સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવી ભાષા - શું તમારે શીખવી છે?

નવી ભાષા - શું તમારે શીખવી છે?

નવી ભાષા - શું તમારે શીખવી છે?

બ્રિટનમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

“કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે!” ઘણા લોકો નવી ભાષા શીખવા વિષે કહે છે. તેઓ નવી ભાષા શીખવાનું શરૂ કરે છે ત્યારે, તેઓને આ કહેવત સાચી લાગે છે. એ સાચું છે કે, નવી ભાષા શીખવી સહેલું નથી. પરંતુ, જેઓ શીખ્યા છે તેઓનું કહેવું છે કે તેઓની મહેનત કંઈ પાણીમાં નથી ગઈ.

ન વી ભાષા શીખવા માટે ઘણાં કારણ હોય શકે. દાખલા તરીકે, એન્ડ્રુનો વિચાર કરો. તે રજાઓમાં ફ્રાંસ ફરવા જવાનો હતો. તેથી, તે ફ્રેન્ચ ભાષા શીખવા માંગતો હતો. જેથી, ત્યાંના લોકો સાથે તે વાતચીત કરી શકે. તેમ જ ગ્વીડોનો જન્મ ઇંગ્લૅંન્ડમાં થયો હતો. પરંતુ, તેના મા-બાપ ઇટાલિયન છે. તે કહે છે, “મને ઇટાલિયન ભાષામાં બહુ બોલતા આવડતું ન હતું. હું સારી રીતે બોલી શકું એ માટે વધારે શીખવા માંગતો હતો.” તેમ જ જોનાથાનનો ભાઈ તાજેતરમાં જ પરદેશ ગયો, અને ત્યાં તેણે એક સ્પૅનિશ છોકરી સાથે લગ્‍ન કર્યા. જોનાથાન કહે છે: “હું નવી ભાષા એટલા માટે શીખ્યો કે, હું મારા નવા સગાસંબંધીઓના ઘરે જાઉં ત્યારે તેઓની માતૃભાષામાં વાત કરી શકું.”

પરંતુ, નવી ભાષા શીખવાના ઘણા ફાયદાઓ છે. લુઈસ કહે છે કે, “હવે હું બીજાઓને સારી રીતે સમજી શકું છું. લોકો વતન છોડીને પરદેશમાં આવે છે ત્યારે, તેઓને બધી બાજુએ બીજી જ ભાષા સાંભળીને કેવું લાગે છે, એ હું સમજી શકું છું.” જોકે, નવી ભાષા શીખવાથી પામેલાને ખૂબ જ ફાયદો થયો. તેની મા ચીનથી આવતા હતા. પરંતુ, પોતે ઇંગ્લૅંન્ડમાં મોટી થઈ હોવાથી, તે ચીની ભાષા સારી રીતે જાણતી ન હતી. તેથી, તે તેની મમ્મી સાથે સારી રીતે વાત કરી શકતી ન હતી, અને તેઓનો સંબંધ બહુ ગાઢ ન હતો. પામેલા કહે છે: “સાચું કહું તો, અમે બંને ખૂબ જ ઓછી વાતો કરતા. પરંતુ, હું હવે ચીની ભાષા સારી રીતે બોલી શકું છું. તેથી, હવે અમારો સંબંધ સુધરતો જાય છે.”

સફળ થવાના ઇલાજ

તમે નવી ભાષા શીખવા માંગતા હો તો, કઈ રીતે સફળ થઈ શકો? નવી ભાષા શીખનારાનું આમ કહેવું છે.

કારણ. ભાષા શીખવા માટે કારણ હોવું જોઈએ. જેઓ પાસે ભાષા શીખવા માટે યોગ્ય કારણ હોય, તેઓ જલદી શીખશે.

નમ્રતા. નવી ભાષા શીખતી વખતે મોટાં મોટાં સ્વપ્ન જોશો નહિ. શરૂઆતમાં ભૂલો તો થવાની જ છે. એલિસન કહે છે કે, “લોકો તમારા પર હસે ત્યારે, તમે પણ તેઓ સાથે હસતા શીખો!” તેની સાથે વાલેરી પણ સહમત થાય છે કે, “આપણે પા પા પગલી ભરતા બાળક જેવા છીએ. કેટલીક વાર આપણે બોલવામાં ભૂલ કરીશું. પરંતુ, આપણે વારંવાર ફરીથી કોશિશ કરવી જોઈએ.”

ધીરજ. ડેવિડ કહે છે કે, “હું નવી ભાષા શીખી રહ્યો હતો ત્યારે, મને પહેલા બે વર્ષ ખૂબ જ અઘરું લાગ્યું. કોઈક વાર હું વિચારતો કે મેં ઘણી કોશિશ કરી છે, મારાથી હવે વધારે નહિ થઈ શકે.” છતાં, તે કહે છે કે, “સમય જતા એ સહેલું થતું જાય છે!” જિલ પણ એમ જ કહે છે: “તમે જે શીખ્યા એ વિષે વિચારો. નહિ તો તમને એમ જ લાગશે કે તમે ખોટો સમય બગાડો છો.”

પ્રૅકિટસ કરો. નવી ભાષા શીખવાનો નિયમિત સમય રાખો, જેથી તમે એનાથી ટેવાઈ શકો. ભલે થોડીક મિનિટ, પણ દરરોજ બોલવાની પ્રૅક્ટિસ કરો. એક પુસ્તક કહે છે કે, “‘કોઈક વખત ઘણું કરો,’ એને બદલે ‘થોડું પણ વારંવાર કરો,’ એ વધારે લાભકારક છે.”

ઉપયોગી સાધનો

શું તમે નવી ભાષા શીખવા માટે તૈયાર છો? એમ હોય તો, નીચે આપેલી રીતો તમને ભાષા શીખવા મદદ કરશે.

શબ્દો લખેલા કાર્ડ. દરેક કાર્ડ પર આગળ એક કે થોડા શબ્દો અને પાછળ એનું ભાષાંતર હોય શકે. તમે રહો છો ત્યાં આવા કાર્ડ ન મળતા હોય તો તમે જાતે આવા કાર્ડ બનાવી શકો.

ભાષામાં મદદ કરતી ઓડિયો અને વિડીયો કૅસેટ. આ કૅસેટોથી તમે ભાષાના ખરા ઉચ્ચાર શીખી શકો. દાખલા તરીકે, કાર ચલાવતી વખતે ડેવિડ, પર્યટક પુસ્તકમાં આપવામાં આવેલા જાપાનિશ ભાષાના નિયમો કૅસેટ પર સાંભળીને શીખી શક્યા.

ટેપ રેકોર્ડરનો ઉપયોગ. ટેપ રેકોર્ડનો ઉપયોગ કરીને તમે તમારા ઉચ્ચાર રેકર્ડ કરી શકો. જેથી જે ભાષા તમે શીખો છો એ ભાષાની કેસેટ સાથે તમારા ઉચ્ચારની સરખામણી કરી શકો.

રેડિયો અને ટીવી. તમે જે ભાષા શીખી રહ્યા છો એ ભાષાનો કાર્યક્રમ રેડિયો અને ટીવી પર તમારા વિસ્તારમાં આવતો હોય તો, કેમ નહિ કે તમે એ કાર્યક્રમ જુઓ અને સાંભળો. જેથી તમને ખબર પડશે કે તમે કેટલું સમજી શકો છો?

મેગેઝીન અને પુસ્તકો. તમે શીખી રહ્યા છો એ ભાષાના મૅગેઝીનો અને પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરો. પરંતુ, ધ્યાનમાં રાખો કે એ ખૂબ જ અઘરા કે એકદમ સહેલા ન હોય. *

ભાષામાં પ્રવીણ બનવું

જો કે, મોડા કે વહેલા તમે જે ભાષા શીખી રહ્યા છો એ ભાષાના લોકો સાથે તમને વાત તો કરવી જ પડશે. એ માટે તમારે પરદેશ જવાની જરૂર નથી. એના બદલે તમારા જ વિસ્તારમાં પરદેશી ભાષામાં યહોવાહના સાક્ષીઓના મંડળો હોય શકે, જ્યાં તમે જઈ શકો.

તમારો ધ્યેય એ હોવો જોઈએ કે પોતાની માતૃભાષાના શબ્દો અને વાક્યોનું ભાષાંતર કરવાને બદલે, એ ભાષામાં વિચારતા શીખો. તમે શીખી રહ્યા છો એ ભાષાના લોકોના રિવાજો અને આદતો વિષે માહિતી પ્રાપ્ત કરવાથી કદાચ તમને મદદ મળી શકે. રોબર્ટ લાડો ભાષાના ગુરુ છે, તે કહે છે: “આપણે ભાષાની ઢબ અને સંસ્કૃતિનું મહત્ત્વ નહિ સમજીએ, ત્યાં સુધી આપણે નવી ભાષામાં પ્રવીણ નહિ બની શકીએ.”

છેલ્લી સૂચના: તમને નવી ભાષા શીખવામાં બહુ સમય લાગતો હોય તો, હિંમત ન હારશો. નવી ભાષા ચપટી વગાડતા જ શીખી શકાતી નથી. જિલ વીસ વર્ષ પહેલાં સાઇન લૅંગ્વેજ શીખી હતી, તે કહે છે: “હું હજુ પણ શીખી રહી છું, કારણ કે ભાષામાં બદલાતી જાય છે.”

શું તમારે નવી ભાષા શીખવી છે? એમ હોય તો તૈયાર થઈ જાવ, કારણ કે એમ કરવું સહેલું નથી. પરંતુ, ‘મહેનતના ફળ મીઠાં છે.’

[ફુટનોટ]

^ સજાગ બનો! મૅગેઝીન હવે ૮૩ ભાષાઓમાં મળી શકે છે અને ચોકીબુરજ પણ હવે ૧૩૨ ભાષામાં છાપવામાં આવે છે. એની ભાષા સહેલી હોવાથી, નવી ભાષા શીખનારાઓને એનાથી ઘણા લાભો થયા છે.

[પાન ૧૨, ૧૩ પર ચિત્રો]

માતૃભાષાની સરખામણી નવી ભાષા સાથે કરીને . . .

. . . તમે નવા નવા શબ્દો શીખી શકો