઓએ મદદ કરી”, એ લેખ માટે હું તમારો આભાર માનું છું. મુશ્કેલીના સમયમાં લોકોને મદદ કરનાર ભાઈબહેનોની હું કદર કરૂં છું! આ લેખ વાંચીને મને જાપાનના હાનશીન શહેરમાં થયેલા ધરતીકંપ વખતે ભાઈબહેનોએ લોકોને જે પુષ્કળ મદદ કરી હતી એની યાદ આવે છે. આ લેખથી હું એ શીખ્યો કે આપણે હિંમતવાન બનવું જોઈએ અને સર્વને મદદ કરવી જોઈએ.

આર. કે., જાપાન

મને ગમતી વસ્તુઓ “યુવાનો પૂછે છે . . . મને મનગમતી વસ્તુઓ કેમ મળતી નથી?” (એપ્રિલ ૮, ૧૯૯૯) આ લેખ મેં હમણાં જ વાંચ્યો. આ લેખ માટે હું તમારો આભાર માનું છું. એનાથી મને ખબર પડી કે મારી બધી જ ઇચ્છાઓ પૂરી ન થઈ શકે. પરંતુ, લેખમાં જણાવવામાં આવ્યું હતું તેમ યહોવાહ આપણી સર્વ જરૂરિયાતો જાણે છે અને હું મારા સાદા જીવનથી ખુશ છું.

સી. કે., કૅનેડા

હું ૧૨ વર્ષની છું. “યુવાનો પૂછે છે . . . મને મનગમતી વસ્તુઓ કેમ મળતી નથી?” (એપ્રિલ ૮, ૧૯૯૯) લેખ માટે હું તમારો આભાર માનું છું. અમુક વસ્તુઓ મને ખૂબ જ ગમે છે અને હું ઇચ્છું છું કે મારી પાસે પણ એ વસ્તુઓ હોય, જેમ કે સાયકલ અને ગીટાર. પરંતુ, મારા પપ્પા આ વસ્તુઓ ખરીદી શકે એમ નથી, એટલે હું ખૂબ જ ગુસ્સે હતી. છતાં, મને તમારો લેખ વાંચીને ઘણું ઉત્તેજન મળ્યું છે. એમાં એક પ્રેમાળ પિતાની જેમ સલાહ આપવા માટે તમારો આભાર.

સી. યુ., નાઇજીરિયા

પાંચ દીકરાઓ “પાંચ દીકરાઓ માટે યહોવાહની આભારી” (એપ્રિલ ૮, ૧૯૯૯) લેખ વાંચવાથી મને ખૂબ જ આનંદ આવ્યો. એનું કારણ કે, હેલન સોલબેરી અને મારી મમ્મીનું જીવન ખૂબ જ મળતું આવે છે. મારી મમ્મીનું બાપ્તિસ્મા પણ એ જ વર્ષે થયું હતું. મારા પપ્પાની કંપની બંધ થઈ ગઈ ત્યારે, પૈસાની ખૂબ જ તંગી પડવા લાગી. તેથી મારી મમ્મીએ ઘરે રહીને અમારી સંભાળ રાખી. મારી મમ્મી પણ પૂરા-સમયની પ્રચારક હતી અને હંમેશા અમને પ્રચારકાર્ય વિષે રસપ્રદ અનુભવ જણાવતી. એ કારણથી મને હંમેશા પાયોનિયરીંગ કરવાનું મન થતું. આજે હું બે છોકરીની મા છું. તેથી હું સમજી શકું છું કે મારી મમ્મીએ અમને કઈ રીતે મોટા કર્યા.

એમ. એસ., જાપાન

આ લેખ માટે હું તમારો આભાર માનું છું. એક પિતા તરીકે હું બાઇબલ પ્રમાણે જીવવાની પૂરી કોશિશ કરું છું. પરંતુ, ઘણી વાર મને એવું લાગે છે કે, જે મારે કરવું જોઈએ એ હું સારી રીતે કરી શકતો નથી. પછી સોલબેરી કુટુંબનો અનુભવ વાંચવાથી મને મારી જવાબદારી નિભાવવા માટે હિંમત મળી.

આર. એમ. આર., બ્રાઝિલ