સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇંટરનેટના જોખમથી હું કઈ રીતે બચી શકું?

ઇંટરનેટના જોખમથી હું કઈ રીતે બચી શકું?

યુવાનો પૂછે છે . . .

ઇંટરનેટના જોખમથી હું કઈ રીતે બચી શકું?

કલ્પના કરો કે તમે દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરીમાં ઊભા છો. તમારી ચારેય બાજુ પુસ્તકોના ઢગલા, અખબારો, કૅટલૉગ, અને ફોટા મૂકવામાં આવ્યા છે. એ ઉપરાંત લગભગ બધા જ વિષયો પર તમને જોઈતી માહિતી સહેલાઈથી મેળવી શકો છો. પછી એ નવી હોય કે જૂની, બધી માહિતી તમારી સામે જ છે.

ખરેખર, આજે તમે એવી લાઇબ્રેરીમાં દાખલ થઈ શકો છો, જેથી તમારી સામે જ બધી માહિતી હોય. કઈ રીતે? ઇંટરનેટ દ્વારા દુનિયાના એક છેડાથી બીજા છેડે, એક કૉમ્પ્યુટરથી બીજા કૉમ્પ્યુટરનો સંપર્ક સહેલાઈથી સાંધી શકાય અને માહિતીની આપ-લે થઈ શકે છે. * ઇંટરનેટ દ્વારા તમે કંઈ પણ ખરીદી શકો, વેચી શકો, બૅંક સાથે લેવડ-દેવડ કરી શકો, અને બીજાઓ સાથે વાતચીત પણ કરી શકો છો. સૌથી નવું સંગીત સાંભળી શકો છો. આ સર્વ તમે ઘર બેઠા જ કરી શકો એમ છો.

કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, આ વર્ષના અંત સુધીમાં લગભગ ૩૨ કરોડથી પણ વધારે લોકો ઇંટરનેટનો ઉપયોગ કરતા હશે. એમાં કંઈ નવાઈની વાત નથી, કારણ કે મોટા ભાગે આજે આખી દુનિયામાં ઇંટરનેટનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. સ્કૂલે અને લાઇબ્રેરીમાં પણ એનો ઉપયોગ કરવા ઉત્તેજન આપવામાં આવે છે. તેથી, આજે અસંખ્ય યુવાનો એનો ઉપયોગ કરે છે. ફક્ત અમેરિકામાં ૧૨થી ૧૯ની વચ્ચેના લગભગ ૬૫ ટકા યુવાનો એનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇંટરનેટ આપણને જરૂરી માહિતી તરત જ મેળવી આપવા મદદરૂપ છે. દાખલા તરીકે, દેશ-વિદેશની મોસમ, મુસાફરી, અને બીજા વિષયો પર પણ પુષ્કળ માહિતી મળી શકે છે. એનાથી તમે ઘર બેઠા પુસ્તકો, કારના ભાગો અને બીજી વસ્તુઓ ખરીદી શકો છો. ઘણા યુવાનો સ્કૂલમાંથી મળેલા પ્રોજેક્ટ પર કામ કરવા એનો ખૂબ જ ઉપયોગ કરે છે.

ખરું કે, ઇંટરનેટ ઉપયોગી છે. પરંતુ, કલ્પના કરો કે તમે લાઇબ્રેરીમાં એકલા જ છો અને તમારી પર નજર રાખવા કોઈ નથી. તમને મન ફાવે એ પુસ્તકો તમે જોઈ શકો એમ છો. એ ઇંટરનેટનું સૌથી મોટું જોખમ છે, કારણ કે વેબ સાઇટો દ્વારા ઇંટરનેટ તમને નૈતિક રીતે ભ્રષ્ટ કરી શકે છે. તેથી, ખ્રિસ્તી યુવાનો ઇંટરનેટનો ઉપયોગ કરવાથી સહેલાઈથી એના જોખમમાં પડી શકે છે. એ ઉપરાંત, કુદરતી રીતે આપણે જિજ્ઞાસુ છીએ. શેતાન હંમેશા એનો ફાયદો ઉઠાવતો આવ્યો છે. હવા જિજ્ઞાસુ હતી, તેનો શેતાને ફાયદો ઉઠાવ્યો, અને “પોતાના કપટથી હવાને ભુલાવી” અથવા લલચાવી.—૨ કોરીંથી ૧૧:૩.

એવી જ રીતે, યુવાન ખ્રિસ્તીઓ સાવચેત ન રહે તો, તેઓ પણ ખોટી માહિતીથી છેતરાઈને ખરાબ બાબતોમાં ફસાઈ શકે. સારાં ઘર અને બગીચા (અંગ્રેજી) પુસ્તકનો એક લેખ કહે છે: “ઇંટરનેટ એક સરસ વસ્તુ છે, જેના વડે લોકો સર્વ પ્રકારની તાજા ખબર મેળવી શકે છે, અને એનો ઉત્તમ ઉપયોગ કરી શકે છે. પરંતુ, જાતીયતા માટે બાળકોનો ઉપયોગ કરનારાઓ, ધુતારાઓ, અને બીજા ખરાબ લોકો પણ એનો જ ઉપયોગ કરે છે.”

જેવિયેર * નામનો યુવાન કહે છે: “કેટલીક વેબ સાઇટ તો આઘાત પમાડે એવી છે. આવી વેબ સાઇટો અચાનક જ મોનિટર પર આવી જાય છે.” તે ઉમેરે છે: “આ વેબ સાઇટ તમને ફસાવવાની કોશિશ કરે છે. આ રીતે એ તમારા પૈસા પડાવવા ચાહે છે.” જોન પણ સહમત થતા કહે છે: “એક વાર તમે અયોગ્ય માહિતી જોવાનું શરૂ કરો પછી એ છોડવું સહેલું નથી.” અમુક યુવાન ખ્રિસ્તીઓ આવી વેબ સાઇટોથી મુસીબતમાં ફસાઈ ગયા છે. વળી, કેટલાકે તો પરમેશ્વર યહોવાહની મિત્રતા પણ તોડી નાખી છે. તો પછી આપણે ઇંટરનેટના જોખમથી કઈ રીતે બચી શકીએ?

નકામી માહિતી પાછળ સમય ન બગાડો

અમુક વાર વેબ સાઇટમાંના એડ્રેસ જોઈને જ જાણી શકાય કે, હોય છે કે, એ નકામી માહિતી છે. * નીતિવચન ૨૨:૩ ચેતવણી આપે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”

પરંતુ સમસ્યા એ છે કે, લોકો ભૂલથી અયોગ્ય વેબ સાઇટોમાં પહોંચી જાય. ઘણી વાર તમને લલચાવવા માટે હોમ પેજ પર એવા ફોટા આપવામાં આવે છે, જે તમને અયોગ્ય વેબ સાઇટ પર જવા માટે પ્રેરણા આપે છે. આમ તમે ફોટાઓ જોઈને એ સાઇટ પર જવા માટે લલચાઈ શકો! *

કેવિન પોતાના એક મિત્ર વિષે જણાવે છે: “તેની પાસે પુષ્કળ સમય હતો, અને તે જિજ્ઞાસુ હતો. એટલે તે પોતાનો ઘણો સમય ઇંટરનેટ પાછળ કાઢતો. છેવટે તેને ગંદી માહિતી જાણવાની આદત પડી ગઈ.” જો કે, જલદી જ તેણે મંડળના વડીલની મદદ લીધી.

શું તમે નક્કી કર્યું છે કે, તમે કદાચ ભૂલથી એવી વેબ સાઇટમાં પહોંચી જાવ તો શું કરશો? પરમેશ્વર યહોવાહના ભક્ત તરીકે શું કરવું, એની આપણને ખબર છે: વેબ સાઇટ બંધ કરી દો અથવા તો ઇંટરનેટને સાવ બંધ કરી દો. ગીતકર્તા જેવા બનો જેમણે પ્રાર્થનામાં કહ્યું: “વ્યર્થતામાંથી મારી દૃષ્ટિ ફેરવ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; સરખાવો અયૂબ ૩૧:૧.) યાદ રાખો કે, ભલે કોઈ માણસ આપણને જોતું ન હોય, પણ યહોવાહ દેવ જુએ છે. બાઇબલ આપણને યાદ અપાવે છે કે, “જેની સાથે આપણને કામ છે, તેની દૃષ્ટિમાં સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.”—હેબ્રી ૪:૧૩.

અયોગ્ય વેબ સાઇટમાં નહિ જવાના નિર્ણયને વળગી રહેવા તમે તમારાં માબાપ અથવા મંડળના અનુભવી ખ્રિસ્તીઓ પાસેથી મદદ લો. દાખલા તરીકે, જો તમે કાદવમાં ફસાઈ જાવ તો, શું ગળા સુધી અંદર ફસાઈ જવા પછી જ મદદ માગશો?

ચાલુ-લાઇનની સંગત વિષે શું?

દુનિયાભરમાં ઇંટરનેટની મદદથી લોકો એક જ સમયે એકબીજા સાથે વાતચીત કરી શકે છે. વેપારીઓ તેઓની મિટિંગો માટે અને ગ્રાહકોને સેવાઓ આપવા તેનો ઉપયોગ કરે છે. એને વાતચીતનો રૂમ (ચેટ રૂમ) કહેવામાં આવે છે. અમુક ચેટ રૂમમાં ગાડી રીપેર કરવાની અથવા કૉમ્પ્યુટર પ્રોગ્રામ જેવા વિષયોની માહિતીની ચર્ચા કરવામાં આવે છે. બીજા ચેટ રૂમ મારફતે તમે વિદેશમાં તમારા કોઈ સંબંધી સાથે સસ્તા દરે વાત કરી શકો. આમ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એનાથી ઘણા ફાયદાઓ છે. પરંતુ, શું એમાં કોઈ જોખમ રહેલું છે?

હા, કોઈ પણ લોકો સાથે વાતચીત કરવા ચેટ રૂમનો ઉપયોગ કરતી વખતે સખત સાવધ રહેવાની જરૂર છે. લેખિકા લિઆ રોઝન નોંધે છે: “ઘણા યુવાનો ટૅકનોલૉજીના રસિયા હોય છે. તેથી, તેઓ કલાકો ને કલાકો દેશ-વિદેશમાં અજાણ્યા લોકો સાથે ચાલુ-લાઇનથી વાત કરતા હોય છે. દુઃખની વાત છે કે, એવી રીતે વાત કરનારા અમુક અજાણ્યા લોકો એવા પણ હોય છે, જેઓ જાતીય સંતોષ મેળવવા યુવાનોની શોધમાં હોય છે.” પોપ્યુલર મિકેનિક્સના એક લેખમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ચેટ રૂમનો ઉપયોગ કરતી વખતે “તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.” કોઈ અજાણ્યાને તમારું નામ અને સરનામું આપવું, સામે ચાલીને મુસીબતને બોલાવવા જેવું સાબિત થઈ શકે. શું કામ આપણે એવા જોખમમાં પડીએ?

બીજું જોખમ એ છે કે, ચાલુ-લાઇન પર ધીમે ધીમે એવા અજાણ્યા લોકોને મિત્ર બનાવવું, જેઓને બાઇબલ સિદ્ધાંતોની જરાય પડી નથી. * સંશોધનથી ખબર પડી છે કે, ચેટ રૂમમાં યુવાનો મોટે ભાગે જાતીયતાને લગતી બાબત પર જ ચર્ચા કરતા હોય છે. તેથી, ૧ કોરીંથી ૧૫:૩૩માંની બાઇબલની આ સલાહ એકદમ યોગ્ય છે: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” ખરેખર, કૉમ્પ્યુટર દ્વારા પણ દુષ્ટ લોકો સાથે સોબત રાખવી જોખમકારક છે. શું પરમેશ્વરનો ડર રાખનાર યુવાને જાણી જોઈને એમાં ફસાવું જોઈએ?

શું કરી શકાય?

જોખમના કારણે ઇંટરનેટનો ઉપયોગ ખૂબ જ સાવચેતીથી કરવો જોઈએ. દાખલા તરીકે, કેટલાક કુટુંબો સાવધ રહેવા માટે કૉમ્પ્યુટર, બેઠકરૂમમાં અથવા જે રૂમમાં લોકોની આવ-જાવ હોય ત્યાં રાખ્યું છે. બીજા કેટલાક કુટુંબોમાં માબાપે એવું નક્કી કર્યું હોય છે કે, બીજાઓ ઘરે હોય ત્યારે જ ઇંટરનેટ વાપરવું. તમારા માબાપ આવા કોઈ નિર્ણય લે તો તેઓને સહકાર આપો, કારણ કે એ બતાવે છે કે, તેઓ તમને ચાહે છે.—નીતિવચન ૧:૮.

તમારે શાળાનું લેસન કરવા ઇંટરનેટનો ઉપયોગ કરવો પડે તો, કેમ નહિ કે તમે એમાં કેટલો સમય વાપરો છો એનો હિસાબ રાખો? એનો ઉપયોગ કરવા પહેલાં જ નક્કી કરો કે, તમે કેટલો સમય વાપરશો. ટોમ સૂચના આપે છે: “પહેલેથી જ નક્કી કરો કે, તમે કેટલો સમય વાપરશો અને કયા વિષય પર સંશોધન કરશો. તમે જેટલો સમય નક્કી કર્યો હોય, એટલો જ સમય વીતાવો. પછી બંધ કરો, ભલેને અન્ય વિષયો ગમે તેટલા રસપ્રદ હોય.”

ઇલેક્ટ્રોનિક રીતે ટપાલ અથવા સંદેશો મોકલવો, કે ઇ-મેઈલની વાત આવે છે ત્યારે, એમાં પણ સાવધ રહેવાની જરૂર છે. ખ્રિસ્તી યુવાનો એ વાતને ધ્યાનમાં રાખી શકે કે, તેઓ ઇ-મેઈલમાં વધારે પડતા ડૂબી ન જાય. ખાસ કરીને જ્યારે એની મોટે ભાગની માહિતી રમત ખાતર કે નકામી હોય. હદ ઉપરાંત ઇ-મેલ વાંચવામાં સમય બરબાદ કરીને, તમે સ્કૂલનું લેસન નહિ કરી શકો, કે મંડળની પ્રવૃત્તિમાં પણ ભાગ નહિ લઈ શકો.

રાજા સુલેમાને કહ્યું: “ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.” (સભાશિક્ષક ૧૨:૧૨) આ શબ્દો ઇંટરનેટને પણ લાગુ પડે છે. વધારે માહિતી મેળવવાના ચક્કરમાં ફસાઈ જશો નહિ. જેથી બાઇબલ અભ્યાસ અને પ્રચારકાર્ય જેવા મહત્ત્વના કામમાં ભાગ લેવા માટે તમારી પાસે સમય હોય. (માત્થી ૨૪:૧૪; યોહાન ૧૭:૩; એફેસી ૫:૧૫, ૧૬) કૉમ્પ્યુટર મારફતે વાતચીત કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ યાદ રાખો કે, આપણા મંડળમાં ભાઈબહેનોને જાતે મળીને વાતચીત કરીએ એના જેવું બીજુ કંઈ નથી. જો તમને ખરેખર ઇંટરનેટનો ઉપયોગ કરવો પડે, તો જરૂર હોય એટલો જ કરો. જોખમકારક વેબ સાઇટોથી દૂર રહો, અને હદ ઉપરાંત ઓન-લાઇનમાં સમય બગાડશો નહિ. વળી, તમારા “હૃદયની સંભાળ” રાખો, અને કદી પણ ઇંટરનેટના ગુલામ બનશો નહિ.—નીતિવચન ૪:૨૩.

[ફુટનોટ્‌સ]

^ ઑગસ્ટ ૮, ૧૯૯૭ના સજાગ બનો!માં “ઇંટરનેટ—શું એ તમારા માટે છે?” વિષય પરના લેખો જુઓ.

^ અમુક નામો બદલવામાં આવ્યાં છે.

^ વેબ સાઇટનું એડ્રેસ એકથી-બીજી વેબ સાઇટમાં જવા માટે અમુક અક્ષરોનું બનેલું સરનામું છે. અમુક વાર આ સાઇટના હેતુ વિષે એના એડ્રેસ પરથી જ ખબર પડી શકે છે.

^ હોમ પેજ એક દુકાનની ઇલેક્ટ્રોનિક બારી જેવું છે. જેમાં જણાવવામાં આવે છે કે, એ વેબ સાઇટમાં શું છે, કોણે બનાવી છે, વગેરે.

^ લોકોને સત્ય જણાવવા કેટલાક ખ્રિસ્તીઓએ ચેટ રૂમ ગોઠવ્યો હોય છે, એમાં પણ આ જોખમ રહેલું છે. એમાં ધર્મત્યાગી અને અપ્રમાણિક લોકો પણ ચાલાકીથી આવ્યા છે, અને કપટથી બીજાઓને ગેરમાર્ગે દોરી જવાનો પ્રયત્ન કર્યો છે.

[પાન ૨૦ પર બ્લર્બ]

“અમુક વેબ સાઇટ આઘાત પમાડનારી છે અને તે અચાનક જ મોનિટર પર આવી જાય છે”

[પાન ૨૧ પર ચિત્ર]

કેટલાક કુટુંબો કૉમ્પ્યુટર એવા રૂમમાં રાખે છે, જ્યાં લોકોની આવ-જાવ હોય