સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુદ્ધના બલિ બનેલાના બદલાતા ચહેરા

યુદ્ધના બલિ બનેલાના બદલાતા ચહેરા

યુદ્ધના બલિ બનેલાના બદલાતા ચહેરા

સંયુક્ત રાષ્ટ્રસંઘના એક રેડિયો પ્રોગ્રામમાં કહેવામાં આવ્યું કે, “પહેલાંનાં અને આજનાં યુદ્ધોમાં ફરક છે . . . પહેલાં સૈનિકો મરતા હતા, આજે સામાન્ય લોકો યુદ્ધનો ભોગ” બની રહયા છે. દાખલા તરીકે, પ્રથમ વિશ્વયુદ્ધમાં ફક્ત ૫ ટકા લોકો ભોગ બન્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં એની સંખ્યા વધીને ૪૮ ટકા થઈ. આજે કઈ હાલત છે? યુએન રેડિયો જણાવે છે, “૯૦ ટકા લોકો યુદ્ધના બલિ બને છે. જેમાં મોટે ભાગે બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે.”

મિસ્ટર ઓલારા ઓટુનુ સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલના ખાસ પ્રતિનિધિ છે. તે યુદ્ધનો ભોગ બનેલાં બાળકોનો વિભાગ સંભાળે છે. તેમના જણાવ્યા મુજબ “૧૯૮૭થી માંડીને અત્યાર સુધી યુદ્ધોમાં લગભગ ૨૦ લાખ માસૂમ બાળકો માર્યા ગયા છે.” એટલે કે, આ રીતે બાર કરતાં વધુ વર્ષોથી, દરરોજ ૪૫૦થી પણ વધારે બાળકો યુદ્ધના કારણે માર્યા જાય છે! એ ઉપરાંત, એ જ સમયમાં ૬૦ લાખ કરતાં વધારે બાળકો ખરાબ રીતે ઘાયલ થયા છે, અથવા અપંગ બની ગયા છે.

મિસ્ટર ઓટુનુ કહે છે કે, સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધો બંધ કરી શકે તો, યુદ્ધનો ભોગ બનનાર બાળકોની સંખ્યા ઘટશે. સંયુક્ત રાષ્ટ્રનો એ રેડિયો પ્રોગ્રામ જણાવે છે કે, “શાળા, હૉસ્પિટલ અને રમવાના મેદાનોમાં બાળકો હોવાથી ત્યાં લડાઈ ન થવી જોઈએ.” વળી તે કહે છે કે, સંયુક્ત રાષ્ટ્ર “યુદ્ધો રોકી” શકે તો, એ સૌથી સારો ઇલાજ કહેવાય. જેથી, લોકો યુદ્ધનો ભોગ નહિ બને. ખરેખર, યુદ્ધમાં કોઈને ઈજા ન થાય એવું કરવું હોય તો યુદ્ધો જ ન થવા જોઈએ. પરંતુ, શું એવું કદી પણ થશે?

મોટા ભાગના લોકો માને છે કે એવું બની જ ન શકે. એનું કારણ એ છે કે, ઇતિહાસ યુદ્ધોથી ભરેલો છે. પરંતુ, બાઇબલ જણાવે છે કે, પરમેશ્વર યહોવાહ યુદ્ધો ચોક્કસ બંધ કરશે. એ વિષે બાઇબલ આમ કહે છે: “તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.” (ગીતશાસ્ત્ર ૪૬:૯) એવું ક્યારે થશે? તેમ જ આપણને કઈ રીતે ભરોસો આવી શકે કે, પરમેશ્વરનું વચન ચોક્કસ પૂરું થશે? તમારે આ પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો, આ મેગેઝીનના પ્રકાશકોને લખો. એ માટે પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો અથવા યહોવાહના સાક્ષીઓના સૌથી નજીકના રાજ્યગૃહનો સંપર્ક સાધો. યહોવાહના સાક્ષીઓ તમને વિનામૂલ્યે આ પ્રશ્નોના જવાબો આપવા મદદ કરશે.

[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

UN PHOTO 156450/J. Isaac