એક ખરેખરી આશા
એક ખરેખરી આશા
કં ઈક ૨,૦૦૦ વર્ષ પહેલાં, દુનિયાની સૌથી મહાન વ્યક્તિ ઈસુને, નિર્દોષ હોવા છતાં તેને મોતની સજા થઈ. તેમને સ્તંભ પર લટકાવવામાં આવ્યા. એ સમયે, તેમની બાજુમાં લટકાવેલા એક ગુનેગારે મશ્કરી કરી: “શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.”
બીજા ગુનેગારે તેના પર ગુસ્સે થતા કહ્યું: “શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ; કેમકે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ; પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી.” પછી તેણે ઈસુને વિનંતી કરી: “તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.”
ઈસુએ કહ્યું: “હું તને ખચીત કહું છું, કે આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.”—લુક ૨૩:૩૯-૪૩.
ઈસુ સામે એક ભવ્ય આશા રાખવામાં આવી હતી. એ આશાની ઈસુ પર કેવી અસર પડી એના વિષે પ્રેષિત પાઊલ લખ્યું: “પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું.”—હેબ્રી ૧૨:૨.
ઈસુની આગળ જે ‘આનંદ’ રાખવામાં આવ્યો હતો, એમાં સ્વર્ગમાં પોતાના પિતા સાથે ફરીથી રહેવાનો અને પરમેશ્વરના રાજ્યના રાજા બનવાનો સમાવેશ થતો હતો. એ ઉપરાંત વફાદાર સાબિત થયેલા શિષ્યોનું સ્વર્ગમાં સ્વાગત કરવાનો આનંદ પણ છે, જેઓ ઈસુની સાથે પૃથ્વી પર રાજ્ય કરશે. (યોહાન ૧૪:૨, ૩; ફિલિપી ૨:૭-૧૧; પ્રકટીકરણ ૨૦:૫, ૬) તો પછી, ગુનેગારને એમ કહેવાનો શું અર્થ હતો કે, તું મારી સાથે પારાદૈસમાં હોઈશ?
ગુનેગાર માટેની આશા
આ માણસ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા માટે લાયક ન હતા. ઈસુએ જેઓને આમ કહ્યું, એમાંના પણ તે ન હતા: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.” (લુક ૨૨:૨૮, ૨૯) છતાં, ઈસુએ તેને વચન આપ્યું કે તે તેમની સાથે પારાદૈસમાં હશે. એ વચન કઈ રીતે પૂરું થશે?
પ્રથમ પુરુષ આદમ અને સ્ત્રી હવાને પરમેશ્વર યહોવાહે સુંદર એદન વાડીમાં રાખ્યા હતા. (ઉત્પત્તિ ૨:૮, ૧૫) એદન બગીચો અહીં પૃથ્વી પર હતો. વળી, પરમેશ્વર યહોવાહનો એવો હેતુ હતો કે આખી પૃથ્વી એદન બગીચા જેવી બની જાય. છતાં, આદમ અને હવાએ યહોવાહ પરમેશ્વરની આજ્ઞા પાળી નહિ. તેથી, તેઓને સુંદર બગીચામય ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. (ઉત્પત્તિ ૩:૨૩, ૨૪) પરંતુ, ઈસુએ જણાવ્યું કે, યહોવાહ દેવનો મૂળ હેતુ પૂરો થશે, જેમાં આખી પૃથ્વીને પણ એદન બગીચા જેવી બનાવવામાં આવશે.
પ્રેષિત પીતરે ઈસુને પૂછ્યું કે, ઈસુના માર્ગમાં ચાલવાથી તેઓને કયો બદલો મળશે ત્યારે, ઈસુએ જવાબ આપ્યો: “પુનરૂત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, . . . બાર રાજ્યાસનો પર બેસશો.” (ત્રાંસા અક્ષરો અમારા છે.) (માત્થી ૧૯:૨૭, ૨૮) આ બાબત વિષે લુકનો અહેવાલ નોંધપાત્ર છે, જેમાં ઈસુને “પુનરૂત્પત્તિ” નહિ, પણ “આવનાર યુગ” કહેતા જણાવવામાં આવ્યા છે.—લુક ૧૮:૨૮-૩૦.
આમ, ઈસુ પોતાના સહશાસકો સાથે રાજ્યસન પર બેસશે ત્યારે, તે એક ન્યાયી નવી દુનિયા સ્થાપશે. (૨ તીમોથી ૨:૧૧, ૧૨; પ્રકટીકરણ ૫:૧૦; ૧૪:૧, ૩) હા, આખી દુનિયાને સરસ બગીચામય બનાવવાનો પરમેશ્વર યહોવાહનો હેતુ, ઈસુના સ્વર્ગીય રાજ્ય દ્વારા પૂરો થશે!
આ રાજ્યમાં, ઈસુ તેમની બાજુમાં મરણ પામેલા ગુનેગારને આપેલું વચન પૂરું કરશે. તે નવી દુનિયામાં તેને સજીવન કરશે ત્યારે, ફરીથી પરમેશ્વરની ઇચ્છા
પ્રમાણે જીવવાની તેને તક મળશે. જેથી એ રાજ્ય હેઠળ તે હંમેશ માટે જીવી શકે. એ નવી દુનિયામાં આપણને પણ હંમેશ માટે જીવવાની તક હોવાથી આપણે પણ ખુશ થઈ શકીએ!જીવનનો હેતુ છે
આ સુંદર આશાની આપણા જીવન પર ઊંડી અસર પડી શકે છે. એને કારણે આપણને નિરુત્સાહીત કરતા વિચારો નહિ આવે. પ્રેષિત પાઊલે જણાવ્યું કે આપણે ટકી રહેવું હોય તો, એ મહત્ત્વનું હથિયાર “તારણની આશાનો ટોપ” પહેરવાનો છે.—૧ થેસ્સાલોનીકી ૫:૮; ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
એ આશા આપણને આજની દુનિયામાં ટકી રહેવા હિંમત આપે છે. નવી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એકલી પડી ગઈ હોય, એવું નહિ અનુભવે. એનું કારણ કે, પરમેશ્વર યહોવાહ “મૂએલાંને ઉઠાડનાર” હોવાથી, તે આપણા ગુજરી ગયેલા સ્નેહીજનોને ફરીથી સજીવન કરશે. (૨ કોરીંથી ૧:૯) એ સમયે, આપણી આંખોમાં દુઃખના આંસુને બદલે હરખના આંસુ હશે. તે સમયે શારીરિક કમજોરી અને અપંગ થવાનો ભય રહેશે નહિ, કારણ કે “લંગડો હરણની પેઠે કૂદશે.” બાઇબલ જણાવે છે કે એ સમયે “બાળકના કરતાં પણ તેનું માંસ નીરોગી થશે” અને વ્યક્તિ “જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત” કરશે.”—યશાયાહ ૩૫:૬; અયૂબ ૩૩:૨૫.
આજે બીમારીના કારણે આપણે જે દુઃખ અનુભવીએ છીએ એ ત્યારે કાયમ માટે ભૂલી જઈશું, કારણ કે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) એ સમયે કોઈ પણ પ્રકારની માનસિક બીમારી હશે નહિ અને બધે જ “સદૈવ આનંદ” છવાઈ જશે. (યશાયાહ ૩૫:૧૦) બધી જ બીમારીઓ કાઢી નાખવામાં આવશે, અને મનુષ્યનો સૌથી જૂનો શત્રુ એટલે મરણનો અંત આવશે.—૧ કોરીંથી ૧૫:૨૬.
[પાન ૯ પર ચિત્રો]
નવી દુનિયા વિષે પરમેશ્વરના વચનને કદી ભૂલશો નહિ