સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લોકપ્રિય રિવાજો વિષે યોગ્ય વલણ

લોકપ્રિય રિવાજો વિષે યોગ્ય વલણ

બાઇબલ શું કહે છે

લોકપ્રિય રિવાજો વિષે યોગ્ય વલણ

“કેટલાક રિવાજો અમુક સમયે અમુક સ્થળે અયોગ્ય ગણવામાં આવે છે. વળી, એ જ રિવાજો બીજા સમયે અને બીજા સ્થળોએ યોગ્ય માણવામાં આવે છે.”

આ બાબત એક આઈરીશ ઇતિહાસકાર વિલ્યમ લેક્કીએ કહી હતી. એનાથી તે એ નિષ્કર્ષ પર આવે છે કે લોકોનું મંતવ્ય દરરોજ બદલાતું રહે છે. તેમનો વિચાર વર્ષોથી ચાલ્યા આવતા રિવાજો સંબંધી પણ સાચો છે. એવા ઘણા રિવાજો છે જેને એક સમયે મહત્ત્વના ગણવામાં આવતા હતા, પણ આજે એનો દોષ કાઢવામાં આવે છે. તેથી, એમાં કંઈ આશ્ચર્ય નથી કે ઈશ્વરભક્ત પાઊલે કહ્યું હતું કે, “આ જગતનો ડોળદમાક જતો રહે છે.”—૧ કોરીંથી ૭:૩૧.

માનવ સમાજમાં હંમેશા કોઈને કોઈ ફેરફારો થતા જ રહે છે. આ ફેરફારો લોકોના વિચારો અને કાર્ય કરવાની રીત તથા આદતમાં જોવા મળે છે. પરંતુ સાચા ખ્રિસ્તીઓ “જગતના નથી,” એટલે તેઓ પરમેશ્વરથી દૂર ગયેલી દુનિયા અને મનુષ્યોથી અલગ છે. જો કે બાઇબલ સ્વીકારે છે કે ખ્રિસ્તીઓ “જગતમાં” રહે છે, અને તેઓને દુનિયાથી દૂર એકાંતવાસમાં જવાનું કહેતું નથી. પરંતુ, લોકપ્રિય રિવાજો પ્રત્યે યોગ્ય વલણ રાખવાનું જરૂર કહે છે.—યોહાન ૧૭:૧૧, ૧૪-૧૬; ૨ કોરીંથી ૬:૧૪-૧૭; એફેસી ૪:૧૭-૧૯; ૨ પીતર ૨:૨૦.

રિવાજો એટલે શું?

રિવાજો કોઈ એક જગ્યાએ અથવા એક વર્ગના લોકોના જીવનની રહેણી-કરણી છે. જેમ કે જમતી વખતે લોકોની રીતભાત. જેમાં ઘણા લોકો સાથે હોય ત્યારે, એકબીજા સાથે કઈ રીતે વર્તવું, એની અમુક ખાસ રીત. પછી એ સમાજમાં રિવાજ બની જાય છે. એવા રિવાજો લોકો એકબીજા સાથે શાંતિથી અને આદરથી વર્તે, એ માટે હતા. જેમ પૈંડામાં થોડુંક તેલ નાખવાથી સારી રીતે ફરે છે તેમ, બીજાઓ સાથે સારો સંબંધ રાખવા માટે આવી રીતભાત જરૂરી બની ગઈ.

મોટા ભાગના રિવાજો ધર્મ પર આધારિત હોય છે. જો કે, ઘણા રિવાજો બાઇબલ પર નહિ, પણ અંધવિશ્વાસ પર આધારિત હોય છે. દાખલા તરીકે, ગુજરી ગયેલી વ્યક્તિ માટે શોક કરનારને ફૂલ આપવાના રિવાજની શરૂઆત કદાચ અંધશ્રદ્ધામાંથી થઈ હોય શકે. * એવી જ રીતે નાના છોકરાઓને ઘણી વાર ભૂરા રંગના કપડાં પહેરાવતા, જેથી ભૂતો દૂર રહે. તેમ જ કોઈની નજર ન લાગે માટે આંખમાં મેશ લગાવતા અને કપાળે કાળું ટપકું કરવામાં આવતું. વળી, ભૂતો સ્ત્રીના મોઢાથી પ્રવેશીને તેને ન વળગે માટે, હોઠ પર લાલી લગાવવામાં આવતી. એવી જ રીતે બગાસું ખાતી વખતે મોઢા આગળ હાથ મૂકવો, જેથી જીવ નીકળી ન જાય એવા રિવાજો પણ એ રીતે જ આવ્યા હશે. પરંતુ, વર્ષો જતા, એનું ધાર્મિક મહત્ત્વ ભૂલાય ગયું, અને હવે એ રિવાજો બની ગયા.

ખ્રિસ્તીઓ શું માને છે?

એક ખ્રિસ્તી કઈ રીતે નિર્ણય લઈ શકે કે કોઈ રિવાજ પાળવો કે ન પાળવો? એ નિર્ણય લેતી વખતે તેણે યાદ રાખવું જોઈએ કે, પરમેશ્વર યહોવાહ એ વિષે બાઇબલમાં શું જણાવે છે? અગાઉના સમયમાં કેટલાક રિવાજો ઘણા લોકપ્રિય હતા. પરંતુ, પરમેશ્વર એ ધિક્કારતા હતા, જેમ કે બાળકોનું બલિદાન, લોહીનો ઉપયોગ, અને જાતીય અનૈતિકતામાં ભાગ લેવાની મનાઈ હતી. (લેવીય ૧૭:૧૩, ૧૪; ૧૮:૧-૩૦; પુનર્નિયમ ૧૮:૧૦) તેમ જ ઘણા એવા રિવાજો છે જે આજે પણ સામાન્ય ગણવામાં આવે છે. એમાંના કેટલાક રિવાજો બાઇબલ આધારિત નથી, જેમ કે નાતાલ અને ઇસ્ટર. વળી, એવી ઘણી માન્યતાઓ છે, જે વહેમ અથવા જંતરમંતર સાથે જોડાયેલી છે.

વળી, એવા રિવાજો વિષે શું જે એક વખત અયોગ્ય ગણાતા હતા, પણ આજે સામાન્ય રીતભાત છે. દાખલા તરીકે, લગ્‍ન વિષે કેટલાક લોકપ્રિય રિવાજો વિષે શું, જેમાં લગ્‍ન વખતે એકબીજાને વીંટી પહેરાવી, અને કેક ખવડાવાય છે. જેની શરૂઆત જૂઠા ધર્મોમાંથી થઈ હોય શકે. એવા રિવાજો વિષે ખ્રિસ્તીઓએ શું કરવું જોઈએ? શું ખ્રિસ્તીઓએ સમાજના બધા જ રિવાજોની ઝીણવટભરી તપાસ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ કે એ પહેલાં યોગ્ય કે અયોગ્ય રિવાજ હતો?

પ્રેષિત પાઊલ કહે છે કે “જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.” (૨ કોરીંથી ૩:૧૭; યાકૂબ ૧:૨૫) પરમેશ્વર યહોવાહ ઇચ્છે છે કે આપણે સ્વાર્થના લીધે પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો જોઈએ. પરંતુ પોતાની પારખ શક્તિને કેળવવી જોઈએ, જેથી આપણે ખરું-ખોટું પારખી શકીએ. (ગલાતી ૫:૧૩; હેબ્રી ૫:૧૪; ૧ પીતર ૨:૧૬) તેથી, જ્યારે કોઈ રિવાજ બાઇબલ સિદ્ધાંતની વિરુદ્ધ ન હોય તો, યહોવાહના સાક્ષીઓ એના વિષે નિયમો બનાવી બેસતા નથી. એના બદલે દરેક ખ્રિસ્તીએ સમજી વિચારીને ચાલવું જોઈએ.

બીજાઓની ભલાઈ શોધો

શું એનો એવો અર્થ થાય કે, કોઈ રિવાજ બાઇબલ વિરુદ્ધ ન હોય, એટલે આપણે પાળવો જોઈએ? ના. (ગલાતી ૫:૧૩) પ્રેષિત પાઊલે કહે છે, એક ખ્રિસ્તીએ પોતાનું જ નહિ, પણ “ઘણાનું” હિત જોવું જોઈએ. વળી, તેમણે સર્વ કામો “દેવના મહિમાને અર્થે” કરવા જોઈએ, જેથી કોઈને ઠોકરરૂપ ન થાય. (૧ કોરીંથી ૧૦:૩૧-૩૩) તેથી, જેઓ પરમેશ્વરના આશીર્વાદ મેળવવા ચાહે છે તેઓએ પોતાને આ પ્રશ્નો પૂછવા જોઈએ: ‘આ રિવાજ વિષે લોકો શું વિચારે છે? શું બીજાઓ આ રિવાજ સાથે કોઈ ખોટો અર્થ જોડે છે? શું એ રિવાજ પાળવાનો એવો અર્થ થશે કે જે પરમેશ્વરને ગમતું નથી એ હું કરું છું?’—૧ કોરીંથી ૯:૧૯, ૨૩; ૧૦:૨૩, ૨૪.

સામાન્ય રીતે, અમુક રિવાજો ખરાબ નથી હોતા, પણ લોકો જે રીતે માને છે એ રીત કદાચ બાઇબલ વિરુદ્ધ હોય શકે. દાખલા તરીકે, કોઈ ખાસ પ્રસંગે ફૂલ આપવા કદાચ એવા રિવાજો સાથે જોડવામાં આવી શકે જે બાઇબલ શિક્ષણની વિરુદ્ધમાં હોય. એવા સમયે ખ્રિસ્તીઓએ કઈ બાબત પર વધારે ધ્યાન આપવું જોઈએ? કોઈ ખાસ રિવાજોની શરૂઆત કઈ રીતે થઈ એની તપાસ કરવી સારું રહેશે. છતાં અમુક બાબતોમાં એ વાત પર ધ્યાન આપવું વધારે જરૂરી છે કે આપણે રહીએ છીએ ત્યાંના લોકો હમણાં એ રિવાજને કેટલું મહત્ત્વ આપે છે? અમુક રિવાજ વર્ષોથી પાળવામાં આવતા હોય શકે. એ કદાચ બાઇબલ શિક્ષણ પ્રમાણે ન હોય, અથવા યોગ્ય ન હોય તો એક ખ્રિસ્તી માટે એ ડહાપણભર્યું થશે કે તે એવા રિવાજમાં જરા પણ ભાગ ન લે.

પાઊલે પ્રાર્થના કરી કે ખ્રિસ્તીઓ પોતાના પ્રેમ, જ્ઞાન અને પૂરી સમજણમાં આગળ વધે અને લોકપ્રિય રિવાજો વિષે યોગ્ય વલણ રાખે. એમ કરવાથી દરેક ખ્રિસ્તી જે ‘શ્રેષ્ઠ છે તે પારખી લે, અને એમ તેઓ ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ રહે.’ (ફિલિપી ૧:૯, ૧૦) એ જ સમયે, તેઓ પોતાનો સ્વભાવ નિઃસ્વાર્થી અને સહનશીલ છે એ સર્વ લોકોને જાણવા દેશે.—ફિલિપી ૪:૫.

[ફુટનોટ]

^ અમુક માનવ-વૈજ્ઞાનિકો અનુસાર, જીવતા લોકોને હેરાન કરવામાં ન આવે માટે મૂએલાંને ફૂલ ચઢાવવામાં આવતા હતા.

[પાન ૨૬ પર ચિત્રો]

કેટલાક પ્રાચીન રિવાજોનું આજે કંઈ ધાર્મિક મહત્ત્વ રહ્યું નથી, જેમ કે બગાસું ખાતી વખતે મોઢા પર હાથ રાખવો અને શોક કરનારાઓને ફૂલ આપવા