સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બ્રાટસ્લાવા - એક જૂનું અને નવું શહેર

બ્રાટસ્લાવા - એક જૂનું અને નવું શહેર

બ્રાટસ્લાવા - એક જૂનું અને નવું શહેર

સ્લોવાકિયામાંના અમારા લેખક તરફથી

કલ્પના કરો કે તમે ૧૭૪૧માં જીવી રહ્યા છો. મેળાવડાના કારણે ચારે બાજુ ઉત્સાહ અને પુષ્કળ ભીડ છે. વળી, લોકો કોઈકની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. સર્વના ચહેરા આનંદથી ખીલી ઊઠ્યા છે. હમણાં જ ત્યાંથી એક સવારી પસાર થવાની છે, અને લોકો એની નજદીક જવા માટે ધક્કામુક્કી કરી રહ્યા છે. આ મેળાવડામાં સર્વ પ્રકારના લોકો આવ્યા છે. ખેડૂતો પોતાના સૌથી સારા કપડાં પહેરીને આવ્યા છે. તેમ જ અમીર લોકો પણ સૌથી નવી ફૅશનનાં કપડાં પહેરીને આવ્યા છે. ત્યાં અમુક મોટા મોટા માણસો પણ સરઘસ જોવા અને પોતાના પૈસાનો દેખાડો કરવા આવ્યા છે. દેશના નેતાઓ સોના અને ચાંદીના સિક્કા વહેંચી રહ્યા છે. તેથી, લોકો ઘણા ઉત્સાહમાં આવી જાય છે અને જોરશોરથી બૂમો પાડવા લાગે છે. એ સિક્કા પર એક યુવાન સ્ત્રીની પ્રતિમા છે. પરંતુ, શા માટે લોકો આટલી બૂમાબૂમ કરી રહ્યા છે? એનું કારણ એ છે કે, ઑસ્ટ્રિયાના રાજકુમારની પત્ની મારિયા ટેરેસાને હંગેરીની રાણી બનાવવામાં આવશે.

હવે તમે કલ્પનાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવો. એ જે બનાવ બન્યો તે જોવા તમને જવું હોય તો તમે ક્યાં જશો? તમારે વીએના જવાની જરૂર નથી, જ્યાં ઘણા લોકો મારિયા ટેરેસાના રાજવી મહેલને જોવા જાય છે. તેમ જ તમારે આજના હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં પણ જવાની જરૂર નથી. એના બદલે તમારે પૂર્વીય વીએનાથી ૫૬ કિલોમીટર દૂર બ્રાટસ્લાવા શહેરમાં જવાની જરૂર છે, જે ડાનયૂબ નદીના કિનારે છે.

આજે બ્રાટસ્લાવા શહેરમાં લગભગ પાંચ લાખ લોકો રહે છે. એની આસપાસના શહેરો બુડાપેસ્ટ, વીએના અને પ્રાગ છે. એ શહેરોની સરખામણીમાં બ્રાટસ્લાવા તો કંઈ જ નથી. છતાં, લગભગ બસ્સો વર્ષ સુધી એ હંગેરીની રાજધાની રહ્યું હોવાને કારણે ખૂબ જ લોકપ્રિય છે. હંગેરીના ૧૧ શાસકોને એ જ શહેરમાં રાજાઓ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, એ કઈ રીતે લોકપ્રિય થયું?

પ્રાચીન શહેર

ડાનયૂબ યુરોપની સૌથી લાંબી નદીઓમાં બીજા નંબરે છે, અને એના કિનારે હોવાનું બ્રાટસ્લાવા શહેરને ગૌરવ છે. ઘણાં વર્ષો અગાઉ અહીં ડાનયૂબ નદીનું પાણી એકદમ છીછરું થઈ જતું હોવાથી, નદી સહેલાઈથી પાર કરી શકાતી હતી. જાણે પુલ પર ચાલતા હોય તેમ લોકો પશુઓ અને બળદગાડાં લઈને નદી પાર કરી શકતા. તેથી, એ જમાનામાં બ્રાટસ્લાવા એક ખૂબ જ ધમધમતું શહેર હતું. આજથી લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં, એ શહેરમાંથી રસ્તો જતો હતો. આ વેપાર માર્ગને લીધે ઉત્તર અને દક્ષિણ યુરોપ જોડાતું હતું. પછીથી આવ-જાવમાં અંકુશ લાવવા માટે પહાડ પર કિલ્લો બાંધવામાં આવ્યો, જ્યાં આજે બ્રાટસ્લાવાનો કિલ્લો છે.

તમે એ જમાનામાં પાછા જાવ તો ત્યાં તમને કોણ મળશે? લગભગ ચોથી સદી બી.સી.ઈ.માં જાવ તો, તમે કેલ્ટ સમાજના લોકોને મળશો. તેઓએ એ શહેર પોતાનું ઘર બનાવ્યું છે. કેલ્ટ સમાજના લોકો માટે એ પહાડ કિલ્લાવાળા ગ્રીક શહેર જેવો સાબિત થયો, જ્યાં તેઓ માટીનાં વાસણ બનાવતા અને સિક્કાઓ ઢાળતા.

પરંતુ, આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં તમે કોને મળશો? રોમન સામ્રાજ્યે પોતાના ઉત્તરના વિસ્તારની સીમા ડાનયૂબ નદી સુધી વિસ્તારી હોવાથી, તમે ત્યાં લોકો સાથે લૅટિનમાં વાત કરી શકશો. એ જ સમયે તમારી મુલાકાત અમુક જર્મન લોકો સાથે પણ થઈ શકે જેઓ પશ્ચિમથી આવ્યા હતા.

પરંતુ, લગભગ આઠમી સદીમાં ત્યાં જાવ તો, તમે સર્વ જાતિના લોકોને મળશો. એ જ સમયે યુરોપના પૂર્વીય દેશોમાંથી સ્લાવિક લોકો પણ અહીં આવી પહોંચ્યા હતા. હંગેરીના લોકોએ દક્ષિણમાં પોતાનું ઘર બનાવ્યું હતું. પરંતુ, ધીમે ધીમે તેઓએ બ્રાટસ્લાવામાં પણ રહેવાનું શરૂ કર્યું. જો કે ત્યાં સ્લાવિક લોકોની ઘણી અસર રહી. પુરાવા તરીકે તમે આ વિસ્તારમાં જાવ તો સૌ પ્રથમ બ્રેઝાલૌસ્પૂટ્‌ર્ઝ નામનો કિલ્લો તમે જોશો, જે દસમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ નામ સ્લાવિક ભાષામાંથી લેવામાં આવ્યું છે. એનો અર્થ થાય છે “બ્રાસ્લેવનો કિલ્લો,” જે કદાચ એક સેનાપતિના નામ પરથી રાખવામાં આવ્યું હોય શકે. એના પરથી સ્લોવાક ભાષાનું બ્રાટસ્લાવા નામ આવે છે.

મધ્ય યુગનું શહેર

આજનો સ્લોવાકિયા દેશ એ સમયે હંગેરીનો ભાગ હતો. એનો ઇતિહાસ આપણને ૧૨૧૧ની સાલમાં લઈ જાય છે. ઇતિહાસમાં બ્રાટસ્લાવાનો કિલ્લો હંગેરીનો સૌથી મજબૂત મહેલ અને કિલ્લો કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે, ત્રીસ વર્ષ પછી ટાટર જાતિના લોકોએ આ કિલ્લા પર હુમલો કર્યો હતો, પણ તેઓ એને જીતી શક્યા નહિ. તેથી, પુષ્કળ લોકો કિલ્લાની આસપાસ આવીને રહેવા લાગ્યા, અને ૧૨૯૧માં હંગેરીના રાજા ઓડા ત્રીજાએ એને શહેર તરીકે જાહેર કર્યું. ત્યારથી માંડીને અહીંના રહેવાસીઓને પોતાનો સરપંચ પસંદ કરવાનો હક્ક મળ્યો. તેમ જ ડાનયૂબ નદી સુધી વેપારધંધો કરવાનો હક્ક મળ્યો. જેથી તેઓ હવે સહેલાઈથી “જળ અને જમીન” માર્ગથી આવ-જાવ કરી શકે. ઉનાળામાં અહીં પહાડના ઢોળાવ પર પુષ્કળ દ્રાક્ષ ઊગે છે. એમાંથી લોકો ઘરે દ્રાક્ષદારૂ બનાવીને વેચી શકતા હતા. તેથી, તેઓ ખૂબ ખુશ હતા.

પછી તો હંગેરીના રાજાઓએ આ શહેરમાં ઘણી સગવડો પૂરી પાડી. જેથી એ શહેરની પ્રગતિ થઈ. વર્ષ ૧૫૨૬થી ૧૭૮૪ સુધી બ્રાટસ્લાવા હંગેરીની રાજધાની રહ્યું. એ દરમિયાન બ્રાટસ્લાવામાં જુદી જુદી જાતિના રહેવાસીઓ હતા. જર્મન અને યહુદી લોકોના આવવાથી સ્લાવિક અને હંગેરીના લોકોને ખૂબ જ ફાયદો થયો. સત્તરમી સદીમાં તુર્કીઓ પશ્ચિમ અને ઉત્તરના દેશોનો કબજો કર્યો હોવાથી ઘણા ક્રોએશિયાના લોકો પણ આશ્રય માટે બ્રાટસ્લાવા ભાગી આવ્યા હતા. તે ઉપરાંત ચેકોસ્લોવાકિયાના લોકોએ પણ અહીં આવીને આશ્રય લીધો, કારણ કે ત્યાં પશ્ચિમમાં કૅથલિક અને પ્રોટેસ્ટંટની વચ્ચે ત્રીસ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું હતું.

વીસમી સદીનું બ્રાટસ્લાવા

વીસમી સદીની શરૂઆતમાં બ્રાટસ્લાવા એક એવું શહેર બની ગયું હતું, જેમાં ઘણી દેશજાતિઓ રહેતી હતી. એ દિવસોમાં દુકાનદાર સાથે ફક્ત જર્મન કે હંગેરીયન ભાષામાં વાત કરો તો જ તમે ખરીદી કરી શકો. પરંતુ, એ શહેરમાં ચેકોસ્લોવાકિયા અને વણઝારા લોકો, તથા યહુદીઓએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં અહીં ફક્ત ૧૫ ટકા નાગરિકો સ્લોવાક હતા. પરંતુ, ૧૯૨૧ સુધીમાં શહેરની ઘણી જાતિઓમાં સ્લોવાકની સંખ્યા સૌથી વધારે હતી.

ઝડપથી યુરોપમાં બીજા વિશ્વયુદ્ધની થવા લાગી હતી. એ સમયથી બ્રાટસ્લાવા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા, અને ઇતિહાસમાં એની દુઃખી કહાણી શરૂ થઈ. એનું કારણ એ કે, હવે શહેરમાં એકતા રહી ન હતી. પ્રથમ, ચેકોસ્લોવાકિયાના લોકોને એ દેશ છોડવો પડ્યો. પછી વણઝારાઓ અને યહુદીઓનો દેશનિકાલ થયો. જેમાંના હજારો લોકો જુલમી છાવણીઓમાં માર્યા ગયા. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ઘણા જર્મન ભાષા બોલનારાઓનો પણ દેશનિકાલ થયો. જો કે ફરીથી અલગ અલગ દેશોમાંથી આવેલા લોકો અહીં વસવા લાગ્યા અને આજે પણ તેઓની અસર બ્રાટસ્લાવામાં જોવા મળે છે.

આજના બ્રાટસ્લાવાની મુલાકાત

ચાલો આપણે થોડી વાર માટે બ્રાટસ્લાવામાં ફરીએ. પ્રથમ આપણે બ્રાટસ્લાવાના કિલ્લામાં ફરીએ જે ફરીથી સરસ રીતે બંધાયો છે. કિલ્લાના બાગમાંથી આપણે ડાનયૂબ નદીના બંને કિનારા પર વસેલા શહેરને જોઈ શકીએ છીએ.

આ કિલ્લો એક ટેકરી પર બાંધવામાં આવ્યો છે. એ કિલ્લા પાસેથી નીચે ઉતરીએ તો આપણે જૂના શહેરમાં આવીએ છીએ, જે બ્રાટસ્લાવાનું ઐતિહાસિક શહેર છે. પછી આપણે સુંદર નાની ગલીઓમાંથી જઈએ છીએ તેમ એવું લાગે છે કે, આપણે કોઈ જૂના જમાનામાં આવી ગયા હોઈએ. આપણને અહીં ભવ્ય મહેલો અને મધ્યમ વર્ગના લોકોનાં ઘરો પણ જોવા મળે છે. તમે ચાહો તો આપણે એક ઐતિહાસિક હૉટલમાં જઈને કૉફી અથવા ચા પાણી કરી શકીએ, અને તેની સાથે અખરોટ અથવા ખસખસથી બનેલી બ્રાટસ્લાવાની પ્રખ્યાત પેસ્ટ્રી પણ ખાઈ લઈએ.

અહીં આખું વર્ષ ટૂરિસ્ટ આવતા હોય છે. તેઓને જૂના શહેર પાસેથી ડાનયૂબ નદીના કિનારે ફરવાનું ખૂબ જ ગમે છે. અહીંથી તેઓ જૂનું અને આજનું બ્રાટસ્લાવા જોઈ શકે છે. અહીં નવો પુલ જોવા મળે છે, અને એના વાંકા ટાવર પર એક રેસ્ટોરંટ પણ છે. એને જોઈને એમ લાગે છે કે, રેસ્ટોરંટ જાણે ડાનયૂબ નદીના સામે કિનારે પેત્રજોલકાની હાઉસીંગ સોસાયટીની ઉપર લટકી રહ્યું છે.

એ સાચું છે કે બ્રાટસ્લાવા શહેરમાં અનેક નવા મકાનો બાંધવામાં આવી રહ્યાં છે. જૂના શહેરમાં તાજેતરમાં ઘણા બધા મકાન ફરીથી બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત ૧૯૯૦ પછી કાચ અને સ્ટીલથી ઘણા બધા મકાન ઝડપથી બનાવવામાં આવ્યા છે, અને ઘણા બનવાની તૈયારીમાં છે. ઑફિસો, વ્યાપારી કેન્દ્રો અને બૅન્કોને કારણે શહેર એકદમ નવું નવું બની ગયું છે.

જો કે, યાદગીરી માટે તમે ચોક્કસ અહીંથી કંઈક લઈ જવા ચાહશો. આપણે હાથથી બનેલી વસ્તુઓની દુકાનમાં જઈ શકીએ. અહીં ટેબલ પર પાથરવા સુંદર ગૂંથેલા કાપડ અને ત્યાંના પહેરવેશમાં ઢીંગલીઓ પણ મળે છે. અહીંના રહેવાસીઓ સદીઓથી મોટી બજારમાં ખરીદી કરવા આવે છે. તમે ઇચ્છો તો આપણે પણ ત્યાંથી ખરીદી કરી શકીએ. વળી, તમને આ શહેરમાં વૉચ ટાવર સોસાયટીની શાખા જોવાનું પણ ગમશે.

તમે એક દિવસ બ્રાટસ્લાવા ફરવા જાવ ત્યારે, નવું શહેર જોઈને તમને ખૂબ જ મઝા આવશે, જે એક જમાનામાં ફક્ત નદી પાર કરવાનું જૂનું શહેર હતું.

[પાન ૧૫ પર ચિત્ર]

મારિયા ટેરેસા

[ક્રેડીટ લાઈન]

North Wind Picture Archives

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

સ્લોવાકનું નેશનલ થીયેટર

[પાન ૧૭ પર ચિત્ર]

જૂના શહેરની એક શેરી

[પાન ૧૮ પર ચિત્ર]

નવો પુલ અને નમેલો ટાવર

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓની શાખા અને રાજ્યગૃહ